જ્યારે ઔરંગઝેબે ભાઈ દારા શિકોહનું માથું કાપી પિતા શાહજહાં સામે રજૂ કર્યું
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
મોગલ શાસન સંદર્ભે એક ફારસી કહેવતની બોલબાલા રહી છેઃ 'યા તખ્ત યા તાબૂત.' આ કહેવતનો અર્થ છે યા તો સિંહાસન અથવા તો કબર.
મોગલ ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો ખબર પડશે કે શાહજહાંએ તેમના બે ભાઈઓ ખુસરો તથા શહરયારની હત્યાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં, પણ 1628માં રાજગાદી સંભાળ્યા બાદ પોતાના બે ભત્રીજા તથા પિતરાઈઓની હત્યા પણ કરાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
શાહજહાંના પિતા જહાંગીર પણ તેમના નાનાભાઈ દાન્યાલના મોત માટે જવાબદાર હતા.
એ પરંપરા શાહજહાં પછી પણ ચાલુ રહી હતી અને તેમના પુત્ર ઔરંગઝેબે તેમના મોટાભાઈ દારા શિકોહનો શિરચ્છેદ કરાવીને ભારતના સિંહાસન પર કબજો જમાવ્યો હતો.
શાહજહાંના સૌથી પ્રિય અને મોટા દીકરા દારા શિકોહનું વ્યક્તિત્વ કેવું હતું?
આ સવાલ મેં તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'દારા શિકોહ - ધ મેન હૂ વૂડ બી કિંગ'ના લેખક અવિક ચંદાને પૂછ્યો હતો.
અવિકે કહ્યું હતું, "દારા શિકોહનું વ્યક્તિત્વ બહુઆયામી અને જટિલ હતું. એક તરફ તેઓ અત્યંત ઉષ્માસભર વ્યક્તિ, વિચારક, પ્રતિભાશાળી કવિ, અભ્યાસુ, ઉચ્ચ કોટીના ધર્મશાસ્ત્રી અને સૂફી તથા લલિત કળાઓનું જ્ઞાન ધરાવતા રાજકુમાર હતા."
"પણ બીજી તરફ વહીવટ અને લશ્કરી બાબતોમાં તેમને જરાય રસ ન હતો. તેમનો સ્વભાવ શંકાશીલ હતો અને તેઓ લોકોને પારખવાની મર્યાદિત ક્ષમતા ધરાવતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શાહજહાંએ લશ્કરી કાર્યવાહીથી રાખ્યા દૂર

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
શાહજહાંને દારા એટલા પ્રિય હતા કે તેમણે તેમને લશ્કરી કાર્યવાહીથી હંમેશાં દૂર રાખ્યા હતા અને પોતાના દરબારમાં નજરની સામે જ રાખ્યા હતા.
અવિક ચંદાએ કહ્યું હતું, "ઔરંગઝેબ એ સમયે માત્ર સોળેક વર્ષના હતા, પણ તેમને લશ્કરી કાર્યવાહીમાં મોકલવા સામે શાહજહાંને કોઈ વાંધો ન હતો. તેમણે દક્ષિણમાં એક મોટી લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતું."
"એવી જ રીતે મુરાદ બખ્શને ગુજરાત અને શાહશુજાને બંગાળ તરફ મોકલવામાં આવ્યા હતા. જોકે, તેમના સૌથી પ્રિય પુત્ર દારા શિકોહ શાહજહાંના દરબારમાં જ રહેતા હતા."
"શાહજહાં દારા શિકોહને પોતાની નજરથી દૂર થવા દેતા નહોતા. તેનું પરિણામ એ આવ્યું કે દારા શિકોહને યુદ્ધ કે રાજકારણ બેમાંથી કોઈનો અનુભવ ન મળ્યો."
"શાહજહાં દારાને પોતાના ઉત્તરાધિકારી બનાવવા એટલા તત્પર હતા કે તેમણે એ માટે તેમના દરબારમાં ખાસ આયોજન કર્યું હતું. તેમણે દારા શિકોહને પોતાની પાસે રાજસિંહાસન પર બેસાડ્યા હતા અને તેમને 'શાહે બુલંદ ઇકબાલ'નો ખિતાબ આપ્યો હતો તથા જાહેરાત કરી હતી કે તેમના પછી દારા શિકોહ જ હિંદુસ્તાનની ગાદી પર બિરાજશે."
રાજકુમાર હોવાને નાતે દારા શિકોહને શાહી ખજાનામાંથી બે લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમને એક હજાર રૂપિયા દૈનિક ભથ્થાંપેટે આપવામાં આવતા હતા.

હાથીઓની લડાઈમાં ઔરંગઝેબની બહાદુરી

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
28 મે, 1633ના રોજ બનેલી એક નાટકીય ઘટનાની અસર ઘણાં વર્ષો બાદ જોવા મળી હતી.
શાહજહાંને હાથીઓની લડાઈ જોવાનો બહુ શોખ હતો. સુધાકર અને સુરત-સુંદર નામના બે હાથીઓની લડાઈ જોવા માટે તેઓ બાલ્કનીમાંથી ઊતરીને નીચે આવ્યા હતા.
લડાઈ દરમિયાન સુરત-સુંદર હાથી મેદાન છોડીને ભાગવા લાગ્યો ત્યારે સુધાકર ગુસ્સામાં તેની પાછળ દોડ્યો. લડાઈ જોઈ રહેલા લોકો ગભરાઈને અહીંતહીં ભાગવા લાગ્યા.
હાથીએ ઔરંગઝેબ પર હુમલો કર્યો. ઘોડા ઉપર સવાર 14 વર્ષના ઔરંગઝેબે પોતાના ઘોડાને અંકુશમાં લીધો અને હાથી તેમની નજીક આવ્યો કે તરત જ તેના માથા પર ભાલા વડે હુમલો કર્યો.
એ દરમિયાન કેટલાક સૈનિકો દોડીને ત્યાં પહોંચી ગયા અને તેમણે શાહજહાંને ચારે તરફથી ઘેરી લીધા. હાથીને ડરાવવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા, પણ હાથીએ પોતાની સૂંઢની તાકાતથી ઔરંગઝેબના ઘોડાને નીચે પટક્યા હતા.
ઘોડો પટકાય એ પહેલાં ઔરંગઝેબ તેના પરથી કૂદી પડ્યા અને હાથી સામે લડવા માટે પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. એ વખતે શાહજાદા શૂજાએ પાછળથી આવીને હાથી પર હુમલો કર્યો.

ઇમેજ સ્રોત, Getty Images
હાથીએ તેમના ઘોડા સાથે એટલી તાકાતથી પોતાનું મસ્તક અફળાવ્યું હતું કે શૂજા પણ ઘોડા પરથી નીચે પડી ગયા.
એ વખતે ત્યાં હાજર રાજા જસવંત સિંહ અને અનેક શાહી સૈનિકો પોતાના અશ્વો પર ત્યાં પહોંચી ગયા. ચારેય તરફ ધમાલ થતાં સુધાકર હાથી ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યાર બાદ ઔરંગઝેબને શાહજહાં સામે લાવવામાં આવ્યા હતા અને શાહજહાંએ તેમના દીકરાને ભેટી પડ્યા હતા.
અવિક ચંદાના જણાવ્યા અનુસાર, "એ ઘટના પછી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઔરંગઝેબને બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમની સુવર્ણતુલા કરવામાં આવી હતી અને તેમના શરીરના વજન જેટલું સોનું તેમને ભેટ આપવામાં આવ્યું હતું."
"આ સમગ્ર ઘટના દરમિયાન દારા શિકોહ ત્યાં જ ઊભા હતા, પણ તેમણે હાથીઓને કાબૂમાં લેવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ ઘટના એ વાતનો પ્રારંભિક સંકેત હતી કે શાહજહાં પછી હિંદુસ્તાનની ગાદી કોણ સંભાળશે."
રાણા સફવી નામનાં એક અન્ય ઇતિહાસકારે કહ્યું હતું, "દારા શિકોહ ઘટનાસ્થળથી થોડે દૂર હતા. તેમણે ઇચ્છ્યું હોત તો પણ તેઓ ત્યાં તરત પહોંચી શકતા નહોતા. દારા જાણીજોઈને દૂર ચાલ્યા ગયા અને તેના લીધે ઔરંગઝેબને બધો યશ પ્રાપ્ત કરવાની તક મળી ગઈ એમ કહેવું ખોટું છે."

મોગલ ઇતિહાસનાં સૌથી મોંઘાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
દારા શિકોહના નાદિરાબાનો સાથેનાં લગ્નને મોગલ ઇતિહાસનાં સૌથી મોંઘાં લગ્ન ગણાવવામાં આવે છે.
એ સમયે ઇંગ્લૅન્ડથી ભારત ફરવા આવેલા પીટર મેંડીએ પોતાના એક લેખમાં લખ્યું હતું કે દાહા શિકોહના લગ્નમાં એ જમાનામાં 32 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમાંથી 16 લાખ રૂપિયા દારા શિકોહનાં મોટા બહેન જહાંઆરા બેગમે આપ્યા હતા.
અવિક ચંદાએ કહ્યું હતું, "દારા શિકોહ બધાને પ્રિય હતા. બાદશાહને પણ અને તેમનાં મોટી બહેન જહાંઆરાને પણ. એ સમયે તેમનાં માતા મુમતાઝમહેલનું અવસાન થઈ ચૂક્યું હતું અને જહાંઆરા બેગમ બાદશાહ બેગમ બની ગયાં હતાં."
"પત્નીના મૃત્યુ પછી શાહજહાં પહેલી વાર કોઈ જાહેર સમારંભમાં ભાગ લઈ રહ્યા હતા. દારા શિકોહનાં લગ્ન પહેલી ફેબ્રુઆરી, 1633ના રોજ થયાં હતાં અને ભોજન સમારંભોનો સિલસિલો આઠમી ફેબ્રુઆરી, 1633 સુધી ચાલતો રહ્યો હતો."
"એ દરમિયાન રાતે એટલા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને એટલી રોશની કરવામાં આવી હતી કે રાતે દિવસ થઈ ગયો હોય એવું લાગતું હતું. લગ્નના દિવસે દુલ્હને પહેરેલા પોશાકની કિંમત જ આઠ લાખ રૂપિયા હતી એવું કહેવાય છે."

દારા શિકોહે કરી હતી કંદહાર પર ચડાઈ

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
દારા શિકોહની ઇમેજ એક નબળા યોદ્ધા અને અયોગ્ય વહીવટકર્તાની હતી, પણ તેમણે ક્યારેય યુદ્ધમાં ભાગ જ ન લીધો હતો એવું ન હતું.
તેઓ કંદહાર પરની ચડાઈમાં જાતે લડવા ગયા હતા, પણ ત્યાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
અવિક ચંદાએ કહ્યું હતું, "ઔરંગઝેબ કંદહારથી નિષ્ફળ થઈને પાછા આવ્યા ત્યારે દારા શિકોહે તેમને જણાવ્યું હતું કે તેઓ લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કરશે. શાહજહાં તેમને નેતૃત્વ સોંપવા રાજી પણ થઈ ગયા હતા."
"તેમણે લાહોર પહોંચીને 70,000 લોકોનું સૈન્ય તૈયાર કર્યું હતું. તેમાં 110 મુસ્લિમ અને 58 રાજપૂત કમાન્ડર્સ હતા. એ લશ્કરમાં 230 હાથી, જમીન ખોદવાના કામ માટે 6,000 મજૂર, પાણી લાવનારા 500 ભિસ્તી અને સંખ્યાબંધ તાંત્રિક, જાદુગર, મૌલાના તથા સાધુઓ પણ હતા."
"દારા શિકોહે તેમના કમાન્ડર્સની સલાહ લેવાને બદલે આ તાંત્રિકો તથા જ્યોતિષીઓને સલાહને આધારે હુમલાનો દિવસ નક્કી કર્યો હતો. તાંત્રિકો તથા જ્યોતિષીઓ પાછળ તેમણે ચિક્કાર પૈસા ખર્ચ્યા હતા."
"બીજી તરફ ફારસી સૈનિકોએ પોતાના રક્ષણ માટે સજ્જડ યોજના બનાવી હતી. મોગલ લશ્કરે અનેક દિવસો સુધી ઘેરો ઘાલ્યા બાદ પણ તેમને નિષ્ફળતા મળી હતી અને દારા શિકોહના સૈન્યે ખાલી હાથે દિલ્હી પાછા ફરવું પડ્યું હતું."

ઔરંગઝેબ સામે ઉત્તરાધિકારી બનવાની લડાઈ હાર્યા

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
શાહજહાંની બીમારી બાદ તેમના ઉત્તરાધિકાર માટે થયેલી લડાઈમાં ઔરંગઝેબનો હાથ ઉપર રહ્યો હતો.
પાકિસ્તાની નાટ્યકાર શાહિદ નદીમની વાત સાચી માનીએ તો ઔરંગઝેબ સામે થયેલી દારાની હારને કારણે ભારત અને પાકિસ્તાનના વિભાજનનાં બીજ રોપાયાં હતાં.
એ લડાઈમાં ઔરંગઝેબ એક મોટા હાથી પર સવાર થયા હતા. તેમની પાછળ તીરકામઠાંથી સજ્જ 15000 સૈનિકો ચાલી રહ્યા હતા.
તેમની જમણી બાજુ તેમના દીકરા સુલતાન મોહમ્મદ અને સાવકા ભાઈ મીર બાબા હતા. સુલતાન મોહમ્મદની બાજુમાં નજાબત ખાનની ટુકડી હતી.
એ ઉપરાંત વધુ 15000 સૈનિકો શાહજાદા મુરાદ બક્ષના કાફલામાં હતા. મુરાદ બક્ષ પણ એક કદાવર હાથી પર બેઠા હતા. તેમની બરાબર પાઠળ તેમના નાના દીકરા બેઠા હતા.
અવિક ચંદાએ કહ્યું હતું, "બન્ને સૈન્ય વચ્ચેની પ્રારંભિક ટક્કર બરાબરીની હતી. તેમાં દારાનો હાથ ઉપર હતો, પણ એ જ વખતે ઔરંગઝેબે તેમની અસલી નેતૃત્વક્ષમતાનો પરિચય આપ્યો હતો."
"તેમણે તેમના હાથીના ચારેય પગ સાંકળથી બંધાવી દીધા હતા, જેથી હાથી આગળ કે પાછળ જઈ ન શકે."
"પછી તેમણે બરાડીને કહ્યું હતું કે 'મરદાની દિલાવરાં-એ-બહાદુર, વક્ત અસ્ત' (મતલબ કે બહાદુરો તમારી ક્ષમતા દેખાડવાનો આ જ સમય છે) ઔરંગઝેબે પોતાના હાથ આકાશ તરફ ઉઠાવ્યા હતા અને ઊંચા અવાજે કહ્યું હતું કે ''યા ખુદા, યા ખુદા, મેરા તુજ મેં અકિદા હૈ મૈં હારને સે બહેતર મર જાના પસંદ કરુંગા."

હાથી છોડવાનું દારા શિકોહને ભારે પડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અવિક ચંદાએ આગળ કહ્યું હતું, "એ સમયે ખલીલઉલ્લાહે ખાંએ દારાને જણાવ્યું હતું કે 'તમે જીતી રહ્યા છો, પણ તમે ઊંચા હાથી પર શા માટે બેઠા છો? તમે તમારો જીવ જોખમમાં શા માટે મૂકી રહ્યા છો? એકાદું તીર કે ગોળી તમારી ચામડીને વીંધીને શરીરમાં પેસી જશે એ પછી શું થશે તેની કલ્પના આપ કરી શકો છો."
"ખુદાને ખાતર તમે હાથી પરથી ઊતરો અને ઘોડા પર સવાર થઈને લડાઈ લડો.' દારા શિકોહે ખલીલઉલ્લાહ ખાંની એ સલાહ માની લીધી હતી. બીજી તરફ સૈનિકોએ જોયું કે દારા શિકોહ જેના પર બેઠા હતા એ હાથીની અંબાડી ખાલી છે અને દારા ક્યાંય દેખાતા નથી. તેથી ચારે તરફ અફવા ફેલાવા લાગી હતી."
"સૈનિકો એવું માનવા લાગ્યા હતા કે દારાને પકડી લેવામાં આવ્યા છે અથવા તો લડાઈમાં તેમનું મોત થયું છે. દારાના સૈનિકો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ પીછેહઠ કરવા લાગ્યા હતા. એ પછી થોડી જ વારમાં ઔરંગઝેબના સૈનિકોએ દારાના સૈનિકોને કચડી નાખ્યા હતા."
ઇટાલિયન ઇતિહાસકાર નિકોલાઓ મનૂચીએ તેમના પુસ્તક 'સ્તોરિયો દો માંગોર'માં આ લડાઈનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે.
નિકોલાઓ મનૂચીએ લખ્યું છે, "દારાના સૈન્યમાં પ્રોફેશનલ સૈનિકો ન હતા. એ સૈન્યમાં ઘણા લોકો હજામ, કસાઈ કે સાધારણ મજૂર હતા. દારાએ ધુમાડા ગોટેગોટા વચ્ચે પોતાનો અશ્વ આગળ વધાર્યો હતો."
"સાહસ દર્શાવવાનો પ્રયાસ કરતાં તેમણે હુકમ કર્યો હતો કે નગારા વગાડવાનું ચાલુ રાખવામાં આવે. દારાએ જોયું હતું કે દુશ્મનો થોડા દૂર છે. તેમના તરફથી કોઈ હુમલો કે ગોળીબાર કરવામાં આવતો ન હતો."
"દારા તેમના સૈનિકો સાથે આગળ વધતા રહ્યા હતા. તેઓ ઔરંગઝેબના સૈનિકોની પહોંચમાં આવ્યા કે તરત જ તેમના પર તોપ, બંદૂકો, અને ઊંટ પર લગાવવામાં આવેલી ફરી શકતી બંદૂકો વડે હુમલો કરવામાં આવ્યો હતો."
"અચાનક કરવામાં આવેલો આ ચોકસાઈભર્યો હુમલો દારા અને તેમના સૈનિકો માટે અણધાર્યો હતો."
નિકોલાઓ મનૂચીએ નોંધ્યું છે, "ઔરંગઝેબના સૈન્યની તોપો દારા શિકોહના સૈનિકોનાં માથાં અને ધડ ઉડાડવાં લાગી એટલે દારાએ આદેશ આપ્યો હતો કે ઔરંગઝેબના સૈન્યના આ હુમલાના જવાબ માટે આપણી તોપો પણ આગળ લાવવામાં આવે."
"જોકે, આગળ વધવાના ચક્કરમાં દારાના સૈનિકો તેમની તોપો પાછળ છોડી આવ્યા હતા. આ વાત જાણી ત્યારે દારાના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી."

ચોરોની માફક આગરાના કિલ્લા પર પહોંચ્યા

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
આ લડાઈમાં દારા શિકોહની હારનું ઝીણવટભર્યું વર્ણન વિખ્યાત ઇતિહાસકાર જદુનાથ સરકારે પણ ઔરંગઝેબની જીવનકથામાં કર્યું છે.
જદુનાથ સરકારે લખ્યું છે, "ઘોડા પર સવાર થઈને ચારથી પાંચ માઈલ ભાગ્યા બાદ દારા શિકોહ આરામ કરવા માટે એક ઝાડની નીચે બેઠા હતા. ઔરંગઝેબના સૈનિકો તેમનો પીછો કરતા ન હતા, પણ દારા પાછું વળીને જોતા હતા ત્યારે તેમને ઔરંગઝેબના સૈનિકોના ઢોલનો અવાજ સંભળાતો હતો."
"એક તબક્કે તેઓ તેમના મસ્તક પરનું કવચ ખોલવા ઇચ્છતા હતા, કારણ કે તેમના માથામાં ભોંકાતું હતું. જોકે, તેઓ એટલા થાકી ચૂક્યા હતા કે તેમના હાથ કવચ ખોલવા સુધી લઈ જઈ શક્યા ન હતા."
જદુનાથ સરકારે નોંધ્યું છે, "આખરે રાતે નવ વાગ્યાની આસપાસ દારા શિકોહ કેટલાક ઘોડેસવારો સાથે ચોરોની માફક આગરાના કિલ્લાના મુખ્ય દરવાજે પહોંચ્યા હતા. તેમના અશ્વો અત્યંત થાકી ગયા હતા અને તેમના સૈનિકોના હાથમાં મશાલો પણ નહોતી."
"આખું શહેર કશાકનો શોક મનાવી રહ્યું હોય તેમ ચારે તરફ સન્નાટો ફેલાયેલો હતો. દારા કોઈને કશું કહ્યા વિના પોતાના અશ્વ પરથી ઊતર્યા હતા અને ઘરમાં ઘૂસીને દરવાજો બંધ કરી દીધો હતો. મોગલ બાદશાહતની લડાઈ દારા હારી ચૂક્યા હતા."

મલિક જીવને દારાને છળ વડે પકડાવ્યા

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
આગરાથી ભાગ્યા બાદ દારા પહેલાં દિલ્હી ગયા હતા તથા ત્યાંથી પંજાબ અને પછી અફઘાનિસ્તાન, જ્યાં મલિક જીવને તેમને છળથી પકડાવ્યા હતા અને ઔરંગઝેબના સૈન્ય સરદારોને હવાલે કરી દીધા હતા.
એ પછી દારાને દિલ્હી લાવવામાં આવ્યા હતા અને બહુ જ અપમાનિત કરીને તેમને દિલ્હીની સડકો પર ફેરવવામાં આવ્યા હતા.
અવિક ચંદાએ કહ્યું હતું, "રોમન સૈન્યના વડાઓ જેમને હરાવતા હતા, તેમને લાવીને કૉલોઝિયમના ચક્કર લગાવતા હતા. ઔરંગઝેબે પણ દારા શિકોહ સાથે એવું જ બધું કર્યું હતું."
"દારા શિકોહ આગરા અને દિલ્હીમાં બહુ લોકપ્રિય હતા. તેમને આ રીતે અપમાનિત કરીને ઔરંગઝેબ એ દર્શાવવા ઇચ્છતા હતા કે દારા શિકોહ માત્ર લોકોના પ્રેમના આધારે ભારતના બાદશાહ બનવાનું સપનું જોઈ ન શકે."

નાની હાથણી પર બેસાડીને દિલ્હીની સડકો પર ફેરવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
દારા શિકોહના આ જાહેર અપમાનનું રોમાંચક વર્ણન ફ્રેન્ચ ઇતિહાસકાર ફ્રાંસુઆ બર્નિયરે તેમના પુસ્તક 'ટ્રાવેલ્સ ઇન ધ મુગલ ઇન્ડિયા'માં કર્યું છે.
ફ્રાંસુઆ બર્નિયરે લખ્યું છે, "દારા શિકોહને એક નાની હાથણી પર અંબાડી વિના બેસાડવામાં આવ્યા હતા. તેમના પાછળના બીજા હાથી પર તેમના 14 વર્ષીય પુત્ર સિફિર શિકોહ સવાર હતા. તેની પાછળ ઔરંગઝેબના ગુલામ નઝરબેગ ખુલ્લી તલવાર લઈને ચાલી રહ્યા હતા."
"નઝરબેગને આદેશ આપવામાં આવ્યો હતો કે દારા શિકોહ ભાગવાનો પ્રયાસ કરે કે તેમને બચાવવાનો પ્રયાસ થાય કે તરત દારાનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવે."
"વિશ્વના સૌથી અમીર રાજપરિવારના વારસદારને અત્યંત દયનીય હાલતમાં જનતા સામે અપમાનિત કરવામાં આવ્યો હતો. દારા શિકોહના મસ્તક પર જૂના કપડાનો સાફો બાંધવામાં આવ્યો હતો અને તેમની ડોકમાં આભૂષણ કે ઝવેરાત કશું જ નહોતું."
ફ્રાંસુઆ બર્નિયરે નોંધ્યું છે, "દારાના પગ સાંકળ વડે બંધાયેલા હતા, પણ તેમના હાથ ખુલ્લા હતા. ઑગસ્ટ મહિનાના આકરા તડકામાં તેમને દિલ્હીના એ રસ્તાઓ પર ફેરવવામાં આવ્યા હતા, જ્યાં એક સમયે તેમનું રાજ હતું."
"આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન દારા શિકોહે તેમની નજર ક્યારેય ઉઠાવી ન હતી. તેઓ વૃક્ષની કચડાયેલી ડાળની માફક બેઠા રહ્યા હતા. તેમની આવી હાલત જોઈને રસ્તાની બન્ને તરફ ઊભેલા લોકોની આંખોમાં પાણી આવી ગયાં હતાં."

ભિખારી તરફ શાલ ફેંકી

ઇમેજ સ્રોત, Getty Images
દારા શિકોહને આ રીતે સડકો પર ફેરવવામાં આવી રહ્યા હતા ત્યારે એક ભિખારીનો અવાજ સંભળાયો હતો.
અવિક ચંદાએ કહ્યું હતું, "ભિખારી બરાડી-બરાડીને કહેતો હતો કે 'એ દારા, એક જમાનામાં તમે આ ધરતીના માલિક હતા. તમે આ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે મને કંઈકને કંઈક આપીને જતા હતા. આજે મને આપવા માટે તમારી પાસે કશું નથી.' ભિખારીની આ વાત સાંભળતાં જ દારાએ પોતાનો હાથ ખભા તરફ આગળ વધાર્યો અને ખભા પર રાખેલી શાલ ઉઠાવીને ભિખારી તરફ ફેંકી દીધી હતી."
"ઘટનાના સાક્ષીઓએ આ વાત ઔરંગઝેબ સુધી પહોંચાડી હતી. અપમાનની પરેડ પૂરી થતાં દારા અને તેમના દીકરા સિફિરને જેલરોને હવાલે કરી દેવાયા હતા."

ધડથી માથું અલગ

ઇમેજ સ્રોત, Getty Images
દારા શિકોહને મૃત્યુદંડ આપવાનો નિર્ણય અપમાનની પરેડના એક દિવસ બાદ ઔરંગઝેબના દરબારમાં લેવામાં આવ્યો હતો.
દારા પર ઇસ્લામનો વિરોધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઔરંગઝેબે 4000 ઘોડેસવારોને દિલ્હીની બહાર જવાનો આદેશ આપ્યો હતો અને એવી અફવા ફેલાવવામાં આવી હતી કે દારા શિકોહને ગ્વાલિયરની જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. એ સાંજે ઔરંગઝેબે નઝર બેગને બોલાવીને જણાવ્યું હતું કે તેઓ દારા શિકોહનું કપાયેલું મસ્તક જોવા ઇચ્છે છે.
અવિક ચંદાએ જણાવ્યું હતું, "નઝર બેગ અને મકબૂલા, મશહૂર, ફરાદ તથા ફતેહ બહાદુર નામના તેમના સેવકો છરી-ચાકાં લઈને ખિજરાબાદના મહેલમાં ગયા હતા. મહેલમાં દારા અને તેમનો દીકરો રાતના ભોજન માટે દાળ બનાવી રહ્યા હતા."
"દારાને શંકા હતી કે તેમના ભોજનમાં ઝેર ભેળવવામાં આવશે. એટલે તેઓ જાતે ભોજન બનાવતા હતા. નઝર બેગે ત્યાં પહોંચતાં જ જાહેર કર્યું હતું કે તેઓ સિફિરને લેવા આવ્યા છે. એ સાંભળીને સિફિર રડવા લાગ્યો હતો. તેથી દારાએ તેને છાતીએ વળગાડ્યો હતો. નઝર બેગ અને તેમના સેવકો સિફિરને બળજબરીથી છોડાવીને બીજા ઓરડામાં લઈ ગયા હતા."
અવિક ચંદાએ ઉમેર્યું હતું, "દારાએ એક નાનકડું ચપ્પું પહેલેથી જ પોતાના ઓશિકામાં છુપાવી રાખ્યું હતું. તેમણે એ ચપ્પુ કાઢીને નજર બેગના એક સાથી પર પૂરી તાકાતથી પ્રહાર કર્યો હતો, પરંતુ હત્યારાઓએ તેમના બન્ને હાથને પકડી લીધા હતા અને તેમને બળજબરીથી ગોઠણભેર બેસાડીને તેમનું માથું નમાવી દીધું. એ પછી નઝર બેગે તેની તલવારથી દારા શિકોહનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું."

ઔરંગઝેબ સામે રજૂ કરાયું કાપેલું મસ્તક

ઇમેજ સ્રોત, Getty Images
દારા શિકોહનું કપાયેલું માથું ઔરંગઝેબ સામે રજૂ કરવામાં આવ્યું ત્યારે તેઓ તેમના કિલ્લાના બગીચામાં બેઠા હતા. મસ્તક જોયા બાદ ઔરંગઝેબે આદેશ આપ્યો હતો કે કપાયેલા માથા પરનું લોહી ધોઈને તેને એક થાળમાં પ્રસ્તુત કરવામાં આવે.
અવિક ચંદાએ જણાવ્યું હતું, "તેથી તરત જ ત્યાં મશાલો અને ફાનસ લાવવામાં આવ્યાં હતાં, જેથી કપાયેલું માથું પોતાના સગા ભાઈનું જ છે તેની ખાતરી ઔરંગઝેબ કરી શકે. ઔરંગઝેબને ભાઈનું માથું કાપ્યાથી સંતોષ થયો ન હતો."
"બીજા દિવસે એટલે કે 31 ઑગસ્ટ, 1659ના રોજ તેમણે આદેશ આપ્યો હતો કે દારાના મસ્તકથી અલગ કરાયેલા ઘડને હાથી પર રાખીને દિલ્હીના એ માર્ગો પર ફેરવવામાં આવે, જ્યા અગાઉ તેમની પરેડ કરાવવામાં આવી હતી."
"દિલ્હીના લોકો એ દૃશ્ય જોતાંની સાથે જ કમકમી ઊઠ્યા હતા અને સ્ત્રીઓ ઘરમાં જઈને રડવા લાગી હતી. દારાના કપાયેલા ઘડને હુમાયુના મકબરાના પ્રાંગણમાં દફનાવી દેવામાં આવ્યું હતું."

ઔરંગઝેબે શાહજહાંનું દિલ તોડ્યું

ઇમેજ સ્રોત, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING
આ ઘટના પછી ઔરંગઝેબે આગરાના કિલ્લામાં કેદ તેમના પિતા શાહજહાંને એક ભેટ મોકલાવી હતી.
ઇટાલિયન ઇતિહાસકાર નિકાલાઓ મનૂચીએ તેમના પુસ્તક 'સ્ટોરિયો દો મોગોર'માં લખ્યું છે, "આલમગીરે તેમના માટે કામ કરતા ઐતબાર ખાંને એક પત્ર શાહજહાં સુધી પહોંચાડવાની જવાબદારી સોંપી હતી."
એ પત્રમાં લખ્યું હતું કે 'ઓરંગઝેબ, તમારો પુત્ર તમારી ખિદમતમાં આ તાસકમાં એવી વાનગી મોકલી રહ્યો છે, જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો.'
"એ પત્ર મળતાં સુધીમાં વૃદ્ધ થઈ ગયેલા શાહજહાં બોલ્યા હતા કે 'ખુદાનું ભલું થાય કે મારો દીકરો પણ મને યાદ કરે છે.' એ સમયે શાહજહાં સામે એક તાસક રજૂ કરવામાં આવી હતી. તાસક પરનું ઢાંકણું હટાવ્યું ત્યારે શાહજહાંની ચીસ નીકળી ગઈ હતી, કારણ કે તાસકમાં તેમના સૌથી નાના દીકરા દારાનું કપાયેલું માથું રાખવામાં આવ્યું હતું."

ક્રૂરતાની ચરમસીમા
નિકાલાઓ મનૂચીએ નોંધ્યું હતું, "એ દૃશ્ય જોઈને ત્યાં હાજર મહિલાઓ મોટેમોટેથી વિલાપ કરવા લાગી હતી. તેમણે પોતાની છાતી પીટવાનું શરૂ કરી દીધું હતું અને પોતાનાં ઘરેણાં ઉતારીને ફેંકી દીધાં હતાં."
"શાહજહાંને એટલો જોરદાર આઘાત લાગ્યો હતો કે તેમને ત્યાંથી અન્યત્ર લઈ જવા પડ્યા હતા. દારાનું ઘડ તો હુમાયુના મકબરામાં દફનાવવામાં આવ્યું હતું, પણ તેનું મસ્તક ઔરંગઝેબના આદેશ અનુસાર, તાજમહેલના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યું હતું."
"ઔરંગઝેબ એવું માનતો હતો કે શાહજહાંની નજર તેમની બેગમના મકબરા પર જ્યારે પણ જશે ત્યારે તેમને યાદ રહેશે કે તેમના દીકરાનું મસ્તક પણ ત્યાં સડી રહ્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












