જમ્મુ કાશ્મીરના રાજકીય ડ્રામા પાછળની સમગ્ર કહાણી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મસૂદ હુસૈન
- પદ, કાશ્મીર લાઇફના વ્યવસ્થાપક સંપાદક, બીબીસી ગુજરાતી માટે
કાશ્મીર અંગે આ વાત સાચી જ કહી છે કે અહીંયા મોસમ, પરિસ્થિતિ અને રાજકારણ વિશે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.
બુધવારે જમ્મુ કાશ્મીરમાં જે રાજકીય ડ્રામા થયો એ તેની સાબિતી આપે છે. ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટ્યા બાદ ખૂબ જ સંવેદનશીલ એવા આ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદી દેવાયું.
વિધાનસભાને એ આશામાં મોકૂફ રખાઈ કે કદાચ નવી સરકાર બનવાની શક્યતા રહે.
બુધવારે પીડીપી, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસે સંકેતો આપ્યા કે આ પક્ષો સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે.
ફૉર્મ્યુલા એ હતી કે કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ મહેબુબા મુફ્તીને સરકાર રચવા સમર્થન આપશે.
જયારે મહેબુબાનો પત્ર જમ્મુ (ઠંડીમાં જમ્મુ રાજ્યની રાજધાની હોય છે) સ્થિત રાજભવન પહોંચ્યો ત્યારે રાજકીય ગતિવિધિમાં અચાનકથી વધારો થઈ ગયો.
એક કલાક બાદ જ રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના બંધારણીય અધિકારોનો હવાલો આપતા વિધાનસભાને ભંગ કરી દીધી. હજી વિધાનસભાનો બેથી પણ વધુ વર્ષનો કાર્યકાળ બાકી છે.
હવે રાજ્યપાલની કાર્યવાહી પર પ્રશ્નો ઊભા કરાઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મીડિયામાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કેવી રીતે રાજ્યપાલના આ પગલાંથી જમ્મુ કાશ્મીરનું લોકતંત્ર નબળું પડ્યું.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
પ્રશ્નો અને દલીલો એની જગ્યાએ યથાવત છે પરંતુ અહીંયા એ સમજવું વધારે જરૂરી છે કે વિધાનસભાને આટલી જલ્દી ભંગ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો.
ત્યારે કેમ નહીં જયારે કૉંગ્રેસ, પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ છેલ્લા ચાર મહિનાઓથી આ જ ચર્ચાઓ કરી રહ્યા હતા.
સંઘ પરિવાર માટે તો કાશ્મીર ત્યારથી એક મહત્ત્વનો મુદ્દો છે, જ્યારથી એ ભારતીય રાજકારણના હાંસિયામાં ધકેલાયું છે.
કાશ્મીરના ખાસ દરજ્જા અને એનાથી જોડાયેલી વાતો તો ખૂબ થાય છે, પરંતુ વાત જયારે કામ કરવાની આવે છે તો કશું જ થતું નથી.
જમ્મુ ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી ખૂબ ઝડપથી ઊભર્યા અને એમને સંઘ પરિવારનો પણ પૂરતો સાથ મળ્યો.
2014ની રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ રાજ્યનો બીજો સૌથી મોટા પક્ષના રૂપે બહાર આવ્યો.

ઘાટીમાં ભાજપનું ગણિત

ઇમેજ સ્રોત, Getty Images
વિધાનસભામાં કોઈ પણ દળને સ્પષ્ટ બહુમતી નહોતી. પીડીપી ચોક્કસપણે રાજ્ય વિધાનસભાની બીજી સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ એ જમ્મુ ક્ષેત્રમાં ભાજપને મળેલી ભારે બહુમતીને અવગણી શકે તેમ પણ નહોતી.
મુફ્તી મોહમ્મદ સઈદે ભાજપ સાથે ગઠબંધન કર્યું. વાજપેયીના સિદ્ધાંતો બરકરાર રાખીને, ભાજપ રાજ્યને ખાસ બંધારણીય દરજ્જો જાળવી રાખવા, બધા જ પક્ષોથી વાતચીતનો સિલસિલો ચાલુ રાખવા, ઘણી વીજળીની યોજનાઓ અને કેન્દ્રીય જાહેર એકમોને રાજ્યમાં ફરી લાવવા માટે રાજી થઈ ગયો.
આ સંમતિએ કાશ્મીરના નામે ભાજપની ઐતિહાસિક સક્રિયતા અને સામૂહિક આંદોલનો માટે કશું જ છોડ્યું નહીં.
એનાથી દુઃખી એક જમણેરી બિન સરકારી સંગઠને અનુચ્છેદ 35-એની અમુક બંધારણીય જોગવાઈઓને અદાલતમાં પડકારી.
મુફ્તી મોહમ્મદ સઈદના મૃત્યુ બાદ અમુક મહિનાઓ સુધી પીડીપી-ભાજપ ગઠબંધન પર શંકાનાં વાદળો છવાયેલાં રહ્યાં પરંતુ પછી એમની દીકરી મહેબુબા મુફ્તીના નેતૃત્વમાં બધું ઠીક થતું દેખાયું.
ગઠબંધનનાં લઘુતમ સામાન્ય કામોના વાયદા પૂરા કરવામાં નિષ્ફળ જતાં ભાજપના કાર્યકરો પોતે જ નિરાશ રહેવા લાગ્યા.
આખરે આ સરકાર મોદીની ભાજપ માટે એક બોજ બની ગઈ અને એણે પીડીપીથી પોતાનો રસ્તો અલગ કરી લીધો.
સરકાર પડી જવાથી પીડીપીને જોરદાર ધક્કો લાગ્યો. એમના પર આક્ષેપ લાગ્યો કે પીડીપી એવી પાર્ટી સાથે સરકાર ચલાવતી હતી જેણે એમને પાડી નાખવાનો નિર્ધાર કર્યો હતો.

ભાજપનો ફાયદો

ઇમેજ સ્રોત, FACEBOOK/SATYAPAL.MALIK.35/BBC
ભાજપ માટે ફાયદાની વાત એ હતી કે એમની પાસે કાશ્મીર વેલીમાં પગ જમાવવાનો મોકો હતો. જલદી ઘણા બધા લોકોને પોતાની પાર્ટી સાથે જોડવાનું શરૂ કરી દીધું.
'પીપલ્સ કૉન્ફરન્સ'ના સંસ્થાપક અને અલગાવવાદી અબ્દુલ ગની લોનના પુત્ર સજ્જાદ લોનના 87 સભ્યોની વિધાનસભા (નામાંકિત સભ્યો થઈને 89)માં બે સભ્યો હતા.
ભાજપના સહયોગથી એમણે મુખ્ય મંત્રી બનીને કાશ્મીરના રાજકારણમાં મોટી ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું.
સજ્જાદ લોને પણ સહયોગીઓ સાથે મળીને પોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ સ્રોત, Alamy
લાંબા સમયથી, ભાજપ કાશ્મીરના જનાદેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
વાજપેયીના કાર્યકાળમાં, પીડીપીને નેશનલ કૉન્ફરન્સના વિકલ્પ રૂપે રાખવામાં આવ્યું હતું, એનાથી એ નક્કી થઈ ગયું કે કાશ્મીરમાં ના તો નેશનલ કૉન્ફરન્સ કે ના તો પીડીપી એવી સરકાર બનાવી શકશે, જેમાં જમ્મુ ક્ષેત્રના સમર્થકોની ભાગીદારી ના હોય.
જમ્મુ કાશ્મીરમાં ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાના નેતૃત્વમાં કોઈ એક દળની સરકાર બની હતી.
જોકે, 1996ની એ ચૂંટણીઓ ખાસ્સા વિવાદોમાં રહી હતી. વર્ષ 2002માં પીડીપીએ કૉંગ્રેસના સમર્થનમાં સરકાર ચલાવી.
વર્ષ 2008માં, ઉમર અબ્દુલ્લાએ કૉંગ્રેસના સમર્થનમાં સરકાર બનાવી અને બંને જ કાર્યકાળમાં કૉંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો જમ્મુથી હતા. વર્ષ 2014માં, મુફ્તીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું.

ઇમેજ સ્રોત, Director Information, J & K Goverment
હવે સજ્જાદ લોનના નેતૃત્વ વાળી પાર્ટીને કાશ્મીર ઘાટીમાં એક દાવેદારના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે, જેથી ત્રીજા પક્ષ તરીકે મતોનું વિભાજન થઈ શકે.
ઉદ્દેશ્ય બિલકુલ સાફ છે કે લઘુમતી મતોને ભેગા કરી બહુમતીને વિભાજીત કરી શકાય, જેનાથી પ્રાંતમાં એ દિવસ આવે જયારે મુખ્ય મંત્રી શપથ લે, જે જમ્મુ ક્ષેત્રના હોય અને કાશ્મીરના રાજકારણની અનિચ્છીત મનોવૈજ્ઞાનિક દીવાલ તોડી શકાય.
નેશનલ કૉન્ફરન્સ અને પીડીપી આ ગેમપ્લાનને સારી રીતે જાણે છે. પરંતુ, નેશનલ કૉન્ફરન્સ અને પીડીપી બંનેની કૉંગ્રેસ સાથેની 'મિત્રતા'નાં મુખ્ય બે પરિબળો છે.
પહેલું ભાજપ-પીડીપી સરકાર પડી ગયાના પહેલા દિવસથી જ અમુક ધારાસભ્યોએ પોતાને પીડીપીથી અલગ કરી લીધા અને સજ્જાદ લોનના સમર્થનમાં આવી ગયા.
ધીરે-ધીરે એ સરકાર બનાવવાના પ્રયાસમાં જોડાઈ ગયા. જોકે, કાયદાકીય રીતે આ બહુ અઘરું હતું પણ કાશ્મીરની પાર્ટીઓને એવું લાગી રહ્યું હતું કે જરૂર પડવા પર ભાજપ, પીડીપી અને નેશનલ કૉન્ફરન્સને તોડવામાં મદદ કરી શકે એમ છે.
બીજું, ભાજપએ સ્થાનિક શહેરી ચૂંટણીઓમાં પોતાનું જોર દેખાડ્યું હતું, જોકે આ ચૂંટણીઓમાં લોકોની ભાગીદારી ખૂબ ઓછી રહી હતી.
પીડીપી અને નેશનલ કૉન્ફરન્સે આ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. જોકે, ચૂંટાયેલા લોકો પર એમની અસર તો હતી.
કાશ્મીરની પાર્ટીઓને એ વાતની ખાતરી હતી કે શ્રીનગરના મેયર એમની જ પસંદના હશે, કેમ કે સંખ્યાબળ એમના પક્ષમાં હશે પરંતુ જયારે ભાજપએ આ મુદ્દા પર પણ હાથ મૂકી દીધો તો એમની અસર જતી રહી.
બંને પાર્ટીએ આક્ષેપ લગાડ્યો કે પોતાના લોકોને જીતાડવા માટે ભાજપએ ધન અને બળનો પ્રયોગ કર્યો છે.

સજ્જાદ લોન ફેક્ટર

ઇમેજ સ્રોત, Getty Images
મહેબુબા મુફ્તીના સરકાર બનાવવાના દાવાના બરાબર એક દિવસ પહેલા, પીડીપીના સ્થાપકોમાંથી હજુ એક પૂર્વ ઉપ મુખ્ય મંત્રી મુઝફ્ફર બેગ ખુલીને સજ્જાદ લોનના સમર્થનમાં જોડાઈ ગયા.
એનાથી બંને પાર્ટીઓમાં ખતરાની ઘંટી વાગી, એમને લાગ્યું કે ભાજપ ઘાટીનું રાજકારણ બદલવાનો પ્રયાસ કરી રહી છે, એ કાશ્મીરના બહોળા જનસમુદાયની સામે આ બધું કરી રહી છે.
કાશ્મીરમાં, સત્તાને રાજકારણના હથિયાર રૂપે વાપરવામાં આવી રહ્યું છે, પછી ચાહે એ કાનૂની હોય કે ગેરકાયદેસર.
પાંચ મહિના સુધી, લગભગ બધી જ પાર્ટીઓ વિધાનસભા ભંગ કરવાની માંગ કરતી રહી અને આ માંગનો ભાજપ પુરજોશમાં વિરોધ કરતી રહી.
વિધાનસભાને મોકૂફ રાખવાનો નિર્ણય કદાચ એટલા માટે લેવામાં આવ્યો હતો કેમ કે ભાજપ ભલે થોડા સમય માટે પણ પોતાના સમર્થનથી મુખ્ય મંત્રી બનાવી શકે અને એ પણ સંભવિત જમ્મુ ક્ષેત્રમાં. એનાથી પાર્ટીને 2019માં લોકસભા ચૂંટણીઓમાં પણ મદદ થતી.
ભાજપના આ ઇરાદાને અસફળ કરવા માટે પીડીપી, કૉંગ્રેસ અને નેશનલ કૉંગ્રેસે મહાગઠબંધનની ઘોષણા કરી સરકાર રચવાનો દાવો માંડ્યો.
ગભરાઈ ગયેલી ભાજપ પાર્ટીએ સજ્જાદ લોનને પણ આવો જ દાવો રજૂ કરવા કહ્યું. જેનાથી રાજભવનને વિધાનસભાને ભંગ કરવાનો મોકો મળી ગયો.
આ ઘોષણા બાદ ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા હતા.
એમણે પોતાની પાર્ટીઓને તૂટવાથી બચાવી અને ધારાસભ્યોની સંભવિત ખરીદીને પણ રોકી લીઘી.
એક એવી રાજકીય રમત જે કદાચ ઘાટીની આ પાર્ટીઓના શક્તિ બહારની વાત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













