હિંસા વચ્ચે બલૂચિસ્તાનમાં કેવી રીતે જીવે છે લોકો?

- લેેખક, શુમૈલા જાફરી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ચારેય બાજુ સતત ભય અને હિંસાનું વાતાવરણ અને તમે સવારે ઘરેથી નીકળો તો સાંજે જીવતા પાછા આવશો કે નહીં તે વિશે કંઈ જ ન કહી શકાય તેવી અજંપાભરી પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં તમે કેટલું રહી શકો?
જો તમારી મજબૂરી ન હોય તો એક દિવસ પણ ન રહો. પરંતુ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવી તમામ વિષમતાઓ છતાં જીવન પાંગરી રહ્યું છે.
પાકિસ્તાનનો આ સૌથી ગરીબ પ્રાંત બલૂચિસ્તાન હંમેશા ખરાબ કારણોસર સમાચારમાં રહેતો હોય છે.
છતાં અહીંના લોકોને રોજબરોજની જિંદગીમાં માત્ર જીવન ટકાવી રાખવાનો જ નહીં પરંતુ તેમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આશા, ઉમંગ અને શોખને જાળવી રાખવાનો પણ સંઘર્ષ કરવો પડે છે.
બીબીસીનાં શુમૈલા જાફરીએ બલૂચિસ્તાનની મુલાકાત લીધી હતી અને રાજધાની ક્વેટામાં તેઓ છ લોકોને મળ્યાં હતાં.
તેઓ બૅન્ક મેનેજર, પત્રકાર, ડૉક્ટર, વિદ્યાર્થિની, વેપારી અને લઘુમતી સમુદાયના અગ્રણીને મળ્યાં હતાં.
આ દરેકના અનુભવોમાં તમને જાણવા મળશે કે સતત યંત્રણાઓ અને અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ઝબૂકી રહેલાં સપનાં અને આશાઓ તેમને જીવનમાં આગળ વધતા રહેવાનું બળ પૂરું પાડે છે.

બૅન્ક મેનેજરનું ખાનગી જીવન

આ છે રૉક બૅન્ડ મલ્હારના મુખ્ય ગાયક છે યાસિર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવસે તેઓ બૅન્ક મેનેજર તરીકે કામ કરે છે અને રાત્રે ગાયક બની જાય છે.
તેમણે પોતાની સંગીતની ચાહના ખાનગી રાખવી પડે છે, કેમ કે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં ગીત, સંગીત અને નૃત્યની મનાઈ છે.
યાસિર અને તેના મિત્રો સાંજે ભોંયરામાં બનાવેલા રૂમમાં એકઠા થાય છે અને મોજ માટે રૉક સંગીત વગાડે છે. તે પછી બોલીવૂડ ગીતોની ધૂમ મચે છે.
આ બૅન્ડના મોટાભાગના સભ્યો વિદ્યાર્થીઓ છે, જે તેમને વાપરવા મળતા પૈસામાંથી સંગીતનાં સાધનો અને વાદ્યો ખરીદી લાવ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ગાયન વચ્ચે અટકીને વાતચીત કરતા યાસિર કહે છે, "બૅન્કમાં આવતા મારા ગ્રાહકોને આની ખબર પડે તો તેમને ગમે નહીં."
"હું મારા સંગીતને મારા સોશિયલ મીડિયામાં શેર પણ નથી કરતો, કેમ કે મને મારી નોકરી જતી રહે તેવો ડર છે."
આતિફ અસલમના ગીત માટે પોતાના ગિટારના સૂર મેળવવા સાથે યાસિરે પોતાના સંગીત પ્રેમ વિશે અમારી સાથે વાતો કરી.
"અમારો સમાજ હિંસાને કારણે ભોગવી રહ્યો છે. સંગીત વગાડવાનો અમારો હેતુ લોકોને મનોરંજન પૂરું પાડવાનો છે."
મલ્હાર જાહેરમાં સંગીત વગાડી શકે તેવી કોઈ જગ્યા જ નથી.
તેમને ભૂતકાળમાં યુનિવર્સિટીઓમાંથી આમંત્રણ મળ્યું હતું, પણ તેમના કાર્યક્રમોનો કટ્ટરવાદી જૂથોએ વિરોધ કર્યો હતો અને કેટલાક પ્રસંગે મારામારી પણ થઈ હતી.
યાસિર કહે છે, "યુવાનો માટે સ્થિતિ બહુ તંગ છે. તેઓ કેવાં વસ્ત્રો પહેરે છે તે માટે પણ સાવધ રહેવું પડે છે,"
તમે 'વેસ્ટર્ન' કપડાં પહેરો અને લાંબી દાઢી ના રાખો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
સંગીતકાર તરીકે ક્યાંય કામ મળે તેમ નથી તે યાસિર જાણે છે. તેથી પોતાના ભોંયરામાં બનાવેલા રિહર્સલ રૂમમાં સંગીતકાર તરીકેનું સપનું પૂરું કરી લે છે.
"અમારી ઇચ્છા માત્ર લોકોને આનંદ આપવાની છે."

લોકોનું જીવન અને મોત છે જેના હાથમાં

ઑગસ્ટ 2016માં ક્વેટા હૉસ્પિટલની બહાર આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ થયો હતો, ત્યારે સૌથી પહેલાં દોડી જનારા લોકોમાં સામેલ હતાં ડૉક્ટર શેહલા સમી કાકર.
તે દિવસે 70 લોકોનાં મોત થયાં હતાં, જેમાંના મોટાભાગના વકીલો હતા.
તેઓ કહે છે, "ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. કાળો કોટ અને સફેદ શર્ટ પહેરેલા ડઝનબંધ લોકો ત્યાં ફરસ પર જ ઢળી પડ્યા હતા."
ગાયનેકોલૉજિસ્ટ તરીકે કામ કરતા શેહલા કહે છે કે શું કરવું તે જ સમજાતું નહોતું.
હવે તેઓ ક્વેટાની બોલન મેડિકલ કૉમ્પ્લેક્સમાં કામ કરે છે, પણ આ હુમલો જોયા પછી તે પણ પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર (PTSD)નો ભોગ બન્યાં છે.
ડૉ. શેહલા કહે છે કે તેમની ધાર્મિક શ્રદ્ધાને કારણે તે આ મુશ્કેલીમાંથી બહાર આવી શક્યાં છે.
"આ જ સમાજમાં અમારે જીવવાનું છે," તેઓ કહે છે. "કોઈક દિવસ સ્થિતિ થાળે પડશે એવી આશામાં એકએક દિવસ કાઢીએ છીએ."

તેઓ કહે છે કે માત્ર ક્વેટા નહીં, પાકિસ્તાનનાં દરેક મોટાં શહેરોમાં હિંસા થઈ રહી છે.
શેહલા કહે છે, "તમે બહારથી જુઓ ત્યારે એમ લાગે કે અમારું જીવન બહુ આકરું હશે,"
"પણ હું એ વાત સ્વીકારતી નથી. મને અમારી કબીલાઈ માનસિકતા અને શહેરમાં શિસ્તનો અભાવ એ વધારે ખટકે છે."
બલૂચિસ્તાનમાં સ્ત્રીઓને શિક્ષણ મળતું નથી અને સ્વતંત્રતા પણ મળતી નથી એમ તેઓ કહે છે.
"કુટુંબના પુરુષ સભ્યો મહિલા સભ્યો પર જે નિયંત્રણો મૂકે છે તેનાથી હું બરાબર વાકેફ છું. તેમની મેડિકલ સારવારની બાબતમાં પણ નિયંત્રણો હોય છે. મહિલાઓ કોઈ બાબતમાં પોતાનું ધાર્યું કરી શકતી નથી," એમ તેઓ ઉમેરે છે.
આવી મર્યાદાઓ અને સંકુલતા વચ્ચે તેમને સૌથી મોટો પડકાર લાગે છે કે બલૂચિસ્તાન એકથી વધુ કોમથી બનેલું છે.
"અમારે ત્યાં ક્વેટામાં હજારા, પશ્તુન, પંજાબી, ઉર્દૂ અને ફારસી બોલનારા પણ છે" એમ ડૉ. શેહલા કહે છે.
"આ બધાના પોતપોતાના જુદાં જુદાં મૂલ્યો છે અને પરંપરાઓ છે, તેથી તે દરેકની સારવાર કરતી વખતે મારે તેમને ખોટું ના લાગી જાય તે જોવાનું રહે છે."

ગોળીઓનો સામનો કરતા પત્રકાર

ખલીલ અહમદ બલૂચિસ્તાન યુનિયન ઑફ જર્નાલિસ્ટના પ્રમુખ છે.
ક્વેટા પ્રેસ ક્લબમાં આવેલી તેમની ઓફિસમાં ચારેય બાજુ તારની વાડ લગાવેલી છે, ત્યાં સતત સશસ્ત્ર ચોકિયાતોનો ચોકી પહેરો રહે છે.
જોકે, જોખમની વાતને તેમણે સહજ રીતે સ્વીકારી લીધી છે.
તેઓ કહે છે, "અહીં અપહરણ કરવાની પરંપરા નથી, તમે નિશાન પર હોવ તો ગોળી મારીને કાયમ માટે ચૂપ કરી દેવામાં આવે છે."
બલૂચિસ્તાનમાં છેલ્લા એક દાયકામાં 38 પત્રકારોની હત્યા થઈ છે.
તાલિબાન, અલ-કાયદા, બલૂચ વિભાજનવાદીઓ અને સાંપ્રદાયિક જૂથો પત્રકારોને નિશાન બનાવે છે.
સેના અને રાજ્ય સરકાર દ્વારા પણ પત્રકારોનું એન્કાઉન્ટર થઈ જાય છે, પણ સત્તાવાળાઓ તે વાતનો ઇન્કાર કરે છે.
ખલીલ ચોગાનમાં આવીને ઊભા રહ્યા ત્યારે બહાર વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
તેઓ કહે છે, "તમે અમુક ભાષામાં જ વાત કરી શકો છો. તમે તમારા વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકતા નથી,"

પાકિસ્તાનનો વિરોધ કરનારા બલૂચ વિભાજનવાદીઓ વિશે તમે વાત કરો તો પણ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
આ અંગેના અભિપ્રાયો વ્યક્ત કરનારા 18 પત્રકારો સામે એન્ટી ટેરરિઝમ કાયદા હેઠળ કેસ ચાલી રહ્યા છે.
સરકારે વારંવાર વચન આપ્યા પછીય આ કેસો બંધ કરી દેવાયા નથી.
ખલીલ કહે છે, "વિભાજનવાદીઓ અને ઉદ્દામવાદીઓ અમને ધમકાવતા હોય છે કે તમારાં બાળકો વિશેની બધી જાણકારી અમારી પાસે છે. ગમે ત્યારે તેમને નિશાન બનાવી શકીએ છીએ,"
18 વર્ષથી પત્રકારત્વ કરી રહેલા ખલીલ હજી પણ હાર્યા નથી.
તેઓ કહે છે. "આ અમારું કામ છે. કઈ રાતે કબરમાં જઈને પોઢી જવાનું છે તે બદલી શકવાના નથી. તો પછી શેની ફિકર કરવાની?"

મોતના ઓછાયામાં

નસીમ જાવેદ પોતાના લોકોની વચ્ચે ઘેટ્ટોમાં રહેવા માટે મજબૂર છે. હજારા અને શિયા તરીકે તે લઘુમતીમાં છે.
છેલ્લા એક દાયકામાં અનેક લોકો હુમલામાં અને આત્મઘાતી વિસ્ફોટમાં માર્યા ગયા છે.
ક્વેટાથી થોડે દૂર આવેલા મરિયાબાદમાં હજારા અને શિયાઓએ આશરો લીધો છે.
અંદર જવા માટે એક જ રસ્તો છે અને ત્યાં ચોવીસે કલાક ચોકી પહેરો હોય છે. જોકે, તે પછીય હજારા પરના હુમલા અટક્યા નથી.
નસીમ કહે છે, "સિનેમા હોલને તોડી પડાયા છે. બજારો બંધ થઈ ગઈ છે. આર્ટ ગેલેરી અને થિયેટરો ખંડેર થઈ ગયાં છે, આવા માહોલમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે."
એક ટેકરી પર આવેલા શહીદોના કબ્રસ્તાન, 'કબ્રસ્તાન-એ-શુહદા' પાસે રોજ સાંજે પુરુષો એકઠા થાય છે. પથ્થરો ફેંકીને રમવાની 'સેંગ ગિરાગ' નામની દેશી રમત તે લોકો રમે છે.
કેટલાક લોકો રમીને સમય પસાર કરતા હોય ત્યારે કેટલાક લોકો દૂર ઢળતા સૂરજને જોતા રહે છે અને ફારસીમાં ગવાતી કવ્વાલીઓ સાંભળે છે.
આ બધા વચ્ચે નસીબ જાવેદ બહુ નાનો છે, પણ છતાંય ત્યાં જાય છે.
નસીમ કહે છે, "અમે સતત મોતના ઓછાયા નીચે જીવીએ છીએ,"
"જે દેશ છોડીને જઈ શકે તેમ છે તે લોકો તો જતા રહ્યા છે. યુવાનોને લાગે છે કે અહીં કોઈ ભવિષ્ય નથી. તે લોકોનું એક જ લક્ષ્ય હોય છે - અહીંથી ભાગી છૂટવું."
"કોઈવાર હિંસામાં થોડો ઘટાડો થાય ત્યારે તેમને આશા બંધાતી હોય છે. પણ ફરી તે આશા તૂટી જાય છે."
"લોકોને લાગે છે કે ફરી સામાન્ય જીવન જીવી શકાશે, પણ વધુ એકવાર લોહિયાળ હુમલા સાથે હતાશા ઘેરી વળે છે," એમ કહીને નસીમ ઉમેરે છે કે દુવા માગ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

આશાવાન એક વિદ્યાર્થી...

23 વર્ષનાં પત્રકારત્વનાં વિદ્યાર્થિની શેહનીલા મન્ઝૂર બહુ બોલકાં છે.
તેઓ ચોખ્ખી વાત કરે છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે અને જરાય સમય બગાડવામાં માનતાં નથી.
તેઓ કહે છે, "સ્થિતિ સુધરી રહી છે. હું અહીં મારી ઘણી સખીઓ સાથે બેઠી છું. બીજા લોકો પણ ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવી રહ્યા છે. તે જ દેખાડે છે કે સુધારો થઈ રહ્યો છે."
જોકે, બલૂચિસ્તાન યુનિવર્સિટીમાં ભણી રહેલાં શેહનીલા જોખમ કેવું છે તે બાબતથી અજાણ નથી. પરંતુ તેના કારણે હિંમત ન હારી જવી જોઈએ એમ તેઓ માને છે.
તેઓ કહે છે, "કોઈ વસ્તુ વારે વારે થવા લાગે, પછી લોકો તેની સાથે જીવવાની આદત કેળવી લે છે."
જોકે, પોતે અત્યારે જે સ્થિતિમાં છે ત્યાં તેમની કારકિર્દી માટે કોઈ તક નથી એમ પણ તેઓ કબૂલ કરે છે.
શેહનીલા કહે છે, "બીજા પ્રાંતના વિદ્યાર્થીઓ સાથે અમે સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ જુદા લેવલે છે. જોબ મેળવવાની બાબતમાં તેમની સાથે અમે સ્પર્ધા કરી શકીએ તેમ નથી."
મહિલાઓના ઉત્થાન આડે કબીલાઓની રૂઢિચુસ્ત માનસિકતા સૌથી મોટો અવરોધ છે એમ શેહનીલા માને છે.
પોતાની ટેલેન્ટ અહીં વેડફાઈ જશે એમ માનીને યુવાનો બલૂચિસ્તાન છોડી રહ્યા છે, ત્યારે પણ તે આશા છોડવા માગતાં નથી.
"ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અહીંથી પસાર થઈ રહ્યો છે. તેના કારણે નવા બિઝનેસ ઊભા થઈ રહ્યા છે. નવી શિક્ષણ વ્યવસ્થા પણ ઊભી થઈ રહી છે."
તેમને આશા છે તેનો ફાયદો મળશે અને બીજા લોકો પણ અહીં રોકાઈ જશે.

રોકાવા ના માગતા મોચી

અસમતુલ્લા ખાનની દુકાન ક્વેટાની જૂની બજારમાં છે. તેમનું કુટુંબ 1982થી અહીં દુકાન ધરાવે છે. તેમના પિતાના મોત પછી તેમણે દુકાન સંભાળી લીધી છે.
બ્રાઉન લેડીઝ ચપ્પલને પૉલિશ કરતાં કરતાં અસમતુલ્લા કહે છે, "ઘરાકો બહુ રહ્યા નથી અને ધંધામાં પણ કંઈ રહ્યું નથી."
"પહેલાંના જમાનામાં દુકાનદારો અને ઘરાકો ડર્યા વિના જીવતા હતા."
હાશમી માર્કેટ એક જમાનામાં ખરીદીનું સ્થળ હતું. પંજાબ અને સિંધ પ્રાંતમાંથી પ્રવાસીઓ અહીં ખરીદી કરવા આવતા હતા.
ક્વેટામાં મૂકાયેલી સેનાના પરિવારજનો પણ અહીં ખરીદી કરવા આવતા.
પરંતુ છેલ્લા એક દાયકામાં હિંસામાં વધારો થયા પછી પ્રવાસીઓ આવતા બંધ થઈ ગયા છે.

સૈનિક પરિવારો હવે બેરેકની બહાર નીકળતા નથી.
"રોજના અમે 90,000 પાકિસ્તાની રૂપિયા કમાતા હતા. હવે માંડ માંડ 10,000 રૂપિયાનો ધંધો થાય છે."
અસમતુલ્લા કહે છે કે પહેલાં કરતાં હવે ઓછા હુમલા થાય છે, પણ લોકોના મનમાંથી ડર જતો નથી.
તેઓ કહે છે, "હું રોજ સવારે ઘરેથી નીકળું ત્યારે મારી અમ્મી કુરાનની આયાત બોલે છે જેથી હું સલામત પાછો ઘરે આવી શકું."
"હું મારા બાળકોની પાયાની જરૂરિયાતો પણ પૂરી કરી શકતો નથી. અમારું જીવનધોરણ બહુ કથળી ગયું છે,"
"જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો ધંધો બંધ કરવો પડશે અને મારે દુબઈ જવું પડશે, કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















