'આઝાદ કાશ્મીર' લખી ભારતને નારાજ કરનાર આ પ્રિન્સ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈનના ભારત પ્રશાસિત કાશ્મીર અંગે તાજેતરના રિપોર્ટને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે.
ભારતનુ કહેવું છે કે આ રિપોર્ટમાં વ્યક્તિગત પૂર્વાગ્રહ છે. આ રિપોર્ટમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવ અધિકારના ઉલ્લંઘનની વાત કરી છે.
રિપોર્ટમાં ભારત પ્રશાસિત કાશ્મીરનો 'આઝાદ કાશ્મીર' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
49 પાનાંના આ રિપોર્ટમાં જુલાઈ 2016 થી એપ્રિલ 2018 સુધીમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટને નામંજૂર કરતાં કહ્યું કે આ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એક્તાની વિરુદ્ધ છે.
સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈને આ રિપોર્ટ રજૂ કર્યો છે.

કોણ છે પ્રિન્સ ઝેદ રાદ અલ હુસૈન?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ ઝેદ રાદ અલ હુસૈન જૉર્ડનના રાજવી પરિવારના સભ્ય છે. તેમણે જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીથી બીએ કર્યુ છે અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીથી ફિલૉસોફીમાં પીએચડી કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે વર્ષ 1989માં પ્રિન્સ ઝેદને જૉર્ડન ડેસર્ટ પોલીસ તરફથી અધિકારીનું પદ કમિશન કરાયું હતું. પ્રિન્સે 1994 સુધી આ પદ પર કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્રમાં હુસૈન સપ્ટેમ્બર 2010 થી જુલાઈ 2014 સુધી જૉર્ડનના રાજદૂત પણ રહી ચૂક્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જાન્યુઆરી 2014માં જ હુસૈન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ બન્યા હતા અને ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો અને લાઇબેરિયા પર બનેલી સુરક્ષા પરિષદની સમિતિઓના અધ્યક્ષ પણ રહ્યા હતા.
જૉર્ડનના પ્રિન્સે પરમાણુ સુરક્ષા પર વૉશિંગ્ટન સંમેલનમાં મહિલાઓ માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કોષ (યૂએનઆઈએફઈએમ)ની પરામર્શ સમિતિની અધ્યક્ષતા પણ કરી હતી.
જ્યારે ઝેદને માનવ અધિકાર હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા ત્યારે માનવ અધિકાર સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ તેમનું સ્વાગત કરતાં કહ્યું હતું કે તેઓ અરબ દેશો સાથે સંબંધ ધરાવે છે અને મુસ્લિમ છે.
એવામાં તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપ્ત પશ્ચિમ અને એશિયાના દેશો વચ્ચેની ખાઈ દૂર કરવામાં મહત્ત્વનું યોગદાન આપશે.

પહેલાં પણ ભારતની આલોચના કરી છે

ઇમેજ સ્રોત, Reuters
પ્રિન્સ ઝેદે જૂન 2014માં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર હાઈ કમિશનરનું પદ સંભાળ્યું, એટલે કે જ્યારે ભારતની સત્તા નરેન્દ્ર મોદીના હાથમાં આવી ત્યારે જ ઝેદના હાથમાં યૂએનમાં માનવ અધિકારની સત્તા આવી હતી.
કાશ્મીર પર તાજેતરના રિપોર્ટ પહેલાં પણ ઝેદ ભારત સરકારની આલોચના કરી ચૂક્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના 36માં સત્રમાં રોહિંગ્યા સમસ્યા અંગે ભારત સરકારના અભિગમની આલોચના કરી હતી.
એ વખતે પણ ભારતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર કોઈ એક ઘટનાને વિસ્તૃત સ્વરૂપ આપીને સમાજની વ્યાપક સમસ્યા ગણાવી રહ્યું છે.
વર્ષ 2014માં જ્યારે પ્રિન્સ ઝેદની સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર હાઈ કમિશનર તરીકે નિયુક્તિ કરાઈ ત્યારે હ્યૂમન રાઇટ્સ વૉચ સંગઠનના કાર્યકારી નિયામક કેનૅથ રોથે ઝેથને માનવ અધિકાર અંગે સારો રેકર્ડ ધરાવતી વ્યક્તિ ગણાવ્યા હતા.
આ દરમિયાન ફૉરેન પૉલિસી વેબસાઇટ પર એક લેખ પ્રકાશિત થયો જેમાં લખ્યું હતુ કે ઝેદે શારીરિક હિંસા વિરુદ્ધ ઘણું સારું કામ કર્યું છે.
ઝેદ સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ બાન કી મૂનના વરિષ્ઠ સલાહકાર સમૂહમાં સામેલ પાંચ મુખ્ય તજજ્ઞોમાંથી એક હતા.

જ્યારે સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી દેશોને ઠપકો આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જ ફેબ્રુઆરી માસમાં ઝેદે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર ધરાવતા સૌથી શક્તિશાળી દેશોને ઠપકો આપ્યો હતો.
સીબીએસ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે ઝેદે તેમના ભાષણમાં કોઈ એક દેશનું નામ તો નહોતું લીધું, પણ તેમણે સીરિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે સીધો સંકેત આપ્યો હતો.
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને રશિયાનું સમર્થન છે, જ્યારે ચીન સતત પોતાના વીટો પાવરના દમ પર યુદ્ધના આરોપીઓને બચાવવાના પ્રયાસો કરતું રહ્યું છે.
સીરિયામાં ચાલતા યુદ્ધમાં અસદ સરકાર પર રાસાયણિક હથિયારોના ઉપયોગનો પણ આરોપ લાગ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બ્રિટન, ચીન, ફ્રાંસ, રશિયા અને અમેરિકા પાસે વીટો પાવર છે.
ઝેદે કહ્યું હતુ કે દુનિયાની કેટલીક જગ્યાઓ માણસો માટે કતલખાનું બની ગઈ છે.
જેમાં તેમણે સીરિયાના પૂર્વ ભાગના પ્રાંતો, કોંગોના ઇતુરી અને કાસાઈ પ્રદેશ, યમનનું તાએઝ શહેર અને મ્યાનમારના રખાઇન પ્રાંતનો ઉલ્લેખ કર્યો હતો.

પોતાના દેશની આલોચના કરતા ઝેદ

ઇમેજ સ્રોત, Pib
પ્રિન્સ ઝેદે સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર હાઈ કમિશનરનું પદ સંભાળ્યું ત્યારથી તેમણે વિશ્વભરમાં ઘણી જગ્યાઓએ માનવ અધિકારોના થતા ઉલ્લંઘનનો વિરોધ કર્યો છે, પણ ઘણા દેશનો આક્ષેપ છે કે ઝેદ પક્ષપાતી અભિગમ ધરાવે છે.
ધી ઇકૉનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા લેખ પ્રમાણે ઝેદ જૉર્ડનના રાજા અબદુલ્લાના પિતરાઈ ભાઈ છે.
જૉર્ડને પોતાના દેશમાં મૃત્યુદંડ ફરીથી લાગુ કર્યો અને વર્ષ 2014માં આ અંતર્ગત 11 લોકોને મૃત્યુદંડની સજા કરાઈ હતી.
પ્રિન્સ ઝેદે પોતાના દેશના મૃત્યુદંડના કાયદા પર આઠ વર્ષથી લાગુ કરાયેલા પ્રતિબંધને ખતમ કરવાનો વિરોધ કર્યો હતો.
સૂદાનના રાષ્ટ્રપતિ ઓમર અલ બશીર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે ધરપકડનું વૉરંટ જાહેર કર્યું છે.
ગયા વર્ષે જ્યારે ઓમર અલ બશીર જૉર્ડન પહોંચ્યા તો ઝેદે એવું કહીને પોતાના દેશની આલોચના કરી કે જૉર્ડન દંડ અને ન્યાયની બાબતમાં સતત નિષ્ફળ થઈ રહ્યું છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત અને જૉર્ડનના સંબંધ પણ સુધર્યા છે.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય વડા પ્રધાન જ્યારે પેલેસ્ટાઇન, જૉર્ડન અને સંયુક્ત આરબ અમિરાત ની યાત્રા પર ગયા ત્યારે પેલેસ્ટાઇન જવા માટે જૉર્ડનની સરકારે તેમનું હેલિકૉપ્ટર આપ્યું હતું.
મોદીએ રાજા અબ્દુલ્લાહ દ્વિતીય સાથેની તેમની મુલાકાત સારી રહી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆતમાં અબ્દુલ્લાહ બીજાએ ત્રણ દિવસ ભારતની મુલાકાત લીધી હતી.

બીજી ટર્મ નથી ઇચ્છતા ઝેદ
ગયા વર્ષે ડિસેમ્બરમાં ઝેદે કહ્યું હતું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર હાઈ કમિશનર પદની બીજી ટર્મ ઇચ્છતા નથી. આ ટર્મ ચાર વર્ષની હોય છે.
ધી ન્યૂ યૉર્ક ટાઇમ્સ પ્રમાણે પોતાના સહયોગીઓને મોકલેલા એક ઈ-મેઇલમાં આ અંગે જાણકારી આપી હતી.
તેમાં લખ્યું છે કે ઝેદે ઘણા શક્તિશાળી દેશોની ખુલ્લેઆમ ટીકા કરી હતી, જેમાં ટ્રમ્પની સરકારનો પણ સમાવેશ થાય છે.
ઝેદ બીજી ટર્મ નથી ઇચ્છતા કેમ કે તેઓ કોઈની આગળ નમવા માગતા નથી.
ઈ-મેઇલમાં ઝેદે લખ્યું હતુ કે, "મેં નિર્ણય કર્યો છે કે હું બીજી ટર્મ નથી ઇચ્છતો. હું તેના માટે કોઈ આગળ ઝુકવા નથી માગતો. એવું કરવા માટે મારે મારા સ્વતંત્ર અવાજને બંધ કરવો પડશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












