બાપુ, બોલે તો...: ગાંધીજીએ મુસ્લિમોનું તુષ્ટીકરણ કર્યું હતું?

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ સવાલ બીજી રીતે પણ પૂછાતો રહ્યો છે કે ગાંધીજી કાયમ મુસ્લિમોનો જ પક્ષ લેતા હતા? હિંદુ-મુસ્લિમ સંબંધોમાં ગાંધીજી હિંદુઓના ભોગે મુસ્લિમોનું હિત થાય એવું કરતા હતા? ગાંધીજીને મુસ્લિમોના દોષ કદી દેખાતા જ ન હતા?
તુષ્ટીકરણ એટલે શું?
શબ્દકોશમાં આ શબ્દનો અર્થ છે : સંતોષ આપવો કે રાજી રાખવું.
પરંતુ રાજકીય શબ્દકોશમાં તેનો અર્થ થાય છે : (કોઈ સમુદાયને) સતત થાબડતા રહેવું.
તેની ગેરવાજબી માગણીઓને તાબે થતાં રહેવું, તે નારાજ ન થઈ જાય તેની સતત ચિંતા કરવી અને તેના દોષને જોયા-ન જોયા કરવા.

ગાંધીજી અને મુસ્લિમો

મુસ્લિમો સાથે ગાંધીજીને બાળપણથી જ પ્રસંગ પડ્યો.
વિદ્યાર્થી અવસ્થામાં તેમને આડા રવાડે ચડાવનાર મિત્ર મુસ્લિમ હતો અને તેમને દક્ષિણ આફ્રિકા બોલાવનાર વેપારી પણ મુસ્લિમ.
દક્ષિણ આફ્રિકામાં જ તેમણે પહેલી વાર કુરાનનો અભ્યાસ કર્યો.
ગાંધીજી પર પહેલો ખૂની હુમલો દક્ષિણ આફ્રિકામાં એક મુસ્લિમે કર્યો હતો અને એ જ મુસ્લિમ (મીર આલમ) ગાંધીજીનો સાથી પણ બન્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુ-મુસ્લિમ એકતા વિશે ગાંધીજીનો ખ્યાલ આદર્શ કરતાં વધારે વ્યવહારના રંગે રંગાયેલો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
'હિંદ સ્વરાજ' (1909)માં તેમણે લખ્યું હતું કે હિંદુ-મુસ્લિમોએ એકબીજાના સ્વાર્થને ખાતર પણ એક થઈ રહેવું પડશે.
હિંદુ-મુસ્લિમ સંબંધોમાં અંગ્રેજો વચ્ચે આવે એનો ગાંધીજીને ભારે વાંધો હતો.
અંગ્રેજી રાજને કારણે હિંદુ-મુસ્લિમો ડાહ્યા થઈને રહે છે, એવા સરકારી પ્રચારનો ગાંધીજી વિરોધ કરતા હતા.
તે માનતા હતા કે હિંદુ-મુસ્લિમો વચ્ચે તકરાર થાય તો તેમણે અંગ્રેજોને વચ્ચે રાખ્યા વિના તેનો ઉકેલ કાઢવો જોઈએ.
ગાંધીજી માનતા હતા કે ''(હિંદુ-મુસ્લિમ એકતાનું) આ કામ હિંદુથી સહેલમાં બની શકે તેમ છે. તેમની સંખ્યા મોટી છે. તેઓ વધારે ભણેલા છે એમ તેઓ માને છે. તો પછી તેઓ પાકું હૈયું રાખી શકે છે.''
વખતોવખત જુદા-જુદા શબ્દોમાં પ્રગટ થતાં રહેલા તેમના આ વલણને આખા સંદર્ભ વગર મૂકીએ, તો તેને 'તુષ્ટીકરણ' તરીકે ખપાવી શકાય.

ગાંધીજી અને મુસ્લિમ લાગણી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત આવ્યા પછી અસ્પૃશ્યતા નિવારણ અને સ્વરાજની સાથે હિંદુ-મુસ્લિમ એકતા પણ ગાંધીજીનું મુખ્ય ધ્યેય બન્યું.
ખિલાફતનો પ્રશ્ન મુસ્લિમો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવતો હતો. તેમાં અંગ્રેજોએ મુસ્લિમો સાથે વચનભંગ કર્યો.
એ મુદ્દે ગાંધીજીએ મુસ્લિમોને સાથ આપ્યો. ખિલાફતના સવાલને તેમણે રાષ્ટ્રીય આંદોલન સાથે જોડી દીધો.
તે વખતના બિનસાંપ્રદાયિક નેતા ઝીણાને લાગ્યું કે ખિલાફત ચળવળથી મુસ્લિમ રૂઢિચુસ્તોનું જોર વધશે.
ખિલાફતના મુદ્દે થોડા સમય સુધી એવી અભૂતપૂર્વ કોમી એકતા સર્જાઈ કે આર્યસમાજી સ્વામી શ્રદ્ધાનંદે દિલ્હીની જામા મસ્જિદમાં પ્રવચન આપ્યું.
સ્વતંત્રતાના આંદોલનની હવા ભદ્ર વર્ગ સિવાયના, સામાન્ય મુસ્લિમો સુધી પહોંચી.
પરંતુ એકતાનો માહોલ જામે અને ઠરે તે પહેલાં જુદા-જુદા બનાવોએ એ પોતને વીંખી નાખ્યું.
આ બનાવોમાં હિંદુ-મુસ્લિમ કોમવાદીઓ અને તેમનાં સંગઠનોનો ફાળો નોંધપાત્ર હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સમયગાળામાં મુસ્લિમ સમાજમાં ગાંધીજીની લોકપ્રિયતાએ ઘણા ચઢાવ-ઉતાર જોયા.
તેમાં એકલદોકલ નહીં, અનેક ઉદાહરણ મળે છે, જ્યારે ગાંધીજીએ મુસ્લિમોને કડવી લાગે એવી વાત કહી હોય.
ફક્ત એક નમૂનો : અફઘાનિસ્તાનામાં ગુનેગારને પથ્થર મારીને મારી નાખવાની સજા અપાઈ, તે અંગે વિવાદ થયો.
તે સમયે કોંગ્રેસના પ્રમુખપદે રહેલા ગાંધીજીએ સાફ શબ્દોમાં કહ્યું કે 'પયગંબરની હયાતી દરમિયાન અને તે યુગમાં તે બાબત જરૂરની અને યોગ્ય મનાતી હોય, પણ સજાનો આ પ્રકાર તો કુરાનના નામે પણ અક્ષમ્ય છે.'
('નવજીવન', 26-2-1925) આવું લખવા બદલ કેટલાક મુસ્લિમોએ તેમની ટીકા કરી. એક મૌલાનાએ ગાંધીજીને મુસ્લિમોની ધાર્મિક લાગણીની આણ આપી અને 'કોંગ્રેસના પ્રમુખ તથા મુસ્લિમોના મિત્ર તરીકે' તેમણે આવું ન લખવું જોઈએ, એવું સૂચવ્યું.
તેમને જવાબ આપતા ગાંધીજીએ લખ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ અને મુસ્લિમોના મિત્ર તરીકે, 'ખરે વખતે હું જો મારા અભિપ્રાયને દાબી દઉં તો ઉપલી બંને પદવીઓ માટે હું નાલાયક નીવડું.'('નવજીવન', 2-4-1925)

ગાંધીજી અને હિંદુઓ : મુસ્લિમોના સંદર્ભે

ઇમેજ સ્રોત, GANDHI FILM FOUNDATION
ગાંધીજી મુસ્લિમ તરફી હોવાનો કે તે મુસ્લિમોનું તુષ્ટીકરણ કરતા હોવાનો આરોપ થવાનું એક મોટું કારણ તે રાજકારણ.
આ પ્રકારના આરોપ લોકોને ઉશ્કેરીને કોમવાદી રાજકારણને આગળ વધારવામાં ઘણા ઉપયોગી બને.
ગાંધીજીની હયાતીમાં અને તેમની વિદાય પછી પણ.
બાકી, હિંદુ-મુસ્લિમ સંબંધોના મામલે હિંદુ તરીકે ગાંધીજી શું વિચારતા હતા, તેનો ટૂંકમાં પણ સચોટ ખ્યાલ મેળવવા 'નવજીવન'નાં ગાંધીજીનાં લખાણમાંથી કેટલાંક અવતરણ :
- હિંદુ ધર્મને બચાવવા હું મરી જાઉં, પણ કોઈને મારું નહીં.
- સબળાની સબળાઈ સામાને પ્રેમથી જીતી લેવામાં છે, મદથી કચડી નાખવામાં નહીં.
- જ્યાં હિંદુ પોતે કાચના ઘરોમાં રહેનારા હોય ત્યાં પોતાના મુસલમાન પાડોશીઓનાં ઘર પર પથરા ફેંકવાનો તેમને કશોએ અધિકાર નથી.
- જેમ મૂરખ હોય ત્યાં ઠગ હોય જ, તેમ જ્યાં નામર્દ હોય ત્યાં ડાંડ હોવાના જ. પછી તે મુસલમાન હોય કે હિંદુ.
- હું ગાયને બચાવવાની ખાતર મુસલમાનને અથવા તો ખ્રિસ્તીને ન મારું--તેના રક્ષણ અર્થે હું મરું, એ મને મારો અહિંસા ધર્મ શીખવે છે.
- આપણે વિનયને ખુશામત તરીકે ન ઓળખીએ, તેમ અવિનયને નિર્ભયતા તરીકે ન માની લઈએ.
છેલ્લાં અવતરણમાં લેખના કેન્દ્રસ્થાને રહેલા આરોપનો જવાબ પણ મહદ્ અંશે આવી જાય છે.

ગાંધીજી, ભાગલા અને પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીજીએ 1944માં ઝીણા સાથે વાતચીત કરીને તેમને મનાવવાના પ્રયાસ કર્યા. એ ઘટનાને તુષ્ટીકરણનો આરોપ પુરવાર કરવા માટે ખાસ વપરાય છે.
દેશના ભાગલા માથે ઝળુંબતા હતા ત્યારે ગાંધીજીએ વાઇસરૉય માઉન્ટબેટન સમક્ષ એવી પણ દરખાસ્ત મૂકી જોઈ કે ભાગલા પાડવાને બદલે ઝીણાને આખા દેશનું રાજ સોંપી દેવામાં આવે.
પરંતુ ઝીણા અને કોંગ્રેસ પોતપોતાનાં કારણસર આ દરખાસ્ત નહીં સ્વીકારે, એવું માઉન્ટબેટન અને ગાંધીજી બંને સમજતા હતા.
આ બધું કરવા પાછળ ગાંધીજીનો એકમાત્ર આશય કોઈપણ રીતે દેશના ભાગલા અટકાવવાનો હતો.
સતત ચાલતી કોમી હિંસાને લીધે નહેરુ-સરદાર સહિતની કોંગ્રેસી નેતાગીરીને લાગતું હતું કે ભાગલા સ્વીકારી લેવાથી હિંસા અટકી જશે.
ગાંધીજીને લાગતું હતું કે ભાગલાથી હિંસા વધશે. ગાંધીજી ભાગલાનો અને પાકિસ્તાનનો વિરોધ કરતા હોવાથી, ઘણાં મુસ્લિમોને તે મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન લાગતા હતા.
તેમ છતાં, અભૂતપૂર્વ કોમી પાગલપણાના માહોલમાં ભારતીય મુસ્લિમો પાસે ફરિયાદ કરવાનું ઠેકાણું ગાંધીજી જ હતા.
કારણ કે તે સરકારમાં હોદ્દેદાર ન હોવાથી નવી જવાબદારીઓમાં વ્યસ્ત થયા ન હતા.
અલબત્ત, કોમી હિંસાનો મુકાબલો કરવાની તેમની જવાબદારી હોદ્દા કરતાં પણ મોટી હતી.
ફરિયાદ લઈને આવતા મુસ્લિમોની વાતમાં ક્યારેક અતિશયોક્તિ હોય તો પણ ગાંધીજી એ નક્કી કરી શકે એવી સ્થિતિ ન હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
માનવતા સાવ નેવે મૂકાઈ ગઈ હતી. ગાંધીજીને આંખ સામે હિંદુ-મુસ્લિમ એકતાનું આખું જીવનકાર્ય નષ્ટ થતું લાગ્યું.
ત્યારે ભારતમાં મુસ્લિમોને અન્યાય ન થાય તે જોવાનો ગાંધીજીને ધર્મ લાગ્યો. એ કામ પૂરું થયા પછી તે પાકિસ્તાન જઈને ત્યાં હિંદુઓ માટે આવું જ કામ કરવા ઇચ્છતા હતા.
પાકિસ્તાનમાં ચાલતી હિંસા અને તેમાં ઝીણાની જવાબદારી વિશે ગાંધીજી તેમનાં પ્રાર્થના પ્રવચનોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત કરતા હતા.
તેમણે કહ્યું હતું,'હું તો એ જાણવા આતુર છું કે ત્યાંની લઘુમતી એકી અવાજે કહે કે અમે ખૂબ સુખી છીએ.''
''એવું થાય તો હું ઝીણાસાહેબને ચરણે પડીશ, પાકિસ્તાનને મારાં વંદન કરીશ, અને જો એવું નહીં બને તો સમજીશ કે ઝીણાસાહેબ જુઠ્ઠા છે.' (14-6-47, 'બિહાર પછી દિલ્હી')
પાકિસ્તાનમાં ચાલેલી હિંસા વિશે તેમણે કહ્યું હતું, 'પાકિસ્તાનમાં આવું ને આવું ચાલ્યા કરે તો (ભારતીય) યુનિયન ક્યાં સુધી તે સહન કરશે?''
''પાકિસ્તાનમાં ચારેકોર આત્મશુદ્ધિનું વાતાવરણ ફેલાઈ જાય તો તેમાંથી પાકિસ્તાનનું નામ સાર્થક થશે ને તે ખરેખર પાક-પવિત્ર બનશે.'' ''આજે તો મને ધાસ્તી છે કે મારે જોરથી કહેવાનું રહે છે કે પાકિસ્તાન એક પાપ છે. હું એવા પાકિસ્તાનનો દુશ્મન છું.'' (17-1-48, 'દિલ્હી ડાયરી')

વિશ્લેષણ

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીજી ચોક્કસપણે એવું માનતા હતા કે હિંદુ-મુસ્લિમ એકતાના મુદ્દે, બહુમતી તરીકે હિંદુઓની જવાબદારી મોટી છે.
પરંતુ તેમણે હિંદુઓને અન્યાય સહન કરવાનો ઉપદેશ કદી આપ્યો નથી. હા, તેમનો રસ્તો પ્રેમથી અને આત્મભોગથી જીતવાનો હતો.
પણ એ શક્ય ન હોય તો નાસી જવાને બદલે બહાદુરીથી અત્યાચારી સામે લડી લેવું જોઈએ, એવું તેમણે અનેક વાર કહ્યું હતું.
વ્યક્તિનો ગુનો આખી કોમ પર ઓઢાડીને, એ કોમના નિર્દોષોની હત્યા કરવી તેને ગાંધીજી બહાદુરી નહીં, કાયરતા ગણતા હતા.
પરિણામે, હિંદુ કોમવાદીઓને-રૂઢિચુસ્તોને ગાંધીજી મુસ્લિમ તરફી લાગતા હતા અને મુસ્લિમ કોમવાદીઓને-રૂઢિચુસ્તોને તે હિંદુ તરફી લાગતા હતા.

વર્તમાનમાં વિચારવાના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images
'તુષ્ટીકરણ'નો મુખ્ય અને મોટાભાગે એકમાત્ર આશય રાજકીય લાભ ખાટવાનો હોય છે.
ગાંધીજીને કયો રાજકીય લાભ લેવાનો હતો? તેમની એકમાત્ર ઇચ્છા દેશના ભાગલા અટકાવવાની અને દેશના લોકોને શક્ય એટલા ઘડવાની હતી.
એટલે તો તે હોદ્દાથી જ નહીં, આઝાદીની ઉજવણીથી પણ દૂર રહ્યા હતા.
ગાંધીજીએ મુસ્લિમોનું તુષ્ટીકરણ કર્યું કે ગાંધીજીના વિરોધીઓએ પછીનાં વર્ષોમાં સતત કોમવાદનું તુષ્ટીકરણ કર્યું?
એ સવાલ વર્તમાનકાળમાં વધારે અગત્યનો છે. કારણ કે, હાલમાં કોમી જ નહીં, જ્ઞાતિવાદી લાગણીઓ અને તેના તુષ્ટીકરણનું રાજકારણ જોરમાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














