'આ તે કેવો જેહાદ?' મૃત જવાન ઔરંગઝેબના વડીલોનો સવાલ

ઔરંગઝેબનાં માતા

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબનાં માતા
    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી સંવાદદાતા.

"શું તમને મારા દીકરા પ્રત્યે સહાનુભૂતિ છે?" મૃત જવાન ઔરંગઝેબનાં માતાના આ શબ્દો છે.

તેઓ કહે છે, "જે સહાનુભૂતિ અને આઘાત મને છે, એ બીજા કોઈને નથી. ઔરંગઝેબ જેવો બહાદુર દીકરો ભાગ્યે જન્મે પણ એ અમારી દુનિયાને છોડીને જતો રહ્યો."

ભારત પ્રશાસિત કાશ્મીરના મેંડર, સીરા સૈલાની ગામમાં ઔરંગઝેબના ઘરે હું મોડી રાત્રે પહોંચ્યો હતો. તેમના ઘરે શોકનું વાતાવરણ હતું.

મહિલાઓ અને પુરુષો બંને અલગ અલગ રૂમમાં બેસીને ઔરંગઝેબને યાદ કરી રહ્યાં હતાં.

ફોટો

ઇમેજ સ્રોત, NAZIM ALI MANHAS

ઔરંગઝેબનું ઘર પાકિસ્તાનની સરહદની ખૂબ જ નજીક છે. શ્રીનગરથી મેંડરનું અંતર 200 કિલોમીટર જેટલું છે.

પરિવારના સભ્યોના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

ઔરંગઝેબના માતા રાજ બેગમને પુત્રના મોત બાદ સમગ્ર કાશ્મીર સામે વાંધો છે.

તેઓ કહે છે, "મને કાશ્મીરના લોકો સામે એટલા માટે ફરિયાદ છે કે તેમણે કેવા લૂંટારાઓને અહીં રાખ્યા છે. આવા કાશ્મીર પર વીજળી પડે. એ કાશ્મીરને ગોળી મારો, જેણે મારા પુત્રનો જીવ લઈ લીધો."

line

ઉગ્રવાદીઓએ આ રીતે કર્યું અપહરણ

કાશ્મીર

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના જવાન ઔરંગઝેબની ઉગ્રવાદીઓએ અપહરણ કરીને હત્યા કરી હતી.

ઔરંગઝેબનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં આતંકવાદીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે.

ઔરંગઝેબ હનિફ ઈદની રજા પર તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

અપહરણ બાદ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી ઔરંગઝેબનો મૃતદેહ મળી આવ્યો હતો.

ગુરુવારે ઔરંગઝેબ ઈદની રજાઓમાં ઘરે જઈ રહ્યા હતા. સવારે છ વાગ્યે યુનિટના જવાનોએ એક કાર રોકીને ડ્રાઇવરને ઔરંગઝેબને શોપિયાં સુધી મૂકી આવવા કહ્યું હતું.

ઔરંગઝેબ જે કારમાં ઘરે જવા માટે નીકળ્યા તેને ઉગ્રવાદીઓએ રોકી લીધી અને પૂલવામા જિલ્લાના કાલમપોરા પાસે તેમનું અપહરણ કરી લીધું હતું.

જે બાદ ગુરુવારની રાત્રે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમને શોધખોળ બાદ કાલમપોરાથી 10 કિલોમીટર દૂર ગુસ્સુ ગામ પાસે ઔરંગઝેબનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેમના માથા અને ગળાના ભાગે ગોળીઓનાં નિશાન હતાં.

line

આર્મી પરિવારમાંથી આવતા હતા ઔરંગઝેબ

ઔરંગઝેબનાં પિતા મોહમ્મદ હનીફ

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

મૃતક જવાન ઔરંગઝેબ જમ્મૂ-કાશ્મિરના પૂંચ જિલ્લાના સીરા સૈલાની ગામના વતની હતા.

તેમના પિતા મોહમ્મદ હનીફ પણ સેનામાં ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ પિતા હનીફ અને માતા રાજ બેગમના દસ સંતાનોમાં ઔરંગઝેબ ચોથા નંબરના સંતાન હતા.

અહેવાલ મુજબ ઔરંગઝેબના મોટાભાઈ પણ આર્મીમાં છે અને તેમના બે નાના ભાઈઓ સેનામાં જોડાવા જઈ રહ્યા છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલી મુલાકાતમાં સલાની ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ઇલિયાસે કહ્યું કે ઔરંગઝેબ એક પહેલવાન હતા અને તેમને કુસ્તી કરવી ગમતી હતી.

સેનાના અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યા પ્રમાણે ઔરંગઝેબ 2012માં સેનામાં જોડાયા હતા. 24 વર્ષીય ઔરંગઝેબ જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફેન્ટ્રીમાં ફરજ બજાવતા હતા.

જોકે, હાલ તેઓ શોપિયાંના શાદીમાર્ગ સ્થિત સેનાની 44 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તહેનાત હતા.

ઔરંગઝેબની પાછળ હવે તેમના પત્ની, માતાપિતા અને ત્રણ ભાઈઓ છે.

line

'કાશ્મીરના લોકોએ જ મારા દિકરાને મારી નાખ્યો'

લોકો

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

ઔરંગઝેબના માતા રાજ બેગમ રડતાં રડતાં કહે છે, "મુસલમાન મુસલમાનને મારીને આઝાદ નથી થતા."

"તે નિર્દોષ હતો. મારા પુત્રને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને મારી નાખ્યો."

પુત્રના મૃત્યુ બાદ હવે રાજ બેગમને માત્ર બે ઇચ્છાઓ છે.

તેઓ કહે છે, "એક વખત હું એ ડ્રાઇવરનો ચહેરો જોવા માગુ છું. જે મારા પુત્રને ગાડીમાં બેસાડીને જંગલમાં લઈ ગયો અને પછી એને મારી નાખ્યો."

"બીજી ઇચ્છા એ કે મારે એ જગ્યા જોવી છે, જ્યાં મારા પુત્રની હત્યા કરવામાં આવી."

"અફસોસ એ વાતનો છે કે ખુદ કાશ્મીરીઓએ જ એને મારી નાખ્યો. મારા ઘરમાં સૂનકાર થઈ ગયો."

"હત્યારા એકવાર મળે તો હું તેમને પૂછવા માગુ છું કે કંઈ જોઈતું હતું તો મારી પાસે આવીને માગતા. મારા દીકરા પાસે તો હથિયાર પણ નહોતું. એને મારવો એ આઝાદી નથી."

રાજ બેગમ એ દિવસને યાદ કરે છે, જ્યારે ઔરંગઝેબે તેમને કહ્યું હતું કે તેઓ ઘરે આવી રહ્યા છે.

તેઓ કહે છે કે હું ખુશ હતી કે મારો દીકરો ઘરે આવી રહ્યો છે. સાંજના ચાર વાગ્યા સુધી તે જ્યારે ના આવ્યો, તો મેં ફોન કર્યો પરંતુ ફોન બંધ આવતો હતો.

line

'જો આ જેહાદ હોય, તો અમે તૈયાર છીએ'

ઔરંગઝેબનાં બહેન તાબીના

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબનાં બહેન તાબીના

ઔરંગઝેબના બહેન તાબીના કહે છે, "જે દિવસે ભાઈનો મૃતદેહ ઘરે આવ્યો, ત્યારે વિચાર આવ્યો કે તેમની જગ્યાએ હું મરી ગઈ હોત તો સારું થાત."

આટલું બોલીને તાબીના અટકી જાય છે, તેઓ આગળ બોલી નથી શકતાં અને રડવા લાગે છે.

થોડા સમય બાદ તેઓ શાંત થઈને કહે છે, "હું ઇચ્છું છું કે જે હાલ મારા ભાઈના થયા, તેવા જ હાલ તેમના હત્યારાના પણ થાય"

ઔરંગઝેબના 55 વરસના પિતા મોહમ્મદ હનીફ કહે છે, "જો તેઓ સાચા મુસલમાન હોત અને જેહાદ કરતા હોત તો અમે પણ તેમની સાથે જેહાદ કરતા હોત."

"પરંતુ એક મુસલમાન બીજા મુસલમાનને ક્યારેય મારતો નથી. છુપાઈને હુમલો કરવો એ કાયરતા છે."

તેઓ આગળ કહે છે, "કુરાનમાં લખ્યું છે, મુસલમાન દ્વારા જ મુસલમાનને મારવા એ કેવો જેહાદ છે. એક બાળકને મારવો એ કેવી જેહાદ? "

line

'જો ન્યાય નહીં મળે તો ગળાફાંસો ખાઈ લઈશ'

ઔરંગઝેબનાં પિતા મોહમ્મદ હનીફ

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબનાં પિતા મોહમ્મદ હનીફ

મોહમ્મદ હનીફ કહે છે કે મારા પર અત્યારે શું વીતી રહ્યું છે તે મારા ખુદા જ જાણે છે. મારે ન્યાય જોઈએ છે.

તેઓ કહે છે, "હું ઇચ્છું છું કે મહેબૂબા મુફ્તી અને શેખ સાહેબ(શેખ અબ્દુલ્લા અને તેમના પરિવારને નિશાને લેતા) મને જલદી ન્યાય અપાવે."

"હવે રહી સુરક્ષા અને નરેન્દ્ર મોદીની વાત, તો તેમને મેં 72 કલાકનો સમય આપ્યો છે."

"જો 72 કલાકમાં નિર્ણય નહીં કરે તો તમારા દરબારમાં આવીને હું ગળાફાંસો ખાઈ લઈશ અને મારા પરિવારને પણ ફાંસી આપી દઈશ."

હનીફ કહે છે, "મને જણાવો કે મારા પુત્રએ શું ભૂલ કરી હતી. જો કોઈ ભૂલ કરી પણ હોય તો મને ફોન કરીને બોલાવતા, હું આવી જાત અને સામસામે બેસીને વાત કરી લેતા."

તેઓ કહે છે, "મેં મીડિયામાં હાથ જોડીને તેમને વિનંતી કરી કે ખુદાના વાસ્તે મારા પુત્રને ના મારો. તેમણે રોજા રાખ્યા છે. પરંતુ તે જાલિમોએ ના સાંભળ્યું."

છેલ્લી વખત જ્યારે તેમણે ઔરંગઝેબ સાથે ફોન પર વાત કરી હતી તે યાદ કરતા તેઓ કહે છે, "જે દિવસે તેની સાથે આ ઘટના બની, તે દિવસે સવારે 10:45 વાગ્યે તેનો કૉલ આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે હું ઘરે આવવા નીકળી ગયો છું."

"થોડીવારમાં જ તે બૂમો પાડવા લાગ્યો કે ગાડી રોકો, ગાડી રોકો, ગાડી રોકો, 12 મિનિટ સુધી બૂમોનો અવાજ આવ્યો પરંતુ ગાડી ના રોકાઈ."

line

'ગરીબીના કારણે છોકરાઓ સેનામાં દાખલ થાય છે'

ઔરંગઝેબનાં મામા મોહમ્મદ શરીફ

ઇમેજ સ્રોત, BBC/Majid Jahangir

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબનાં મામા મોહમ્મદ શરીફ

હનીફ કહે છે, "એક ફોજીનો દીકરો જ્યારે રજા પર ઘરે આવે છે, તો ખૂબ ખુશી થાય છે."

"તમને ખબર છે કે ફોજ કેદ જેવી હોય છે. કોઈ ખુશીથી નોકરી કરતા નથી."

ઔરંગઝેબના મામા મોહમ્મદ શરીફ કહે છે કે તેઓ ગરીબ લોકો છે. ઔરંગઝેબ પણ આ ગરીબી સામે જ લડી રહ્યો હતો.

શરીફ કહે છે, "પહેલાં પેટ પૂજા પછી દેશ પૂજા. જો પેટમાં કશુ હશે જ નહીં તો દેશની સેવા કોણ કરશે."

"મહેબૂબા મુફ્તી, શેખ સાહેબ અને વડા પ્રધાન જે કરે છે, તે પોતાના માટે કરે છે. ગરીબ માટે કોઈ કંઈ કરતું નથી."

તેઓ કહે છે,"જો મહેબૂબા મુફ્તી, ફારુખ અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા કંઈ કરી શકતા નથી, તો કાશ્મીર છોડી દે."

"જો તેઓ અમારા માટે કંઈ કરી શકતા નથી તો અમને મોતના મુખમાં કેમ ધકેલે છે. એક મહિના સુધી સીઝફાયર કરવામાં આવ્યો પણ કેમ."

ઈદના દિવસે સમગ્ર પરિવાર ઔરંગઝેબની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ ઈદનો દિવસ આવી રીતે પસાર થશે એવું કોઈએ વિચાર્યું પણ ન હતું.

line

ઉગ્રવાદી સમીર ટાઇગરને ઠાર કરવામાં ભૂમિકા

એવા પણ અહેવાલો છે કે હિઝબુલ મુઝાહિદ્દીનના ઉગ્રવાદી સમીર ટાઇગરને ઠાર કરનારી સેનાની ટીમમાં ઔરંગઝેબ પણ હતા.

જેના કારણે આ બદલો લેવા માટે ઔરંગઝેબની હત્યા કરવામાં આવી હોઈ શકે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને ઔરંગઝેબના પાડોશીઓએ જણાવ્યા પ્રમાણે સમીરને મારનારી ટીમમાં ઔરંગઝેબનો સક્રિય રોલ હતો.

જે બાદ તે ઉગ્રવાદીઓના હિટલિસ્ટમાં આવી ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો