કાશ્મીરમાં માત્ર રૂ. 6000ના પગારે જિંદગી દાવ પર લગાવતા પોલીસ ઓફિસર

ઇમેજ સ્રોત, @JMUKMRPOLICE TWITTER/BBC
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે
'અમે આજ સુધી એ દરેક કામ કર્યાં જે અમને પોલીસ અધિકારીઓ દ્વારા કરવાનું કહેવામાં આવ્યું હતું.'
આ કહેતી વખતે 22 વર્ષોથી જમ્મુ કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા અલી મોહમ્મદ સોફીના ચહેરા પર થાક દેખાય છે.
''છ હજાર પગારવાળી આ નોકરીથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવી શકતો નથી.''
આ સાંભળીને દરેકનાં મનમાં એ સવાલ આવી શકે છે કે પોલીસની એવી કઈ નોકરી છે જેમાં માત્ર છ હજાર પગાર મળે છે.
અલી મોહમ્મદ સોફી જમ્મુ કાશ્મીર પોલીસના 'સ્પેશિયલ પોલીસ ઓફિસર' છે.
સાંભળવામાં આ પદ સારું લાગશે પરંતુ જમ્મુ કાશ્મીરની પોલીસ માટે કામ કરનારા આ લોકોની મુશ્કેલી, ફરિયાદ અને તેમની કહાણી એટલી સારી નથી.

'સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ' એટલે કે SPOs

ઇમેજ સ્રોત, @JMUKMRPOLICE TWITTER/BBC
જ્મ્મુ કાશ્મીરની પોલીસે વર્ષ 1994-95માં એક નવી ટુકડીની રચના કરી હતી. આ ટુકડીનું નામ SPOs એટલે કે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ રાખવામાં આવ્યું હતું.
જ્યારે આ ટુકડીની રચના થઈ ત્યારે તેનો પગાર 1500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. પછી તેમાં વધારો કરી ક્રમશ 3,000થી 6,000 સુધી પહોંચાડવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જમ્મુ કાશ્મીરમાં આ સમયે 35 હજાર એસપીઓ પોલીસ વિભાગમાં કામ કરી રહ્યાં છે. આ એસપીઓને ઉગ્રવાદીઓ સામે ચલાવનારા અભિયાનમાં પણ સામેલ કરવામાં આવે છે.
આ ટુકડીની રચનાથી લઈને આજ સુધી આશરે પાંચસો જેટલા એસપીઓ ઉગ્રવાદી હુમલા કે ઉગ્રવાદીઓ સામે ચલાવવામાં ઑપરેશન દરમિયાન મૃત્યુ પામ્યાં છે.

ઇમેજ સ્રોત, BILAL BAHADUR
ઉગ્રવાદી વિરુદ્ધનાં અભિયાનોમાં ભાગ લેવા સિવાય આ એસપીઓને વિભાગના અન્ય કામોમાં પણ ભાગ લેવો પડે છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજી એસપી વૈદ કહે છે, ''એસપીઓની ભરતી વર્ષ 1994-95માં શરૂ કરવામાં આવી હતી. આ ટુકડીનો ઉદ્દેશ્ય પોલીસને મદદનીશ તરીકે કરવામાં આવે છે.''

અલી મોહમ્મદ સોફીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
અલી મોહમ્મદ સોફી કહે છે, ''હું 1996માં આ ટુકડીમાં ભરતી થયો હતો. મારા પાંચ બાળકો છે. અમે સરકારને ઘણી વખત કીધું છે કે અમારી નોકરી કાયમી કરવામાં આવે, પરંતુ આવું ન થયું.''
''જે લોકોને સિવિલ વિભાગમાં ગોઠવવામાં આવે છે તેમને સાત વર્ષ બાદ કાયમી કરી દેવામાં આવે છે. થોડાં સમય પહેલાં મારા પિતા બીમાર પડ્યા અને તેમની સારવાર માટે મારે મારે જમીન વેચવી પડી.''
''અમને જે કામ કહેવામાં આવ્યું તે દરેક કામ કર્યુ. વર્ષ 2005માં જે ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ અમે કામ કર્યું. પોલીસ સ્ટેશનથી લઈને બજારમાં પણ ફરજ બજાવી છે.''
''અમને ઉગ્રવાદી હુમલામાં ભાગ લેવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમ છતાં પણ અમને કાયમી ન કરવા એ અમારી સામે અન્યાય ગણાશે.''
''આજે નહીં તો કાલે અમને કાયમી નોકરી મળશે તેવી આશા સાથે મેં 22 વર્ષ પસાર કર્યા. હવે તો અમે આટલી ઉંમરે બીજું શું કરી શકીએ.''

વળતર માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, IQBAL AHMAD/BBC
21 માર્ચ, 2018ના દિવસે કુપવાડાના હલમત પોરામાં એક ઍન્કાઉન્ટર થયું હતું, જેમાં જમ્મુ કાશ્મીર પોલીસના એસપીઓ મોહમ્મદ યૂસુફ બજાડા માર્યા ગયા હતા.
તે ઍન્કાઉન્ટરમાં પાંચ ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા હતા. ઘટનાના પાંચ મહીના બાદ પણ યૂસુફના પરિવારજનો હજુ વળતર માટે રાહ જોઈ રહ્યા છે.
યૂસુફના પુત્ર ઇકબાલ અહમદે જણાવ્યું, ''પિતાનાં મૃત્યુ બાદ અત્યાર સુધીમાં માત્ર અમને અઢી લાખ રૂપિયા મળ્યા છે. અમને વચન આપવામાં આવ્યું હતું કે બે નોકરીઓ મળશે અને 17.5 લાખ રૂપિયા મળશે.''
''પિતા માટે છ હજાર રૂપિયાના પગારમાં આઠ લોકોનો પરિવાર ચલાવવાનું સંભવ નહોતું. પિતાએ બૅન્ક અને પરિવારજનો પાસેથી ઉધાર પૈસા લીધા હતા.”
“અમારી પર પાંચ લાખ રૂપિયાનું દેવું છે. શહીદ થવું તે પણ હવે અમારા માટે ખરાબ વાત થઈ ગઈ છે.''
મોહમ્મદ યૂસુફ બજાડાના વળતરના કેસમાં પોલીસનું કહેવું છે કે ડૉક્યુમેન્ટની બાબતે મોડું થતાં આ વળતર પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે.
ઇકબાલ કહે છે કે પિતાએ દેશ માટે જીવ આપ્યો પરંતુ પોલીસ વિભાગ દ્વારા પરિવાર સાથે આવું વર્તન કરવામાં આવે છે.

અપહરણ કર્યાની ઘટનાઓ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
વધુ એક એસપીઓએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે દશકાઓથી આવી પરિસ્થિતિમાં રહીને અમે કંટાળી ગયા છીએ.
તેમનું કહેવું છે, ''અમારે દરેક પ્રકારની ડ્યૂટી કરવી પડે છે. પથ્થરબાજોનો સામનો કરવો પડે છે. ઉગ્રવાદીઓ વિરોધી અભિયાનોમાં જવું પડે છે.''
''અમને ઉગ્રવાદીઓ નોકરી છોડવાનું કહે છે. મસ્જિદો દ્વારા અમને નોકરી છોડવાનું કહેવામાં આવે છે. અમારે દરેક તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.''
હાલનાં દિવસોમાં દક્ષિણ કાશ્મીરમાં ઘણાં એસપીઓને ઉગ્રવાદીઓએ નિશાને લીધા છે. તેમના અપહરણની ઘટના પણ સામે આવે છે અને પછી તેમને છોડવામાં પણ આવે છે.
થોડાં દિવસ પહેલાં દક્ષિણ કાશ્મીરના તરાલ વિસ્તારમાં બે ડઝન એસપીઓનાં રાજીનામાંની ખબર પણ સામે આવી હતી.

પોલીસ વડા શું કહે છે?

ઇમેજ સ્રોત, @JMUKMRPOLICE TWITTER/BBC
ડીજીપી એસપી વૈદ જણાવે છે, ''તમે જોયું હશે કે પોલીસ અધિકારીઓ અને એસપીઓને ઉગ્રવાદીઓ ભયભીત કરી દે છે. આ પ્રકારની રિપોર્ટ તરાલથી પણ આવી હતી. જેની તપાસ હાલ થઈ રહી છે.''
''તેમાં કોઈ મુદ્દો નથી. અમે ઇચ્છતા નથી કે કોઈ એસપીઓ કે પોલીસ અધિકારીઓને કોઈ મુશ્કેલી પડે. આ એટલો મોટો મુદ્દો નથી.''
ડીજીપી વૈદ પણ માને છે કે એસપીઓનો પગાર ઓછો છે.
''આજની મોંઘવારીમાં છ હજાર રૂપિયા ખૂબ જ ઓછા છે. અમને આશા છે કે સરકાર અમારી અરજી પર ધ્યાન આપશે.''
''મેં ગત સરકાર પાસે પણ એસપીઓને કાયમી કરવાની માંગ કરી હતી. અમે સરકાર પાસે એક એવું પ્રપોઝલ પાસ કરાવ્યું હતું.''
''જો કોઈ એસપીઓ કોઈ સરકારી આઈટીઆઈથી એક વર્ષનો ડિપ્લોમા કોર્ષ રજૂ કરશે તો તેની નોકરી કાયમી કરી શકાય છે.''
''જો કોઈ રાજ્ય સ્તર પર રમતના મેદાનમાં પ્રથમ કે બીજા સ્થાને આવે તો તેની નોકરી પણ કાયમી થઈ શકે છે. જો કોઈ ઉગ્રવાદીઓ સામેની લડતમાં ભાગ લેશે તો તેની નોકરી પણ કાયમી થઈ શકે છે.''

ટ્રેનિંગના સવાલ પર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
તેઓ દાવો કરે છે કે આ સ્કીમ પ્રમાણે અમે હજારો એસપીઓની નોકરી કાયમી કરી છે.
આ પૂછવા પર કે ઉગ્રવાદીઓ વિરુદ્ધ લડતમાં એસપીઓની કેવી ટ્રેનિંગ હોય છે?
ડીજીપી વૈદે જણાવ્યું, ''અમે કોઈ સાથે જબરદસ્તી કરતા નથી કે તેઓ ઉગ્રવાદીઓ સામે લડતમાં સાથ આપે. આ લોકો પોતાની મરજીથી ભાગ લે છે. તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.''
વૈદનું કહેવું છે કે મૃત્યુ પામેલા એસપીઓ માટે ક્રાઉડ ફંન્ડિગ જેવા પગલાં પોલીસ વિભાગ દ્વારા લેવામા આવ્યા છે અને તેના દ્વારા આવનારા પૈસા પરિવારજનોમાં વહેંચવામાં આવે છે.
શું દરેક મૃત્યુ પામેલાં એસપીઓને વળતર મળે છે?
ડીજી કહે છે, ''વળતર આપવાનું કામ તો શરૂ રહે છે. ડ્યૂટી પર મરનારા એસપીઓના પરિવારજનોને આ સમયે 17.5 લાખ રૂપિયા અને આશ્રિતોને નોકરી મળે છે.''
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













