મહાત્મા ગાંધીની નિકટ રહેલી આઠ મહિલાઓને ઓળખો છો?

- લેેખક, પ્રમોદ કપૂર
- પદ, બીબીસી ગુજરાતી માટે
તમે મહાત્મા ગાંધીની તસ્વીરોને ધ્યાનપૂર્વક નિહાળી છે? મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીજીની ચોતરફ લોકોની ભીડ જોવા મળે છે.
એ ભીડમાં કેટલાક લોકો એવા છે જેને લગભગ દરેક ભારતીય નાગરિક જાણે છે. દાખલા તરીકે-કસ્તુરબા, જવાહરલાલ નેહરુ કે સરદાર પટેલ.
જોકે, કેટલીક વ્યક્તિઓ એવી છે જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે.
મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે તેમની અત્યંત નજીક રહેલી કેટલીક મહિલાઓ વિશે જાણવું રસપ્રદ થઈ પડશે.
આ મહિલાઓની જિંદગીમાં ગાંધીજીનો ગાઢ પ્રભાવ રહ્યો હતો. મહાત્માજીએ જે રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું હતું એ રસ્તે ચાલીને આ મહિલાઓ આગળ વધી હતી.

• મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબહેન (1892-1982)

ઇમેજ સ્રોત, vinod kumar
મેડેલીન બ્રિટિશ એડમિરલ સર એડમંડ સ્લેડનાં પુત્રી હતાં. એક બ્રિટિશ ઓફિસરના દીકરી હોવાને કારણે તેમનું જીવન શિસ્તબદ્ધ હતું.
મેડેલીન જર્મન પિયાનોવાદક તથા સંગીતકાર બિથોવનના સંગીતમાં ગળાડૂબ હતાં. તેથી તેઓ ફ્રાન્સના બુદ્ધિજીવી રોમા રોલાંના સંપર્કમાં આવ્યાં હતાં.
રોમેન પોલેન્ડે સંગીતકારો માત્ર વિશે જ નહીં, મહાત્મા ગાંધીજીની જીવનકથા પણ આલેખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીજી વિશેની રોમેન રોલેન્ડની બાયોગ્રાફીથી મેડેલિન બહુ પ્રભાવિત થયાં હતાં.
ગાંધીજીનો મેડેલીન પર પ્રભાવ એટલો છવાયેલો હતો કે તેમણે ગાંધીજીએ ચિંધેલા માર્ગે જિંદગી જીવવાનો નિશ્ચય કર્યો હતો.
ગાંધીજી વિશે વાંચીને રોમાંચિત થયેલાં મેડેલીને તેમને પત્ર લખ્યો હતો અને આશ્રમ આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
1925ના ઓક્ટોબરમાં મુંબઈ થઈને અમદાવાદ પહોંચેલાં મેડેલીને શરાબપાન છોડ્યું હતું, શાકાહારી બન્યાં હતાં, ખેતી કરવાનું શીખ્યાં હતાં અને મહાત્માજીનું અખબાર 'યંગ ઇન્ડિયા' વાંચતા થયાં હતાં.
ગાંધીજી સાથેની પહેલી મુલાકાતનું વર્ણન મેડેલીને આ શબ્દોમાં કર્યું છેઃ "હું ઓરડામાં પ્રવેશી ત્યારે સામે બેઠેલો એક દુબળો પુરુષ સફેદ ગાદી પરથી ઊઠીને મારી તરફ આવ્યો હતો."
"હું જાણતી હતી કે એ બાપુ હતા. મેં પારાવાર હર્ષ અને શ્રદ્ધાની લાગણી અનુભવી હતી. મારી સામે એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો."
"હું બાપુના ચરણમાં ઝૂકીને બેસી ગઈ હતી. તેમણે મને ઉઠાડીને કહ્યું હતું-તું મારી દીકરી છે."
એ દિવસથી મહાત્મા અને મેડેલીન વચ્ચે એક અલગ સંબંધ સ્થપાઈ ગયો હતો. પછી મેડેલીનનું નામ મીરાબહેન પડી ગયું હતું.

• નીલા ફ્રેમ કૂક (1972-1945)

ઇમેજ સ્રોત, Getty Images/ Vinod kumar
આશ્રમમાં તેમને લોકો નીલા નાગિની કહીને બોલાવતા હતા. ખુદને કૃષ્ણની ગોપી ગણતાં નીલા માઉન્ટ આબુમાં એક સ્વામી સાથે રહેતાં હતાં.
અમેરિકામાં જન્મેલાં નીલા મૈસૂરના રાજકુમારના પ્રેમમાં પડ્યાં હતાં.
તેમણે 1932માં ગાંધીજીને બેંગલુરુથી પત્ર લખ્યો હતો. આભડછેટની વિરુદ્ધમાં કરવામાં આવી રહેલાં કામો વિશે તેમણે એ પત્રમાં ગાંધીજીને જણાવ્યું હતું.
બન્ને વચ્ચે પત્રોનો સિલસિલો ત્યાંથી શરૂ થયો હતો.
1933ના ફેબ્રુઆરીમાં ગાંધીજી સાથે નીલાની મુલાકાત યરવડા જેલમાં થઈ હતી. ગાંધીજીએ નીલાને સાબરમતી આશ્રમમાં મોકલ્યાં હતાં.
સાબરમતી આશ્રમમાં થોડા સમય પછી જ નવા સભ્યો સાથે તેમને ખાસ જોડાણની અનુભૂતિ થવા લાગી હતી.
ઉદાર વિચારધારા ધરાવતાં નીલા માટે આશ્રમ જેવા એકાંતભર્યા માહોલમાં રહેવાનું મુશ્કેલ બન્યું હતું.
એક દિવસે આશ્રમમાંથી ભાગી છૂટેલાં નીલા થોડા સમય પછી વૃંદાવનમાં મળી આવ્યાં હતાં. થોડા સમય પછી તેમને અમેરિકા મોકલી દેવામાં આવ્યાં હતાં.
અમેરિકામાં તેમણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો અને કુરાનનો અનુવાદ કર્યો હતો.

• સરલાદેવી ચૌધરાની (1872-1945)

ઇમેજ સ્રોત, Getty Images / Vinod Kapoor
સૌમ્ય દેખાતાં સરલાદેવી ઉચ્ચ શિક્ષણ પામેલાં હતાં અને ભાષાઓ, સંગીત તથા લેખનમાં તેમને ઊંડો રસ હતો. તેઓ રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજી પણ હતાં.
ગાંધીજી લાહોરમાં સરલાદેવીના ઘરે જ રોકાયા હતા. એ સમયે સરલાદેવીના સ્વતંત્રતા સેનાની પતિ રામભુજ દત્ત જેલમાં હતા. બન્ને એકમેકની ઘણાં નજીક રહ્યાં હતાં.
ગાંધીજી અને સરલાદેવી એકમેકની કેટલાં નિકટ હતા તેનો અંદાજ એ વાત પરથી સમજી શકાય કે ગાંધીજી સરલાદેવીને તેમના 'આધ્યાત્મિક પત્ની' ગણાવતા હતા.
એ પછીના સમયમાં ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે એ સંબંધને કારણે તેમનું લગ્નજીવન તૂટતાં બચ્યું હતું.
ગાંધીજી અને સરલાદેવીએ ખાદીના પ્રચાર માટે ભારતભ્રમણ કર્યું હતું. બન્ને વચ્ચેના સંબંધ વિશે ગાંધીજીની નજીકના લોકો પણ જાણતા હતા.
એક જમાનામાં પોતાની આદત બની ચૂકેલાં સરલાદેવી સાથેનું અંતર પણ ગાંધીજીએ ઝડપથી વધારી નાખ્યું હતું.
થોડા સમય પછી હિમાલયમાં એકાંતવાસ દરમ્યાન સરલાદેવીનું મૃત્યુ થયું હતું.

• સરોજિની નાયડુ (1879-1949)

ઇમેજ સ્રોત, Getty Images
સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પહેલાં મહિલા અધ્યક્ષ હતાં.
ગાંધીજી અને સરોજિનીની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. ગાંધીજીની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહની જવાબદારી સરોજિનીના ખભા પર હતી.
લંડનમાંની મુલાકાતનું વર્ણન સરોજિનીએ આ શબ્દોમાં કર્યું છેઃ "એક નાના કદનો પુરુષ, જેના માથા પર વાળ ન હતા. ધાબળો ઓઢીને જમીન પર બેઠેલો એ પુરુષ જૈતૂનના તેલમાં પકાવેલાં ટામેટાં ખાઈ રહ્યો હતો."
"વિશ્વવિખ્યાત નેતાને આ સ્વરૂપમાં જોઈને હું ખુશીથી હસવા લાગી ત્યારે જ તેમણે મને આંખો ઊઠાવીને સવાલ કર્યો હતો કે તમે જરૂર મિસિસ નાયડુ હશો. આટલું શ્રદ્ધાહીન બીજું કોણ હોય? આવો, મારી સાથે ભોજન કરો."
જવાબમાં સરોજિનીએ આભાર માનીને પૂછ્યું હતું કે કેટલી ફાલતુ રીત છે આ?
આ રીતે ગાંધીજી અને સરોજિની વચ્ચેના સંબંધની શરૂઆત થઈ હતી.

• રાજકુમારી અમૃત કૌર (1889-1964)

ઇમેજ સ્રોત, Getty Images / Vinod Kapoor
શાહી પરિવારના રાજકુમારી અમૃત કૌર પંજાબના કપૂરથલાના રાજા હરનામસિંહની પુત્રી હતાં. તેમણે ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો.
રાજકુમારીની ગણતરી ગાંધીજીની સૌથી વધુ નજીક હોય તેવા સત્યાગ્રહીઓમાં કરવામાં આવે છે. તેના બદલામાં રાજકુમારીએ પણ કોઈ કસર છોડી ન હતી.
1934માં થયેલી પહેલી મુલાકાત બાદ રાજકુમારી અને ગાંધીજીએ એકમેકને સેંકડો પત્રો લખ્યા હતા.
પત્રની શરૂઆતમાં ગાંધીજી રાજકુમારી અમૃત કૌરને 'મારી પ્યારી પાગલ અને બળવાખોર' સંબોધન કરતા હતા અને પત્રના અંતે ખુદને 'તાનાશાહ' ગણાવતા હતા.
મીઠાના સત્યાગ્રહ અને 1942ના ભારત છોડો આંદોલન વખતે તેઓ જેલમાં પણ ગયાં હતાં. આઝાદ ભારતનાં પહેલાં આરોગ્ય પ્રધાન બનવાની તક પણ તેમને મળી હતી.

• ડો. સુશીલા નૈયર (1941-2001)

ઇમેજ સ્રોત, Vinod Kapoor
મહાદેવભાઈ દેસાઈ બાદ ગાંધીજીના સચિવ બનેલા પ્યારેલાલ પંજાબી પરિવારના હતા અને સુશીલા પ્યારેલાલનાં બહેન હતાં.
માનો જોરદાર વિરોધ પણ ભાઈ-બહેનને ગાંધીજી પાસે જતાં અટકાવી શક્યો ન હતો.
જોકે, ગાંધીજી પાસે જઈને રડેલાં પ્યારેલાલનાં માતા સમય જતાં મહાત્માજીના ચુસ્ત સમર્થક બન્યાં હતાં.
તબીબી અભ્યાસ કર્યા બાદ સુશીલા ગાંધીજીનાં અંગત ડોક્ટર બન્યાં હતાં.
મનુબહેન અને આભાબહેન ઉપરાંત ગાંધીજી સુશીલાના ખભાનો સહારો પણ વૃદ્ધાવસ્થામાં લેતા હતા.
ભારત છોડો આંદોલન દરમ્યાન કસ્તૂરબા સાથે સુશીલાની ધરપકડ પણ મુંબઈમાં કરવામાં આવી હતી.
પૂનામાં કસ્તૂરબાના અંતિમ દિવસોમાં સુશીલા તેમની સાથે રહ્યાં હતાં. એ ઉપરાંત તેઓ ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોમાં પણ સામેલ થયાં હતાં.

• આભાબહેન ગાંધી (1927-1995)

ઇમેજ સ્રોત, Vinod Kapoor
જન્મે બંગાળી આભાબહેનનાં લગ્ન ગાંધીજીના પૌત્ર કનુભાઈ સાથે થયાં હતાં.
ગાંધીજીના પ્રાર્થનાસભાઓમાં આભાબહેન ભજન ગાતાં હતાં અને કનુભાઈ ફોટોગ્રાફી કરતા હતા. 1940ના એ દૌરમાં કનુભાઈએ મહાત્માજીના ઘણા ફોટોગ્રાફ્સ ઝડપ્યા હતા.
આભાબહેન નોઆખલીમાં ગાંધીજીની સાથે રહ્યાં હતાં. એ સમયે આખા દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને ગાંધીજી હિંદુઓ અને મુસલમાનો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસ કરતા હતા.
નાથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી ત્યારે આભાબહેન પણ હાજર હતાં.

• મનુબહેન ગાંધી (1928-1969)

ઇમેજ સ્રોત, Gandhi Film Foundation
મનુબહેન બહુ નાની વયે ગાંધીજી સાથે જોડાઈ ગયાં હતાં. તેઓ મહાત્માજીના દૂરનાં સગાં હતાં. ગાંધીજી મનુબહેનને પોતાની પૌત્રી કહેતા હતા.
નોઆખલીમાં આભાબહેન ઉપરાંત મનુબહેન પણ ગાંધીજીના સાથે હતાં. તેઓ ગાંધીજીના વૃદ્ધ શરીરનો સહારો બન્યાં હતાં.
જે રસ્તાઓ પર ગાંધીજીના કેટલાક વિરોધીઓએ મળમૂત્ર ફેંક્યાં હતાં એ રસ્તાઓ સાફ કરવા માટે જેમણે ઝાડૂ ઉઠાવ્યાં હતાં તેમાં ગાંધીજી ઉપરાંત મનુબહેન અને આભાબહેન પણ હતાં.
કસ્તૂરબાની તેમના છેલ્લા દિવસોમાં સેવા કરનારા લોકોમાં મનુબહેનનું નામ મોખરે છે.
મહાત્મા ગાંધીના જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષો કેવી રીતે પસાર થયાં હતાં એ જાણવામાં મનુબહેને લખેલી ડાયરી ઘણી ઉપયોગી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













