ગુજરાતની વિસરાયેલી વણાટળા આશાવલીને ડિજિટલ મીડિયાએ નવી ઓળખ આપી

ઇમેજ સ્રોત, Radhika Vyas
- લેેખક, રાધિકા વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમદાવાદી વણાટકામના વીસરાયેલા કળાસ્વરૂપ આશાવલીને ડિજિટલ મીડિયાને કારણે એક બહેતર ઓળખ મળી છે," એવું રૉયલ બ્રૉકેડના પરેશ પટેલનું કહેવું છે.
પરેશ પટેલ ભારતની સૌથી પુરાણી વણાટશૈલીને બચવવાના પ્રયાસ કરતા કારીગરોમાંથી એક છે જેનાં મૂળ ગુજરાતમાં રહેલાં છે.
આશાવલી સાડીનું મૂળ ગુજરાતમાં છે અને બાદમાં એ આગ્રા તથા વારાણસી અને દેશના બીજા હિસ્સામાં પહોંચી હતી.
આ ભારતની સૌથી પુરાણી વણાટશૈલીમાંથી એક છે.
મોગલ શાસનકાળમાં આ શૈલી તેની લોકપ્રિયતાના શિખર પર હતી.
સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ દસમી સદીમાં આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું.
11મી સદીના ચૌલુક્ય વંશના કર્ણે તેનું નામ કર્ણાવતી રાખ્યું હોવાનું કહેવાય છે.

આશાવલી સાડી
અમદાવાદનું નામ આશાવલ હતું ત્યાં સુધી આશાવલી વણાટકામનું અસ્તિત્વમાં હતું એ જાણીતી વાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજના સમયમાં આશાવલી સાડીને ગુજરાતમાં અમદાવાદી બ્રૉકેડ અથવા સાડીના નામે, પરંતુ ગુજરાત બહાર આશાવલીના નામે ઓળખવામાં આવે છે.
પરેશ પટેલે કહ્યું, "આશાવલીનું આજે પણ અસ્તિત્વ છે, એ વાત બહુ ઓછા લોકો જાણે છે."
"અમે છેલ્લા બે-ત્રણ વર્ષથી માર્કેટમાં આવ્યા છીએ. અગાઉ આ જ સાડી અમે રિટેલ માર્કેટમાં વેચતા હતા."
"હવે અમે ઑનલાઇન વેચાણ કરતા હોવાથી લોકો એ બાબતે વધારે જાણતા થયા છે."
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનું રિદ્રોલ એક એવું ગામ છે, જ્યાં આશાવલી વણાટકળા આજે પણ જીવંત છે અને તેનું કામ થાય છે.
આ કળાના જાણકાર જૂજ પરિવારોમાં પરેશ પટેલના પરિવારનો સમાવેશ થાય છે.
આશાવલી સાડી બનાવતા લોકોનું પ્રમાણ અગાઉ વધારે હતું. અગાઉ એકાદ હજાર લોકો આશાવલીનું કામ કરતા હતા, જ્યારે હવે 50થી 70 લોકો આ કામ કરે છે.
પરેશ પટેલે કહ્યું હતું, "મારા દાદા ખેડૂત હતા, તેઓ ફાજલ સમયમાં આશાવલી વણાટકામ શીખ્યા હતા."
"બીજા લોકો વણાટકામ છોડી રહ્યા હતા, ત્યારે મારા દાદાએ તેમાં રસ લીધો હતો અને પોતાનો ધંધો વિકસાવ્યો હતો."
"તેમણે વચેટિયાઓની દખલ વિના સીધા ગ્રાહકોને સાડીઓ વેચવાના પ્રયાસ કર્યા હતા. હવે અનેક પરિવારો એવું કરી રહ્યા છે."

કળાને બચાવવાની ઇચ્છા

ઇમેજ સ્રોત, ProjectLoom/Taneria
પરેશ પટેલ માટે કામ કરતાં શબનમ નામનાં એક કારીગરે કહ્યું હતું, "હું લગભગ 20 વર્ષથી આ ધંધામાં છું. મારા માટે આ કામ નથી, નિત્યક્રમ છે."
"અમારી સાડીઓ બહુ સારી હોય છે. એ વધારેને વધારે લોકો સુધી પહોંચે એ અમને ગમે."
આશાવલી સાડીનાં એક કારીગર શબનમે કહ્યું, "મહિલાઓ હંમેશા વણાટકામનો હિસ્સો બની રહી છે."
"અમને વણાટકામ અમારાં માતા-પિતાએ શીખવાડ્યું હતું."
"અગાઉ વણાટ પહેલાંનું કામ મહિલાઓ કરતી હતી અને તેમના પતિ વણાટકામ કરતા હતા, પણ હવે અમે વણાટકામ કરીએ છીએ."
પરેશ પટેલે કહ્યું હતું, "હું આ કળાને બચાવવા ઇચ્છું છું અને એ માટે મારાથી થતા તમામ પ્રયાસ કરી રહ્યો છું."
"અમૌનીએ અમને ડિજિટલ ગ્રાહકો મેળવી આપવામાં મદદ કરી છે. અગાઉ અમે જાહેરાતો આપતા હતા, પણ નક્કર કામ કરી દેખાડવા માટે ટીમ બનાવવી પડે છે."
"અમે કળાનાં પાસાં પર ધ્યાન આપીએ છીએ, તેઓ માર્કેટિંગ પર ફોકસ કરે છે."
પરેશ પટેલે ઉમેર્યું હતું, "અમૌની એક સ્ટાર્ટ-અપ હતી અને તેને મદદની જરૂર હતી. તેથી અમે મદદ કરી."

કળાને જગત સામે લાવતાં શીખવાની જરૂર

ઇમેજ સ્રોત, ProjectLoom/Taneria
અમૌની મારફતે કારીગરો ઘરે બેઠાં તેમની પ્રોડક્ટ્સ વેંચે છે અને પોતાના વેચાણનું વિશ્લેષણ પણ જાતે કરે છે. વળી આ બધું વચેટિયાઓની દખલગીરી વિના થાય છે.
વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ ઍન્ડ ટેકનૉલૉજી જી સમિટમાં મહિલા વર્ગમાં ગ્રાન્ટ મેળવનાર ટેક્સ્ટાઇલ ડિઝાઇનર મેઘા દાસને અમૌનીનાં સ્થાપક છે.
મેઘાએ દોઢ વર્ષ પહેલાં તેમની કંપનીની શરૂઆત કરી હતી.

કારીગરને સવાચાર રૂપિયા અને બજારમાં ભાવ 100-200 રૂપિયા

ઇમેજ સ્રોત, ProjectLoom/Taneria
ટેક્સ્ટાઇલ ડિઝાઇનર હોવાના નાતે મેઘા દાસ છેલ્લાં બે વર્ષથી વસ્ત્રના સરફેસ વર્ક પર કામ કરતાં હતાં.
દાસ કહે છે, "કારીગરો અને વણકરો સાથે કામ કરતાં મને જાણવા મળ્યું કે કળાકારોને એક બાંધણી દુપટ્ટા માટે મહેનતાણા પેટે સવાચાર રૂપિયા જ ચૂકવવામાં આવે છે, જ્યારે એજ દુપટ્ટો માર્કેટમાં 100થી 200 રૂપિયામાં વેચવામાં આવે છે."
"મોટા ડિઝાઇનર્સ તેમની ઇચ્છા અનુસારના ઊંચા ભાવે તેનું વેચાણ કરે છે."
"એક જ પ્રોડક્ટ જુદા-જુદા વિસ્તારમાં અલગ-અલગ ભાવે વેચાય છે, પણ કારીગરોને માત્ર સવાચાર રૂપિયા જ મળે છે."
મેઘાએ ઉમેર્યું હતું, "પોતાની પ્રોડક્ટ કઈ રીતે વેચવી એ ઘણા કારીગરો જાણતા નથી અને ચોક્કસ પ્રોડક્ટ ખરી કિંમતે ક્યાંથી મેળવી શકાય તેની ગ્રાહકોને પણ ખબર નથી. આ તદ્દન બિનસંગઠિત ક્ષેત્ર છે. અહીં હાથ બનાવટની પ્રોડક્ટના નામે વેચવામાં આવતી ચીજ બનાવટી હોય શકે છે."
મેઘાના જણાવ્યા મુજબ, "આ કારીગરો કૌશલ્યવાન છે અને તેઓ તેમના કળાવારસાથી સારી પેઠે વાકેફ છે, પણ પોતાની ક્ષમતાની જાણ જગતને કઈ રીતે કરવી એ જાણતા નથી."
"તેથી અમે તેમનો અવાજ બનવાનો નિર્ણય કર્યો હતો."
જોકે જાણકારોનું માનવું છે કે પારંપરિક લોકકળાઓએ સમય સાથે સ્વરૂપ બદલવું જોઈએ અને યુવાનોને પસંદ આવે તે પ્રકારે ડિઝાઇન અને પ્રૉડક્ટ્સને ઢાળવા જોઈએ.
જાણકારો એમ પણ કહે છે કે પારંપરિક કળાઓની સાડીઓ મોંઘી હોય છે અને જો તેમે માર્કેટ-ફ્રેન્ડલી કિંમતો પર બજારમાં લાવવામાં આવે તો જૂની વણાત શૈલીને બચાવી શકાય.
મેઘાના જણાવ્યા મુજબ, "આ કારીગરો કૌશલ્યવાન છે અને તેઓ તેમના કળાવારસાથી સારી પેઠે વાકેફ છે, પણ પોતાની ક્ષમતાની જાણ જગતને કઈ રીતે કરવી એ જાણતા નથી."

ઇમેજ સ્રોત, ProjectLoom/Taneria
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇનના પ્રાધ્યાપક શફીક અફઝાલે બીબીસીને કહ્યું, "પટોળા અને આશાવલી જેવી કેટલીક લોકકળાઓનું અસલ સ્વરૂપ હવે ઓછું થતું જાય છે, કારણ કે અત્યારની પેઢીનું વલણ જુદૂં છે."
"હવે 'યૂઝ ઍન્ડ થ્રો'નું ચલણ છે. લોકો સાડી ખરીદે અને પછી ફેંકી દે છે. આ લોકકળાઓનું અસલ સ્વરૂપ બહુ મોંઘું હોય છે. સામાન્ય લોકો મૂળસ્વરૂપની બહુ મોંઘી સાડીઓ જે રૂપિયા 20 હજારની કિંમતની હોય, તેના બદલે પ્રમાણમાં સસ્તી સાડી ખરીદવાનું પસંદ કરે, પરંતુ લગ્નપ્રસંગે પ્રમાણમાં ઉંમરલાયક લોકો તેને ખરીદવાનું પસંદ કરતા હોય છે."
અફઝાલ કહે છે, "ક્યારેક એ પણ જોવું રહ્યું કે કલાકાર પોતાની કળાને જીતવી રાખવા પ્રત્યે કેટલો ઇમાનદાર છે."
તેઓ આગળ કહે છે, "આશા રાખીએ કે આશાવલી બજારમાં આવે અને સમય સાથે વિકાસ પામે. અને મને લાગે છે કે જો આશાવલીના કલાકારો યુવાનોની પસંદને ધ્યાનમાં રાખે તો આ પારંપરિક કળા લાંબો સમય સુધી જીવિત રહી શકે છે."
અફઝાલનું કહેવું છે, "આશાવલીના કલાકારો અને વણકરો એવી ડિઝાઇનો બનાવે જે માતાઓ અને દાદીઓની સાથે-સાથે યુવતીઓને પણ પસંદ પડે તો આશાનું કિરણ દેખાય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













