અમેરિકા જવાની દોડમાં માતાપિતા કઈ રીતે સંતાનોને એકલાં છોડી દે છે?

ઇમેજ સ્રોત, EPA
"મારા 7 વર્ષનાં દીકરાને એકલાને મેં અમેરિકા જવા દીધો."
"મૅક્સિકોને અમેરિકા સાથે જોડતા બ્રિજ સુધી હું મારા દીકરાને લઈ ગઈ. તેને વહાલ કરીને મેં કહ્યું કે બ્રિજ વટાવીને આગળ ચાલતો જજે, જ્યાં સુધી તને ઇમિગ્રેશન ઑફિસર્સ ના મળે ત્યાં સુધી."
આ વાત કરી રહ્યાં છે 27 વર્ષનાં માતા ફર્નાન્ડા, જેઓ હૉન્ડુરાસથી મૅક્સિકોમાં માઇગ્રન્ટ તરીકે આવ્યાં છે. ગત ઑક્ટોબરથી 'સ્ટે ઇન મૅક્સિકો' કાર્યક્રમ હેઠળ તેઓ દેશના સૌથી ખતરનાક રાજ્ય ટેમોલીપાસના મૅટામોરોસના ગામની શેરીમાં તંબુ નાખીને સમય વિતાવી રહ્યાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સાથે કરવામાં આવેલા કરાર હેઠળ મૅક્સિકન સત્તાધીશોએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે. તેને માઇગ્રન્ટ પ્રોટેક્શન પ્રૉટોકોલ (MPP) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની હેઠળ હજારો લોકો મૅક્સિકોમાં છે અને અમેરિકામાં રાજ્યાશ્રય માટેની અરજી પાસ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આ માઇગ્રન્ટ લોકોનું કહેવું છે કે તેઓ એવા દેશમાં 'ફસાઈ' ગયા છે, જ્યાં તેઓ કદી રહેવા માગતા પણ નહોતા.
"મારા દીકરાને એકલાને અમેરિકામાં મોકલી દેવાનો નિર્ણય મારા જીવનનો સૌથી અઘરો નિર્ણય હતો. માતા તરીકે મજબૂરીમાં આવીને મેં આ નિર્ણય લીધો હતો, કેમ કે હું ફરસ પર સૂઈ રહેવા માગતી નથી. હું અહીં ભૂખી છું અને ઠંડીમાં ધ્રૂજું છું," એમ ફર્નાન્ડા કહે છે.

ઇમેજ સ્રોત, MOHAMED MADI
તેમનું કહેવું છે કે દીકરો ગુસ્તાવો બે વચન લઈને ગયો છે. એક કે તે રડશે નહીં અને બીજું કે તે શક્ય એટલી ઝડપથી રિયો ગ્રાંની સામી બાજુએ તેમને મળશે.
અમેરિકાની રિસેટલમૅન્ટ ઑફ માઇગ્રન્ટ્સ ઑફિસે તેમના કબજામાં કમસે કમ 135 છોકરાઓ હોવાનું કહ્યું છે, તેમાંનો એક ગુસ્તાવો પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગયા વર્ષે ઑક્ટોબરથી નવેમ્બર મહિનામાં આ બાળકો સરહદ પાર કરીને અમેરિકા પહોંચી ગયાં હતાં, જ્યારે તેમના વાલીઓ મૅક્સિસોમાં જ છે.
માઇગ્રન્ટ ઑફિસ અમેરિકાના હેલ્થ એન્ડ સોશિયલ સર્વિસિઝ (HHS) વિભાગ હેઠળ કામ કરે છે, જેનું કામ "બાળકોની સંભાળ લેવાનું છે, તે સલામતી એજન્સી નથી," એમ એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું.
અમેરિકાના ફેડરલ લૉ પ્રમાણે સગીરને માત્ર 72 કલાક માટે જ અટકાયતમાં રાખી શકાય છે. ત્યારબાદ આ વિભાગ દ્વારા ચાલતા આશ્રયસ્થાનમાં તેમને મોકલી દેવા પડે છે.
સરહદ પાર કરીને એકલાં આવી જતાં બાળકોને સરહદ પર રહેલા અમેરિકન જવાનોએ કબજામાં લેવાના હોય છે.
ટ્રાફિકિંગ ઍન્ડ વાયોલન્સ વિક્ટિમ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ તેમની અટકાયત કરવાની હોય છે, કેમ કે આ કાયદા હેઠળ દસ્તાવેજો વિના આવેલા માઇગ્રન્ટ્સની સુરક્ષા તેમણે કરવાની હોય છે.
"બાળકો કોઈ ટ્રાફિકિંગના ભાગરૂપે નથી આવ્યાં તેની ચકાસણી કર્યા પછી તેમણે બાળકોને છોડી દેવાં પડતાં હોય છે. બીજું કાયદા હેઠળ અમેરિકન સત્તાવાળાઓએ સગીરોની સુરક્ષા કરવાનું કામ કરવું પડે છે," એમ હાર્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વકીલ ચાર્લિન ડીક્રૂઝ જણાવે છે.
આ બાળકોના વાલીઓ જોખમ લેતા હોય છે. અમેરિકામાં રહેતાં તેમનાં સગાંઓ બાળક સાથેનું સગપણ સાબિત કરીને તેમની સંભાળ લેશે એવું ધારીને તેઓ જોખમ લેતા હોય છે.
વાલીઓ પણ અમેરિકામાં કાયદેસર રીતે જવા માગે છે, પણ 'સ્ટે ઇન મૅક્સિકો પ્રોગ્રામ' હેઠળ તેમને એની તક મળે તેવી શક્યતા ઓછી છે.
'બાળકોની સુરક્ષા માટે'

ઇમેજ સ્રોત, MOHAMED MADI
વધુ એક વાલી પોતાનાં સંતાનોને મોકલી આવ્યાં તેવા કિસ્સા રોજેરોજ સાંભળતા રહેતાં ડીક્રૂઝ કહે છે કે આ બહુ મજબૂરીમાં લેવાયેલું પગલું હોય છે.
તેઓ કહે છે, "બાળકોને બચાવવા માટે તેઓ ભોગ આપી રહ્યા છે. પોતાનો દેશ છોડવાનું જોખમ તેમણે લીધું છે, જેથી જીવન સુધરી શકે. ગરીબીમાંથી બહાર આવવા માટેના અને ડ્રગની ટોળકીના હાથમાં બાળકો ના પડે ત્યાં સુધીના પ્રયાસો કરવા પડતા હોય છે."
આ વાત કરી રહ્યા છે ડેનિયલ, જેમણે નવેમ્બરમાં પોતાના દીકરાને અમેરિકા મોકલી દીધો હતો.
તેઓ કહે છે, "મેં ક્યારેય મારા દીકરાથી જુદા પડવાનું નહોતું વિચાર્યું, પણ અહીં અમે બહુ ખરાબ સ્થિતિમાં છીએ. આકરા શિયાળામાં થરથરવું પડે છે, અને ક્યારે અમારું અપહરણ થશે તેનું નક્કી નહીં. દીકરાને છોડવો મુશ્કેલ હોય છે, પણ આશા રાખું કે સારી સ્થિતિમાં હશે."
ટેમોલીપાસ રાજ્યના મૅટામોરોસમાં નખાયેલી છાવણીમાંથી જ સૌથી વધુ બાળકોને એકલાં જ સરહદપાર મોકલી દેવાયાં છે એમ જાણકારો કહે છે.
મૅક્સિકોમાં આ વિસ્તાર સૌથી ખતરનાક ગણાય છે, કે જ્યાં ખંડણી આપવી પડે છે કે અપહરણ થઈ જાય છે.
છાવણીમાં રહેતા લોકોએ દાનમાં મળતાં અનાજ અને કપડાં પર આધાર રાખીને ગુજારો કરવો પડે છે.
"રાજ્યાશ્રય મેળવવો અશક્ય"

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાજ્યાશ્રય ઑફિસર તરીકે કામ કરતાં ડૉગ સ્ટિફન્સે નોકરી દીધી છે. તેઓ 'સ્ટે ઇન મૅક્સિકો કાર્યક્રમ'ને ગેરકાયદે અને અનૈતિક ગણાવીને તેમની આકરી ટીકા કરે છે.
તેઓ કહે છે, "આ કાર્યક્રમ હેઠળ તેઓ મુશ્કેલીમાં છે તે સાબિત કરવાનું વધુ અઘરું બનાવાયું છે. લોકો રાજ્યાશ્રય મેળવવાનો ઇન્ટરવ્યૂ પાસ ના કરી શકે તેવી રીતે કાર્યક્રમ બનાવાયો છે."
રાજ્યાશ્રય મેળવવા માટે માઇગ્રન્ટે અમેરિકાની નાગરિક અદાલતમાં કરવી પડે તે હદની દલીલો કરવી પડે, પણ તેઓ એટલા ગરીબ હોય છે કે પુરાવા રજૂ કરવા વકીલને રાખી શકે નહીં.
"ઇન્ટરવ્યૂમાં પાસ થવું લગભગ અશક્ય હોય છે. જીવનમરણનો સવાલ હોય તેવી બાબતમાં માઇગ્રન્ટે થોડા કલાકમાં પોતાનું ભાગ્ય અજમાવી લેવાનું હોય છે," એમ તેઓ કહે છે.
સાયરાકોસ યુનિવર્સિટીએ સરકારી આંકડાનું વિશ્લેષણ કર્યું હતું તે પ્રમાણે 'સ્ટે ઇન મૅક્સિકો પ્રોગ્રામ'માંથી માત્ર 0.1% ટકા કિસ્સામાં જ અમેરિકામાં રાજ્યાશ્રય મળ્યો હતો.
ચાર્લિન ડીક્રૂઝ કહે છે કે બાળકોને એકલા મોકલી દેનારા પરિવારો માટે માઇગ્રેશન માટેની પ્રોસેસ વધારે મુશ્કેલ બને છે.
તેઓ એક પરિવારનો દાખલો આપે છે, જેમાં સંતાનનો કેસ અમેરિકામાં ચાલે તે પહેલાં જ તેમને ડિપોર્ટેશન માટેનો હુકમ મળી ગયો હતો.
તેમણે એક છોકરીનો કિસ્સો પણ જણાવ્યો, જે એક મહિનાથી અમેરિકામાં કસ્ટડીમાં છે, કેમ કે અમેરિકામાં રહેતી તેની માસી તેમનું સગપણ સાબિત કરી શકી નથી.

'બહુ ઓછી આશા'

ઇમેજ સ્રોત, Reuters
ડીક્રૂઝ કહે છે કે સંતાનો ફરીથી વાલીને મળી શકશે કે કેમ તે સ્પષ્ટ નથી અને નજીકના ભવિષ્યમાં થશે તેવી 'બહુ ઓછી આશા' તેમને છે.
તેમના જણાવ્યા અનુસાર બાળકોને સ્પેશિયલ યંગ ઇમિગ્રન્ટ્સ સ્ટેટસ મળી શકે છે. 21 વર્ષથી નાની ઉંમરનાં સંતાનોને તેમના વાલીઓએ તરછોડી દીધાં છે, અત્યાચાર થયો છે કે માતાપિતાએ ઉપેક્ષા કરી છે તેવી સાબિત થાય તો અમેરિકામાં તેમને કાયદેસર દરજ્જો મળી શકે છે.
પરંતુ માતાપિતાને સ્ટે ઇન મૅક્સિકો કાર્યક્રમ હેઠળ આશ્રય મેળવવાનું "લગભગ અશક્ય" બની જશે. તેથી બાળકોને અમેરિકામાં કાયદેસર વસવાટ મળે તેની રાહ જોવી પડે.
કાયદેસર વસવાટ મળ્યા પછી તેઓ અમેરિકાથી બહાર નીકળીને, વતનના દેશમાં જઈને માતાપિતાને મળી શકે છે.
બીજો વિકલ્પ એ રહે છે કે બાળકોએ જણાવવું પડે કે તે માતાપિતા સાથે રહેવા માગે છે. તે સંજોગોમાં તેમને માતાપિતા પાસે મોકલીને ડિપોર્ટ કરવામાં આવે છે.
ફર્નાન્ડોનો દીકરો ગુસ્તાવો એરિઝોનામાં પોતાના કાકાને ત્યાં પહોંચી ગયો છે, જ્યારે પોતાનો કેસ માર્ચમાં સાંભળવામાં આવે ત્યાં સુધી ફર્નાન્ડોએ રાહ જોવી પડશે.
તેઓ દરરોજ રિયો ગ્રાં નદીના કિનારે આવીને બેસે છે અને સામા કાંઠે જતા રહેલા દીકરાને યાદ કરતા રહે છે.
"ઘણી વાર મને થાય કે દીકરો નથી તો જીવવાનો શું અર્થ છે," એમ તેઓ કહે છે.
ફર્નાન્ડોએ વચન તો આપ્યું હતું, પણ ગુસ્તાવો બ્રિજ પાર કરીને આગળ નીકળી ગયો તે સાથે જ વચન તોડીને તેઓ રડવા લાગ્યા હતા.
પાછળપાછળ પોતે પણ આવીને મળશે તેવું વચન આપ્યું હતું તે ક્યારે પાળી શકાશે તે નક્કી નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













