આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં મહિલા ખેલાડીઓ પર આશાઓ કેમ વધી ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરુણ જનાર્દન
- પદ, ફ્રિલાન્સ સ્પૉર્ટ્સ સંવાદદાતા
આ વર્ષે ટૉકિયોમાં યોજાનારા ઑલિમ્પિક્સમાં ગત વખત કરતાં સારો દેખાવ કરવાની જવાબદારી ભારતીય મહિલા ખેલાડીઓ પર આવી છે.
2016માં રિયો દી જાનેરો રમતોત્સવમાં માત્ર બે ચંદ્રક (બૅડમિન્ટનમાં પી. વી. સિંધુને સિલ્વર અને કુસ્તીમાં સાક્ષી મલિકને બ્રૉન્ઝ) મળ્યા હતા, તેથી આમ પણ આ રમતોત્સવમાં નબળો દેખાવ કરતાં ભારતે મોટી અપેક્ષાઓ બાંધી પણ નથી.
2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ પણ સિંધુ જીતી હતી, તેના પર જ ચંદ્રક માટેની આશા છે. તેના પરથી છેલ્લાં વર્ષોમાં ભારતે રમતગમતમાં કેટલી પ્રગતિ કરી છે તેનો ખ્યાલ આવી જાય છે.
શૂટિંગ, તીરંદાજી, કુસ્તી, બૅડમિન્ટન, જિમનાસ્ટિક્સ, દોડ-કૂદમાં ભારતની આશા પુરુષ ખેલાડીઓ જેટલી જ કે તેના કરતાંય વધારે મહિલા ખેલાડીઓ પર છે.

મહિલા ખેલાડીઓની સંખ્યામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
પુરુષપ્રધાન આ દેશમાં મહિલાઓને સામાજિક વિરોધ અને રમતગમતની ઓછી સુવિધાઓનો સામનો કરવો પડે છે, ત્યારે તેમના પર મુકાયેલી આશા મહિલા ખેલાડીઓની પ્રગતિનો અંદાજ આપી દે છે.
આંકડા પરથી મિશ્રિત ચિત્ર ઊભું થાય છે. દાખલા તરીકે 20 વર્ષ પહેલાં સિડની ઑલિમ્પિક્સમાં ભારતે 72 ખેલાડીઓનો કાફલો મોકલ્યો હતો અને માત્ર એક બ્રૉન્ડ મૅડલ (વૅઇટલિફ્ટિંગમાં મલ્લેશ્વરીને) મેળવ્યો હતો.
રિયો માટે ભારતીય ટીમની સંખ્યા 15 રમતોમાં 117 ખેલાડીઓ સુધી પહોંચ્યા હતા, જેમાં 54 મહિલાઓ હતાં અને બંને મૅડલ્સ મહિલાઓએ મેળવ્યા હતા.
પુરુષોની સરખામણીએ રમતગમતમાં સ્ત્રીની ભાગીદારી જુદાંજુદાં પરિબળો પર નિર્ભર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનાં માતાપિતા કેટલાં પ્રગતિશીલ છે તે મહત્ત્વનું હોય છે. કયા પ્રદેશમાંથી આવે છે, ગામડાંમાં રહે છે કે શહેરમાં, કઈ રમત પસંદ કરે છે અને કયા સામાજિક વર્ગમાંથી આવે છે તે બધી બાબતો મહત્ત્વની બની જતી હોય છે.
હરિયાણામાં છોકરીઓની સંખ્યા 2018માં સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 1000 સામે 924 હતી અને મહિલા વિરોધી ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ હતું.
આમ છતાં હરિયાણામાંથી દેશની સૌથી જાણીતી મહિલા ખેલાડીઓ પણ આવ્યાં. ગીતા, બબિતા અને વિનેશ ફોગટ બહેનો બહુ જાણીતી બન્યાં હતાં.
આંતરરાષ્ટ્રીયસ્તરે ઘણા ચંદ્રકો મેળવ્યા હતા અને તેમના જીવન પરથી હિન્દી ફિલ્મ પણ બની.
બીજી બાજુ પ્રમાણમાં વધારે ઉદાર રાજ્ય ગણાતા મહારાષ્ટ્રના મુંબઈમાં મહિલાઓમાં શૂટિંગ માટેનો ક્રૅઝ જાગ્યો અને તેનું સારું ફળ પણ આજે મળી રહ્યું છે.
શાળાઓ, જિલ્લા તથા તાલુકાકક્ષાએ કેટલીક છોકરીઓ રમતગમતમાં ભાગ લે છે તેના આંકડા મેળવવા મુશ્કેલ છે, પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે મોટી સંખ્યામાં યુવતીઓ ભાગ લેતાં થયાં છે.
આસામના ગુવાહાટીમાં 10થી 22 જાન્યુઆરી ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ યોજાયો, તેમાં મહારાષ્ટ્રમાંથી 591 સ્પર્ધકો આવ્યા હતા, જેમાં 312 છોકરીઓ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રકોની યાદીમાં હરિયાણાથી પણ મહારાષ્ટ્ર આગળ નીકળી ગયું હતું.
10 જાન્યુઆરીએ વાર્ષિક તાતા મુંબઈ મેરેથોન યોજાઈ, તેમાં મૅડલ માટેની ઍલિટ કૅટેગરીમાં 16 પુરુષો સામે 11 મહિલાઓ પણ હતાં.
તેની સામે ઍલિટ હાફ-મેરેથોનમાં સાત પુરુષો સામે 9 મહિલાઓ હતાં. સૌ માટે ખુલ્લી 10 કિમીની મેરેથોનમાં ગયા વર્ષની 753ની સામે આ વર્ષે 3909 મહિલાઓએ નામ નોંધાવ્યું હતું.
સાર્વત્રિક જાગૃતિ, સામાજિક મોકળાશ, ટીવી અને ઇન્ટરનેટ પર મળતી પ્રસિદ્ધિ, ઇનામની રકમ અને વાલીઓના પ્રોત્સાહનને કારણે મહિલાઓ વધારે મેદાનમાં આવતાં થયાં છે એમ ઍથ્લિટ્સ અને ટ્રેઇનર્સનું કહેવું છે.
"વધુ ને વધુ માતા-પિતા પોતાની દીકરીને શૂટિંગ માટે મોકલવા માગે છે," એમ ઇન્ડિયન જુનિયર ટીમના કોચ સુમા શિરૂર કહે છે.
1990ના દાયકાથી મહારાષ્ટ્રમાં આ દિશામાં પહેલ કરનારામાં સુમાના સમાવેશ થાય છે.
"છેલ્લી રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ પર નજર નાખો તો પુરુષો જેટલી જ મહિલા સ્પર્ધકો હતાં," એમ તેઓ કહે છે.
એક દાયકાથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) લોકપ્રિય થઈ તે પછી વધુ ને વધુ સ્ત્રીઓ ટીવી પર સ્પૉર્ટ્સ જોતાં થયાં છે.
KPMGના સપ્ટેમ્બર 2016ના ધ બિઝનેસ ઑફ સ્પૉર્ટર્સના અહેવાલ અનુસાર 2016માં આઈપીએલના દર્શકોમાં 41% ટકા મહિલાઓ હતાં.
2015માં શરૂ થયેલી નવી પ્રો કબ્બડી લીગની દર્શક સ્ત્રીઓ 50% હતાં અને 2014માં ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ જોનારા દર્શકોમાં 57% મહિલા અને બાળકો હતાં.
રિયોમાં સિંધુ ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચ્યાં ત્યારે તેમની રમત જોનારા દર્શકોની સંખ્યા 6.65 કરોડની થઈ હતી, જે એક વિક્રમ હતો તેવું અખબારી અહેવાલોએ જણાવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સ્થિતિમાં સુધારો

ઇમેજ સ્રોત, Getty Images
આજે રમતગમતમાં ભાગ લેતાં યુવતીઓ પર સામાજિક દબાણ ઓછું થયું છે. સંકુચિત સમુદાયમાંથી સવાલો ઊભા થતા હતા તે બંધ થયા છે અને માતાપિતા પ્રોત્સાહન આપતા થયા છે.
"આ યુવતીઓ ચમકી રહી અને પહેલાં કરતાં વધારે હિંમતવાન અને આત્મવિશ્વાસુ છે," એમ શિરૂર પોતાના પ્રારંભિક દિવસો સાથે સરખામણી કરતાં કહે છે.
"દિલ્હીમાં 2010માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ તે પછી સ્થિતિમાં પરિવર્તન આવ્યું, "એમ સુધા સિંહ કહે છે.
19 જાન્યુઆરીએ તેમણે તાતા મુંબઈ મેરેથોનને સતત ત્રીજી વાર જીતી લીધી હતી.
"હું રમતી થઈ તે દિવસો પછી આજે ઘણું બદલાયું છે. અમારી સામે સવાલો પૂછતા લોકો, પડોશીઓ હવે કશું બોલતા નથી."
બીજી છોકરીઓને ઍથ્લેટ્સ તરીકે સફળ થતી જોઈને માતાપિતા નાની વયથી દીકરીઓને પ્રોત્સાહન આપે છે.
સાનિયા મિર્ઝા, સિંધુ, ફોગાટ બહેનો, બૉક્સર મેરી કોમ, મહિલા ક્રિકેટ ટીમ જેવી સફળતાની કહાણીઓ પ્રચલિત બન્યા પછી હવે રમતગમતની બાબતમાં એટલી સૂગ રહી નથી.
"અમારા જમાનામાં મેં 18 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી," એમ શિરૂર કહે છે.
"હું થોડી સફળતા મેળવવા લાગી ત્યાં લગ્ન કરવાનો સમય થઈ ગયો હતો. મારા પ્રથમ સંતાન પછી હું ટોચ પર પહોંચી હતી. આજે તો 17-18 વર્ષની ઉંમરે કિશોરીઓ ચમકે છે."
શિરૂર જેવી મહિલા કોચની હાજરીને કારણે પણ પરિવર્તન આવ્યું છે. માતાપિતા મહિલા કોચ હોય તો પોતાની દીકરીઓને સ્પર્ધા અને ટૂરમાં મોકલવા માટે વધારે રાજી થાય છે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
ભારતના અર્થતંત્રનો વિકાસ, આવકમાં વૃદ્ધિ સોશિયલ મીડિયાને કારણે જગતનો સંપર્ક વગેરેને કારણે વાલીઓ પોતાનાં સંતાનોના સ્પૉર્ટ્સ કરિયરમાં સામેલ કરવાં તૈયાર થયાં છે.
કુટુંબની જવાબદારી હજીય છોકરાઓ પર હોય છે, તેથી છોકરીઓ પર એન્જિનિયર, ડૉક્ટર બનવાનું પ્રેશર એટલું નથી હોતું.
શિરૂરના સમકાલીન અને હવે નેશનલ રાઇફલ ટીમના ચીફ કોચ દીપાલી દેશપાંડે કહે છે, "તમારો છોકરો હોશિયાર હોય તો તેને એન્જિનિયર બનવા માટે મોકલી દેવાય છે. એવું છોકરી સાથે થતું નથી."
"પહેલાં સમાજ બંધિયાર હતો, પણ હવે મોકળાશ જોવા મળે છે," એમ મુંબઈનાં ટ્રેક ઍથ્લિટ, સ્પૉર્ટ્સ ટ્રેઇનર આયેશા બીલીમોરિયા કહે છે.
"સોશિયલ મીડિયાનો બહુ ફેલાવો થયો છે અને લોકો બીજાની લાઇફ સ્ટાઇલને જાણતા થયા છે અને તેના કારણે તેનું અનુકરણ કરવાની આદત પડે છે."
"અગાઉ ગંજી અને શૉર્ટ્સ પહેરીને છોકરીઓ ઊતરતી હતી, પણ આજે હું રાષ્ટ્રીય સ્પર્ધામાં છોકરીઓને ટુ-પીસમાં જોઉં છું."
દરેક સ્પૉર્ટ્સમાં હવે લીગ શરૂ થઈ રહી છે અને મોટી કંપનીઓ તથા ટીવી પર તેને સ્પૉન્સરશિપ મળી રહી છે, તેથી કમાણી પણ વધી છે.
સિંધુ દુનિયામાં સૌથી વધુ કમાતી ખેલાડીમાં 13મા નંબરે છે.
ફૉર્બ્સની યાદી અનુસાર સિંધુની કમાણી 55 લાખ ડૉલર સુધીની છે. મુંબઈમાં મેરેથોન જીતનારા સ્ત્રી અને પુરુષ ખેલાડીને પાંચ લાખ ડૉલર મળે છે.

હજી ઘણું કરવાનું બાકી

ઇમેજ સ્રોત, Getty Images
વાલીનું સમર્થન બોનસ સમાન છે, પણ ક્યારેક તે બોજ પણ બની જાય છે. છોકરીઓની બાબતમાં માતાપિતા વધારે અસુરક્ષા અનુભવે છે, કેમ કે સ્પર્ધા માટે છોકરીઓએ દૂરદૂરનો પ્રવાસ કરવો પડે છે.
"આજના જમાનામાં માતાપિતા બહુ રસ લઈ રહ્યાં છે, તેઓ છોકરીને એકલી મૂકતાં નથી. વધારે પડતી કાળજી લેતા હોય છે," એમ દેશપાંડે ઉમેરે છે.
રૂઢિચુસ્ત રાજ્યો અને સમુદાયોમાં હજીય છોકરીઓ ઘરે રહે તેવી અપેક્ષા હોય છે.
આર્કિટેક્ટ દેશપાંડે ગુજરાતી અને મારવાડી પરિવારની પોતાની સહાધ્યાયીનીઓના દાખલા આપે છે. તેમને કૉલેજ પછી કામ કરવાની છૂટ મળતી નહોતી.
સ્ત્રીઓને સમાન તક મળે છે, પણ સરકારે કે જાહેર ક્ષેત્રના એકમોમાં સ્પૉર્ટ્સ ક્વૉટામાં ઓછી યુવતીઓ પ્રવેશ લે છે. ઘણી જગ્યાઓ પુરુષો માટે અનામત રખાયેલી હોય છે.
દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સ પછી રમતગમતની સુવિધાઓ વધી છે, પણ હજીય આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં ઓછી છે.
"હું બાલ્ટિમોરમાં રમવા ગઈ ત્યારે જોયું કે તેઓ રમતગમતમાં કેટલા આગળ નીકળી ગયા છે. અહીં (ભારતમાં) જે સ્થિતિ છે તે જોતાં આપણે તેમને પહોંચી વળી શકીએ તેમ નથી," એમ બીલીમોરિયાને લાગે છે.
દેશમાં ક્રિકેટનો જ દબદબો છે, અને તેની લોકપ્રિયતાનું નુકસાન બીજી રમતોને થાય છે, એમ પણ ઘણા માને છે.
એટલું જ નહીં ભારતની મહિલા ક્રિકેટની ટીમને પણ પુરુષ ક્રિકેટ ટીમ જેટલું મહત્ત્વ મળતું નથી.
"આના કારણે રમતગમતનું આખું કલ્ચર ખવાઈ ગયું છે," એમ રામ કિશન ભાકેર કહે છે.
તેમની 17 વર્ષની દીકરી મનુ અત્યારે શૂટિંગમાં ઘણા બધા મૅડલ મેળવીને આગળ વધી રહી છે.
"આપણા એશિયન, કૉમનવેલ્થ કે વર્લ્ડ ચૅમ્પિયન્સને ક્રિકેટરો જેટલી ઓળખ મળતી નથી. ખેલો ઇન્ડિયા ગેમ્સમાં કિશોરીઓ મૅડલ્સ મેળવી રહી છે, પણ અખબારોમાં હાર્દિક પંડ્યાની અર્ધનગ્ન મોટી તસવીરો જ પ્રગટ થયા કરે છે," એમ હરિયાણાના ગોરિયા ગામના ભાકેર કહે છે.

ઇમેજ સ્રોત, INSTAGRAM
ભારત જેવા વિશાળ દેશમાં હજીય પડકારો રહેલા છે, પણ મહિલા ઍથ્લિટ્સની પ્રગતિને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ સગવડો ઊભી થતી જશે.
ઘણા નિષ્ણાતો માને છે કે હજીય શહેરી વિસ્તારમાં જ રમતગમત ચાલે છે, કેમ કે અહીં જ વધારે સારું કોચિંગ અને પોષણ મળતું હોય છે.
"ગામડાં એટલાં નાનાં હોય છે કે ત્યાં જરા પણ ખ્યાલ હોતો નથી."
"ગામવાસીઓ ઘરે નહીં, પણ ખેતરોમાં કામ કરતાં રહેતા હોય છે એટલે તેમને રમતગમતની સ્પર્ધાનો ખ્યાલ પણ હોતો નથી. પણ આપણે ત્યાં તપાસ કરીએ તો સારા ઍથ્લિટ્સ મળી શકે છે," એમ સુધા સિંહ કહે છે.
"મને આ કહેવું ગમતું નથી, પણ સાચી વાત એ છે કે છોકરીએ મજબૂત બનવું પડે છે અને છોકરાઓ જે કંઈ કરી શકે તે કરવા માટે તૈયાર થવું પડે છે."
"મહિલાઓએ પરંપરાનાં બંધનો તોડવાં પડશે," એમ શિરૂર ઉમેરે છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













