ભારતે પાકિસ્તાન સાથેની સંભવિત વાતચીત રદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથેની સંભવિત વાતચીત ભારતે રદ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ જવાનોના અપહરણ અને હત્યાની ઘટના બાદ ભારતે સંબંધિત નિર્ણય લીધો છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું, ''પાકિસ્તાનના નવા વડા પ્રધાન અને વિદેશ મંત્રીના પત્રમાં વ્યક્ત થયેલી ભાવનાના પ્રતિભાવ રૂપે ન્યૂયોર્કમાં આ મહિને બન્ને દેશના વિદેશ મંત્રીઓની મુલાકાત માટે ભારત રાજી થયું હતું.''
''પાકિસ્તાનના વડા પ્રધાનના પત્રમાં હકારાત્મક બદલાવ અને આતંકવાદ મુદ્દે વાત કરવા ઉપરાંત શાંતિ માટેની સહિયારી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.''
તેમણે એવો આરોપ પણ લગાવ્યો, ''નવી શરૂઆત માટે પ્રસ્તાવની પાછળ રહેલો પાકિસ્તાની 'ઇવિલ ઍજન્ડા' ખુલ્લો પડી ગયો છે. એ સાથે જ વિશ્વ સમક્ષ પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાન ખાનનો સાચો ચહેરો પણ ઉજાગર થઈ રહ્યો છે.''
કુમારે ઉમેર્યું, ''આવા માહોલમાં પાકિસ્તાન સાથેની કોઈ પણ વાતચીત અર્થહીન નીવડશે. બદલાઈ રહેલી પરસ્થિતિમાં બન્ને દેશનાં વિદેશ મંત્રી મળે એનો કોઈ અર્થ નથી.''
નોંધનીય છે કે પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા પહેલ કરતા ભારત વાતચીત માટે તૈયાર થયું હતું.

પોલીસ જવાનોનું અપહરણ અને હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો સાથે ઘટેલી ઘટના બાદ ભારત આ મામલે હટી ગયું છે.
નોંધનીય છે કે શુક્રવારે ભારત પ્રશાસિત કાશ્મીરના શોપિયામાં ત્રણ પોલીસ જવાનોનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમના મૃતદેહો લગભગ એકાદ કિલોમિટર દૂર મળી આવ્યા હતા. મૃતક પોલીસ જવાનોના નામ નિસાર અહેમદ, ફિરદૌસ અહેમદ અને કુલવંત સિંઘ હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર નિસાર અહેમદ સશસ્ત્ર દળ સાથે જોડાયેલા હતા. જ્યારે ફિરદૌસ રેલવે પોલીસમાં કામ કરતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












