સેજલ શર્મા : ટીવી ઍક્ટ્રેસે આત્મહત્યા કરી, સ્યૂસાઇડ-નોટ મળી

સેજલ શર્મા

ઇમેજ સ્રોત, I_SEJALSHARMAOFFICIAL

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ટીવી ઍક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે કથિતપણે આત્મહત્યા કરી લીધી હતી.

ટીવી ઍક્ટ્રેસના આ અંતિમ પગલું ભરવાના નિર્ણયનું કારણ હજુ અકબંધ છે.

જોકે, ઘટના બાદ સામે આવી રહેલા કેટલાક રિપોર્ટ અનુસાર આત્મહત્યા માટે તેમના અંગત જીવનની ઊથલપાથલને જવાબદાર માનવામાં આવી રહી છે.

સેજલ શર્મા વર્ષ 2017માં અભિનય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયાં હતાં.

ત્યાર બાદ તેમણે કેટલીક ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને વિજ્ઞાપનોમાં કામ કર્યું હતું.

તેમના પરિવારને શનિવારે ઘટનાની જાણ થતાં તેઓ તેમના મૃતદેહને અંતિમસંસ્કાર માટે ઉદયપુર લઈ ગયો છે.

line

ખંભાત : કોમી જૂથ અથડામણમાં એકનું મૃત્યુ

News image

શુક્રવારે બપોરે આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુર ગામમાં કોમી જૂથ અથડામણનો બનાવ બન્યો હતો.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા દ્વારા અપાયેલી માહિતી અનુસાર, કેટલાક મુસ્લિમ મસ્જિદમાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે અથડામણ થઈ હતી.

પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર અકબરપુર વિસ્તાર કોમી દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે.

ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (IGP) એ. કે. જાડેજાએ બનાવ અંગે વાત કરતા કહ્યું હતું કે, "સ્થિતિ હવે નિયંત્રણમાં છે."

"વિસ્તારમાં સ્થિતિ પર કાબૂ રાખવા માટે વધુ પોલીસદળના જવાનોનો કાફલો ખડકી દેવાયો છે."

ઘટના અંગે વધુ માહિતી આપતા સ્થાનિક પત્રકાર ઇર્શાદ સૈયદે અથડામણ દરમિયાન એક 60 વર્ષીય વૃદ્ધે કથિતપણે પોલીસ ફાયરિંગમાં જાન ગુમાવી હોવાનું બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને જણાવ્યું હતું.

જોકે, IGP જાડેજાએ વ્યક્તિનું મોત પોલીસ ફાયરિંગમાં થયું હોવાની વાત નકારી હતી. તેમજ તેમણે વૃદ્ધની મોતનું ખરું કારણ અને ગોળીબાર કરનારની ઓળખ માટે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

line

કાશ્મીરમાં શનિવારથી ઇન્ટરનેટ સેવા પરના નિયંત્રણ હળવા કરાશે

ઇન્ટરનેટ

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર શનિવારથી કાશ્મીર ખીણમાં ઇન્ટરનેટ સેવા પરના નિયંત્રણ હળવા બનાવાશે.

ગૃહમંત્રાલયના એક નોટિફિકેશન પ્રમાણે જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રને 25 જાન્યુઆરીથી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પરના નિયંત્રણ હળવા કરવાની સૂચના અપાઈ છે.

જોકે, આ સેવા 2G ઇન્ટરનેટ સુધી મર્યાદિત રખાશે.

આ નોટિફિકેશન પ્રમાણે આ સુવિધા માત્ર પ્રદેશના વાઇટલિસ્ટેડ વેબસાઇટ્સ પૂરતી સીમિત રહેશે અને સોશિલ મીડિયા ઍપ્લિકેશન્સ પરના નિયંત્રણ યથાવત્ રહેશે.

જોકે, ખીણમાં ઇન્ટરનેટ સેવા પરના નિયંત્રણ હળવા કરવાના આ નિર્ણય અંગે 31 જાન્યુઆરી બાદ ફેરવિચારણા હાથ ધરવામાં આવશે.

line

દિલ્હીમાં ભાજપના નેતા સામે FIR

દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી (ડાબે) સાથે કપિલ મિશ્રાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી (ડાબે) સાથે કપિલ મિશ્રા

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રા સામે FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવાના આદેશ આપ્યા છે.

મિશ્રાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે 'આઠમી ફેબ્રુઆરીએ (દિલ્હીમાં મતદાનનો દિવસ) દિલ્હીના રસ્તાઓ ઉપર હિંદુસ્તાન તથા પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.'

ચૂંટણી પંચે મૉડલ-ટાઉન બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મિશ્રાને આ ટ્વીટ ડિલીટ કરવાના આદેશ આપ્યા હતા.

શુક્રવારે રાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ત્રીસ ઉમેદવારોએ નામ પાછા ખેંચ્યાં હતાં. હવે 70 બેઠક ઉપર કુલ 668 ઉમેદવાર મેદાનમાં છે.

શનિવારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરશે.

line

'સરકાર દેશની યુનિવર્સિટીઓને રાજકીય યુદ્ધ માટેનું મેદાન નહીં બનવા દે'

રમેશ પોખરિયાલ

ઇમેજ સ્રોત, Getty Images

આઉટલૂકઇન્ડિયા ડોટ કૉમના અહેવાલ અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય રમેશ પોખરિયાલે શુક્રવારે દેશની યુનિવર્સિટીઓને રાજકીય યુદ્ધ માટેનું મેદાન નહીં બનવા દેવાના સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તેમણે શ્રીનગર ખાતે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટર (SKICC)ના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.

પોખરિયાલે દેશની યુનિવર્સિટીઓમાં ચાલી રહેલી કટ્ટરવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકારની યોજના વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આ મુદ્દા અંગે સરકારના નિર્ધાર અંગે વાત કરતાં કહ્યું હતું :

"અમે વિદ્યાર્થીઓને અર્થહીન બાબતોમાં ફસાયેલા નહીં રહેવા દઈએ, તેમજ અમે દેશની યુનિવર્સિટીઓને રાજકીય યુદ્ધ માટેનું મેદાન નહીં બનવા દઈએ."

"વિદ્યાર્થીઓએ સફળતાના શિખરો સર કરવાના છે, આખા દેશમાં હાલ શૈક્ષણિક વાતાવરણ પથરાયેલું જોવા મળી રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો