બાપુ, બોલે તો...: ગાંધીજી શા માટે મશીનનો વિરોધ કરતા હતા?

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો
    • લેેખક, ઉર્વિશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ સવાલ બીજી રીતે પણ પુછાય છેઃ ગાંધીજી યંત્રવિરોધી હતા? ગાંધીજી પશ્ચિમના વિરોધને કારણે યંત્રોનો વિરોધ કરતા હતા? ગાંધીજી ભારતની પ્રાચીન સંસ્કૃતિના આગ્રહી હોવાને કારણે આધુનિકતાનાં પ્રતીક જેવાં યંત્રોનો વિરોધ કરતા હતા?

line

ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રો

બાપુ, બોલે તો

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તેના પગલે મોટાં યંત્રો વડે, જથ્થાબંધ કામ ઝડપથી થવા લાગ્યું.

માલનું ઉત્પાદન વધ્યું તેમ તેના માટે બજાર શોધવાનો સવાલ આવ્યો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

દેશબહારનાં બજાર પર કબજો જમાવવા માટે હુંસાતુંસી શરૂ થઈ, મોટાં કારખાનાં થકી અઢળક સંપત્તિ ધરાવતા ધનિકોનો નવો વર્ગ ઊભો થયો.

યંત્રોથી શ્રમ ઘટવાની સાથોસાથ કામદારોનું શોષણ વધવાનો સિલસિલો પણ શરૂ થયો, અસમાનતામાં તીવ્ર વધારો થયો, શહેરીકરણ પણ વધ્યું.

line

'હિંદ સ્વરાજ'માં ગાંધીજીના વિચાર

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'હિંદ સ્વરાજ'ની પ્રથમ અંગ્રેજી આવૃતિ

પોતીકા અભ્યાસ અને દક્ષિણ આફ્રિકામાં જાહેર જીવનના અનુભવો પછી ગાંધીજીએ તેમના વિચારો 'હિંદ સ્વરાજ'(૧૯૦૯)માં મૂક્યા.

તેમાં મશીન માટે તેમણે વાપરેલો શબ્દ હતોઃ સંચાકામ.

એ નામના પ્રકરણમાં તેમણે લખ્યું હતું, 'સંચાકામનો સપાટો લાગ્યો ત્યારે તો હિંદુસ્તાન પાયમાલ થયું...સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એમ હું તો ચોખ્ખું જોઈ શકું છું...'

આ લેખમાં તેમણે બે મુદ્દા મૂક્યા હતાઃ સંચાકામને લીધે પરંપરાગત કારીગરીનો લોપ અને મિલોને કારણે પૈસાદાર થનારાની નીતિનો પ્રશ્ન.

ગાંધીજીએ લખ્યું હતું, 'આપણે કબૂલ કરવું પડશે કે અંગ્રેજી રાજ્યને નિભાવી રાખનાર તે પૈસાદાર માણસો છે. તેઓનો સ્વાર્થ તેવી સ્થિતિમાં રહેલ છે...'

line

યંત્રોના વિરોધનું અર્થકારણ

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો

ઇમેજ સ્રોત, Getty Images

ભારત આવીને જાહેર જીવનમાં સક્રિય થયા પછી યંત્રોના વિરોધની સાથે તેના વિકલ્પ વિશે ગાંધીજીના વિચાર વધારે દૃઢ થયા.

તેમણે લખ્યું હતું કે કરોડો ખેડૂતોની વસ્તી ધરાવતા ભારતમાં ખેતીની આવક પૂરતી ન થાય.

તેમાં ટેકો કરવા માટે તેમને કોઈ સાદો ઉદ્યોગ આપવો જોઈએ.

ગાંધીજીના મતે, વર્ષો પહેલાં કાંતણ એવો ઉદ્યોગ હતો. એટલે તેમણે 'કરોડોને ભૂખમરામાંથી બચાવવા' માટે ફરીથી રેંટિયો દાખલ કરવાનું સૂચવ્યું.

બ્રિટની ઔદ્યોગિક ક્રાંતિએ ભારતની પરંપરાગત કારીગરી ખતમ કરી નાખી. તેની સામે પણ ગાંધીજીએ કાંતણનો વિકલ્પ આપ્યો.

કરોડોની વસ્તી ધરાવતા ભારતમાં યંત્રોથી બેકારી વધે અને થોડા લોકો પાસે જ સમૃદ્ધિ જમા થતાં અસમાનતા વધે.

તે પણ ગાંધીજીના યંત્રોના વિરોધ પાછળનું મોટું કારણ હતું.

રેંટિયાના લીધે તેની સાથે સંકળાયેલી બીજી ક્રિયાઓ (લોઢાઈ, પીંજણ, તાણીવાણી, પવાયત, રંગકામ, વણાટ વગેરે) અને તેની સાથે સંકળાયેલા કારીગરો પણ પોસાય. (મારા સ્વપ્નનું ભારત, પૃ.૧૧૨)

line

યંત્રો અને બેકારીની સમસ્યા

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો

ઇમેજ સ્રોત, Getty Images

એ વખતે એવું કહેવાતું હતું કે પાણી, હવા, તેલ અને વીજળી થકી (એટલે કે યંત્રશક્તિ થકી) એક-એક અમેરિકનને ૩૩ ગુલામો રાખ્યા હોય એટલું કામ મળે છે.

માટે, આપણે પણ યંત્રશક્તિનો લાભ લેવો જોઈએ, પરંતુ ગાંધીજીએ 'બેધડકપણે' કહ્યું હતું કે ભારત એ રસ્તે ચાલે તો તેના દરેક માણસની ગુલામી ૩૩ ગણી વધે.

તેમણે જાડો હિસાબ માંડતાં કહ્યું હતું કે ગામડામાં ઓછામાં ઓછા દસ મજૂર જે કામ કરે છે, તેટલું જ કામ (યંત્રોની મદદથી) મિલનો એક મજૂર કરે છે.

'ગામડાંના દસ માણસની રોજી છીનવીને આ એક માણસ ગામડામાં કમાતો તેના કરતાં વધારે કમાય છે.'(ખાદી શા માટે?, પૃ.૩૩) તેમની સાદી સમજ હતી કે 'જ્યાં કરોડો માણસો કામ વિનાના બેસી રહ્યા છે ત્યાં મજૂરી બચાવનારાં યંત્રોનો વિચાર કરવાથી કશો લાભ નથી.

જો કોઈ માણસ હાથને ખાવાની મહેનત બચી જાય એવું યંત્ર કાઢે તો ખાવું એ આંનદની વસ્તુ મટી જાય ને ત્રાસરૂપ થઈ પડે.' (મારા સ્વપ્નનું ભારત, પૃ.૪૭)

લાઇન
લાઇન

તેમણે લખ્યું હતું, 'એક કારખાનું થોડાક સો લોકોને રોજી આપે છે, પણ હજારોને બેકાર બનાવે છે. તેલની મિલ કાઢીને ટનના ટન તેલ કાઢો, પણ હજારો ઘાણીવાળાને બેકાર કરીને.'

'આને હું સંહારક શક્તિ કહું છું. જ્યારે કરોડોની હાથમજૂરીની પેદાશ રચનાત્મક શક્તિ છે.'

'તેનાથી સર્વોદય સધાય. યંત્રશક્તિથી જથ્થાબંધ માલ તૈયાર કરવો-- તે યંત્રો સરકારી માલિકીનાં હોય તોય—તેનાથી કંઈ વળવાનું નથી.' પંડિત નહેરુ સરકારી કાબૂ હેઠળના યાંત્રિક ઉદ્યોગોની તરફેણમાં હતા.'

'તેમના નામજોગ ગાંધીજીએ લખ્યું હતું, '(પંડિત નહેરુ) માને છે કે એ ઉદ્યોગો પર જો રાજ્યની માલિકી સ્થાપવામાં આવે તો તે મૂડીવાદનાં અનિષ્ટોથી મુક્ત રહેવા પામે.'

'મારો પોતાનો મત એવો છે કે એ અનિષ્ટો વિશાળા યંત્રોદ્યોગો જોડે સ્વભાવતઃ સંકળાયેલાં છે, ને રાજ્યની માલિકી કરો તોયે તે નાબૂદ થઈ શકે એમ નથી.' (ખાદી શા માટે?, પૃ.૩૪)

line

યંત્રો કેટલી હદે આવકાર્ય?

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો

ઇમેજ સ્રોત, Getty Images

યંત્રોનો વિરોધ કરતા ગાંધીજી 'સિંગર'ના સિવવાના સંચાની તરફેણ કરતા હતા, એ જાણીતું છે.

દલીલમાં ઘણી વાર તેમને કહેવાતું કે 'એમ તો રેંટિયો પણ યંત્ર છે.' યંત્રો વિશે ગાંધીજીનો વિરોધ આકરો હોવા છતાં જડ ન હતો.

તેમણે લખ્યું હતું, 'જેટલો સૌ કોઈના હિતને સારું કામ આવે તેટલો જ યંત્રોનો ઉપયોગ કાયદેસરનો એટલે કે વાજબી છે...'

'દરેક ગામડાને ઝૂંપડે ઝૂંપડે વીજળી પહોંચાડી શકાય તો લોકો પોતાનાં ઓજાર વીજળીની મદદથી ચલાવે એમાં હું વાંધો જોતો નથી..'

'મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રોની ઘેલછા સામે છે...શ્રમનો બચાવ થાય છે ખરો, પણ લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા ઉપર ભટકે છે.'

સમય અને શ્રમનો બચાવ હું પણ ઇચ્છું છું, પરંતુ તે અમુક એક વર્ગને માટે નહીં, આખીયે માનવજાતિને માટે થવો જોઈએ...'

'આજે થોડા માણસોને કરોડોની કાંધ ઉપર ચડી બેસવામાં યંત્રો મદદગાર થઈ રહ્યાં છે.'

'યંત્રોના ઉપયોગની પાછળ પ્રેરણા શ્રમના બચાવની નથી, પણ ધનના લોભની છે...મારો ઉદ્દેશ યંત્રમાત્રનો વિરોધ કરવાનો નથી, યંત્રોની મર્યાદા આંકવાનો છે.' (ગ્રામસ્વરાજ, પૃ.૯-૧૦)

line

યંત્રો વિશે ગાંધી-ચૅપ્લિન સંવાદ

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધીજી ચૅપ્લિન

બીજી ગોળમેજી પરિષદ વખતે બ્રિટન ગયેલા ગાંધીજી ૨૨ સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ એક મિત્રના ઘરે ચાર્લી ચૅપ્લિનને મળ્યા. (ત્યાર પહેલાં તે ચૅપ્લિન વિશે જાણતા ન હતા.)

ચૅપ્લિન તેમની ફિલ્મના પ્રચાર માટે બ્રિટન આવ્યા હતા અને કેટલાક મહત્ત્વના વિચારકો-રાજનેતાોને મળી રહ્યા હતા.

ગાંધી-ચૅપ્લિન મુલાકાત વખતે સરોજિની નાયડુ, મહાદેવ દેસાઈ જેવા સાથીદારો પણ હાજર હતા. તેમાં ગાંધીજી અને ચૅપ્લિન વચ્ચેની વાતચીતનો પહેલો જ મુદ્દો હતોઃ યંત્રોનો વિરોધ.

મહાદેવભાઈની નોંધ પ્રમાણે ચૅપ્લિને પહેલો જ સવાલ કર્યો કે ગાંધીજી યંત્રોનો વિરોધ શા માટે કરે છે?

લાઇન
લાઇન

ગાંધીજી 'એ પ્રશ્નથી રાજી થયા' અને તેમણે વિગતે સમજાવ્યું કે 'હિંદના તમામ ખેડૂતોની છ મહિનાની બેકારીને લીધે તેમનો પહેલાંનો આડધંધો સજીવન કર્યા વિના ચાલે એમ નથી.'

ચૅપ્લિને પૂછ્યું કે મશીનનો વિરોધ એકલા કાપડની જ બાબતમાં છે?

ગાંધીજીએ કહ્યું, 'એમ જ છે. અન્નવસ્ત્ર તો દરેક પ્રજાએ પોતપોતાનાં પેદા કરી લેવાં જોઈએ.'

'અમે એ પેદા કરી લેતા, અને ફરી કરી લેવા માગીએ છીએ.'

'ઇંગ્લૅન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. એને અમે લૂંટ કહીએ છીએ અને લૂંટારુ ઇંગ્લૅન્ડ દુનિયાને જોખમરૂપ છે.'

'હવે જો હિંદુસ્તાન યંત્રો સ્વીકારે અને પોતાની જરૂરિયાત કરતાં અનેકગણું કાપડ પેદા કરે તો લૂંટારુ હિંદુસ્તાન જગતને કેટલું વધારે જોખમરૂપ નીવડે?'

'એટલે આ સવાલ એકલા હિંદુસ્તાન પૂરતો જ છે?' મિસ્ટર ચૅપ્લીને મુદ્દો ઝટ પકડીને પૂછ્યું, 'પણ માનો કે તમને હિંદુસ્તાનમાં રશિયાના જેવી સ્વતંત્રતા છે અને તમે તમારા બેકારોને બીજું કામ આપી શકો અને સંપત્તિની સમાન વહેંચણી કરાવી શકો, તો તમે યંત્રોનો તિરસ્કાર નહીં કરો? તમે મજૂરના કામના કલાક ઓછા થાય અને તેમને વધારે નવરાશ મળે એ વાત નહીં સ્વીકારો?'

'જરૂર'. ગાંધીજીએ કહ્યું.

મહાદેવભાઈએ લખ્યું હતું, 'આ સવાલ ગાંધીજી જોડે સેંકડો વાર ચર્ચાઈ ચૂક્યો છે, પણ શાસ્ત્રજ્ઞ નહીં એવા કોઈ પણ પરદેશીને આટલી ઝડપથી સ્થિતિ સમજી જતાં મેં જોયો નથી.' (નવજીવન ૧૧-૧૦-૧૯૩૧, લંડનનો પત્ર)

line

વિશ્લેષણ

બાપુ બોલે તો...ગાંધીજી યંત્રો

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીના યંત્રોના વિરોધમાં કાપડક્ષેત્ર મુખ્ય હતું, કેમ કે એ જમાનામાં કાપડની મિલો ધમધમતી હતી.

એક વાર શરૂ થઈ ગયેલી મિલો એકાએક બંધ ન થઈ જાય, એટલું તો ગાંધીજી સમજતા હતા.

એટલે 'હિંદ સ્વરાજ'માં જ તેમણે લખ્યું હતું કે મિલવાળા તેમનું કામ વધારે નહીં અને ધીમે ધીમે ઓછું કરીને ઘરે ઘરે જૂના રેંટિયા સ્થાપે, લોકોનું વણેલું કાપડ ખરીદે અને વેચે.

આ લાંબા ગાળાનો આદર્શ અથવા કહી શકાય કે, એ તરફ આગળ વધવાની દિશા હતી.

યંત્રોનો વિરોધ કરીને ગાંધીજી સ્વદેશી, રોજગારીનું સર્જન, ગામડાંના અર્થતંત્રને ધબકતું કરવું, લોકોને આળસથી બચાવવા, અસમાનતા વધતી રોકવી--એવા અનેકવિધ આશય સિદ્ધ કરવા ઇચ્છતા હતા.

line

વર્તમાનમાં વિચારવાના મુદ્દા

લગભગ દરેક બાબતમાં ઘોર યંત્રયુગ આવી ગયો હોય અને માણસ યંત્રોનો હેવાયો બની ચૂક્યો હોય ત્યારે ગાંધીજીનો યંત્રવિરોધ અપ્રસ્તુત લાગે, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ થકી ફરી એક વાર ટેકનૉલૉજીની ક્રાંતિ બારણામાં પેસી ચૂકી છે અને બેકારી- જૉબલેસ ગ્રોથ મોટી સમસ્યા તરીકે ઊભર્યાં છે, દેશો-દેશો વચ્ચે તનાવ પેદા કરી રહ્યાં છે, ત્યારે ગાંધીજીના યંત્રો વિશેના વિચારોનું હાર્દ નવેસરથી યાદ આવી શકે છે.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં આ તેમનો બીજો લેખ છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )

આ વિશે વધુ વાંચો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો