મુસ્લિમ મહિલાઓને તલાકથી થતો અન્યાય હવે અટકી જશે?

ઇમેજ સ્રોત, SHAISTA AMBER
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
લખનૌમાં રહેતાં સબા પાંચ વર્ષ પહેલાં તેમનાં પતિ સાથે હોસ્પિટલે પહોંચ્યાં ત્યારે બહુ ખુશ હતાં. તેમનાં જીવનમાં એક બાળકનું આગમન થવાનું હતું.
હોસ્પિટલમાં બાળકના જન્મ દરમિયાન સબાની કિડની પર અસર થઈ હતી અને તેમના પતિને નિરાશાએ ઘેરી લીધા.
સબાએ કહ્યું હતું કે, “મેં દીકરીને જન્મ આપ્યો છે, એવી મારા પતિને ખબર પડી ત્યારે તેઓ એક કવરમાં ત્રણ વખત તલાક લખેલો કાગળ મૂકીને ચાલ્યા ગયા હતા.''
તમને આ વાંચવું પણ ગમશે:
અત્યારે 30 વર્ષનાં થયેલાં સબા તેમની દીકરીના ભરણપોષણના ખર્ચ માટે છેલ્લા પાંચ વર્ષથી ફેમિલી કોર્ટમાં સંઘર્ષ કરી રહ્યાં છે, જ્યારે તેમના પતિએ બીજા નિકાહ કરી લીધા છે.

ટ્રિપલ તલાક ખરડાથી ખુશ

ઇમેજ સ્રોત, SHAISTA AMBER
લોકસભાની મંજૂરી પામેલા ટ્રિપલ તલાક વિશેના મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) ખરડાથી સબા ખુશ છે.
એમ.એ. (ઈંગ્લિશ)ની ડિગ્રી ધરાવતાં સબાએ કહ્યું હતું કે, ''મારી સારવાર માટે દર મહિને 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જે મારા ભાઈ-ભાભી કરી રહ્યાં છે. ભવિષ્યમાં તેમનો ખર્ચ વધશે ત્યારે શું થશે?“
''ટ્રિપલ તલાક વિશેના ખરડાથી હું ખુશ છું. મારી સાથે જે થયું એ ભવિષ્યમાં બીજી પરણિતાઓ સાથે તો કમસેકમ નહીં જ થાય.”
સબાની બાજુમાં બેઠેલાં સના(નામ બદલ્યું છે)નાં નિકાહ આ વર્ષે જ થયા હતા. નિકાહના દસ જ દિવસમાં સનાના પતિ દુબઈ ચાલ્યા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પતિની ગેરહાજરીમાં સાસુ-સસરાએ સના પાસે પહેલાં દહેજની માગ કરી હતી અને પછી સનાને ભૂત વળગ્યું છે એમ કહીને સાસરિયામાંથી કાઢી મૂકી હતી.
લખનૌ યુનિવર્સિટીમાં એમ.કોમ. સુધીનો અભ્યાસ કરી ચૂકેલાં સના પણ ટ્રિપલ તલાક વિશેના ખરડાથી ખુશ છે. તેઓ ઈચ્છે છે કે તલાક આપતા પતિને ત્રણ વર્ષથી વધારે સજા થવી જોઈએ.
20 વર્ષનાં સનાએ કહ્યું હતું કે ''મારી જિંદગીનો તો શરૂ થતાં પહેલાં જ અંત આવી ગયો છે.''
''મારા જેઠ કહે છે કે મારા પતિ મને ગમે ત્યારે તલાક આપી શકે છે. મારા પતિ કહે છે કે તેઓ તેમના માતા-પિતા કહેશે તેમ જ કરશે. હું શું કરું?''
''હું ઈચ્છું છું કે આ ખરડો રાજ્યસભામાં પણ જલદી પસાર થઈ જાય.''

ક્યાંક ખુશી, ક્યાંક અપૂર્ણ અપેક્ષાનો ગમ

ઇમેજ સ્રોત, Getty Images
મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) ખરડો લોકસભામાં પસાર થવાથી ક્યાંક ખુશી છે, તો ક્યાંક અપૂર્ણ અપેક્ષા નહીં સંતોષાવાનો ગમ છે.
એક અપેક્ષા અનુસાર, ખરડો એવો હોવો જોઈએ જેમાં સમાધાનની દાનત હોય, જેમાં સજાની ધમકી તથા પારિવારિક મામલાને અપરાધનું સ્વરૂપ ન આપવામાં આવે.
તેનું કારણ એ છે કે કોઈ મુસ્લિમ મહિલા તેના પતિને તલાક બદલ જેલમાં મોકલશે તો એ મહિલાને સાસરામાં કોઈ સાચવે એવી શક્યતા નથી.
આ ખરડામાં તલાક માટે ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. એ ઉપરાંત જેલની સજા પહેલાંની અદાલતી પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલશે.
એ સમયગાળામાં પીડિત મહિલાને આર્થિક, કાયદાકીય મદદ કોણ કરશે?
આ ખરડા સંબંધી ચર્ચાનાં ઘણાં પાસાં છે અને ધાર્મિક લાગણીને કારણે આ મામલો સંવેદનશીલ હોવાથી આ બાબતે મુસ્લિમ મહિલાઓમાં પણ ભિન્નમત પ્રવર્તે છે.

'મહિલાઓને લાભ નહીં થાય'

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ સ્થિત મજલિસ લીગલ સેન્ટરનાં ઓડ્રે ડિમેલો માને છે કે નવા કાયદાની કોઈ જરૂર જ ન હતી, કારણ કે સુપ્રિમ કોર્ટ તલાકને અગાઉ જ અમાન્ય ગણાવી ચૂકી છે.
ઓડ્રે ડિમેલોએ કહ્યું હતું કે ''આ ખરડા પાછળ રાજકીય એજન્ડા છે. કોઈ મુસ્લિમ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરે તો તેની ધરપકડ કરવામાં આવે એવું તમે ઈચ્છો છો.''
''આ ખરડાથી મહિલાઓને કોઈ ફાયદો નહીં થાય. કોઈ મહિલા પર તેનો પતિ હિંસા કરતો હોય તો એ મહિલા કલમ ક્રમાંક 498(એ) હેઠળ પોલીસની મદદ લઈ શકે છે.''
કલમ ક્રમાંક 498(એ) કોઈ મહિલા સાથે તેના પતિ કે પતિના સગાં ક્રૂરતા આચરે તો એ પરિસ્થિતિમાં મહિલાને બચાવવા માટે છે.
કેંદ્રની નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં મુસ્લિમો સામે કથિત ગૌમાંસ રાખવા બદલ સામૂહિક હત્યા, ગાય લાવવા-લઈ જવા બદલ મારઝૂડ, હુમલાઓ તથા હત્યા જેવી ઘટનાઓ બની છે.
બદલાયેલી આ પરિસ્થિતિમાં ટ્રિપલ તલાક ખરડાની મુસ્લિમ સમાજ પર શું અસર થશે એ બાબતે જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે.

શાહ બાનો કેસ

ઇમેજ સ્રોત, Getty Images
ત્રણ દાયકા પહેલાં શાહ બાનુ કેસમાં તત્કાલીન રાજીવ ગાંધી સરકાર પર રાજકારણ રમવાના આક્ષેપ થયા હતા.
શાહ બાનોએ તલાક પછી ભરણપોષણ મેળવવા અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે શાહ બાનોની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
એ ચૂકાદાને પગલે મુસ્લિમ પર્સનલ લૉ બાબતે સઘન ચર્ચા શરૂ થઈ હતી અને મુસલમાનોના એક જૂથના વિરોધ બાદ રાજીવ ગાંધી સરકાર સંસદમાં નવો કાયદો લાવી હતી.
શાહ બાનોના દૌહિત્ર ઝુબૈર અહમદ ઇંદોરમાં કર સલાહકાર છે.
ઝુબૈર અહમદે ટ્રિપલ તલાક વિશેનો ખરડો વાંચ્યો નથી, પણ તેમને આશા છે કે જે કાયદો બનશે તેમાં શરિયત અને અન્ય કાયદાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હશે.
સમાચાર એજન્સી એએનઆઈએ કેંદ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું એક નિવેદન ટ્વીટ કર્યું હતું.
એ ટ્વીટ અનુસાર, સુપ્રીમ કોર્ટના ટ્રિપલ તલાક સંબંધી આદેશ પછી એવા અંદાજે 100 કિસ્સા બહાર આવ્યા છે.
તેમણે આ માહિતી ક્યાંથી મેળવી એ સ્પષ્ટ થયું નથી, કારણ કે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકના કિસ્સાઓની કુલ સંખ્યા કેટલી છે એ સ્પષ્ટ નથી.
ખરડાના ટીકાકારો માને છે કે તત્કાળ ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા નાની છે.
ખરડાના સમર્થકો માને છે કે ''આવા કિસ્સા તો ઘણા બન્યા છે, પણ એ બધા જાહેર થાય એ જરૂરી નથી.''

છૂટાછેડાની સંખ્યા ક્યા સમાજમાં વધારે?

ઇમેજ સ્રોત, Getty Images
તમે ચર્ચાઓમાં સાંભળ્યું હશે કે હિંદુઓની સરખામણીએ મુસ્લિમોમાં છૂટાછેડાનું પ્રમાણ ઘણું ઓછું છે.
ઓ.પી. જિંદલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર છે યુગાંક ગોયલ. તેમણે 2011ની વસતી ગણતરીને આધારે 'મિન્ટ' અખબારમાં એક લેખ લખ્યો હતો.
લેખમાં યુગાંક ગોયલે જણાવ્યું હતું કે ''પરણેલી દર હજાર હિંદુ મહિલાઓ પૈકીના 2.6 ટકાના છૂટાછેડા થાય છે.''
''બીજી તરફ દર હજાર મુસ્લિમ મહિલાઓમાં તલાક પામેલા મહિલાઓનું પ્રમાણ 5.6 ટકા હોય છે.''
યુગાંક ગોયલના જણાવ્યા અનુસાર, ''આ આંકડાનો અર્થ એ થાય કે વસતી અને લગ્નના સંદર્ભમાં હિંદુઓની સરખામણીએ મુસલમાનોમાં તલાકની શક્યતા વધારે હોય છે.''
યુગાંકે લખ્યું હતું કે આ આંકડા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પણ તેની પાછળનું કારણ શું એ વિશે તેઓ કશું કહી શકે તેમ નથી.
ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં સહ-સ્થાપક ઝકિયા સોમણે આ કારણ વિશે વાત કરી હતી.
ઝકિયા સોમણે જણાવ્યું હતું કે મુસલમાનોમાં છૂટાછેડાના મોટાભાગના કિસ્સા તત્કાળ ટ્રિપલ તલાકના હોય છે.
ઝકિયા સોમણના આ નિવેદનનો અર્થ એવો થાય કે ટ્રિપલ તલાક વિશેની ચર્ચા અને એ ચર્ચાનાં વિવિધ પરિમાણો વિશેની ચર્ચાનો હજુ અંત આવ્યો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












