Missing 54 : ‘પાકિસ્તાનની જેલમાં કેદ’ 54 ભારતીય સૈનિકોનું શું થયું?

ડિસેમ્બર, 1971માં પાકિસ્તાનના કૅમ્પમાં રહેલા ભારતીય સૈનિકો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર, 1971માં પાકિસ્તાનના કૅમ્પમાં રહેલા ભારતીય સૈનિકો.
    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

તેમને 'લાપતા 54' કહેવામાં આવે છે. એ 54 સૈનિકો છે જેમને પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલાં યુદ્ધોના ધુમાડાઓમાં ભુલાવી દેવામાં આવ્યા છે.

તેમના વિશે કહેવામાં આવે છે કે એ ભારતીય સૈનિકો ભારતના દુશ્મન દેશ સાથેની ઊલટફેર અને અશાંત ઇતિહાસનાં પાનાંઓમાં ક્યાંક ગુમ થઈ ગયા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના વિવાદિત વિસ્તાર પર કબજો કરવાને લઈને યુદ્ધ થયાં છે. પહેલું યુદ્ધ આઝાદી પછી તરત જ 1947-48માં થયું હતું, બીજું 1965માં.

આ યુદ્ધ પછી 1971માં 13 દિવસના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને રીતે હરાવ્યું હતું.

પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એકબીજાથી 1600 કિલોમીટર અથવા 900 માઈલથી પણ વધારે દૂર હતા. 1973 યુદ્ધ પછી બાંગ્લાદેશનો જન્મ થયો.

ભારતનું માનવું છે કે આ કાર્યવાહીમાં ભારતના 54 સૈનિકો ગુમ થયા છે અને તે પાકિસ્તાનની જેલમાં બંધ છે.

પરંતુ તેમના ગુમ થયાને ચાર દાયકાઓ પસાર થઈ ગયા છે છતાં પણ ન તો તેમની સંખ્યાનો સ્પષ્ટ ખ્યાલ છે ન તો એ ખ્યાલ છે કે તે ક્યાં છે અને તેમની સાથે શું થયું?

ગત જુલાઈમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે સંસદમાં કહ્યું હતું કે ગુમ થયેલા 54 સહિતના 83 ભારતીય સૈનિકો પાકિસ્તાનની કેદમાં છે.

આ ઉપરાંત કદાચ એવા સૈનિક છે, જે 'ભૂલથી સરહદને પેલે પાર' ગયા હતા અથવા પાકિસ્તાનમાં તેમની જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરાઈ હોય.

જોકે, ભારતનો કોઈ પણ યુદ્ધકેદી તેમની જેલમાં હોય એ વાત પાકિસ્તાન સતત નકારી રહ્યું છે.

News image
line

શું થયું સૈનિકોની સાથે?

ગુમ થયેલા સૈનિકોની કોઈ જ ભાળ નથી.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ગુમ થયેલા સૈનિકોની કોઈ જ ભાળ નથી.

ચંદર સૂતા ડોગરા એક વરિષ્ઠ ભારતીય પત્રકાર છે. તેમણે ઘણાં વર્ષો સુધી 'લાપતા 54' સૈનિકો વિશે સંશોધન કર્યું છે. તેમણે સૈન્યના નિવૃત્ત અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી હતી.

તેઓ અધિકારીઓ અને ગુમ થયેલા સૈનિકોના સંબંધીઓને પણ મળ્યા. તેમણે ગુમ થયેલા સૈનિકો વિશેના પત્ર, અખબારના કતરણો, સ્મારકો, ડાયરીમાં નોંધાયેલી વિગતો અને તસવીરો એકઠી કરી છે.

આ સિવાય ડોગરાએ આ સૈનિકો વિશે ભારતીય વિદેશ મંત્રાલયના દસ્તાવેજને પણ જોયા છે, જે હવે ગુપ્ત નથી.

ચંદર સૂતા ડોગરાએ આ "મિસિંગ 54" સૈનિકો વિશે હાલમાં જ એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે - મિસિંગ ઇન ઍક્શન : ધ પ્રિઝનર્સ હૂ નેવર કમબૅક (Missing In Action:The Prisoners Who never came back).

ડોગરાએ આ પુસ્તક ઘણાં વર્ષોની મહેનત અને રિસર્ચ બાદ લખ્યું છે.

આ પુસ્તક દ્વારા તેમણે તે સૈનિકો સાથે જોડાયેલા આ સામાન્ય સવાલનો જવાબ શોધવાના પ્રયત્નો કર્યો છે કે છેવટે તે 54 સૈનિકોની સાથે શું થયું?

ચંદન સૂતા ડોગરાના રિસર્ચ પરથી લાગે છે કે આ સૈનિકોની સાથે કાંઈ પણ થવાની આશંકા છે.

શું આ સૈનિક યુદ્ધ લડતાં શહીદ થયા? શું ભારતની પાસે આ વાતના પુરાવાઓ નથી કે આ સૈનિકોને પાકિસ્તાનની કેદમાં રાખવામાં આવ્યા છે?

શું તેમને જાણીજોઈને પાકિસ્તાને અનિશ્ચિત સમય માટે પોતાના કબજામાં રાખ્યા છે, જેથી આગળ જઈને તેમને ભારત સાથે સોદાબાજી કરવા માટે તેમનો મહોરાં તરીકે ઉપયોગ થાય?

કે પછી પાકિસ્તાનના અનેક અધિકારીઓ માને છે એમ શું આ 'લાપતા 54' ભારતીય સૈનિકોમાં કેટલાક ભારતના ગુપ્તચર એજન્ટ હતા? અને તેમને જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાને પકડી લીધા?

શું ધરપકડ પછી જીનીવા કન્વેન્શનની વિરુદ્ધ જઈને પાકિસ્તાને આ સૈનિકો પર ઘણા જુલમ કર્યા? ઉલ્લેખનીય છે કે, જીનીવા કન્વેન્શન એક આંતરરાષ્ટ્રીય કાયદો છે, જે યુદ્ધ અને યુદ્ધકેદીઓના નિયમ નક્કી કરે છે.

જો પાકિસ્તાને આ સૈનિકોને લઈને જીનીવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું હોય તો એ સંજોગોમાં પછી પાકિસ્તાન માટે આ સૈનિકોને ભારતને પરત સોંપવા ઘણો મુશ્કેલ અને શરમજનક નિર્ણય બની જાય.

તો શું લાપતા 54 સૈનિકોમાંથી કેટલાકને ધરપકડ બાદ જ મારી નાખવામાં આવ્યા? અને, અધિકૃત દસ્તાવેજોમાં ભારત આ 54 સૈનિકોને ગુમ દર્શાવે છે એવું કેમ છે?

હવે જો ભારત સરકાર એમને ગુમ ગણાવે છે તો પછી 1990ના દાયકાની શરૂઆતમાં ભારત સરકારે આ અંગે એક નીચલી કોર્ટમાં ગુમ થયેલા 54 પૈકી "15 સ્પષ્ટ રીતે મૃત્યુ પામ્યા છે" એવું સોગંદનામું કેમ રજૂ કર્યું? અને આજે પણ ભારત સરકાર આ 54 સૈનિક તેમના હિસાબે ગુમ થયેલા છે એવો દાવો કેમ કરે છે?

વરિષ્ઠ પત્રકાર ચંદર સૂતા ડોગરા કહે છે, "આ ગુમ થયેલા 54 સૈનિકોમાં કેટલા ખરેખર મૃત્યુ પામ્યાં છે એનો ભારત સરકારને ખ્યાલ નથી એ સ્પષ્ટ છે."

"પરંતુ, સવાલ એ ઊભો થાય છે કે તો પછી આ સૈનિકોનાં નામ કેમ ગુમ થયેલા સૈનિકોની યાદીમાં નથી? આનો અર્થ એ થાય છે કે સરકાર જાણીજોઈને આ મામલા પર પડદો પાડવાના પ્રયત્ન કરી રહી છે."

"આ મામલે સરકારે માત્ર તે સૈનિકોના પ્રત્યે જ નહીં, પરંતુ ભારતની જનતા પ્રત્યે પણ જવાબદાર છે કે તે આ મુદ્દે લોકો સામે સાચી વાત રજૂ કરે."

લાપતા સૈનિકોના પરિવારે પાકિસ્તનાની બે વખત મુલાકાત લીધી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાપતા સૈનિકોના પરિવારે પાકિસ્તનાની બે વખત મુલાકાત લીધી.

આ તમામ ગુમ સૈનિકોમાંથી એકના ભાઈએ મને કહ્યું કે સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે.

સૈનિકના ભાઈએ કહ્યું, "યુદ્ધમાં મેળવેલી જીતના જશ્નના ઘોંઘાટમાં આપણે આ સૈનિકોને ભુલાવી દીધા."

"હું હિંદુસ્તાનની તમામ સરકાર અને આપણી રક્ષાના નિઝામ પર આ સૈનિકો તરફથી મોં હઠાવવાનો આરોપ મૂકું છું."

"અમે તો એ પણ કોશિશ કરી હતી કે કોઈ ત્રીજો દેશ અથવા સંસ્થા આ મામલે હસ્તક્ષેપ કરે અને આ સૈનિકોનું સત્ય જાણે. પરંતુ, ભારત સરકાર આ માટે રાજી ન થઈ."

છતાં પણ, આ આખી વાર્તાનું એક જ સ્વરૂપ છે.

પત્રકાર સૂતા ડોગરાએ એવી ઘણી વાત પરથી પડદો ઉઠાવ્યો છે, જેનાથી એ સાબિત થાય કે ગુમ થયેલા સૈનિક યુદ્ધ પૂર્ણ થયા પછી પાકિસ્તાનની જેલમાં કેદ હતા.

1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ગુમ થયેલા એક વાયરલેસ ઑપરેટરના પરિવારને ભારતીય સૈન્યે ઑગસ્ટ, 1966માં જાણકારી આપી હતી કે, તે સૈનિકનું મૃત્યુ થઈ ગયું છે.

પરંતુ 1974થી 1980ના દાયકાની શરૂઆતની વચ્ચે ત્રણ સૈનિકોને પાકિસ્તાને ભારતને પરત કર્યા હતા.

એ સૈનિકોએ અધિકારીઓ અને ગુમ થયેલા સૈનિકના પરિવારના સભ્યોને કહ્યું હતું કે, તે વાયરલેસ ઑપરેટર પણ જીવિત છે. છતાં પણ તેને ભારત પરત લાવવા કંઈ કરવામાં ન આવ્યું.

જોકે, એવું પણ નથી કે આ યુદ્ધકેદીઓની ભાળ મેળવીને તેમને પરત લાવવા માટે કંઈ કરવામાં આવ્યું નથી. ભારત અને પાકિસ્તાનની સરકારોની વચ્ચે આ યુદ્ધકેદીઓની મુક્તિ માટે અનેક વખત ચર્ચા થઈ છે.

અનેક ભારતના વડા પ્રધાને આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્નો કર્યો છે. બંને દેશોના પૂર્વ સૈનિકોએ પણ આ યુદ્ધકેદીઓને તેમના દેશમાં પરત મોકલવા માટે અભિયાન ચલાવ્યું છે.

અને એવું પણ નથી કે બંને દેશોએ પોતપોતાના ત્યાં યુદ્ધકેદીઓ અદલાબદલી ન કરી હોય.

ભારતે 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને પરત કર્યા હતા અને પાકિસ્તાને પણ 600 જેટલા ભારતીય સૈનિકોને પરત કર્યા હતા.

આ લાપતા સૈનિકોની તપાસ માટે તેમના પરિવારોની બે ટુકડી બે વખત પાકિસ્તાન પણ ગઈ હતી.

1983માં છ લોકો આ ગુમ સૈનિકોની તસવીર અને અન્ય માહિતી લઈને પાકિસ્તાન ગયા અને ત્યાંની જેલમાં પોતાના પરિવારના સભ્યોને શોધ્યા.

આ પછી 2007માં 14 લોકો આ જ ઉદ્દેશથી પાકિસ્તાન ગયા. પરંતુ બંને વખતે આ લોકો ગુમ થયેલા સૈનિકોને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા.

આમાંથી કેટલાકનો એ આરોપ પણ હતો કે પાકિસ્તાનમાં તેમને કેદીઓને મળવા દેવામાં આવ્યા નહોતા.

જોકે, પાકિસ્તાને આ સૈનિકોના પરિવારના આરોપને ખોટો ઠેરવ્યો હતો.

2007માં જ્યારે સૈનિકોના પરિવાર બીજી વખત પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે એ વાતના પાકા પુરાવા છે કે 'આ સૈનિકો જીવિત છે અને પાકિસ્તાનમાં જ છે.'

આ આરોપના જવાબમાં પાકિસ્તાનના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું : અમે વારંવાર એ કહ્યું છે કે પાકિસ્તાનમાં ભારતના કોઈ પણ યુદ્ધકેદી નથી. અમે અમારા વલણ પર કાયમ છીએ.

line

ભારત-પાકિસ્તાનના સંબંધો

ભારત દ્વારા બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનના સૈનિકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત દ્વારા બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનના સૈનિકો

ચંદર સૂતા ડોગરા કહે છે કે આ સૈનિકોની 'હકીકત બંને દાવાઓ વચ્ચે કંઈક એવું રહસ્ય છે, જેના પરથી કોઈ પડદો ઊંચકવા માગતું નથી.'

આ સૈનિકોને લઈને એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે, આ સૈનિકોના પરિવારના સભ્યોની તકલીફ દૂર નથી થઈ. તેમનું માનવું છે કે આ સૈનિક હાલ પણ જીવિત છે.

ભારતીય વાયુસેનાના પાઇલટ એચએસ ગિલનું જ ઉદાહરણ લો. તેમની જાંબાઝીના કારણે જે તેમને 'હાઈસ્પીડ' ગિલ કહીને બોલાવવામાં આવે છે.

1971ના યુદ્ધ દરમિયાન ગિલના યુદ્ધવિમાનને સિંધમાં તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે એસએસ ગિલ ગુમ થયા ત્યારે તેમની ઉંમર 38 વર્ષની હતી.

ભારતે પોતાના ગુમ થયેલા સૈનિકોની યાદી બનાવી, તેમાં વારંવાર ગિલના નામનો ઉલ્લેખ આવતો રહ્યો છે.

ગિલના પરિવારને ભરોસો હતો કે તેઓ ક્યારેક તો પરત આવશે, પરંતુ ગિલ પરત ન આવ્યા. ત્રણ વર્ષ પહેલાં તેમનાં પત્નીનું કૅન્સરથી મૃત્યુ થયું. તેઓ એક સ્કૂલમાં આચાર્ય હતાં.

તેમના દીકરાએ 30 વર્ષની ઉંમરની આસપાસ આત્મહત્યા કરી હતી. આજે એચએસ ગિલનાં દીકરી ક્યાં છે, તેના વિશે તેમના પરિવારને ખ્યાલ નથી.

એચએસ ગિલના ભાઈ ગુરબીરસિંહ ગિલ કહે છે, "સત્ય એ છે કે મેં હાલ પણ આશા છોડી નથી. મને ખબર છે કે તેઓ હાલ સુધી જીવિત હશે નહીં. પરંતુ અમને સત્ય તો જાણવા મળે."

"હકીકત ખબર ન હોવાના કારણે તમે આશા રાખીને બેસી રહો છો કે તે પરત આવશે કે નહીં? આશાઓ સહેલાઈથી મરતી નથી હોતી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો