પાકિસ્તાનના ઇતિહાસમાં જલિયાંવાલાને કેમ સ્થાન નહીં? : એક પાકિસ્તાનીનો પ્રશ્ન

જલિયાંવાલા બાગનું સ્મારક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તાહિર સંધુ
    • પદ, બીબીસી માટે, લાહોરથી

એવું માની શકાય નહીં કે જલિયાંવાલા બાગ હત્યાકાંડે સ્વતંત્રતા આંદોલનને એક વળાંક નહોતો આપ્યો કે અલગ પાકિસ્તાન માટેના આંદોલનનો એ ભાગ નહોતો.

એ વાત જ એકદમ ઢંગધડા વગરની છે કે જલિયાંવાલા બાગ કાંડનો ઉલ્લેખ પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) માટેના વિચારમાં પરિવર્તન લાવી શકે એમ છે.

એ હકીકત સ્વીકારવી જ પડશે કે આઝાદીની લડાઈમાં જે લોકોએ ભાગ લીધો છે અને એ તમામ કે જે આ સંઘર્ષમાં શહીદ થયા એ અલગ પાકિસ્તાનના વિરોધી નહોતા.

તેઓ 'ટૂ નેશન થિયરી'ના વિચારને કોઈ હાનિ પણ પહોંચાડે એમ નહોતા.

એટલે જ, એમ કહેવું બિલકુલ અતિશ્યોક્તિ નહીં લેખાય કે અલગ પાકિસ્તાન માટેનું જે આદોલન ઊભું થયું એમાં જલિયાંવાલા હત્યાકાંડનો પણ ફાળો છે જ.

એટલે જ આ દેશ (પાકિસ્તાન)ના પાયામાં એ શહીદોનું લોહી ભળેલું છે જ.

13 એપ્રિલ, 1919નો એ દિવસ. એ દિવસે વૈશાખી હતી અને જલિયાંવાલા બાગમાં લોકો રૉલેટ ઍક્ટના વિરોધમાં એકઠા થયા હતા.

એ હજારો નિશસ્ત્ર લોકો પર ગોળી ચલાવવા માટે જનરલ ડાયરે આદેશ આપ્યો હતો.

આ નૃશંસ હત્યાકાંડમાં મોટા પ્રમાણમાં શીખ, હિંદુ અને મુસલમાન માર્યા ગયા હતા. તેઓ પંજાબની ધરતીને આઝાદ કરવા માટે શહીદ થયા હતા.

આ હત્યાકાંડ બાદ જ જનરલ ડાયરને ઇતિહાસના સૌથી મોટા વિલન ગણાવાયા અને 'અમૃતસરના કસાઈ' તરીકે ઓળખાવાયા.

બ્રિટિશરાજમાંથી મુક્તિ મેળવવા માટે પંજાબમાં તમામ ધર્મના લોકોએ સાથે મળીને સંઘર્ષ કર્યો હતો. આ એ જ સંઘર્ષ હતો કે જે 1857થી ચાલુ હતો.

line

લોહીનો એક જ રંગ

જલિયાંવાલા બાગના સ્મારકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને આ સંઘર્ષ વધુ તેજ થયો. અંગ્રેજ શાસન વિરુદ્ધ સ્થાનિક સ્તરે, ખાસ કરીને અમૃતસર, લાહોર, કસુર અને ગુજરાંવાલામાં લોકોએ આઝાદીના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો.

બ્રિટિશ નીતિઓ અને કાયદા વિરુદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો વેગ પકડવાં લાગ્યાં.

અંગ્રેજોએ ગંભીરતા સમજીને રૉલેટ ઍક્ટ લાગુ કરી દીધો. એ કાયદામાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનારા અને વિદ્રોહીઓને પકડવા અને જેલમાં ધકેલી દેવાના આદેશ હતા.

આ કાયદા વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસલમાન એકઠા થઈને વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હતા.

એટલે ગુપ્ત જાણકારીને આધારે, બ્રિટિશ સરકારે એ સભાને સંબોધન કરનારા સૈફુદીન કિચલુ અને સત્ય પાલ જેવા નેતાઓની 10 એપ્રિલ, 1919ના રોજ ધરપકડ કરી લીધી.

તમે આ વાંચ્યું કે નહીં?

13મી એપ્રિલ, 1919ની સભાની એક માગ આ નેતાઓને મુક્ત કરાવવાની પણ હતી.

સભાના આયોજનની જવાબદારી ડૉ. મોહમ્મદ બશીરને માથે હતી.

એ સભામાં મુસલમાન, હિંદુ અને શીખોએ એક મંચ પર એકઠા થઈને સાબિત કર્યું હતું કે આઝાદીની લડાઈમાં તમામ લોકો એક સાથે જ હતા.

એ જલિયાંવાલા બાગની અંદર જે હજારો લોકોનું લોહી વહ્યું એનો રંગ એક જ હતો. એમાં હિંદુ, શીખ કે મુસલમાનનું અલગ લોહી નહોતું.

એ જ રીતે જનરલ ડાયરે પણ ગોળી ચલાવતા પહેલાં નહોતું પૂછ્યું કે કોણ હિંદુ છે, કોણ મુસલમાન છે અને કોણ શીખ?

line

આઝાદીનો પાયો

જલિયાંવાલા બાગના સ્મારકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ હત્યાકાંડના શહીદોના લોહીનો એવો તે રંગ ચડ્યો કે દેશ આખામાં આઝાદીનો અવાજ બુલંદ થઈ ગયો.

ગુજરાંવાલા, કસૂર અને લાહોરમાં હત્યાકાંડ વિરુદ્ધ પ્રદર્શનો થવાં લાગ્યાં.

જેને રોકવા માટે વિમાનોમાંથી બૉમ્બ ફેંકવામાં આવ્યા. તોપોનો પણ ઉપયોગ કરાયો અને ફાંસીઓ પણ અપાઈ.

એમ છતાં આઝાદી માટે નીડર સ્વતંત્રતા સેનાનીઓ લડતા રહ્યા. અલગ-અલગ આંદોલનો ચલાવતા રહ્યા.

ધાર્મિક અને રાજકીય દળો પોતપોતાની રીતે સ્વતંત્રતા માટે સંઘર્ષ કરતા રહ્યા.

આ તમામ અલગ-અલગ હતા પણ જલિયાંવાલા બાગના શહીદોનાં સપનાં પૂરાં કરવા માટે એ તમામ એક જ હતા.

જલિયાંવાલાની આ ઘટનાએ હિંદુસ્તાનની આઝાદીનનો પાયો મજબૂત કર્યો અને 1947માં ભારત અને પાકિસ્તાનના રૂપે આપણને આઝાદી મળી.

આ ઘટનાનાં 42 વર્ષ બાદ અને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતાનાં 14 વર્ષ બાદ 1961માં જલિયાંવાલા બાગમાં શહીદો માટે એક સ્મારકનું નિર્માણ કરાયું.

જોકે, આજ સુધી પશ્ચિમ પંજાબ કે પાકિસ્તાન આખામાં સરકાર તરફથી જલિયાંવાલા બાગના શહીદો અને આઝાદીના સંઘર્ષમાં સામેલ સ્વતંત્રતા સેનાનીઓને ક્યારેય યાદ કરવામાં આવ્યા નથી.

તેમના વિશે ન તો કોઈ કાર્યક્રમ કરાયો, ન તો કોઈ યોજના બનાવાઈ કે ન કોઈ સેમિનારનું આયોજન કરાયું.

line

શહીદો ભુલાયા?

જલિયાંવાલા બાગનું સ્મારક

ઇમેજ સ્રોત, Getty Images

મને એક સાવ સામાન્ય વિચાર આવે છે કે અમૃતસર તો ભારતમાં છે અને વૈશાખી તો શીખોનો ધાર્મિક તહેવાર છે.

શું એટલે મોટા મોટા મુસલમાન નેતાઓ આ સમગ્ર ઘટના પર ચૂપ રહ્યા?

મુસ્લિમ લીગે રાજકીય દળ તરીકે ના તો આ માટે કોઈ ભલામણ કરી કે ના તો એમણે હત્યાકાંડ બાદ કોઈ વિરોધ-પ્રદર્શન કર્યું.

પાકિસ્તાન માટે માત્ર 'ટૂ નેશન થિયરી'નો વિચાર જ મહત્ત્વનો બની ગયો. પણ એ વિચાર અને આ હત્યાકાંડના વિચાર વચ્ચે કોઈ જ મેળ નથી.

પાકિસ્તાનનો ઇતિહાસ આ હત્યાકાંડનાં કેટલાંય વર્ષો બાદ શરૂ થયો.

આ પહેલાં બ્રિટિશરાજની ગુલામાંથીમાં મુક્તિ મેળવવા માટે આંદોલન ચાલી રહ્યાં હતાં. એમનું પ્રેરણાસ્રોત જલિયાંવાલા બાગ જ હતો.

મુસ્લિમ નેતાઓના અલી બંધુ (મૌલાના મોહમ્મદ અલી જૌહર, મૌલાના શૌકત) અને પ્રમુખ નેતાઓના પ્રયાસોથી પાકિસ્તાન તો બન્યું જ પણ, એ તમામ જલિયાંવાલાના શહીદોના પક્ષમાં પણ ઊભા રહ્યા હતા.

તેમણે બ્રિટિશ સરકારના અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યાં હતાં અને એ તમામનાં નામ પાકિસ્તાન બનાવનારાઓની સૂચીમાં સામેલ પણ હતાં.

જે લોકો પોતાની ધરતીને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી ગયા એમને યાદ પણ કરવામાં નથી આવતા.

એમનાં બલિદાનો સામે ધાર્મિક, વૈચારિક અને રાજકીય પ્રશ્નો ઊભા કરીને ઇતિહાસમાંથી હાંકી કાઢવામાં આવે છે.

જલિયાંવાલાનો ઉલ્લેખ પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યાંય નથી મળતો. આ હત્યાકાંડ માટે પાકિસ્તાની સ્કૂલ કે કૉલેજમાં પણ ભણાવાતું નથી.

line

પાકિસ્તાનમાં કોણ યાદ કરે?

જલિયાંવાલા બાગનું સ્મારક

ઇમેજ સ્રોત, Getty Images

હાં! પાકિસ્તાનમાં અમુક હદ સુધી સાંસ્કૃતિક ક્ષેત્રોમાં લેખકોનાં સંગઠનો અને બુદ્ધિજીવીઓના વિચારોમાં જલિયાંવાલાનો ઉલ્લેખ ચોક્કસથી આવે છે.

વાર્તાકાર સઆદત હસન મંટોની કેટલીક વાર્તાઓમાં જલિયાંવાલાના હત્યાકાંડનો ઉલ્લેખ આવે છે.

એ રીતે તેઓ એ સ્વતંત્રતા સેનાનીઓને સતત યાદ કરતા રહે છે.

પાકિસ્તાન ટેલિવિઝનના પ્રખ્યાત પ્રેસેન્ટર હુસૈન તારડે 13 એપ્રિલ, 2016ના રોજ 'નઈ બાત જર્નલ'માં 'મારું નાટક જલિયાંવાલા બાગ કે જે પાકિસ્તાનનો ઇતિહાસ પણ છે' વિષય પર એ હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે, 'જલિયાંવાલા બાગની અંદર પંજાબના નિશસ્ત્ર લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી હતી.

આઝાદીના દીવાનાઓએ પંજાબની ધરતી માટે પોતાના જીવની આહુતિ આપી હતી.

પણ, એ બલિદાનને પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યાંય સ્થાન નથી અપાયું. કોઈ પણ સરકારી વિભાગે એ બલિદાન માટે કોઈ જ કામ નથી કર્યું.'

તેમણે પાકિસ્તાન ટીવીની નીતિઓ અંગે સ્પષ્ટ લખ્યું છે કે 'જલિયાંવાલા બાગનો પાકિસ્તાનના ઇતિહાસ સાથે કોઈ જ સંબંધ નથી અને એટલે જ 'જલિયાંવાલા બાગ નાટક' પીટીવી પર રજૂ થઈ શક્યું નહીં.'

એજાઝ મીરે 19 માર્ચ, 2014માં પોતાના એક લેખ 'ઇંકલાબ કા આફાકી પૈગામ ઔર તક્સિમ-એ-હિંદ'માં જલિયાંવાલા બાગના હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો અને એવું પણ લખ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રીય શાયર અલ્લામા ઇકબાલ પણ આ ઘટના અંગે ચૂપ જ રહ્યાં.

'જંગ' અખબારમાં 12 ઑગસ્ટ, 2013ના રોજ 'આવો! આઝાદીની લડતના એક હીરોને યાદ કરીએ' વિષય પર શહીદ જતોઈએ ઉધમ સિંઘ અને જલિયાંવાલા બાગના શહીદોને પાકિસ્તાનના ક્વેટાની સિવિલ હૉસ્પિટલમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો સાથે સરખાવ્યા.

13 એપ્રિલ, 2017ના રોજ આ હત્યાકાંડ પર તનવીર જહાંએ 'જલિયાંવાલા બાગ પર ક્યા ગુઝરી' નામના લેખમાં 'આપણે બધા' લખ્યું હતું.

શીન શૌકતે 23 માર્ચ, 2018એ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર જાણકારી આપતો એક લેખ 'મશરીક' લખ્યો.

line

પાકિસ્તાન પાસે આશા

જલિયાંવાલા બાગના સ્મારકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ ઉપરાંત પાકિસ્તાનના અન્ય એક અખબાર અને પત્રિકાઓમાં જલિયાંવાલા બાગ અંગે એક લેખ છપાયો હતો.

જેમાં એ હત્યાકાંડને યાદ પણ કરાયો હતો અને એના શહીદોને જુલમી અને શક્તિશાળી શાસકો વિરુદ્ધ લડનારા બહાદુરોનાં પ્રતીક પણ ગણાવાયાં હતાં.

માર્ચ 2018ના રોજ કરાચીમાં 'હવા કુછ યૂં'ના નામે એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેના લેખક પ્રસિદ્ધ અભિનેતા સાજિદ હસન હતા.

આ નાટકમાં જલિયાંવાલા બાગનો માહોલ ઊભો કરાયો હતો.

આજના સમયમાં સોશિયલ મીડિયા પણ એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. જેના થકી પાકિસ્તાનના લોકો સુધી જલિયાંવાલા બાગની ઐતિહાસિક સચ્ચાઈ પહોંચી શકે એમ છે.

આનો સ્વીકાર કરવા માટે સરકાર પર દબાણ પણ લાવી શકાય એમ છે.

આગામી વર્ષે એટલે કે વર્ષ 2019 જલિયાંવાલા બાગનું શતાબ્દી વર્ષ છે અને પાકિસ્તાનની સરકાર (ખાસ કરીને પંજાબ રાજ્યની સરકાર)થી એવી આશા રાખી શકાય કે જલિયાંવાલા બાગના શહીદોને સરકારી રીતે પણ યાદ કરવામાં આવે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો