'મારા પતિને ખબર ના પડી અને મેં નસબંધી કરાવી લીધી'

(બીબીસીની વિશિષ્ટ શ્રેણી #HerChoiceમાં આ સાચી વાર્તા વાંચો જે 'આધુનિક ભારતીય મહિલા'ની જીવન-પસંદગી દર્શાવે છે.)
પતિથી આ પહેલાં પણ જૂઠું બોલ્યું હતું. પરંતુ ત્યારે મને એના નફા-નુકસાનની સમજ હતી. આ વખતે લાગી રહ્યું છે જાણે કે અંધારા કૂવામાં છલાંગ લગાવવા જઈ રહી છું.
એ વખતે મામલો થોડો જુદો હતો. મેં મારા પતિને મારો પગાર ઓછો કહ્યો હતો જેથી કરીને થોડા પૈસા બચાવી શકું અને દારૂમાં પૈસા બરબાદ થતા રોકી શકું.
ખબર હતી કે પકડાઈ જઈશ તો ખૂબ માર પડશે. આંખો સૂઝી જશે. આંતરડા દુખશે. કમર પર નિશાન લાગી જશે.
પણ એ વાતની નિરાંત હતી કે ફિક્સ્ડ ડિપૉઝિટમાં જમા કરેલા એ પૈસા એ નહીં જ કાઢી શકે.
એવું મેડમે સમજાવ્યું હતું. નહીં તો બૅન્કમાં ખાતું ખોલાવી પૈસા જમા કરવા મારા જેવી ગામડામાં ઉછરેલી મહિલાની ગજા બહારની વાત હતી.
આજે પણ જે કરવા જઈ રહી હતી એના વિષે પણ મેડમે જ જણાવ્યું હતું.
આ વખતે દાવ પર મારું શરીર હતું. મેં એ પણ સાંભળ્યું હતું કે આ ઑપરેશનમાં મોત પણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હવે તો જીવન પણ મોત જેવું જ લાગતું હતું. હું 22 વર્ષની હતી પણ 40 વર્ષની લાગતી હતી.
શરીર પાતળું હતું પણ જવાન નહોતું, જાણે કે હાલતું-ચાલતું હાડપિંજર. આંખોની નીચે કાળા ધબ્બા અને ચહેરા પર માસૂમિયતની જગ્યાએ થાક હતો.
ચાલું છું તો લાગે છે કે કમરથી વળી ગઈ છું. અને આ માત્ર એ હતું જે બધાને દેખાઈ રહ્યું હતું.
જે અંદર વિખરાઈ ગયું હતું તેની ચીસો તો માત્ર મારા કાનોમાં જ સંભળાતી હતી.
શરૂઆતમાં તો મને કંઈ ખોટું પણ નહોતું લાગતું. 15 વર્ષની ઉંમરમાં મારાં લગ્ન થયાં અને શહેર આવી ગઈ.
પતિ કામ કરીને ઘરે આવતા તો જમ્યા પછી તેમને પથારીમાં મારી જરૂર રહેતી.
માત્ર જરૂર. હું માત્ર એક શરીર હતી. જેની ભાવનાઓથી એમને કોઈ લેવાદેવા નહોતા.
એનાથી વધારે આશા પણ નહોતી. માં એ કહ્યું હતું કે આવું જ હોય છે. ત્યાં સુધી પણ ઠીક હતું.
પછી પહેલી બાળકીનો જન્મ થયો. પછી પહેલી મારઝૂ઼ડ.
પછી એણે પહેલી વાર દારૂ પીધો. પછી પથારીમાં બધો ગુસ્સો કાઢ્યો.
પછી બીજી દીકરી જન્મી. પછી એણે કામ છોડી દીધું.
પછી મેં કામ કરવાનું શરૂ કર્યું. પછી ત્રીજી દીકરી જન્મી.
મારી સાથે મારઝૂડ, મારા જ કમાયેલા પૈસાથી દારૂ અને પથારીમાં રાક્ષસની જેમ મારા શરીરનો ઉપયોગ, આ બધું જ ચાલતું રહ્યું.

પણ હું ચૂપ રહી. મહિલાઓ સાથે આ બધું થાય જ છે. માતાએ કહ્યું હતું.
ચોથી વાર જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે 20 વર્ષની થઈ ગઈ હતી. મારા શરીરને જ્યારે મેડમે (જેમના ઘરમાં હું કામ કરતી હતી) ફરી ફુલતું જોયું તો નારાજ થઈ ગઈ.
પૂછ્યું જન્મ આપી શકીશ? એટલું લોહી છે શરીરમાં? મેં કહ્યું થઈ જશે.
મેં વિચાર્યું કે મોટા ઘરની આ મહિલા મારી જિંદગીને શું સમજશે. દીકરો ના જન્મે ત્યાં સુધી મારે આ કરવાનું જ હતું.
બૅન્કમાં પૈસા જમા કરવાની સલાહ અને મદદ એક વાત હતી ઘર પરિવારની આ વાતો સમજાવી શકું તેમ નહોતી.
મનમાં થતું હતું કે બધા ચૂપ થઈ જાય. કોઈને ખબર ના પડે કે હું ગર્ભવતી છું.
મને વિશ્વાસ હતો કે આ વખતે દીકરો આવશે તો બધું બરાબર થઈ જશે. મારઝૂડ, દારૂ, પથારીનો એ સિલસિલો ક્યાંક અટકશે.
અને આ વખતે દીકરો જ જન્મ્યો. હૉસ્પિટલમાં જ્યારે નર્સે આવીને મને જણાવ્યું તો હું રડવા લાગી.
બાળક પેદા કરવા માટે 10 કલાકથી વેઠેલું દુખ અને નવ મહિના સુધી નબળા શરીરમાં તેને પાળવાનો થાક જાણે કે એક જ પળમાં વિસરાઈ ગયો.
એ પછી....પણ કંઈ જ ના બદલાયું. એ કષ્ટદાયક તબક્કો ચાલતો જ રહ્યો.
હવે મારી શું ભૂલ હતી? હવે તો મેં પુત્ર પણ આપી દીધો. પરંતુ મારા પતિને કદાચ રાક્ષસ બનવાની આદત પડી ગઈ હતી.
મારું શરીર ખરાબ થઈ ગયું હતું. ફરીથી ગર્ભવતી ના થઈ જાઉં તેનો ડર મને સતાવતો હતો.
એક દિવસ મારા દુખી ચહેરાને જોઇને મેડમે મને પૂછ્યું, તારા જીવનમાંથી એક વસ્તુ બદલવાની હોય તો શું બદલીશ?
મેં હળવું સ્મિત કર્યું. મારી ઇચ્છા વિશે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.
પણ મેં વાત હસવામાં ટાળી નહોતી. ખૂબ વિચાર્યું. એક અઠવાડિયા પછી મેડમને કહ્યું મારો જવાબ તૈયાર છે.
એ તો કદાચ ત્યાં સુધી આ વાત ભૂલી ગયા હતાં. મેં કહ્યું કે હું ફરીથી માં નથી બનવા માગતી. પરંતુ મારા પતિને કેવી રીતે રોકું એ નથી જાણતી.
મેં સમજાવવાની કોશિશ કરી હતી. ચાર બાળકોને ખવડાવવાના પૈસા નથી એ પણ કહ્યું હતું.
પણ પથારી એનાથી છૂટતી જ નથી. મારા નબળા શરીરની એને પરવા નથી. અને બાળકોની જવાબદારી આજ સુધી ઉપાડી જ નથી તો એનો ડર ક્યાંથી હોય.
ત્યારે મેડમે કહ્યું, નસબંધીનું ઑપરેશન કરાવી લે. એ તારા હાથમાં છે. તું રાત્રે એને ભલે ના રોકી શકે પરંતુ તારી જાતને ગર્ભવતી બનતા તો રોકી જ શકીશ.

મને આ વિશે કંઈ જ ખબર નહોતી. ઘણા દિવસો વીતી ગયા. મારા ઘણાં સવાલો હતા. જ્યારે મેડમ જવાબ આપતાં આપતાં થાકી ગયા તો એમણે મને એક ક્લિનિકનું સરનામું આપ્યું.
ત્યાં મારા જેવી ઘણી મહિલાો હતી. એમનાથી જ જાણવા મળ્યું કે નસબંધીનું ઑપરેશન ફટાફટ થઈ જાય છે પરંતુ કંઈ ગડબડ થાય તો જીવ પણ જઈ શકે છે.
મહિનાઓ સુધી વિચાર્યા પછી પતિ અને બાળકોને જૂઠું બોલી એકલા ક્લિનિક આવી તો પણ મગજમાંથી ડર નીકળતો નહોતો.
પણ હું થાકી ગઈ હતી. ડર પણ હતો અને હતાશા પણ. આમ કરવું ખતરનાક હતું પણ એક આશા હતી કે આનાથી મારા જીવનની એક દોરી મારા કાબૂમાં રહેશે.
પછી મારું ઑપરેશન થયું અને હું મરી નહીં.
થોડાક દિવસો લાગ્યા, નબળાઈ લાગી, દુખાવો રહ્યો પરંતુ હવે બધું બરાબર છે.
10 વર્ષ થઈ ગયા છે. હવે 32ની થઈ ગઈ છું. હું ફરી માં નથી બની.
મારા પતિને કંઈ અજુગતું પણ લાગ્યું નથી.
એની જિંદગી હજી પણ નશા, મારઝૂડ અને પથારીમાં આરામથી વીતી રહી છે. એને કોઈ ફરક પડતો નથી.
અને હું? હું પણ એ જ કરું છું જે મારે કરવું છે.
મેડમોના ઘરોમાં કચરા-પોતાં, વાસણ કરીને મળતા પૈસાથી બાળકો મોટા થઈ રહ્યાં છે.
પતિને છોડી શકું તેમ નથી. માં એ કહ્યું હતું એવું ના કરાય.
એની આદત પણ બદલી શકું તેમ નથી. એટલે મેં એની ટેવ પાડી લીધી છે.
બાકી રાહત છે. એણે ના રાખી તો શું, મારી કાળજી મેં ખુદ જ રાખી લીધી.
મારું ઑપરેશન મારું રહસ્ય છે. ગર્વ છે. એક નિર્ણય જે માત્ર મારા માટે કર્યો હતો.
(ઉત્તર ભારતમાં રહેતી એક મહિલાનું આ સાચું જીવનચરિત્ર છે. જે બીબીસી રિપોર્ટર દિવ્યા આર્યા સાથે વાતચીત પર આધારિત છે. #HerChoice સિરીઝ દિવ્યા આર્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













