Kashmir Files : કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે એવું સરદાર પટેલ ઇચ્છતા હતા?

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

વિવેક અગ્નિહોત્રીએ લખેલી અને તેમના જ દિગ્દર્શનવાળી ફિલ્મ 'કશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતોની હિજરતની વાત છે. આ ફિલ્મ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે અને ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે. ટ્વિટરમાં #KashmirFiles પણ ટ્રૅન્ડમાં છે. કાશ્મીરીઓની હિજતરની પૃષ્ઠભૂમિને છેક કાશ્મીરવિવાદ સુધી સાંકળવામાં આવે છે ત્યારે વાંચો જય મકવાણાનો અહેવાલ.

સરદાર પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Photo DIVISION

ઇમેજ કૅપ્શન, સરદાર અને કાશ્મીર : સૈફુદ્દીન સોઝના નિવેદન બાદ ફરીથી રાજકારણ ગરમાયું

ભારત-પાકિસ્તાનના ભાગલાની પોણી સદી બાદ પણ કાશ્મીરનો કોયડો ઉકેલાયો નથી. જોકે, એવો દાવો સતત થતો રહ્યો છે કે સરદાર પટલે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી નાખ્યો હોત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના કેટલાય નેતાઓ આવો દાવો કરી ચૂક્યા છે.

જોકે, આ દાવાની સામે પ્રતિદાવા તરીકે જે તર્ક આપવામાં આવે છે, એ તર્કનો ઉલ્લેખ કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોઝે પણ કર્યો હતો.

થોડાં વર્ષો પહેલાં સોઝે લખેલા પોતાના પુસ્તકમાં 'કશ્મીર : ગ્લિમ્પ્સિઝ ઑફ હિસ્ટ્રી ઍન્ડ ધ સ્ટોરી ઑફ સ્ટ્રગલ'માં દાવો કર્યો હતો કે જો પાકિસ્તાન હૈદરાબાદ પરનો છોડવા તૈયાર થયું હોત તો કાશ્મીરને પાકિસ્તાન સાથે જવા દેવામાં સરદાર પટેલને કોઈ વાંધો નહોતો.

line

કાશ્મીર મામલે સરદારનો પ્રસ્તાવ

સરદાર પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઉન્ટબેટને પાકિસ્તાનને સરદાર પટેલનો એ પ્રસ્તાવ જણાવાયો હતો, જેમાં કાશ્મીરને લઈને ખાતરી અપાઈ હતી

પુસ્તકમાં સોઝ લખે છે, 'પાકિસ્તાનના 'કાશ્મીર ઑપરેશન્સ'ના ઇન-ચાર્જ સરદાર હયાત ખાન સમક્ષ લૉર્ડ માઉન્ટબેટને સરદારનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.'

'એ પ્રસ્તાવમાં સરદાર વલ્લભાઈ પટેલે કહ્યું હતું કે જો પાકિસ્તાન હૈદરાબાદ ડેક્કન પરનો પોતાનો દાવો જતો કરવા તૈયાર હોય તો કાશ્મીર તેમને આપવામાં વાંધો નથી.'

હયાત ખાને આ વાત પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનને જણાવી હતી.

જોકે, લિયાકત અલીએ એમ કહેતાં આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો, ''શું હું ગાંડો થઈ ગયો છું કે પંજાબ કરતાં પણ મોટા હૈદરાબાદને કાશ્મીરના પથ્થરો માટે જતું કરી દઉં?''

line

કાશ્મીર આપી દેવામાં ભારતને વાંધો નહોતો?

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભુટ્ટો માનતા કે સરદારનો પ્રસ્તાવ સ્વીકારી લેવાયો હોત તો પાકિસ્તાનને કાશ્મીર મળી જાત

કાશ્મીર પરના પોતાના આ પુસ્તકમાં સોઝે કાશ્મીરી બાબતોના જાણકાર એ. જી. નૂરાનીના એક લેખનો ઉલ્લેખ કર્યો છે.

''અ ટૅલ ઑફ ટુ સ્ટેટ્સ' નામના પોતાના આર્ટિકલમાં નૂરાનીએ લખ્યું છે, "પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે સરદાર પટેલ જૂનાગઢ અને હૈદરાબાદના બદલે કાશ્મીર આપી દેવા તૈયાર હતા"

લેખમાં નૂરાની લખે છે કે આ વાત ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1972માં એક આદિવાસી-પંચાયતમાં કરી હતી.

પ્રારંભિક તબક્કામાં કાશ્મીર પાકિસ્તાન સાથે જતું રહે તો સરદાર પટેલને કોઈ વાંધો નહોતો એવો જ દાવો ભારતના પૂર્વ ગૃહસચિવ અને સરદાર પટેલના વિશ્વાસુ વી. પી. મેનન પણ કર્યો હતો.

line

હરિસિંહની કશ્મકશ

કાશ્મીરમાં લૅન્ડ થયેલા ભારતીય સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન તરફી કબાઈલીઓએ હુમલો કર્યા બાદ કાશ્મીરમાં લૅન્ડ થયેલું ભારતીય સૈન્ય

મેનન તેમના પુસ્તક 'ઇન્ટિગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં લખે છે કે 3જી જૂને દેશી રજવાડાં માટે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ રજૂ કરાયો હતો.

જોકે, મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરના હિંદુ રાજા હરિસિંહ માટે ભારતમાં રહેવું કે પાકિસ્તાનમાં ભળવું એ કશ્મકશનો સવાલ હતો.

આ મામલાનો ઉકેલ લાવવા માટે લૉર્ડ માઉન્ટબેટને ચાર દિવસ મહારાજા સાથે ગાળ્યા હતા.

માઉન્ટબેટને મહારાજાને જણાવ્યું કે જો કાશ્મીર પાકિસ્તાનમાં જશે તો ભારત કોઈ વાંધો નહીં ઉઠાવે એવી સરદાર પટેલે એમને ખાતરી આપી છે.

line

ગુહાએ સૂર પૂરાવ્યો

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સોઝના ઉપરોક્ત દાવાઓ પર ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પણ પોતાનો સૂર પૂરાવ્યો હતો.

ગુહાએ ટ્વીટ કર્યું હતું કે જો હૈદરાબાદ ભારતમાં રહેતું હોય તો કાશ્મીરને પાકિસ્તાન સાથે જતું કરવામાં પટેલને કોઈ વાંધો નહોતો.

ગુહાએ ઉમેર્યું, ''રાજમોહન ગાંધીએ લખેલા સરદાર પટેલના જીવનચરિત્રમાં વર્ષો પહેલાં જ આનું દસ્તાવેજીકરણ કરાયું હતું.''

line

જૂનાગઢે બદલ્યો સરદારનો વિચાર

સરદાર પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૂનાગઢ માટે પાકિસ્તાનની માગે સરાદરને કાશ્મીર મુદ્દે સક્રિય કર્યા હતા

'પટેલ : અ લાઇફ' નામના પુસ્તકમાં રાજમોહન ગાંધી લખે છે કે 13 સપ્ટેમ્બર, 1947 સુધી વલ્લભભાઈ કાશ્મીરને લઈને ઉદાસીન જ હતા.

એ વખતના ભારતના પ્રથમ સંરક્ષણમંત્રી બલદેવ સિંઘને લખેલા પત્રમાં પણ એમણે આ અંગેનો નિર્દેશ આપ્યો હતો.

સરદારે પત્રમાં લખ્યું હતું કે જો કાશ્મીર બીજા દેશનું આધિપત્ય સ્વીકારવાનું નક્કી કરશે તો એ બાબત તેઓ સ્વીકારી લેશે.

જોકે, આ જ પુસ્તકમાં ગાંધી એવું પણ જણાવે છે કે પાકિસ્તાન સાથે ભળવાની જૂનાગઢના નવાબની અરજી પાકિસ્તાને માન્ય રાખી હોવાની જાણ થતાં જ કાશ્મીરને લઈને સરદારનું વલણ બદલાઈ ગયું હતું.

line

...અને નહેરુ ગુસ્સે થઈ ગયા

જવાહલાલ નહેરુની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નહેરુને કાશ્મીર પ્રત્યે ખાસ લગાવ હતો અને તેઓ ઇચ્છતા હતા કે કાશ્મીર ભારતમાં જ રહે

સરદારના બદલાયેલા વલણ અંગે વાત કરતાં રાજમોહન ગાંધી પોતાના પુસ્તકમાં લખે છે કે 26 ઑક્ટોબરના રોજ નહેરુના નિવાસે એક બેઠક મળી હતી.

જેમાં મહારાજા હરિસિંહના વડા પ્રધાન મેહરચંદ મહાજને ભારત પાસેથી સૈન્ય મદદ માગી હતી.

મહાજને એવું પણ કહ્યું હતું કે જો ભારત પ્રતિભાવ ન દર્શાવે તો કાશ્મીર ઝીણાની મદદ લેશે.

આ સાંભળતા જ નહેરુ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે મહાજનને 'જતા રહેવા' કહ્યું હતું.

જોકે, એ વખતે સરદારે એમને રોકતા કહ્યું હતું, 'અલબત્ત મહાજન, તમે પાકિસ્તાન સાથે નથી જઈ રહ્યા.'

line

સરદાર કાશ્મીર કેમ જવા દેવા માગતા હતા?

શેખ અબ્દુલ્લાહ કાશ્મીરના સૌથી મોટા નેતા અને નહેરુના મિત્ર હતા

ઇમેજ સ્રોત, Keystone features

'સરદાર : સાચો માણસ, સાચી વાત' પુસ્તકના લેખક ઉર્વીશ કોઠારી સાથે બીબીસી ગુજરાતીએ આ મામલે વાત કરી હતી.

કોઠારીએ કહ્યું, ''વિલીનીકરણની પ્રક્રિયા વખતે સરદારના મનમાં એવો કોઈ ખ્યાલ નહોતો કે કાશ્મીર ભારતમાં જ રહેવું જોઈએ."

"એનું કારણ એ હતું કે એ વખતે કોઈ પણ રાજ્યનોના જોડાણ પાછળ બે કારણ જવાબદાર હતાં. આ બે કારણમાં એક જે-તે રાજ્યની ભૂગોળ અને બીજું તે રાજ્યની વસતિને ઘ્યાને લેવામાં આવતી હતી."

"નોંધનીય છે કે કાશ્મીર એક સરહદી રાજ્ય હતું અને એમની બહુમતી વસતિ મુસ્લિમ હતી. એ રીતે જોતાં કાશ્મીર ભારતમાં જ રહે એવો સરદારનો કોઈ જ દુરાગ્રહ નહોતો. જોકે, નહેરુ પોતે કાશ્મીરી હોવાને કારણે કાશ્મીર ભારતમાં રહે એવા મતના હતા."

"'વળી, કાશ્મીરના રાજકારણમાં બે ધ્રુવો મહારાજા હરિસિંહ અને શેખ અબ્દુલ્લાહમાંના શેખ નહેરુના મિત્ર હતા. એ રીતે પણ કાશ્મીર પ્રત્યે નહેરુને લગાવ હતો."

"આ દરમિયાન જૂનાગઢનો વિવાદ ઊભો થયો અને એ સાથે જ સરદારે કાશ્મીર મામલે પ્રવેશ કર્યો. એ બાદ સરદાર પટેલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું કે કાશ્મીર ભારતમાં જ રહેશે."

line

અર્ધસત્ય પર રમાતું રાજકારણ

જવાહલાલ નહેરુ અને ગાંધીજીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈએ બીબીસીને જણાવ્યું, "શરૂઆતમાં કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે તો એ સામે સરદારને કોઈ જ વાંધો નહોતો અને કેટલાય દસ્તાવેજમાં આ વાતનો ઉલ્લેખ છે જ."

"જૂન 1947માં સરદારે કાશ્મીરના મહારાજાને ખાતરી આપી હતી અને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનમાં જોડાશે તો પણ ભારત કોઈ વાંધો નહીં ઉઠાવે."

"જોકે, મહારાજાએ બંને દેશમાંથી જ્યાં પણ જોડાવાનો નિર્ણય લેવો હોય એ 15 ઑગસ્ટ પહેલાં લેવો પડશે."

ઉર્વીશ કોઠારી જણાવે છે કે ઇતિહાસનાં આ પ્રકરણોના દસ્તાવેજો છે જ પણ એ વખતે લેવાયેલા નિર્ણયો એ સમયની પરિસ્થિતિ પર આધાર રાખે છે.

કોઠારી ઉમેરે છે, ''રાજકારણી આપણી સમક્ષ એ જ પ્રકરણોનાં અર્ધસત્યો રજૂ કરીને રાજકારણ રમે છે.''

"સરદાર કે નહેરુએ ભરેલાં પગલાંની સમીક્ષા ચોક્કસથી કરી શકાય પણ એમના આશય પર કોઈ કાળે શંકા ના કરી શકાય."

(આ લેખ પ્રથમ વાર 27 જૂન, 2018ના રોજ છપાયો હતો. જેને બાદમાં અપડેટ કરવામાં આવ્યો છે.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો