પુતિનનો એ ખાસ 'રસોઈયો' જેની પ્રાઇવેટ આર્મીએ બળવો કર્યો અને પછી 'દુશ્મન' બની ગયો

પ્રિગોઝિન

ઇમેજ સ્રોત, Getty

યુક્રેન પર હુમલામાં રશિયાના મોરચેથી લડી રહેલા ભાડૂતી સૈનિકોના જૂથ વાગનર ગ્રૂપના વડા યેવગેની પ્રોગોઝિનનું ખાનગી વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું છે. જણાવાઈ રહ્યું છે કે આ દુર્ઘટના સમયે યેવગેની પ્રિગોઝિન વિમાનમાં સફર કરી રહ્યા હતા.

રશિયાના વિમાન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના વખતે વિમાનમાં 10 યાત્રીઓ સવાર હતા. રસપ્રદ વાત એ છે કે યાત્રીઓની યાદીમાં યેવગેની પ્રિગોઝિનનું નામ પણ નજરે પડે છે.

વાગનર ગ્રુપ સાથે જોડાયેલા ‘ગ્રે ઝોન’ નામના એક ટેલીગ્રામ ગ્રૂપે આ મામલાની જાણકારી આપતા કહ્યું કે પ્રિગોઝિનનું મોત થઈ ગયું છે. જોકે સાથે એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિમાનને રશિયાએ તોડી પાડ્યું હતું.

આ બધા વચ્ચે બીબીસી એ સમાચારની પુષ્ટિ નથી કરી શક્યું કે દુર્ઘટના સમયે પ્રિગોઝિન વિમાનમાં હતા કે નહીં? જોકે રશિયાના કુઝેનકિનોના આકાશમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો વીડિયો બીબીસીને મળ્યો છે અને આ સબંધમાં જાણકારી મેળવવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાને લઈને અનેક અટકળો લગાવાઈ રહી છે કે આ વિમાન તોડી પાડવામાં આવ્યું. કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું એ વિશેની જાણકારી મળશે ત્યારે બીબીસી પર અપડેટ કરવામાં આવશે.

અત્યારસુધી માત્ર એટલી જ જાણકારી મળી છે કે રશિયાના અધિકારીઓએ કહ્યું છે વિમાન રશિયાના ટાવર શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. દુર્ઘટના સમયે વિમાનમાં સાત યાત્રીઓ અને ચાલકદળના ત્રણ સભ્યો સવાર હતા. મૃત પામેલા 8 લોકોના મૃતદેહો મળી આવ્યા છે.

પ્રિગોઝિનનું મોત થયું હોવાનો દાવો કરનાર ગ્રે જોન ટેલિગ્રામ ચેનલે કહ્યું, “યેવગેની પ્રિગોઝિને રશિયા સામે દેશદ્રોહ કર્યો હતો તેથી તેમની હત્યા કરી દેવાઈ છે.”

રશિયાના નાગરિક ઉડ્ડયન વિભાગે મૃતકોની જે યાદી બહાર પાડી છે તેમાં વાગનર ગ્રૂપના સહ-સંસ્થાપક દિમિત્રી એટકિનનું નામ પણ સામેલ છે. હાલ રશિયાના સુરક્ષા ગાર્ડોએ દુર્ઘટનાસ્થળને ઘેરી લીધું છે અને તપાસ ચાલુ છે.

ત્યારે એક સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેની પસંદગીની વાનગીઓ પીરસનારા પ્રિગોઝિન કેવી રીતે પુતિનના નજીકના લોકોના વર્તુળમાં સામેલ થયા અને પછી પુતિનના દુશ્મન બની ગયા? અહીં વાંચો સંપૂર્ણ કહાણી

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નવેમ્બર 2011ની તસવીર જેમાં યેવગેની પ્રિગોઝિન વ્લાદિમીર પુતિન સાથે મૉસ્કોમાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક સમયે કેટરિંગનું કામ કરનાર યેવગેની પ્રિગોઝિન રશિયાની સૌથી શક્તિશાળી પ્રાઇવેટ આર્મી, વાગનર ગ્રૂપના સંસ્થાપક છે અને તેઓ બહુ ઝડપથી રશિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ થઈ ગયા હતા.

હજુ થોડા સમય પહેલાં સુધી તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૌથી નજીકની વ્યક્તિ ગણાતા હતા.

યુક્રેન યુદ્ધમાં તેમનું ભાડૂતી સૈનિકોનું વાગનર ગ્રૂપ રશિયા તરફથી લડતું રહ્યું.

જોકે, એકબીજા ઉપર આક્ષેપો બાદ, વાગનર ગ્રૂપ અને રશિયાના સંરક્ષણ મંત્રાલયના નેતૃત્વના સંબંધો તૂટી ગયા અને વાત એટલી હદે બગડી કે પ્રગોઝિને રશિયન આર્મીના નેતૃત્વને ખતમ કરવાનું એલાન કર્યું અને ક્રેમલિને વાગનર ગ્રૂપ ઉપર 'બળવો' કરવાનો આરોપ મૂક્યો.

પ્રિગોઝિને જૂન મહિનામાં મંત્રાલય પર પાછળના ભાગમાં તેમની છાવણી પર બૉમ્બ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો, જેને મૉસ્કોએ ફગાવ્યો હતો.

ત્યાર બાદ વાગનર ગ્રૂપે રશિયન સૈન્ય સામે મોરચો માંડ્યો અને મૉસ્કો તરફ કૂચ શરૂ કરી હતી. 24 કલાક સુધી રશિયન સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

આ ઘટનાક્રમના એક કલાક બાદ, પ્રિગોઝિને ઘોષણા કરી હતી કે “ન્યાય માટેની પરેડ”નું ઑપરેશન વિખેરે છે અને પોતાના માણસોને પીછેહઠ કરવાનું કહે છે.

પ્રિગોઝિન હવે બેલારૂસ જશે અને રશિયા તેમની પર ખટલો નહીં ચલાવે. જોકે આ કહાણી બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પ્રિગોઝિન વચ્ચે ટકરાવના સમાચાર મીડિયામાં છવાયેલા રહ્યા.

GREY LINE

કોણ છે પ્રિગોઝિન?

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રિગોઝિને (તસવીરના કેન્દ્રમાં) એવો દાવો કર્યો હતો કે સોલેદાર શહેર પર કબજો જમાવવામાં આવ્યો છે, જે રશિયાના સંરક્ષણ મંત્રાલયનો સામનો કરી રહેલા વાગનર ગ્રૂપની જીત છે.

રશિયાના બિઝનેસમૅન, કે જેઓ 'પુતિનના રસોઈયા' તરીકે જાણીતા થયા હતા, તેઓ શરૂઆતમાં સૉસ વેચતા, પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં તેમનું નસીબ ખૂલ્યું, તેમને કેટરિંગના બિઝનેસમાંથી રાજકારણમાં પછી મીડિયામાં અને ત્યાંથી યુદ્ધના બિઝનેસમાં આવવાની પરવાનગી મળી.

અમેરિકા અને અન્ય સરકારોએ તેમના ઉપર ઑનલાઇન 'ટ્રોલ ફેકટરી' ચલાવવાનો પણ આરોપ મૂક્યો હતો જેનાથી તેઓ અલગઅલગ દેશમાં યોજાનારી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા હતા.

રશિયા કે જે અન્ય દેશમાં રસ ધરાવે છે જેમકે લિબિયા, સીરિયા અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, પરંતુ આ બધાં કરતા એવો અંદાજ છે કે વાગનર ગ્રૂપના 20 હજાર ભાડૂતી સૈનિકો યુક્રેનના યુદ્ધમાં સામેલ હતા. આ ભાડૂતી સૈનિકો જે રશિયન સૈનિકોની ટુકડીનો 10 ટકા ભાગ હતા જે યુદ્ધના મોરચે લડી રહ્યા છે.

વર્ષો સુધી યેવગેની કહેતા રહ્યા કે તેમને વાગનર ગ્રૂપ સાથે કોઈ સંબંધ નથી અને તેમણે ભૂતકાળમાં તેના અસ્તિત્વને પણ નકાર્યું હતું.

પરંતુ આ પ્રાઇવેટ આર્મીનો ફાળો યુક્રેન યુદ્ધમાં વધુ સ્પષ્ટ રીતે સામે આવ્યો અને ત્યાર બાદ આ શક્તિશાળી બિઝનેસમૅને પણ હવે વાગનર ગ્રૂપ સાથે પોતાનો સંબંધ છુપાવાનું બંધ કર્યું હતું.

ખરેખર તો, ગત સપ્ટેમ્બરમાં, પ્રિગોઝિન રશિયાની જેલમાં કેદીઓના સમૂહ વચ્ચે એક વીડિયોમાં નજરે ચડ્યા હતા, જેમાં તેઓ કેદીઓને અપીલ કરતા જોવા મળ્યા કે જો તેઓ વાગનર સાથે લડાઈમાં જોડાશે તો બદલામાં તેમની સજા માફ કરી દેવામાં આવશે.

તેઓ સેનાના પહેરવેશમાં અલગઅલગ વીડિયોમાં જોવા મળ્યા હતા. જેમાં બાખમૂટ અને સોલેદારની લડાઈમાં તેઓ યુક્રેનની સેના ઉપર રશિયાના સૈનિકોના વિજયના શ્રેયને લઈને દાવો કરતા જોવા મળ્યા હતા.

આવું પહેલીવાર નથી કે પ્રિગોઝિને યુક્રેનમાં રશિયન સેનાના કમાન્ડરોની ભૂમિકા પર સવાલ કર્યા હોય.

રશિયાની સેના સામે અવાજ ઉઠાવવાનું તેમનું આ સાહસ શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું.

તેઓ સતત સૈન્ય નેતૃત્વની ટીકા કરતા જોવા મળ્યા હતા.

વાગનર ગ્રૂપ અને રશિયાના સંરક્ષણમંત્રાલય વચ્ચેનો તણાવ પુતિનના માટે પણ એક ગંભીર પડકાર બની ગયો હતો.

પરંતુ પ્રિગોઝિન પુતિનના આટલા નજીકના સાથી કઈ રીતે બન્યા?

બીબીસી ગુજરાતી

પુતિન સાથે સંબંધોની શરૂઆત

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રિગોઝિન રશિયાની મુલાકાતે આવતા વિદેશના નેતા અને પુતિનના સ્વાગતની તૈયારીઓ કરતા

62 વર્ષીય યેવગેની પ્રિગોઝિને, રાષ્ટ્રપતિના નિમણૂક થયેલા સર્કલમાં વર્ષ 2001માં પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં તેમની લકઝરી ફ્લોટિંગ રેસ્ટોરાંમાં જમવાનું શરૂ કર્યું હતું, જેને ન્યૂ આઇલૅન્ડ પણ કહેવામાં આવતા હતા.

પ્રિગોઝિનને પુતિનના સહયોગીઓની ક્લબ કહેવાતા ઑઝેરોમાં પ્રવેશ નહોતો મળ્યો પરંતુ તેઓ પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગમાં ખ્યાતિ પામ્યા હતા.

કહેવાય છે કે પ્રેગોઝિને પુતિનના પેટના રસ્તે તેમના દિલમાં જગ્યા બનાવી હતી. પ્રેગોઝિનને તેમની વાનગીઓના સ્વાદે પુતિનના નજીક પહોંચાડ્યા હતા.

તેમની જુવાનીમાં તેમને ચોરી અને છેતરપિંડી માટે નવ વર્ષની જેલની સજા પણ થઈ હતી.

1990ના દાયકામાં રશિયામાં 'શૉક થૅરેપી' સ્વરૂપના મૂડીવાદે ભૂતપૂર્વ ગુનેગારો માટે બિઝનેસની તકો ઊભી કરી હતી, જેણે જેલની બહાર આવીને તેમનું નસીબ બદલી નાખ્યું.

પ્રિગોઝિને એક હૉટડૉગ સ્ટૅન્ડ ખોલ્યું અને પછી કરિયાણાની દુકાન ખોલી. ત્યાંથી પછી તેમણે રેસ્ટોરાં ખોલી અને પછી તેમણે વર્ષ 1996માં કૉનકોર્ડ કેટરિંગની ચેઇનની સ્થાપના કરી અને તે કંપની તેઓ હજી પણ ચલાવે છે.

ન્યૂ આઇલૅન્ડ એવાં સ્થળો પૈકીની એક જગ્યા છે, કે જે સેન્ટ પીટર્સબર્ગની સૌથી વૈભવી જગ્યાઓમાં ગણાય છે. એટલું જ નહીં તે પુતિનની ફેવરિટ જગ્યા પણ ગણાય છે જ્યાં તે આંતરરાષ્ટ્રીય નેતાઓને લઈ જતા અને પ્રિગોઝિન એ વાતનું ધ્યાન રાખતા કે તેઓ શક્તિશાળી રાષ્ટ્રપતિ પુતિનના ટેબલથી બહુ દૂર ન હોય.

પછીના દાયકામાં, કંપનીએ રશિયન સત્તાધીશો સાથે લાભદાયી કૉન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા કે જેમાં સેન્ટ પીટર્સબર્ગની શાળાઓમાં અને મૉસ્કોમાં કેટરિંગ સેવા પહોંચાડવાનું કામ અને પછી રશિયન સેનામાં પણ ભોજનવ્યવસ્થા માટેનું કામ મળ્યું.

આ વર્ષો દરમિયાન, પુતિનની નજીક હોવા છતાં, પ્રિગોઝિન જાહોજલાલીથી દૂર રહ્યા, મોટાભાગના રશિયન ઑલિગાર્કની જેમ તેમના નસીબમાં પણ છૂપાયેલા રહેવાની વાત વિવાદનો વિષય રહી હતી.

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રિગોઝિન એફબીઆઈની મોસ્ટ વૉન્ટેડની યાદીમાં છે જે અમેરિકામાં છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહ્યા છે.

અમેરિકાએ દેશમાં થયેલી વર્ષ 2016ની ચૂંટણીમાં રશિયા પર હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂક્યો હતો.

ત્યારે પ્રિગોઝિન એ રશિયનોમાં સામેલ હતા જેમના પર અમેરિકાએ પ્રતિબંધ લાદ્યો હતો. તે સમયે તેમની સાથે સંકળાયેલ દસ્તાવેજ દર્શાવાયા હતા જેમાં તેમની પાસે ત્રણ ખાનગી વિમાન અને લકઝરી બોટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

એવો દાવો કરવામાં આવ્યો કે તેમણે ટૅક્સ હેવન ગણાતા કાયમૅન આઇલૅન્ડ અને સેસેલ્શ આઇલૅન્ડમાં આ બોટ અને વિમાનની નોંધણી કરાવી હતી અને આ લક્ઝરી બોટનો ઉપયોગ તેઓ પોતે અને તેમનો પરિવાર કરી રહ્યો હતો.

ઓલિગાર્ક એટલે કે રશિયામાં પ્રભાવશાળી અમીર વ્યક્તિ જે સત્તા નજીક હોય છે. એવાજ ઓલિગાર્ક ગણાતા પ્રેગોઝિન ક્રેમલિન તરફી મીડિયા ગ્રૂપ પણ ચલાવે છે, જેનું નામ પેટ્રિઅટ છે, જેની રચના "રશિયા-વિરોધી" મીડિયાનો "સામનો" કરવાના હેતુથી કરવામાં આવી હતી, જે "દેશમાં બની રહેલી સારી બાબતોને અનુભવતું નથી."

જોકે, યુક્રેન યુદ્ધની શરૂઆત થયા બાદ, ભાગ્યે જ કોઈ રશિયાનું મીડિયા બચ્યું હશે કે જે સત્તાની ટીકા કરતું હશે.

સેન્ટ પીટર્સબર્ગ ન્યૂઝ વેબસાઇટ માટે ચાર પોર્ટલને એકસાથે લાવવામાં આવ્યું : આરઆઈએ ફેન ન્યૂઝ ઍજન્સી, નોરાદની નોવોસ્તી, ઇકૉનૉમિકા સિવૉદ્નિયા અને પૉલિટિકા સિવૉદ્નિયા.

તેમના સાથે મળવાથી તેમના વાચકોની સંખ્યા સરકારી ન્યૂઝ એજન્સી તાસ અથવા બ્રૉડકાસ્ટર આરટી કરતાં પણ વધુ થઈ ગઈ હોવાનો અંદાજ છે.

બીબીસી ગુજરાતી

વાગનર ગ્રૂપ યુક્રેનમાં શું કરી રહ્યું છે?

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Reuters

પૂર્વ યુક્રેનના શહેર બાખમૂટ ઉપર રશિયાએ કરેલા કબજામાં વાગનર ગ્રૂપની સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.

યુક્રેનની સેનાનું કહેવું છે કે તેમના લડવૈયાઓ હુમલા માટે મોટી સંખ્યામાં ખુલ્લા મેદાનમાં મોકલવામાં આવે છે, જેમાં મોટાભાગના મૃત્યુ પામે છે.

શરૂઆતમાં સંરક્ષણમંત્રાલયે એ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો કે વાગનર ગ્રૂપ લડાઈમાં સામેલ છે, જોકે પાછળથી તેમણે તેના લડવૈયાઓની 'બહાદુરી અને નિસ્વાર્થ' ભૂમિકાના વખાણ કર્યા હતા.

બીબીસી ગુજરાતી

વાગનર ગ્રૂપ કેવી રીતે બન્યું હતું?

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Reuters

બીબીસીએ કરેલી તપાસ અનુસાર વાગનર ગ્રૂપ સાથે રશિયાની સેનાના ભૂતપૂર્વ ઑફિસર 51 વર્ષના દમિત્રી ઉત્કિન જોડાયેલા હોય તેવા અણસાર મળે છે. સેનામાં કામ કરતી વખતે તેમની કૉલ-સાઇન વાગનર હતી, તેના પરથી જ તેમણે પોતાના ગ્રૂપનું નામ વાગનર રાખ્યું હોવાનું કહેવાય છે.

ચેચન યુદ્ધમાં લડવાનો તેમને અનુભવ છે અને ભૂતપૂર્વ સ્પેશ્યિલ ફોર્સના ઑફિસર તરીકે અને રશિયાની સેનાના ગુપ્તચર તંત્ર જીઆરયુમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે પણ તેમણે કામ કરેલું છે.

કિંગ્સ કૉલેજ લંડનના સંરક્ષણ બાબતોના પ્રોફેસર ટ્રેસી જર્મન કહે છે કે '2014માં રશિયાએ આક્રમણ કરીને ક્રાઇમિયાને પોતાની સાથે જોડી દીધું તે વખતે પ્રથમ વાર વાગનર ગ્રૂપ કામગીરીમાં જોડાયું હતું.'

યુક્રેન ઉપર હુમલાના કેટલાક મહિનાઓ પહેલાં એવું માનવામાં આવ્યું કે વાગનરે જ યુક્રેનનો ઝંડો લગાવીને હુમલો કર્યો જેથી ક્રેમલિનને વળતો હુમલો કરવાનું બહાનું મળી જાય.

બીબીસી ગુજરાતી

વાગનર અને રશિયાના સૈન્ય કમાન્ડરો વચ્ચે ઘર્ષણ કઈ રીતે થયું?

રશિયા અને વાગનર ગ્રૂપ

ઇમેજ સ્રોત, Reuters

હાલના મહિનાઓમાં પ્રિગોઝિને ઘણી વખત સંરક્ષણમંત્રી શોઇગૂ અને યુક્રેનમાં સેનાના પ્રમુખ વેલેરી ગેરાસિમો ઉપર 'અક્ષમતા અને યુક્રેનમાં તહેનાત વાગનર યુનિટને જાણી જોઈને ઓછાં હથિયારો મોકલાનો' આરોપ મૂક્યો હતો.

રશિયાના સંરક્ષણમંત્રાલયે હવે કહ્યું છે કે 'યુક્રેનમાં સ્વયંસેવક લડવૈઓએ જૂનના અંત સુધીમાં તેમની સાથે કૉન્ટ્રેક્ટ ઉપર હસ્તાક્ષર કરવા પડશે.

જોકે આ ઘોષણામાં વાગનર ગ્રૂપનું નામ નથી લેવામાં આવ્યું, પરંતુ આ પગલાંથી ગ્રૂપ ઉપર સરકારી નિયંત્રણો લાગુ કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવે છે.

પિગોઝિને ગુસ્સામાં એક નિવેદન બહાર પાડ્યું કે તેમના લડવૈયાઓ આ કૉન્ટ્રેક્ટનો બહિષ્કાર કરશે.

(આ અહેવાલ સૌપ્રથમ 25 જૂન 2023ના પ્રકાશિક કરવામાં આવ્યો હતો)

બીબીસી ગુજરાતી
RED LINE