J&K: જાવેદના માતાનો વિલાપ, 'દીકરા, તું મને કેમ છોડી ગયો'

ઇમેજ સ્રોત, Muzafar Ahamad
- લેેખક, માઝિદ જહાંગીર
- પદ, બીબીસી ગુજરાતી માટે, શોપિયાંથી
"હું રડી નથી રહી, હું તો દુલ્હો બનેલા મારા દીકરા માટે ગીત ગાઈ રહી છું. મારી પાસેથી દુલ્હાને છીનવી લીધો. આવ મારા દીકરા, આવ મારા ગુલાબ. તું કેમ મને છોડી ગયો."
રડતાં રડતાં જાવેદ અહમદ ડારનાં માતા આશિયા પૂછી રહ્યાં હતાં.
આશિયા તેમના બે માળનાં મકાનના એક ઓરડામાં બેઠાં છે. તેમની આજુબાજુ અન્ય મહિલાઓ છે જે તેમને સાંત્વના આપવા અને શાંત કરાવવાના પ્રયત્નો કરી રહી છે.
ઓરડાના બીજા ખૂણામાં જાવેદનાં એક બહેન શબરોઝ ચીસો પાડીને તેમના ભાઈ માટે રડી રહ્યાં છે. હું જ્યારે તેમની પાસે ગયો તો તેઓ જોરજોરથી રડવા લાગ્યા.

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
તેઓ કહે છે, "અમને આ જિંદગી જોઈતી નથી. અમારો ભાઈ અમને ખૂબ પ્રેમ કરતો હતો, જેમણે અમારો ભાઈ અમારાથી છીનવી લીધો એમની પણ આવી જ હાલત થવી જોઈએ, એમની સાથે પણ ખુદા આવું જ કરે."
"જે પાર્ટીએ એમને માર્યા એમને કહેજો કે એમના ઘરના લોકો કહી રહ્યાં છે કે અમને પણ મારી નાખો. એ ગદ્દાર નહોતો.
"અમને અમારા ભાઈની પવિત્રતાનો ખ્યાલ છે કે તે કેટલો પવિત્ર હતો. એમના પાક અને સાફ હોવાનું સર્ટિફિકેટ અમારી પાસે છે."

પાંચ વર્ષ પહેલાં પોલિસમાં ભરતી થયા હતા

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
ગુરુવારે ભારત શાસિત કાશ્મીરના શોપિયાં જિલ્લાના વેહેલ ગામથી રાત્રે આઠ વાગ્યે ઉગ્રવાદીઓએ 24 વર્ષના જાવેદ અહમદ ડારનું અપહરણ કર્યું અને બીજા દિવસે સવારે કુલગામના પારિવનમાં એમનો મૃતદેહ મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાવેદ અહમદ જમ્મુ-કાશ્મીર પોલીસમાં કૉન્સ્ટેબલ હતાં. તેઓ પાંચ વર્ષ પહેલાં પોલીસમાં ભરતી થયા હતા અને પાંચ દિવસની ડ્યૂટી બાદ તેમના વેહેલ ગામમાં આવ્યા હતા.
શ્રીનગરથી વેહેલ ગામ 70 કિલોમીટર દૂર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શુક્રવારે શોપિયાં પોલીસ લાઇન્સમાં જાવેદ અહમદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સવારે 11 વાગ્યે તેમના ગામમાં જ તેમને દફનાવવામાં આવ્યા.
જાવેદ અહમદના લગ્ન નહોતા થયા. તેઓ તેમની પાછળ માતા અને બહેનને છોડી ગયા છે. તેમના બે બહેનો અને મોટા ભાઈના પહેલાં જ લગ્ન થઈ ચૂક્યાં છે.
તેમના પિતા અબ્દુલ હમીદ કહે છે, "એક પુત્રના મૃત્યુથી પિતા પર શું વીતે છે? હું તો કહું છું કે પુત્રના મૃત્યુથી પિતાના બન્ને ખભા જાણે કે નીકળી જાય છે. બીજું હું શું કહું."

મિત્રોને મળવા ગયા હતા જાવેદ

ઇમેજ સ્રોત, JAMMU KASHMIR POLICE
જાવેદ અહમદના પિતરાઈ ભાઈ મુઝફ્ફર અહમદ ગુરુવારની ઘટનાને યાદ કરતા કહે છે, "રાત્રે આશરે સાડા આઠ વાગ્યા હતા, અમારો ભાઈ જાવેદ ઘર બહાર મિત્રોને મળવા માટે બજાર તરફ ગયો હતો.
"એટલામાં બુમરાણ થઈ, કેટલાંક લોકોએ આવીને કહ્યું કે તમારા ભાઈને ઉઠાવી ગયા છે. અમે જઈને જોયું તો તેમને સાચે જ ઉઠાવી ગયા હતા. તેઓ સફેદ રંગની સૅન્ટ્રો કારમાં આવ્યા હતા. બે-ત્રણ છોકરાઓના મોબાઇલ પણ ઝૂંટવી ગયા હતા.
"સવાર સુધી અમને કોઈ માહિતી ન મળી. રાત્રે સાડા દસ વાગ્યે સેના અને પોલીસની એક ટુકડી આવી હતી. તેમણે રિપોર્ટ લખ્યો. સવારે પાંચ વાગ્યા હતા, અમે સોશિયલ મીડિયા પર જોયું તો જાવેદના મૃતદેહની તસવીર હતી. એ જોઈને અમને ભાન ન રહ્યું."
મુઝફ્ફર આગળ કહે છે, "કોની પાસે જઈએ? અમને તો ખ્યાલ જ નહોતો કે કોણ જાવેદને ઉઠાવીને લઈ ગયું હતું. સૌથી મોટો પ્રશ્ન જ એ હતો કે કોણ ઉઠાવીને લઈ ગયું?"
જાવેદના મૃત્યુ અંગે તેમણે કહ્યું, "આ તો અમારી કમનસીબી છે. અમે તો આ પ્રકારની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ."

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
મુઝફ્ફર કહે છે કે હવે જે પીડા છે, એ હૃદયમાં જ રહી ગઈ છે.
જાવેદ અહમદના અન્ય એક સંબંધી બિલાલ અહમદ કહે છે કે જાવેદ તેમના પરિવાર માટે સહારો હતો.
તેઓ કહે છે, "જે રીતે દીકરો તેમના માતાપિતાનો સહારો હોય છે. એ રીતે જ જાવેદ પણ પરિવારનો સહારો હતો. તેમનું મૃત્યુ એ પરિવાર માટે મોટો આઘાત છે."
બિલાલના કહેવા પ્રમાણે, થોડાંક દિવસો બાદ જાવેદના માતાપિતા હજ પર જવાના હતા.
"ઘરમાં જાવેદના માતાપિતા હજ પર જવાની તૈયારી કરતા હતા પણ દીકરાના મૃત્યુના આ સમાચારે આખા પરિવારને ચોંકાવી દીધું છે."

ઉગ્રવાદીઓના નિશાને જવાનો

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
થોડાંક દિવસો પહેલાં સેનાના એક જવાન ઔરંગઝેબનું પણ પુલવામાંથી ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું હતું અને બાદમાં હત્યા કરી દીધી હતી. ઔરંગઝેબ પછી વધુ એક પોલીસ કર્મચારીનું પણ અપહરણ થયું હતું, જેમને ઉગ્રાદીઓએ જીવતા છોડી દીધા હતા.
ગયાં વર્ષે શોપિયાંમાં સેનાના એક લેફ્ટનન્ટ ઉમ્ર ફૈયાઝનું પણ ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું હતું અને બીજા દિવસે તેમનો મૃતદેહ પાસેના ગામમાંથી મળી આવ્યો હતો.
આ બધી ઘટનાઓ દક્ષિણ કાશ્મીરમાં થઈ છે. દક્ષિણ કાશ્મીરને ઉગ્રવાદીઓનો ગઢ મનાય છે.
વર્ષ 2017 અને 2018માં સૌથી વધારે ઉગ્રવાદીઓ દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યા ગયા છે.
પોલીસનું કહેવું છે કે ઉગ્રવાદીઓએ જાવેદનું અપહરણ કરીને હત્યા કરી હતી. છેલ્લાં બે વર્ષોમાં કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલાઓમાં ડઝનો પોલીસકર્મીઓના મૃત્યુ થયા છે.
સેના અને અન્ય સુરક્ષાદળો સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન ઉગ્રવાદીઓના નિશાના પર રહે છે. જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટુકડી ઉગ્રવાદીઓ વિરુદ્ધના અભિયાનોમાં સતત સક્રિય રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












