ઇઝાબેલ દોસ સેન્ટોસ: આફ્રિકાની ધનાઢ્ય નારીએ અંગોલાને લૂંટ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી પેનોરમા
- પદ, .
લીક થયેલા દસ્તાવેજો પરથી ખ્યાલ આવે છે કે કઈ રીતે આફ્રિકાની સૌથી ધનિક મહિલાએ પોતાના જ દેશમાં શોષણ અને ભ્રષ્ટાચારમાંથી અઢળક કમાણી કરી હતી.
ઇઝાબેલ દોસ સેન્ટોસ (Isabel dos Santos)ના પિતા આફ્રિકાના દક્ષિણમાં આવેલા ખનીજ સંપત્તિથી સમૃદ્ધ દેશ અંગોલાના પ્રમુખ હતા. પિતાની સત્તાનો ગેરફાયદો ઉઠાવીને જમીન, ખનીજ તેલ, ડાયમન્ડ અને ટેલિકોમમાં ઇઝાબેલે તગડી કમાણી કરી હતી.
દસ્તાવેજો દર્શાવે છે કે કઈ રીતે તેણે અને તેના પતિએ શંકાસ્પદ સોદાઓ કરીને અનેક કિમતી સંપત્તિ ખરીદી લીધી હતી.
ઇઝાબેલનું કહેવું છે કે તેની સામેના આરોપો ખોટા છે અને અંગોલાની સરકાર રાજકીય બદલાની ભાવનાથી કામ કરી રહી છે.
અંગોલાના ભૂતપૂર્વ પ્રમુખની આ દીકરીએ હવે યુકેને પોતાનું વતન બનાવ્યું છે અને મધ્ય લંડનમાં મોંઘીદાટ મિલકતોની માલકણ છે.
અંગોલા સરકારે તેની સામે ભ્રષ્ટાચાર બદલ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે અને દેશમાં રહેલી તેની સંપત્તિને ટાંચ મારી દીધી છે.
અબજપતિ ઇઝાબેલનું વેપારી સામ્રાજ્ય કેવું ફેલાયું છે તે વિશેના જાહેર થઈ ગયેલા 700,000થી વધુ દસ્તાવેજો બીબીસી પેનોરમાને પણ જોવા મળ્યા છે.


આમાંના મોટા ભાગના દસ્તાવેજો આફ્રિકામાં ખાનગી માહિતી જાહેર કરી દેનારા (વ્હિસલ-બ્લોઅર)ની સુરક્ષા માટે તૈયાર થયેલા સંગઠન દ્વારા મેળવાયા છે. આ દસ્તાવેજો ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ (ICIJ)ને પણ આપવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કન્સોર્ટિયમ સાથે સંકળાયેલી દુનિયાભરની 37 જેટલી અખબારી સંસ્થાઓએ દસ્તાવેજો ચકાસીને અહેવાલો આપ્યા છે, જેમાં ગાર્ડિયન અને પોર્ટુગલના એક્સ્પ્રેસો અખબારનો સમાવેશ થાય છે.
કરપ્શન વૉચ સંસ્થાના વડા એન્ડ્રૂ ફેઇન્સ્ટેઇન કહે છે કે દસ્તાવેજો પરથી એ ખ્યાલ આવે છે કે ઇઝાબેલે અંગોલાની જનતાના ભોગે દેશનું શોષણ કર્યું હતું.
"કોઈ ગ્લોસી મૅગેઝિનના કવર પર તે ચમકે કે દક્ષિણ ફ્રાન્સમાં વૈભવી પાર્ટીઓ આપે, ત્યારે તે અંગોલાના નાગરિકોની અપેક્ષાઓને કચડી નાખતી હોય તેવું લાગે છે."
આ દસ્તાવેજોને લૉન્ડ્રા લિક્સ એવું નામ ICIJ સાથે જોડાયેલા પત્રકારોએ આપ્યું છે.

ખનીજ તેલનું કનેક્શન

સૌથી વધુ શંકા જગાવે તેવા સોદા લંડનમાંથી થયા હતા. અંગોલોની સરકારી કંપની સોનનગોલની યુકે ખાતેની સબસિડરી કંપની મારફત શંકાસ્પદ સોદા થયા હતા.
2016માં ખાડે જઈ રહેલી સોનાનગોલ કંપનીમાં ઇઝાબેલની નિમણૂક કરવામાં આવી હતી. 38 વર્ષ સુધી લોખંડી પંજા સાથે શાસન કરનારા તેના પિતા જોસ એડુઆર્ડો દોસ સેન્ટોસે પ્રમુખીય વટહુકમ બહાર પાડીને ઇઝાબેલને કંપની સોંપી દીધી હતી.
પ્રમુખ એડુઆર્ડો સપ્ટેમ્બર 2017માં નિવૃત થયા અને તેમની જગ્યાએ વફાદાર એવા અનુગામીને મૂકાયા હતા. આમ છતાં સત્તા પરિવર્તન સાથે ઇઝાબેલ મુશ્કેલીમાં મૂકાઈ હતી અને બે જ મહિનામાં તેની હકાલપટ્ટી થઈ હતી.
નવા આવેલા પ્રમુખ જોઆઓ લોરેન્સો જે રીતે પોતાના પુરોગામી પ્રમુખના કુટુંબના બિઝનેસ હિતો પાછળ પડી ગયા તેના કારણે અંગોલામાં ઘણાને નવાઈ લાગી હતી.

લીક થયેલા દસ્તાવેજો અનુસાર સોનાનગોલ છોડતા પહેલાં ઇઝાબેલે શંકાસ્પદ રીતે 5.8 કરોડ ડૉલરની મોટી ચૂકવણી દુબઈની મેટર બિઝનેસ સૉલ્યુશન્સ નામની કન્સલ્ટન્સી કંપનીને કરી દીધી હતી.
ઇઝાબેલનું કહેવું છે કે મેટર કંપની સાથે કોઈ નાણાંકીય સંબંધ નથી, પરંતુ દસ્તાવેજો દર્શાવે છે કે તેના બિઝનેસ મેનેજર જ કંપની ચલાવતા હતા અને કંપનીની માલિકી તેના એક મિત્રની હતી.
દસ્તાવેજો અનુસાર ઇઝાબેલની હકાલપટ્ટી થઈ તે દિવસે જ મેટર કંપનીએ લંડનમાં સોનાનગોલમાં 50 ઇનવોઇસ મોકલી દીધા હતા.
પોતાની હકાલપટ્ટી થઈ તે પછી ઇઝાબેલે મિત્રની કંપનીને મોટી ચૂકવણી મંજૂર કરી દીધાનું જણાય છે.
મેટર કંપની દ્વારા થોડું કન્સલ્ટન્સીનું કામ થયું હતું, પણ આટલી મોટી ચૂકવણી કરવા માટે જરૂરી કોઈ વિગતો જણાવવામાં આવી નહોતી.
એક ઇન્વોઇસમાં પરચૂરણ ખર્ચ માટે 472,196 યુરોપની રકમ દર્શાવાઈ હતી. બીજા એક બીલમાં અસ્પષ્ટ એવી કાનૂની સેવા માટે 928,517 ડૉલરની રકમ માગવામાં આવી હતી.
એક જ દિવસે, એક જ પ્રકારના કામ માટે બે બીલ બનાવાયા હતા. બંનેમાં 676,339.97 યુરોની રકમ ભરવામાં આવી હતી, જેને ઇઝાબેલે પાસ કરી દીધી હતી.
મેટર બિઝનેસ સૉલ્યુશન્સના વકીલોએ જણાવ્યું હતું કે અંગોલાના ખનીજ તેલના ઉદ્યોગને રિસ્ટ્રક્ચર કરવા માટે તેની મદદ લેવાઈ હતી. આ કામ માટે રોકવામાં આવેલી અન્ય કન્સલ્ટન્સી કંપનીઓને રકમ ચૂકવી પણ દેવાઈ હતી, તેના માટેના આ ઇનવોઇસીઝ હોવાનું જણાવાયું હતું.
"ખર્ચ માટેના ઇનવોઇસીઝ છે તે બાબતમાં જણાવવાનું કે કન્સલ્ટન્સી કંપનીઓ જનરલ આઇટમ તરીકે ખર્ચ ઉમેરતી હોય છે. મોટા પાયે પેપરવર્ક કરવા માટે ખર્ચ થયો હોય તે માટે આવું કરાતું હોય છે... જે પણ ખર્ચ થયો છે તેના માટે મેટર દસ્તાવેજી પુરાવા આપી શકે છે."
ઇઝાબેલના વકીલોનું કહેવું હતું કે મેટરને ચૂકવણીની બાબતમાં લેવાયેલા પગલાં કાયદેસર રીતે લેવાયેલાં છે. તેને સોનાનગોલમાંથી દૂર કરવામાં આવી તે પછી કોઈ ચૂકવણી તેણે મંજૂરી કરી નથી.
વકીલોનું કહેવું છે કે: "સેવા લેવા માટે જ કરાર થયા હતા અને બંને પક્ષો વચ્ચે સહમતી થઈ હતી, તે પ્રમાણે જ બધી ચૂકવણી કરવામાં આવી છે. સોનાનગોલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની જાણ અને મંજૂરી સાથે આ બધા કૉન્ટ્રેક્ટ્સ કરવામાં આવ્યા હતા."
ICIJના પત્રકારો અને Panoramaની ટીમે ઇઝાબેલને તગડી કમાણી કરાવી આપનારા બીજા સોદાઓ પણ શોધી કાઢ્યા છે.

ઇઝાબેલની મોટા ભાગની કમાણી પોર્ટુગીઝ ઉર્જા કંપની ગેલ્પ (Galp)માં તેના માલિકી હિસ્સાને કારણે થયેલી છે. 2006માં આ કંપનીને સોનાનગોલ પાસેથી ઇઝાબેલની બીજી કંપનીઓએ ખરીદી લીધી હતી.
દસ્તાવેજો દર્શાવે છે કે કંપની ખરીદવા માટે માત્ર 15% રકમ જ પ્રથમ આપવી પડી હતી. બાકીની રકમ એટલે કે 7.0 કરોડ ડૉલરની રકમ સોનાનગોલ તરફથી ઓછા વ્યાજના ધિરાણ તરીકે ફેરવી નાખવામાં આવી હતી.
બહુ ઉદાર શરતો સાથે આ લોન આપવામાં આવી હતી અને તેના કારણે 11 વર્ષ સુધી તેણે અંગોલાના લોકોનું દેવું ચૂકવવાની જરૂર પણ નહોતી.
ગેલ્પ કંપનીમાં ઇઝાબેલના હિસ્સાનું હાલમાં મૂલ્ય 75 કરોડ યુરોથી પણ વધારે છે.
2017માં ઇઝાબેલની કંપનીએ સોનાનગોલને તેની લોન ચૂકવી આપવાની ઓફર આપી હતી.
જોકે લોન ચૂકવવાની ઓફર અપાઈ તેમાં 90 લાખ યુરોનું વ્યાજ સામેલ કરાયું નહોતું, તેથી ઓફર નકારી દેવા લાયક હતી.
ઇઝાબેલ ત્યારે સોનાનગોલમાં ચાર્જમાં હતી અને પોતાનું જ દેવું સંપૂર્ણ ચૂકતે એવી રીતે સ્વીકારી લીધું હતું.
છ જ દિવસ બાદ ઇઝાબેલની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને સોનાનગોલના નવા મૅનેજમૅન્ટે રકમ પરત કરી દીધી હતી.
ઇઝાબેલે ત્યારે કહ્યું હતું કે તેણે જાતે જ ગેલ્પમાં સ્ટેક લેવા માટેની પહેલ કરી હતી અને સોનાનગોલને પણ તે સોદાથી ફાયદો થયો હતો.
"આ સોદાઓમાં ક્યાંય કશું ખોટું થયું નથી. આ એવું રોકાણ હતું, જેમાં ઐતિહાસિક રીતે રાષ્ટ્રીય ઑઇલ કંપનીને સારું એવું વળતર મળ્યું હતું. તે માટે થયેલા બધા જ કોન્ટ્રેક્ટ કાયદેસર છે અને કશું ખોટું થયું નથી."
તેના વકીલો કહે છે કે 2017માં રિપેમેન્ટ માટેની ઓફર કરવામાં આવેલી, તેમાં સોનાનગોલ તરફથી જે લેણાં હોવાનું જણાવાયું હતું, તેનો સમાવેશ થઈ ગયો હતો.

હીરાનું કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
ડાયમંડ ઉદ્યોગમાં પણ આવું જ થયું હતું.
ઇઝાબેલના પતિ સિન્ડિકા ડોકોલોએ 2012માં અંગોલાની સરકારી હીરા કંપની સોડિએમ સાથે એક તરફી કરાર કર્યો હતો.
સ્વીસ લક્ઝરી જ્વેલર દે ગ્રીસોજોનોમાં હિસ્સો ખરીદવાનો હતો અને તેમાં બંનેએ 50-50 ટકાની ભાગીદારી કરવાની હતી.
પરંતુ સમગ્ર સોદાની રકમ સરકારી કંપનીએ જ ચૂકવી હતી. દસ્તાવેજો જણાવે છે કે સોદો થયો તેના 18 મહિના પછી સોડિએમે ભાગીદારી કંપનીમાં 7.9 કરોડ ડૉલર રોક્યા હતા. ડોકોલો તરફથી 40 લાખ ડૉલરનું જ રોકાણ થયું હતું. સમગ્ર સોદો પાર પાડવાની દલાલી તરીકે સોડિએમ કંપનીએ વળી તેને 50 લાખ યુરોની ચૂકવણી પણ કરી હતી. આ રીતે તેણે પોતાની કોઈ જ રકમ રોકવી પડી નહોતી.
ડાયમંડ કંપનીનો આ સોદો અંગોલાના લોકોને આનાથીય વધારે મોંઘો પડ્યો હતો.
દસ્તાવેજોમાંથી સ્પષ્ટ થાય છે કે સોડિએમે હિસ્સો ખરીદવા માટે જે રકમ ખર્ચી તે એક ખાનગી બેન્કમાંથી લીધી હતી. આ ખાનગી બેન્કની સૌથી મોટી શેરહોલ્ડર ઇઝાબેલ જ હતી.
સોડિએમે આ રીતે બેન્કમાંથી લીધેલી રકમ પર 9% ટકા વ્યાજ ચૂકવાયું હતું. લોનની જામીનગીરી પ્રમુખીય વટહુકમ જાહેર કરીને અપાઈ હતી. તેના કારણે ઇઝાબેલનની બેન્કને લોન ગુમાવવાનું કોઈ જ જોખમ રહ્યું નહોતું.
સોડિએમના નવા સીઈઓ તરીકે જોડાયેલા બ્રેવો દા રોસાએ પેનોરમાને જણાવ્યું હતું કે આ સોદામાં નાખવામાં આવેલા નાણામાંથી અંગોલાના નાગરિકોને એક ફદિયું પણ મળ્યું નહોતું.
"આખરે અમે પૂરી લોન ચૂકવી દીધી ત્યારે સોડિએમને કુલ 20 કરોડ ડૉલરથી વધુનું નુકસાન થયું હતું," એમ તેમણે કહ્યું હતું.
ભૂતપૂર્વ પ્રમુખ અને સસરાએ ઇઝાબેલના પતિને અંગોલાના રફ ડાયમંડ ખરીદવાના અધિકાર પણ આપ્યા હતા.

કોણ છે ઇઝાબેલ દોસ સેન્ટોસ?

ઇમેજ સ્રોત, Getty Images
- ભૂતપૂર્વ પ્રમુખ જોસ એડુઆર્ડો દોસ સેન્ટોસનાં સૌથી મોટી પુત્રી
- કોન્ગોના આર્ટ કલેક્ટર અને વેપારી સિન્ડિકા ડોકોલો સાથે લગ્ન કર્યા
- યુકેમાં અભ્યાસ કર્યો હતો અને હાલમાં ત્યાં જ વસે છે
- બે અબજ ડૉલરની સંપત્તિ સાથે આફ્રિકાની સૌથી ધનિક નારી ગણાય છે
- અંગોલા અને પોર્ટુગલમાં ખનીજ તેલ, મોબાઇલ ફોન કંપનીઓ તથા બૅન્કમાં હિસ્સો ધરાવે છે
(સ્રોત : ફોર્બ્સ મૅગેઝિન અને અન્ય)
અંગોલાની સરકાર કહે છે કે હીરા બહુ ઓછી કિંમતે વેચી દેવાયા હતા અને તેના કારણે એક અબજ ડૉલરનું નુકસાન થયું હોવાનું જાણકાર વર્તુળોએ પેનોરમાને જણાવ્યું હતું.
ઇઝાબેલે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે પોતે આ બાબતમાં કોઈ ટિપ્પણી કરી શકે નહીં, કેમ કે પોતે દે ગ્રિસોજોનોમાં શેરહોલ્ડર નથી.
જોકે લીક થયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે ઇઝાબેલના પોતાના નાણાંકીય સલાહકારે જ તેનું વર્ણન દે ગ્રિસોજોનોના શેરધારક તરીકે કર્યું હતું.
ડોકોલોએ બાદમાં કેટલુંક રોકાણ કર્યું હતું. તેમના વકીલોએ જણાવ્યું કે તેમણે 11.5 કરોડનું રોકાણ કર્યું હતું અને દે ગ્રિસોજોનોને ટેકઓવર કરવાનો વિચાર તેમનો જ હતો. વકીલોએ જણાવ્યું કે રફ ડાયમંડની કિંમત બજાર ભાવ કરતાં વધારે ચૂકવવામાં આવી હતી.

જમીનનું કનેક્શન

લીક થયેલા દસ્તાવેજોમાં એવું પણ જણાય છે કે ઇઝાબેલે સપ્ટેમ્બર 2017માં સરકારી જમીન ખરીદી હતી. જમીન માટે પણ બહુ ઓછી કિંમત તેણે ચૂકવવી પડી હતી.
રાજધાની લુઆન્ડામાં બીચની સામે જ એક ચોરસ કિલોમિટર જેટલી મોકાની જમીન પ્રમુખ તરીકે તેમના પિતાની સહી સાથેના વટહુકમથી ઇઝાબેલે ખરીદી લીધી હતી.
કૉન્ટ્રેક્ટમાં જણાવાયું છે કે જમીનની કિંમત 9.6 કરોડ ડૉલર છે, પણ દસ્તાવેજોમાં જણાવાયું છે કે ઇઝાબેલની કંપનીએ માત્ર 5% રકમ જ આપી હતી અને બાકીની રકમ જમીનના વિકાસમાં રોકવા માટે તૈયારી બતાવી હતી.
લુઆન્ડનની જમીનનો વિકાસ કરવા માટે કેટલાક નાગરિકોને હટાવાયા હતા. તેમાંના કેટલાક નાગરિકો સાથે બીબીસી પેનોરમાએ સંપર્ક કર્યો હતો.
અંગોલાના નાગરિકોને લુઆન્ડન દરિયાકિનારેથી હટાવીને રાજધાનીથી 50 કિલોમિટર દૂર અંદરની તરફ વસાવવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં રહીને વ્યવસાય ચલાવતાં ટેરેસા વિસપ્પાએ ઇઝાબેલની કંપનીના વિકાસના કાર્યોને કારણે જમીન ગુમાવવી પડી હતી અને તેમના માટે સાત બાળકોનો ઉછેર મુશ્કેલ બન્યો છે.
તેઓએ કહ્યું કે: "હું તો ભગવાનને પ્રાર્થના કરું છું અમારી સ્થિતિ વિશે તેમને થોડું વિચારતી કરે. તેમને કદાચ ખબર પણ નથી, પણ અમે હેરાન થઈ ગયા છીએ."
ફુટુન્ગો ડેવલપમૅન્ટ વિશે કશી કૉમેન્ટ કરવા માટે ઇઝાબેલ દોસ સેન્ટોસે ઇનકાર કર્યો હતો.
જોકે ઇઝાબેલ દ્વારા થયેલા જમીનના સોદાના કારણે જ સ્થાનિક લોકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું તેવું નથી.
બીજા 500 જેટલા પરિવારોને લુઆન્ડનમાં બીજા દરિયાકિનારેથી હટાવાયા હતા. ઇઝાબેલ દ્વારા બીજો એક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે આ પરિવારોને હટાવી દેવાયા હતા.
તે બધા પરિવારો આજે બહુ ખરાબ સ્થિતિમાં ખુલ્લામાં વહેતી ગટરની પાસે રહે છે. દરિયામાં ભરતી આવે ત્યારે ગટર ઉભરાવાથી તેમના ઝૂંપડામાં પાણી ઘૂસી જાય છે.
ઇઝાબેલ કહે છે કે તેના કોઈ પ્રોજેક્ટ માટે કોઈને હટાવાયા નથી અને તેની કંપનીને કશું મળ્યું નથી, કેમ કે તે પ્રોજેક્ટ રદ થયા હતા.

ટેલિકોમ કનેક્શન

અબજપતિ ઇઝાબેલે અંગોલાના ટેલિકોમ ઉદ્યોગમાંથી પણ મોટો નફો રળી લીધો છે.
દેશની મોબાઇલ ફોનની સેવા આપતી સૌથી મોટી કંપની યુનીટેલમાં તેણે 25% હિસ્સો લીધો છે. તેના પિતાએ 1999માં કંપનીને ટેલિકોમનું લાઇસન્સ આપ્યું હતું. તે પછીના વર્ષે એક ઉચ્ચ અધિકારી પાસેથી તેણે હિસ્સો ખરીદી લીધો હતો.
યુનીટેલ કંપનીએ અત્યાર સુધીમાં ઇઝાબેલને એક અબજ ડૉલરનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. તે સિવાય પણ કંપની પાસેથી ઘણા ફાયદા તેણે લીધા છે.
બાદમાં ઇઝાબેલે યુનિટેલ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્ઝ નામની નવી કંપની બનાવી હતી, જેના માટે યુનિટેલ પાસેથી 35 કરોડ યુરો લીધા હતા.
કંપનીનું આવું નામ ગેરમાર્ગે દોરે તેવું હતું, કેમ કે યુનિટેલ સાથે તેને કોઈ સંબંધ નહોતો અને કંપનીની માલિકી માત્ર ઇઝાબેલની હતી.
દસ્તાવેજો દર્શાવે છે કે ઇઝાબેલે લેણદાર તરીકે અને દેણદાર તરીકે બંને બાજુથી સહીઓ કરી હતી, જે સ્પષ્ટપણે હિતોનો ટકરાવ દેખાડે છે.
ગેરરીતિ કરીને લૉન લેવાઈ હતી તેવી વાતને ઇઝાબેલે નકારી કાઢી હતી. ઇઝાબેલે કહ્યું હતું: "આ લોનને ડિરેક્ટર્સ અને શેરહોલ્ડર્સ બંનેનું સમર્થન હતું, અને તે લોનના કારણે યુનિટેલને ફાયદો થશે અને ફાયદો થયો પણ છે."
વકીલો કહે છે કે આ લોનને કારણે યુનિટેલને વિદેશી હૂંડિયામણના મૂલ્યમાં ફેરફાર સામે સુરક્ષા મળી હતી.
આવા ગોટાળા સાથેની મોટા ભાગની કંપનીનું કામકાજ પ્રાઇસ વૉટરહાઉસ કૂપર્સ (PWC) નાણાકીય સર્વિસ આપતી કંપનીના એકાઉન્ટન્સ ચલાવતા હતા. ઇઝાબેલની કંપની માટે ઑડિટિંગ, કન્સલ્ટન્સી અને ટૅક્સ સલાહ આપીને PWC કંપનીએ લાખોની કમાણી કરી હતી.
અબજોની કમાણી કરાવનારા સોદામાં ઇઝાબેલને કેવી રીતે મદદ કરવામાં આવી તે વિશેના સવાલો પેનોરમાએ PWC કંપનીને પૂછ્યા, ત્યાર બાદ કંપનીએ ઇઝાબેલ અને તેના કુટુંબ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
PWC જણાવે છે કે "ઘણા ગંભીર અને ચિંતાજનક આક્ષેપો" થઈ રહ્યા છે તેના વિશે પોતે તપાસ કરી રહી છે.
સેન્ટર ફૉર ફાઇનાન્શિયલ ક્રાઇમ ઍન્ડ સિક્યુરિટી સ્ટડીઝના ડિરેક્ટર ટોમ કીટિંગે પેનોરમાને જણાવ્યું હતું કે PWCએ ઇઝાબેલ સાથે કામ કરીને તેની કંપનીઓને પ્રતિષ્ઠા પૂરી પાડી હતી.
"PWC કદાચ ભ્રષ્ટાચારમાં મદદરૂપ નહીં થતી હોય, પણ તેના નામને કારણે પ્રતિષ્ઠા મળતી હતી, જે સ્વીકાર્ય હોય તેના કરતાં વધારે સ્વીકાર્ય બની રહ્યું હતું.
"તેથી જો હું PWCમાં હોઉં તો વધારે ઊંડાણ સાથે ઑડિટ કરું કે કેવી રીતે નિર્ણયો લેવામાં આવ્યા હતા અને સવાલ પૂછું કે 'શું આ બિઝનેસ સ્વીકારીને અમે ભૂલ કરી હતી અને અમારી સામે જે રજૂ કરવામાં આવ્યું હતું તેની જાણ અમારે કરવી જોઈતી હતી?'"
PWC કહે છે કે તેમના દ્વારા ઉચ્ચ કક્ષાના પ્રૉફેશનલ સ્ટાન્ડર્ડ્સ જાળવી રાખવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પોતાના નેટવર્કમાં એકસમાન નૈતિક ધોરણોની અપેક્ષા છે.
"ગંભીર અને ચિંતાજનક આક્ષેપો કરવામાં આવ્યા, તેના પ્રતિસાદમાં અમે તરત જ તપાસ શરૂ કરી હતી અને હકીકતોની પૂર્ણ ચકાસણી કરીને ઝડપથી તપાસ પૂર્ણ કરવા તરફ પ્રયાસરત છીએ."
"અમે દુનિયામાં જ્યાં પણ સક્રિય હોઈએ ત્યાં હંમેશા ઉચ્ચ કક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવે તે માટેના યોગ્ય પગલાં લેતાં અમે અચકાઇશું નહીં."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













