એ જહાજ જેના ડૂબવાની સાથે જ ઇઝરાયલ જ્યારે ડૂબવાની અણીએ પહોંચી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પોલા રોઝાસ
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
એ વર્ષ 1948ની 22 જૂન હતી. બપોરના ચાર વાગ્યા હતા. એક મહિના પહેલાં જ અસ્તિત્વમાં આવેલા નવા રાષ્ટ્ર ઇઝરાયલના સૌપ્રથમ વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયને એક એવો આદેશ આપ્યો હતો, જે નવા રાષ્ટ્રનું અસ્તિત્વ જ ખતમ કરી નાખે તેવો હતો.
તેલ અવીવના દરિયાકાંઠે લાંગરવામાં આવેલા 'એલ્ટાલેના' જહાજ પર, વડા પ્રધાનના આદેશ પછી તરત જ બૉમ્બમારો થવા લાગ્યો હતો. એક બૉમ્બ જહાજ પર ત્રાટક્યો અને આગ લાગી. થોડી વારમાં જ એ જહાજ ડૂબી ગયું. ત્યાં સુધીમાં 16 લોકો મૃત્યુ પામ્યા હતા, અનેક ઘાયલ થયા હતા અને એ જહાજની સાથે નવરચિત રાષ્ટ્ર ઇઝરાયલ પણ ડૂબવાની અણી પર પહોંચી ગયું હતું.
એ વખતે ઇઝરાયલ તેના પાડોશી આરબ દેશો સાથેના સંઘર્ષથી ઘેરાયેલું હતું, પરંતુ હથિયારો તથા લડવૈયાઓથી ભરેલા એલ્ટાલેના જહાજમાં માત્ર યહૂદીઓ જ હતા.
તે એક એવી પળ હતી, જે ઇઝરાયલને ગૃહયુદ્ધની નજીક લઈ ગઈ હતી. ઇઝરાયલ તેના અસ્તિત્વના ઇતિહાસમાં ગૃહયુદ્ધની એટલું નજીક ક્યારેય પહોંચ્યું નથી.

એલ્ટાલેના ડૂબ્યું તેને 75 વર્ષ થયાં
એલ્ટાલેના ડૂબ્યું તેને 75 વર્ષ થયાં. એ ઇઝરાયલના ઇતિહાસનું સૌથી વિવાદાસ્પદ પ્રકરણ પણ છે.
ઇઝરાયલના બે સ્થાપક નેતા ડેવિડ બેન ગુરિયન અને મેનાકેમ બેગિને પેલેસ્ટાઇનના પ્રદેશમાંથી ઇઝરાયલી રાષ્ટ્ર માટે લડેલા મિલિશિયા 'હગાનાહ' અને 'ઇરગુન'નું નેતૃત્વ કર્યું હતું.
ઇગાનાહ મિલિશિયાએ સૈન્યનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઇરગુનને પણ સૈન્યમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલતી હતી.
એલ્ટાલેના જહાજ આજે પણ તેલ અવીવના દરિયાકિનારા પાસે છે. વિશ્લેષકો માને છે કે એ જહાજ જે સંઘર્ષનું પ્રતિક છે તે ઇઝરાયલી લોકોના એક વર્ગમાં આજે પણ ચાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્વર્ડ યુનિવર્સિટીમાં યહૂદી ઇતિહાસના પ્રોફેસર ડેરેક પેંસલાર કહે છે, “દેશ ગંભીર રાજકીય કટોકટીમાં ફસાયેલો છે. 1948માં જે ગૃહયુદ્ધ વાસ્તવિક લાગતું હતું, તેની શક્યતા ફરી એકવાર સર્જાઈ છે.”
નવજાત રાષ્ટ્ર ઇઝરાયલ પર 1948માં સંઘર્ષનું જોખમ તોળાઈ રહ્યું હતું એ વખત અંગે વિગતે જાણીએ.
‘બ્રિટિશ મેન્ડેટ ઑફ પેલેસ્ટાઇન’ એટલે કે પેલેસ્ટાઇન ક્ષેત્ર પરના બ્રિટનના નિયંત્રણનો વર્ષ 1948ની 14, મેએ અંત આવ્યો હતો. એ દિવસે ડેવિડ બેન ગુરિયને તેલ અવીવના કળા સંગ્રહાલયમાં ઇઝરાયલના જન્મની જાહેરાત કરી હતી.
નવા રાષ્ટ્રને એકજૂથ સૈન્યની જરૂર હતી. છેલ્લા કેટલાક દાયકા દરમિયાન રચાયેલ યહૂદી મિલિશિયા હાગાનાહ પાસે સૌથી વધુ લડવૈયાઓ હતા અને તે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે આઈડીએફ બની ગયા.
પેલેસ્ટાઇન ક્ષેત્રમાં સક્રિય બે અન્ય ઉગ્રવાદી સંગઠન 'લેજી' અને 'ઇરગુન'ને હગાનાહમાં ભેળવવાના હતા. જોકે, વચ્ચેના સમયગાળામાં આ સમૂહ આઈડીએફની અંદર પોતાનાં યુનિટ્સનું સંચાલન કરતો હતો.
મેનાકિમ બેગિન ઇરગુનના નેતા હતા.

એક ઉદ્દેશ, વ્યૂહરચના અલગ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હગાનાહ, લેજી અને ઇરગુન આ ત્રણેય મિલિશિયાનો હેતુ એક જ હતોઃ પેલેસ્ટાઈન ક્ષેત્રમાં યહૂદી નાગરિકોની સલામતી અને ત્યાંથી બ્રિટિશરોને હાંકી કાઢવા તથા સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવું. અલબત, એ ત્રણેયની રીત અલગ-અલગ હતી.
1920માં સ્થાપના થયા બાદ હગાનાહે સ્વાતંત્રતા મેળવવા માટે પ્રગતિવાદી વ્યૂહરચના અપનાવી હતી. તેમણે ઘણી વખતે બ્રિટિશરોને સહયોગ આપ્યો હતો. દાખલા તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ બ્રિટિશ સૈન્ય સાથે લડ્યા હતા.
1931માં હગાનાહના વિઘટન બાદ ઇરગુનનો જન્મ થયો હતો. આ સમૂહે શરૂઆતથી જ ટક્કરની વ્યૂહરચના અપનાવી હતી. હગાનાહ પેલેસ્ટાઇન ક્ષેત્રમાં રહેતા આરબો અને બ્રિટિશરો બન્ને સામે લડતું હતું. ખાસ કરીને બ્રિટને યહૂદીઓના પેલેસ્ટાઈન તરફના પ્રયાસ પર પ્રતિબંધ મૂક્યો પછી તે બ્રિટનની વિરુદ્ધ થઈ ગયું હતું.
પેંસલાર કહે છે, “ઇરગુન બ્રિટિશ સૈનિકો કે પેલેસ્ટાઈનના નાગરિકો પર હુમલો કરતાં જરાય ખચકાતું ન હતું. તેમણે બજારોમાં બૉમ્બ વિસ્ફોટ જેવા હુમલા કર્યા હતા અને તેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા. તેને આપણે આતંકવાદ પણ કહી શકીએ. બીજી તરફ હગાનાહ સમૂહ સંયમી હતો અને તે બ્રિટિશ અસ્કામતો તથા ઇમારતો પર જ હુમલા કરતો હતો.”
જોકે, કાયમ એવું થતું ન હતું. એપ્રિલ, 1948માં ઇરગુન અને લેજીએ દાયર યાસીન નામના નાનકડા ગામ પર હુમલો કર્યો હતો. એ ગામ જેરુસલેમની બહારના વિસ્તારમાં આવેલું છે. એ હુમલામાં હગાનાહે સાથ આપ્યો હતો. એ હુમલો નરસંહારમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેમાં પેલેસ્ટાઇનના 100થી વધુ લોકો માર્યા ગયા હતા.
ડેરેક પેંસલાર કહે છે, “અમે તેને રોકી શકીએ એમ નથી, એવું હગાનાહે કહ્યું હતું, પરંતુ તે હુમલાનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજી ગયું હોઈ અને ઇરગુને તે હુમલો કર્યો તે શક્ય હતું.”
પ્રોફેસર પેંસલારના જણાવ્યા મુજબ, લેજી સમૂહની સંખ્યા ઓછી હતી અને તેઓ લોકોમાં ફફડાટ સર્જવા માટે ઉગ્રવાદનો સહારો લેતા હતા.
બ્રિટનના રેસિડેન્ટ મિનિસ્ટર લૉર્ડ મોયનની 1944માં કરવામાં આવેલી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના મધ્યસ્થીકર્તા ફૉલ્ક બેરનાડોટની 1948માં કરવામાં આવેલી હત્યા માટે લેજીને જવાબદાર માનવામાં આવે છે.
આ સમૂહો વચ્ચેના મતભેદ એટલા વધી ગયા હતા કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હગાનાહે ઇરગુનના અનેક સભ્યો બ્રિટિશ વહીવટકર્તાઓને હવાલે કરી દીધા હતા, કારણ કે ઇરગુન મિલિશિયાની ગતિવિધિથી ઇઝરાયલને સ્વતંત્રતા મળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે, એવું હગાનાહ માનતું હતું.

બે વિરોધી નેતા

ઇમેજ સ્રોત, Getty Images
આ મિલિશિયા સમૂહો જેટલા અલગ હતા એટલા જ અલગ તેમના નેતા ડેવિડ બહેન ગુરિયન અને મેનાકેમ બેગિન હતા.
બન્ને નેતા દૂરદર્શી અને ઉત્સાહી યહૂદી રાષ્ટ્રવાદી હતા, પરંતુ એકમેકની તદ્દન વિરુદ્ધ હતા. ઇઝરાયલ સ્વતંત્રતા કેવી રીતે મળી શકે એ વિશેના બન્નેના વિચાર પણ એકમેકથી વિપરીત હતા. એ સિવાય તેમનું સૌંદર્યશાસ્ત્ર, ભાષા અને દેશ માટેની આર્થિક યોજના સુધીનું બધું એકમેકથી વિપરીત હતું.
બેન ગુરિયન પેલેસ્ટાઇનમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઇઝરાયલી લોકો માટે એક પ્રકારે સરકારનું કામ કરતી સંસ્થા એટલે કે 'ઇઝરાયલ યહૂદી એજન્સી'ના વડા હતા. તેઓ સમાજવાદી અને લોકતાંત્રિક પરંપરાથી પ્રભાવિત હતા.
પેંસલાર કહે છે, “તેમને શ્રમિક આંદોલનમાં ભરોસો હતો. દેશના અર્થતંત્ર પર સરકારના નિયંત્રણમાં ભરોસો હતો અને શ્રમિક તરીકે તેમણે ભલે થોડા દિવસ જ કામ કર્યું હોય, પરંતુ તેમને શ્રમિકોના આદર્શ પુરુષ માનવામાં આવતા હતા.”
બેન ગુરિયને એક એવા ઇઝરાયલી રાષ્ટ્રની કલ્પના કરી હતી, જે પેલેસ્ટાઇનના સામૂહિક કૃષિ ક્ષેત્ર કિબુત્ઝ જેવું મજબૂત અને ઉત્પાદક શ્રમિક જેવું હોય.
તેઓ બિનસાંપ્રદાયિક અને ડાબેરી યોજના મુજબ આગળ વધતા હતા. તે મુજબ, ઇઝરાયલની સ્વતંત્રતા બાબતે સહમતિ ન સધાય ત્યાં સુધી ક્ષેત્ર પર ધીમેધીમે કબજો કરવાનો અને બ્રિટનને સહકાર આપવાનો હતો.
ઇતિહાસકાર પેંસલાર માને છે કે મેનાકેમ બેગિનના વિચાર તેમનાથી તદ્દન વિપરીત હતા. તેઓ પોલૅન્ડમાં યહૂદી નરસંહારનો ભોગ બનેલા એક પરિવારના સભ્ય હતા. તેઓ માનતા હતા કે “નવા યહૂદી વિદ્રોહી, ક્રાંતિકારી અને લડાયક હોવા જોઈએ. યહૂદીઓનું લક્ષ્ય યુદ્ધમાં લડવાનું અને મરી જવાનું હોવું જોઈએ.”
બેગિન ટેલરમેડ સૂટ પહેરતા હતા. તેમણે ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બહુ લાગણીસભર અને રોમેન્ટીક ભાષણ આપતા હતા. તેમાં જુસ્સો જોવા મળતો હતો. તેઓ કટ્ટરતાવાદી તથા ધાર્મિક હતા અને યહૂદી નરસંહારનું ઉદાહરણ વારંવાર આપીને પોતાના વકતવ્યને નાટકીય તથા અસરકારક બનાવતા હતા.
પેંસલાર કહે છે, “બન્ને નેતા વચ્ચે ભલે ગમે તેટલી ભિન્નતા હોય, પરંતુ તેમના મતભેદોનું કારણ સત્તાનો સવાલ હતો.”
બેન ગુરિયન શ્રમિક યહૂદીવાદનું નેતૃત્વ કરતા હતા,જે 1948માં ઇઝરાયલ અસ્તિત્વમા આવ્યું ત્યાર પછીના ત્રણ દાયકા સુધી ઇઝરાયલમાં પ્રભાવશાળી શક્તિ બની રહ્યો હતો અને ઇઝરાયલની સંસ્થાઓનો ઘાટ ઘડવામાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી.
બીજી તરફ 1977માં ઇઝરાયલના વડા પ્રધાન બનેલા મેનાકેમ બેગિને સંશોધનવાદી યહૂદીવાદ મજબૂત કર્યો હતો. તેઓ એક એવા મજબૂત ઇઝરાયલનું નિર્માણ કરવા ઇચ્છતા હતા, જે જોર્ડન નદીની બન્ને તરફ ફેલાયેલું હોય. આજે ઇઝરાયલના રાજકારણમાં બેગિનના ઉત્તરાધિકારીઓનો જ પ્રભાવ છે અને તેમાં 'લિકુડ પાર્ટી'નો પણ સમાવેશ થાય છે.
એલ્ટાલેના જહાજના સંકટ સમયે આ બન્ને નેતાઓ વચ્ચેની દુશ્મનાવટ ચરમસીમા પર પહોંચી ગઈ હતી.

એલ્ટાલેના સંકટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના નૌકાદળે એલ્ટાલેનાને સેવામાંથી નિવૃત્ત કર્યું ત્યારે ઇરગુન પાર્ટીની નાણાશાખાએ તેને ખરીદી લીધું હતું. અમેરિકાએ તે જહાજનો ઉપયોગ નોરમંડીમાં સૈનિકોને ઉતારવા માટે પણ કર્યો હતો.
ઇઝરાયલની આઝાદીની જાહેરાતના થોડા દિવસ બાદ જ એલ્ટાલેના જહાજ ફ્રાન્સના તટીય શહેર માસેથી લગભગ 900 લોકોને લઈને નીકળ્યું હતું. એ જહાજમાં પ્રવાસ કરતા મોટા ભાગના લોકો નરસંહારથી પીડિત હતા અને તેઓ સ્વયંસેવકો તરીકે ઇઝરાયલ જઈ રહ્યા હતા.
જહાજમાં આ લડવૈયાઓ જ ન હતા, તેમાં મોટા પ્રમાણમાં શસ્ત્રો પણ હતાં. એ શસ્ત્રોમાં 5,000 રાઇફલ, 450 સબ-મશીનગન અને સંખ્યાબંધ ટૅન્કો તથા બંદુકની લગભગ 50 લાખ ગોળીઓ પણ હતી.
બરાબર એ જ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘે એક કરાર કરાવ્યો હતો. એ કરાર હેઠળ ઇઝરાયલ અને તેના પાડોશી આરબ દેશોએ સંઘર્ષ વિરામ કરવાનો હતો. તેની બહુ સ્પષ્ટ શરત હતી કે આ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનાં નવા શસ્ત્રો લાવવામાં આવશે નહીં.

ઇમેજ સ્રોત, Getty Images
બેગિને વડા પ્રધાન બેન ગુરિયન પાસે એલ્ટાલેનાને તેલ અવીવમાં લાંગરવાની પરવાનગી માગી ત્યારે વડા પ્રધાને તેનો ઇનકાર કર્યો હતો. જહાજને ફેફાર વિતકીન બંદરે મોકલી આપવામાં આવ્યું હતું, જ્યાં 1948ની 20 જૂને તેને લાંગરવામાં આવ્યું હતું.
બેગિન જહાજમાંના શસ્ત્રો આઇડીએફમાં કામ કરતા ઇરગુનના યુનિટ્સને આપવા ઇચ્છતા હતા, પરંતુ બેન ગુરિયનને એ દરખાસ્તમાં ભરોસો ન હતો. બન્ને ભૂતપૂર્વ મિલિશિયા નેતાઓ વચ્ચેના તંગદિલીના એ સમયમાં શસ્ત્રો ઇરગુનને આપવાનું બેન ગુરિયનને યોગ્ય લાગતું ન હતું. કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે બેગિન બળવાની યોજના બનાવી રહ્યા હોવાનો ડર ગુરિયનને હતો.
ફેફાર વિતકીન બંદર પર જહાજમાંથી પ્રવાસીઓ ઊતરી ગયા પછી લડવૈયાઓએ તેમાંથી શસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું હતું, પરંતુ એલ્ટાલેનાને આઇડીએફની રેજિમેન્ટ અને ઇઝરાયલી નૌકાદળનાં ત્રણ યુદ્ધ જહાજોએ ઘેરી લીધું હતું, જેથી તેમાં જે શસ્ત્રો હતાં તે તેમને હવાલે કરવા પડે.
તંગદિલીના માહોલમાં જોરદાર ગોળીબાર થયો હતો અને બન્ને તરફથી અનેક લોકો માર્યા ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
એ પછી બેગિને એલ્ટાલેનાને તેલ અવીવ પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. તેલ અવીવમાં ઇરગુનના સમર્થકોની સંખ્યા બહુ મોટી હતી. ત્યાર બાદ આઇડીએફે તે જહાજને દુશ્મન જાહેર કર્યું હતું અને તેના પર હુમલો કરવાનો આદેશ ઇઝરાયલના હવાઈદળ તથા નૌકાદળને આપવામાં આવ્યો હતો.
પાયલટોએ હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો અને ઇઝરાયલનાં યુદ્ધજહાજોએ બૉમ્બમારો તો કર્યો હતો, પણ નિશાન બરાબર તાક્યું નહોતું.
તેલ અવીવના તટે ડેન હોટેલ સામે એલ્ટાલેનાને લાંગરવામાં આવ્યું હતું, જ્યાં ઇઝરાયલી લોકો, પત્રકારો અને સંયુક્ત રાષ્ટ્રસંઘના નિરીક્ષક હાજર હતા, પરંતુ બેન ગુરિયન પાછા હટ્યા ન હતા. તેમણે 22 જૂનની બપોરે ચાર વાગ્યે એલ્ટાલેના પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
એક બૉમ્બજહાજ સાથે ટકરાયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી. ઇરગુન તથા આઇડીએફના લડવૈયાઓ વચ્ચે દરિયા કિનારે ટક્કર થઈ હતી તેમજ તેલ અવીવના કેટલાક હિસ્સામાં પણ સંઘર્ષ થયો હતો.
ગૃહયુદ્ધનું જોખમ ભાળીને મેનાકેમ બેગિને એવું કહીને આત્મસમર્પણ કર્યું હતું કે એક યહૂદીએ બીજા યહૂદીને મારવો ન જોઈએ.
ડેરેક પેંસલાર કહે છે, “એલ્ટાલેનાની લડાઈનું સૌથી વધુ રસપ્રદ પાસું, જે થયું તે નહીં, પરંતુ જે ન થયું હતું તે છે. ઇરગુનમાં એવા અનેક કમાન્ડર હતા, જેઓ જહાજ પર બૉમ્બમારા બદલ હુમલો કરવા અને નવી સરકારને ઉખેડી ફેંકવા તૈયાર હતા.”
પેંસલારના કહેવા મુજબ, “બેગિને એ હુમલો રોકવા માટે પોતાની સંપૂર્ણ નૈતિક શક્તિનો ઉપયોગ કર્યો હતો અને એ તેમના રાજકીય જીવનનું સૌથી મહત્ત્વનું કામ સાબિત થયું હતું. તેમણે ઇઝરાયલમાં ગૃહયુદ્ધ અટકાવી દીધું હતું.”
પેંસલાર જણાવે છે કે એ પછી એલ્ટાલેના ઇઝરાયલમાં એકતાનું શક્તિશાળી પ્રતીક બની ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલમાં 1948માં જે મતભેદ હતા તેને આજના દૌર સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ પેંસલાર માને છે કે ઇઝરાયલમાં આજે પણ એવા લોકો છે, જેઓ માને છે કે ઇરગુન પર કરવામાં આવેલો હુમલો અનૈતિક હતો. તેઓ આ બાબતે અફસોસ પણ વ્યક્ત કરે છે.
આજે ઇરગુનના વંશજો ઇઝરાયલમાં સત્તા પર છે, પરંતુ ઇઝરાયલમાં અનેક આજે પણ લોકો માને છે કે ડાબેરી વિચારધારાના કુલીન લોકો જ દેશની દિશા નક્કી કરે છે. પેંસલાર દલીલ કરે છે કે એ વખતની ભાષા ઇઝરાયલમાં ફરી સાંભળવા મળી રહી છે. એ વખતે ઇરગુન સામાન્ય લોકો અને હગાનાહની સત્તાનું પ્રતીક હતું.
પેંસલાર કહે છે, “આક્રોશ એક શક્તિશાળી રાજકીય વિચાર છે.”














