'પાટીદારોને અનામત આપવી અઘરી છે પણ અશક્ય નથી'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક ચુડાસમા
- પદ, બીબીસી ગુજરાતી
હાર્દિક પટેલે કોંગ્રેસે આપેલી અનામતની ફૉર્મ્યુલા સ્વીકારી લીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે વાટાઘાટો બાદ સંમતિ સધાઈ હતી.
હાર્દિક પટેલે કહ્યું, 'કોંગ્રેસ બંધારણની કલમ 31(C)ને ધ્યાનમાં રાખી કલમ 46 અંતર્ગત અનામત આપશે.'
હવે સવાલ એ છે કે હાર્દિક અને કોંગ્રેસ વચ્ચે જે ફૉર્મ્યુલા અંગે સંમતિ સધાઈ છે તે શું છે? તે અંતર્ગત કઈ રીતે અનામત આપી શકાય?
તમને આ પણ વાંચવું ગમશે
આ અંગે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ સિનિયર વકીલ અને કાયદા નિષ્ણાત ગિરીશ પટેલ સાથે વાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images
ગિરીશ પટેલના કહેવા પ્રમાણે 49 ટકાથી વધારે અનામત આપવી અઘરી છે, પરંતુ અશક્ય નથી.
તેમણે કહ્યું, "બંધારણની કલમ 46 અંતર્ગત સરકાર કાયદો બનાવી શકે છે. આ કલમમાં 'વીકર' (Weaker) શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે."
"તેમાં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગને સંરક્ષણ આપવાની જોગવાઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કલમ 46માં એવી જોગવાઈ છે કે રાજ્ય આર્થિક રીતે નબળા પડેલા વર્ગને સંરક્ષણ આપી શકે."
"કલમ 30 અને કલમ 16માં પછાત વર્ગ અને જ્ઞાતિ એમ બન્નેનો ઉલ્લેખ છે."
"જ્યારે કલમ 46માં જ્ઞાતિનો ઉલ્લેખ નથી. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 'વિકર' (Weaker) શબ્દનો વિશાળ અર્થ થાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
ગિરીશ પટેલ આગળ કહે છે, "કલમ 31(c) રાજ્ય અને કેન્દ્ર સરકારને કાયદો બનાવવાની છૂટ આપે છે."
"ઉપરાંત કલમ 39 (B) અને 39(C)માં કહેવાયું છે કે આર્થિક કેન્દ્રીકરણ ન થાય અને મિલકતોનો ઉપયોગ સમાજના બધા વર્ગો માટે સરખા ભાગે થાય."
"ઉપરોક્ત વાતને ધ્યાને લઈને કાયદો બનાવવામાં આવે તો તેને કલમ 14 અને 16 નીચે પડકારી ન શકાય."
"જોકે, આ કાયદો બન્યા પછી તેને રાષ્ટ્રપતિની સહી માટે મોકલવો પડે, પરંતુ સંસદમાં ચર્ચા કરવાની જરૂર નથી."
"કાયદો બનાવવા માટે સરકારે પટેલોની સ્થિતિનું સર્વેક્ષણ હાથ ધરવું પડે, કેમ કે પૂરતી વિગતો વિના આ કાયદો બની શકે નહીં."
"ઉપરાંત 49 ટકાથી અનામત વધવી ના જોઈએ તે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. બંધારણમાં આવો કોઈ ઉલ્લેખ નથી."
કાયદો બનાવવા બાબતે તેઓ કહે છે, "સરકાર સ્પેશિયલ કૅટેગરી બનાવી આવો કાયદો બનાવે તો અનામત આપી શકાય. અઘરું છે પરંતુ અશક્ય નથી એમ મારું માનવું છે."

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણીય બાબતોના જાણકાર સુભાષ કશ્યપને આ મામલે પૂછયું કે શું ખરેખર કોંગ્રેસ માટે પાટીદારોને અનામત આપવી આટલી સરળ છે?
સુભાષ કશ્યપે કહ્યું, "થિયરી જોવામાં આવે તો આ શક્ય છે, પરંતુ વ્યવહારિક નથી. બંધારણના મુસદ્દામાં સંશોધન વિધાનસભામાં નથી થતું."
"તે માત્ર સંસદમાં થાય છે. તો એવામાં કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવી પણ લે તો સંસદમાં બીલ કેવી રીતે પાસ કરાવી શકશે?"
ગુજરાતની કુલ જનસંખ્યામાં આશરે 20 ટકા જેટલા પાટીદારો છે.
182 સભ્યોની વિધાનસભા ધરાવતા ગુજરાતમાં પાટીદારોના મત ઘણી બેઠકો પર અસર કરી શકે છે. એટલે બન્ને મુખ્ય પાર્ટી તેમને અવગણી ના શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












