ફક્ત ચૌરીચૌરાની હિંસાને કારણે ગાંધીજીએ અસહકારની લડત મોકૂફ રાખી?

બાપુ બોલે તો.. ચોરી ચૌરા
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અસહકારની જામેલી લડતને અધવચ્ચે આટોપી લેવાનો ગાંધીજીનો નિર્ણય યોગ્ય હતો? ગાંધીજીએ ચૌરીચૌરાની હિંસાથી લાગેલા આઘાતનો તે ઉતાવળિયો પ્રત્યાઘાત હતો? હાથવેંતમાં આવેલું સ્વરાજ આ નિર્ણયથી દૂર ચાલ્યું ગયું? દેશના બીજા ઘણા નેતાઓને શા માટે ગાંધીજીનો એ નિર્ણય ન ગમ્યો?

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

અસહકારની અનોખી લડત

બાપુ, બોલે તો...

૧૯૧૯માં પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને લશ્કરી કાયદા અંતર્ગત ઘણા અત્યાચાર થયા હતા.

કોંગ્રેસની માગણી છતાં અંગ્રેજ સરકારે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લીધાં નહીં.

ઉપરાંત ભારતીય મુસ્લિમો માટે ખિલાફતનો પ્રશ્ન પણ સળગતો હતો.

તેના વિરોધમાં ગાંધીજીએ વ્યક્તિગત અસહકાર શરૂ કર્યો અને સપ્ટેમ્બર, ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં કોંગ્રેસે અસહકારનો કાર્યક્રમ અપનાવ્યો.

લડત સરખી રીતે ચાલે તો એક વરસમાં સ્વરાજ મળે એવી તીવ્ર અપેક્ષા ગાંધીજીએ વ્યક્ત કરી. શાળાકૉલેજો અને ચૂંટણીઓનો પણ બહિષ્કાર શરૂ થયો.

અભૂતપૂર્વ એવી અહિંસક લડતમાં, અત્યાર લગી અંગ્રેજ સરકારથી ડરતા હજારો લોકો જેલમાં ગયા. આખા દેશના માહોલમાં જાણે વીજળીનો સંચાર થયો.

અસહકારની લડતના ભાગરૂપે બારડોલીમાં કરવેરા નહીં ભરવાની લડત ચાલુ થવાની હતી, પરંતુ ૫ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ સમાચાર આવ્યા કે સંયુક્ત પ્રાંતના (હાલના ઉત્તર પ્રદેશના) ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામે હિંસાની ઘટના બની.

ખેડૂતોના ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસચોકી સળગાવી દીધી અને હેરાનગતિ કરનાર પોલીસોની હત્યા કરી નાખી.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

ગાંધીજીની આરંભિક પ્રતિક્રિયા

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ચૌરીચૌરાના ખબર આવ્યા, એ સાથે જ ગાંધીજીએ લડતમોકૂફી જાહેર કરી ન હતી.

આ બનાવ પછી પ્રગટ થયેલા 'નવજીવન'ના અંકમાં ગાંધીજીએ 'ગોરખપૂરનો ગુન્હો' એવા મથાળા હેઠળ નોંધ લખી હતી.

ત્યારે બનાવની પૂરી વિગતો પણ આવી ન હતી. છતાં ગાંધીજીએ લખ્યું હતું, 'મારે સારૂ ને પ્રત્યેક સમજુ અસહકારીને સારૂ આ નીચું જોવડાવનારનો બનાવ બન્યો છે. બીજા ખબરો પણ એવા છે કે શાંતિને વિશે તે આપણને શંકિત કરે છે.' (નવજીવન, 12 ફેબ્રુઆરી, 1922, પૃ.188)

આમ, પહેલી પ્રતિક્રિયામાં પણ ગાંધીજીએ એવો ઈશારો મૂક્યો છે કે સવાલ ફક્ત ગોરખપુરના બનાવનો નથી. બીજા સમાચારોનો પણ મુદ્દો છે.

નોંધના અંતે તેમણે લખ્યું હતું, 'આ સંગ્રામ નવા પ્રકારનો છે...આ લડત વેર વધારવાની નથી, પણ વેર મટાડવાની છે...ગોરખપુર જીલ્લાના લોકોના પાપને સારૂ હું તો સૌથી મોટો જવાબદાર છું. પણ દરે શુદ્ધ અસહકારી પણ જવાબદાર છે'.

'તેનું સૂતક આપણે બધાયે પાળવું જોઈશે, પણ વધારે વિચાર તો વધારે ખબર પડ્યે જ થઈ શકે. ઇશ્વર હિંદુસ્તાનની ને અસહકારીઓની લાજ રાખો.'

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લડતમોકુફીનો નિર્ણય અને ઉપવાસ

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

વધુ વિગતો મળતાં ગાંધીજીએ બે નિર્ણય લીધાઃ લડત પાછી ખેંચવી અને પ્રાયશ્ચિત તરીકે પાંચ દિવસના ઉપવાસ કરવા. 16 ફેબ્રુઆરી, 1922ની તારીખ ધરાવતા 'નવજીવન'ના ખાસ અંક 13માં તેમણે 'ઘરનો ઘા' એવા મથાળા સાથે ત્રણ પાનાંનો લેખ લખ્યો.

તેમાં એમણે 1919માં રોલેટ અઍક્ટની લડત વખતે થયેલી હિંસક ઘટનાઓની યાદ તાજી કરી અને તેને પોતાને મળેલી ચેતવણી તરીકે ગણાવી.

આવી 'બીજી ગંભીર ચેતવણી' હતી મુંબઈમાં ઇંગ્લેન્ડના પ્રિન્સના આગમન વખતે થયેલાં તેમના સમારંભનો બહિષ્કાર કરનારાએ કરેલાં તોફાન.

તેના કારણે બારડોલીમાં શરૂ થનારો સત્યાગ્રહ તેમણે મુલતવી રાખ્યો.

ગાંધીજીએ લખ્યું હતું, 'મદ્રાસની ટોળાશાહીએ મને વળી ચેતવ્યો. પણ મેં તે ચેતવણી ગણકારી નહીં. અંતે ઇશ્વરે ચૌરીચોરા મારફતે પાકે પાયે મારા કાન ઉઘાડ્યા.' (નવજીવન ખાસ અંક 13, 16 ફેબ્રુઆરી, 1922, પૃ.૪)

બારડોલીથી શરૂ થયેલી સવિનય કાનૂનભંગની લડત સફળ થઈ જાય અને ધારો કે અંગ્રેજ સરકાર જાય તો પણ ગુંડા લોકો પર કોણ લગામ રાખશે? એ ગાંધીજીનો સીધો સવાલ હતો.

ચૌરીચૌરામાં પોલીસે લોકોને બહુ પજવ્યા હતા, એટલે લોકોએ બદલો લીધો--એવી વાત હતી, પણ ગાંધીજીએ કહ્યું કે આવી હત્યાનો કોઈ રીતે બચાવ થઈ શકે નહીં.

લડતમોકૂફીથી અંગ્રેજ સરકાર રાજી થાય ને કોંગ્રેસનું ખરાબ દેખાય, તો પણ 'પ્રતિજ્ઞાના ભંગ કર્યાનું અને ઇશ્વરને બેવફા બન્યાનું પાપ માથે લેવા કરતાં ડરપોક અને નબળા નીવડ્યાનું તહોમત માથે લેવું હજાર દરજ્જે બહેતર છે.

આપણા અંતરાત્મા આગળ જૂઠા નીવડવા કરતાં દુનિયા આગળ જૂઠા દેખાવું એ કરોડ ગણું સારું છે.' એવું તેમણે લખ્યું.

પાંચ દિવસના ઉપવાસને તેમણે પ્રાયશ્ચિત અને સજા તરીકે ગણાવ્યા અને કહ્યું કે તેમનું જોઈને બીજા કોઈએ ઉપવાસ કરવા નહીં.

પોતાની જાતને 'શસ્ત્રવૈદ' તરીકે ઓળખાવીને ઑપરેશનમાં નિષ્ફળતા મળ્યાનું કબૂલ્યું અને કહ્યું કે 'મારે જ કાં તો ધંધો છોડી દેવો રહ્યો, નહીં તો તેમાં વધુ પ્રવીણતા મેળવવી રહી.'

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

સાથીદારોની પ્રતિક્રિયા, ગાંધીજીની પ્રતીતિ

ગાંધીજી

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION

લડતમોકૂફીની જાહેરાતથી ફક્ત બારડોલીના લોકોમાં જ નહીં, કોંગ્રેસના કાર્યકરો અને ટોચના નેતાઓમાં પણ હતાશા વ્યાપી.

ગાંધીજીના સચિવ-સાથી મહાદેવ દેસાઈએ પણ તેમના પગલા વિશે સ્પષ્ટ અને કંઇક તીખો વિરોધ નોંધાવ્યો હતો. (અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ.262-267)

એ વખતે જેલમાં રહેલા પંડિત નહેરુ અને બીજા સાથીદારો લડત બંધ થવાના સમાચારથી 'ખૂબ ચિડાયા.'

તેમને થયું કે ચૌરીચૌરા જેવી 'ખૂણેખાંચરે આવેલી' જગ્યાના ઉશ્કેરાયેલા લોકોને સ્વરાજયુદ્ધ કેવી રીતે બંધ થઈ શકે?

બારડોલીમાં લડતના કામ માટે રહેલા વિઠ્ઠલભાઈ પટેલે પણ ગાંધીજીના નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી.

સામાન્ય માન્યતા એવી છે અને પાઠ્યપુસ્તકોમાં પણ એવું જ આવે છે કે ચૌરીચૌરાની હિંસક ઘટનાથી વ્યથિત થઈને ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું.

પણ એ છાપ સાચી નથી. 'નવજીવન'નાં લખાણોમાં તેમણે ચૌરીચૌરા પહેલાંના હિંસક સિલસિલાનો ઉલ્લેખ કર્યો હતો.

છતાં, પોતાના નિર્ણયથી સાથીદારોને કેવો આંચકો લાગ્યો છે, તે ગાંધીજી બરાબર સમજતા હતા. તેમણે સવિનય કાનૂનભંગ માટે જેલમાં ગયેલા જવાહરલાલ નહેરુ માટે એક પત્ર લખ્યો.

તેમાં પૂરી મક્કમતાથી પોતાનો નિર્ણય સમજાવ્યો હતો. ('કેટલાક જૂના પત્રો', પૃ.24-26)

સૌથી પહેલી વાત તો તેમણે એ લખી કે હિંસા કરનાર ટોળું 'રાજકીય માનસ ધરાવતું' હતું.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

તેથી 'આટલી સાફસાફ ચેતવણી કાને ન ધરવી એ ગુનાઇત થઈ પડત.' પરંતુ સવાલ માત્ર ચૌરીચૌરાના બનાવનો ન હતો.

ગાંધીજીએ પત્રમાં લખ્યું હતું કે. 'મારા માટે આ છેલ્લો ફટકો હતો.' અહિંસક લડતમાં ભંગ પાડનારા બનાવોની આખી યાદી ગાંધીજીએ પત્રમાં આપી હતી.

કલકત્તા, અલાહાબાદ અને પંજાબમાં તેમને હિંદુઓના અને મુસ્લિમોના પત્ર મળ્યા હતા. એ બધા ચૌરીચૌરાના બનાવ પહેલાંના હતા.

તેમાં ગાંધીજીને જણાવાયું હતું કે 'બધો દોષ સરકારને પક્ષે જ નથી. આપણા લોકો આક્રમણકારી, જોખમરૂપ અને ધાકધમકી આપનારા થતા જાય છે, અને તેઓ બેકાબૂ બનતા જાય છે તથા વર્તનમાં અહિંસક નથી.'

ગાંધીજીએ લખ્યું હતું કે સહારનપુરમાં ટાઉનહૉલનો બળજબરીથી કબજો લેવાનો પ્રયાસ થયો, કનૌજમાં સ્વયંસેવકો તોફાની બન્યા છે અને બાળકોને સ્કૂલે જતા અટકાવે છે.

ગોરખપુરમાં નોંધાયેલા 36,000 સ્વયંસેવકોમાંથી પૂરા સો પણ કોંગ્રેસની (અસહકારના આંદોલનની) પ્રતિજ્ઞાનું પાલન કરતા નથી.

જમનાલાલ બજાજને ટાંકીને તેમણે લખ્યું કે કલકત્તામાં એકદમ અવ્યવસ્થા છે. સ્વયંસેવકો વિદેશી કપડાં પહેરે છે.

દક્ષિણ ભારતમાંથી પણ અશાંતિના સમાચાર આવ્યા હતા. આ બધાને કારણે ગાંધીજીના મનમાં મંથન ચાલતું હતું.

તેમના માટે ભારતમાં વ્યાપક સ્તરે અસહકારનો-અહિંસક આંદોલનનો આ પહેલો પ્રયોગ હતો. લડતે અંગ્રેજી રાજથી ડરતા લોકોમાં જુસ્સો જગાડ્યો હતો.

પરંતુ એ જુસ્સો હિંસામાં ન ફેરવાય અને અહિંસક રહે, તેની ગાંધીજીને ફિકર હતી.

line
ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

એવું ન થાય તો અંગ્રેજોનો કાઢવા જતાં હિંદુસ્તાન હિંસાના રસ્તે અને ગુંડાશાહી ભણી ફંટાઈ જવાનો ડર હતો.

'આટલા મોટા દેશમાં છૂટાછવાયા બનાવ બને તેના કારણે જામેલી લડત થોડી બંધ કરી દેવાય?'

એવું જેલમાં રહેલા પંડિત નહેરુને લાગતું હતું અને હજુ સુધી ઘણાને લાગે છે.

હકીકતમાં, ગાંધીજી એવા થોડાઘણા બનાવ નજરઅંદાજ કરી ચૂક્યા હતા અને વિચારતા હતા કે શું કરવું જોઈએ.

એવામાં ૫ ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ ચૌરીચૌરાનો બનાવ બન્યો.

ગાંધીજીએ પત્રમાં લખ્યા પ્રમાણે, 'ચૌરીચૌરાની ખબર દારૂખાનાને સળગાવનાર દીવાસળીરૂપ બની અને પરિણામે મોટો ભડકો થયો.'

ગાંધીજી પોતે ચૌરીચૌરાના બનાવને કેટલું મહત્ત્વ આપતા હતા, તે આ વાક્યમાંથી સ્પષ્ટ થઈ જાય છે. લડત મોકુફ રાખવાનું કેમ જરૂરી બની ગયું, એ વિશે પંડિત નહેરુને ગાંધીજીએ લખ્યું હતું:

'સવિનયભંગ મોકૂફ રાખવામાં ન આવ્યો હોત તો આપણે અહિંસક લડત નહીં, પણ તત્ત્વતઃ હિંસક લડત ચલાવનારા બનત એ ખાતરીપૂર્વક માનજો...

હિંસાની દુર્ગંધ હજી ઘણી જ ઉગ્ર છે અને તેની અવગણના કરવી અથવા તેને મામૂલી લેખવી એ ગેરડહાપણભર્યું થઈ પડે.'

ગાંધીજી સ્પષ્ટ રીતે માનતા હતા કે આ પીછેહઠથી ફાયદો થયો છે.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

વિશ્લેષણ

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે સ્વરાજ ફક્ત 'પોતાનું રાજ' નહીં, 'પોતાની ઉપરનું રાજ' હતું. તેમાં ટોળાંની હિંસાને સ્થાન ન હતું.

સ્વરાજની તેમની લડતનો એક મુખ્ય આશય લોકોનું સાચા માર્ગે ઘડતર કરવાનો હતો.

ટોળાંની હિંસાને નજરઅંદાજ કરવામાં આવે તો સ્વરાજ મળ્યા પછી હિંદ હિંસાના માર્ગે વળી જાય, એવો તેમનો અંદેશો (તેમના બધા પ્રયાસ છતાં) ખરાબ રીતે સાચો પડ્યો.

આઝાદી અને દેશના ભાગલા વખતે થયેલી અભૂતપૂર્વ હિંસા ગાંધીજીના જીવનની છેલ્લી કસોટી બની રહી.

હિંદ એ રસ્તે ન જાય એ માટે તેમણે 1922માં લડતમોકૂફી જાહેર કરી હતી, પરંતુ ત્યાર પછીની ઘટનાઓને તે ઇચ્છિત રસ્તે વાળી શક્યા નહીં અને બહાદુરીભરી અહિંસા તેમના સૌથી ઓછા સેવાયેલા આદર્શોમાંનો એક બની.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં આ તેમનો બીજો લેખ છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો