રહેવા માટે વિશ્વનાં 'સૌથી શ્રેષ્ઠ શહેર' કયાં છે? તેમની ખાસિયત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લિંડસે ગૅલોવ
- પદ, બીબીસી ટ્રાવેલ
કોરોના મહામારી બાદ વિશ્વભરનાં શહેરોમાં જીવનની ગુણવત્તામાં ફરી એક વખત સુધારો જોવા મળી રહ્યો છે.
ઇકૉનૉમિસ્ટ ઇન્ટૅલિજન્સ યુનિટના વાર્ષિક ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડૅક્સ અનુસાર, સરેરાશ જીવનસ્તર 15 વર્ષના સૌથી ઊંચા સ્તર સુધી પહોંચી ગયું છે.
આ રિપોર્ટમાં સ્થિરતા, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને પર્યાવરણની સાથે સાથે શિક્ષણ અને માળખાગત સુવિધાઓના આધારે વિશ્વનાં 173 શહેરોને માપવામાં આવ્યાં હતાં.
લોકોનાં જીવનધોરણની ગુણવત્તામાં આવેલા સુધારાનો શ્રેય એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં સ્વાસ્થ્ય અને શિક્ષણપ્રણાલીમાં આવેલા સુધારાને જાય છે.
જોકે, યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક નાણાકીય સંકટને લીધે સ્થિરતાનું સ્તર થોડું ઘટી ગયું છે.
પરંતુ બીજી બાજુ કોરોના મહામારી દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો પૂર્ણ થયા બાદ વિશ્વ સામાન્ય જીવન તરફ પાછું ફર્યું છે અને સમગ્ર રીતે લોકોનું જીવનસ્તર પણ સુધર્યું છે.
ડેટાના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ શહેર રહેવા માટે કેટલું સારું છે. જોકે, આ પ્રશ્નનો જવાબ હકીકતમાં એ શહેરમાં રહેતાં લોકો જ પોતાના અનુભવના આધારે આપી શકે છે.
અમે આ રૅન્કિંગના આધારે ટૉપ-10માં સામેલ શહેરોમાંથી પાંચના લોકો સાથે વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેમણે એ શહેર કેમ પસંદ કર્યું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

વિઍના, ઑસ્ટ્રિયા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રિયાની રાજધાની વિઍના આ યાદીમાં પ્રથમ નંબરે છે. આ શહેર આ યાદીમાં માત્ર 2021માં નીચે આવ્યું હતું કારણ કે એ વર્ષે શહેરનાં સંગ્રહાલયો અને રૅસ્ટોરાં કોરોના મહામારીને કારણે બંધ થઈ ગયા હતા.
જોકે, વિઍનાના રહેવાસીઓનું કહેવું છે કે આ શહેર સ્થિરતા, સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ અને માળખાગત સુવિધાઓના મામલે સૌથી સારું છે.
મૅનુઍલા ફિલિપો મિશેલિન-સ્ટાર ધરાવતા બે રૅસ્ટોરાંના મૅનેજર છે. તેઓ પોતાના પતિની મદદથી બિઝનેસ સંભાળે છે.
તેઓ કહે છે કે શહેરનો ઇતિહાસ, વિશ્વસનીય પબ્લિક ટ્રાન્સપૉર્ટ, કૅફે, થિયેટર અને અન્ય મનોરંજનની જગ્યાઓ સુધીની સરળ પહોંચ એવાં કારણો છે, જે વિઍનાને એક સુંદર જગ્યા બનાવે છે.
તેઓ કહે છે, "ક્યારેક-ક્યારેક વધારે પડતા કામને લીધે અમે લાંબા સમય સુધી ફરવા માટે બહાર જઈ શકતા નથી, પણ શહેરમાં જ મનોરંજનના તમામ સંસાધનો મળી જાય છે."
રિચર્ડ વૉસ વિઍનામાં હૉટલ દાસ તિગરામાં ફરજ બનાવે છે.
તેમનું માનવું છે કે શહેરમાં જીવનધોરણની ગુણવત્તા સાંસ્કૃતિક ઇતિહાસ અને સાંસ્કૃતિક ગતિવિધિઓને લીધે વધે છે.
તેઓ કહે છે, "વિઍનામાં શૉનબ્રુન પૅલેસ, હૉકબર્ગ અને વિઍના સિટી હૉલ જેવી ઘણી ઐતિહાસિક ઇમારતો છે. આ શહેર પોતાની સંગીત પરંપરાઓ માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે અહીં મોઝાર્ટ, બીથોવન અને સ્ટ્રૉસ જેવા સંગીતકારો રહેતા હતા."
તેમનું કહેવું છે કે આ શહેરમાં સંગ્રહાલયો, થિયેટર અને ઓપેરા હાઉસ હોવાને લીધે અહીં લોકો પાસે ઘણા વિકલ્પ છે.
તેમનું સૂચન છે કે લોકોએ વિઍનાનાં ભોજનનો પણ આનંદ માણવો જોઈએ.

મૅલબર્ન, ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના શહેર મૅલબર્ન અને સિડની બંને આ વખતે રૅન્કિંગમાં ત્રીજી અને ચોથી જગ્યાએ છે.
મૅલબર્ને ખાસ કરીને સંસ્કૃતિ અને પર્યાવરણના મામલે સારો સ્કોર હાંસલ કર્યો છે અને સ્થાનિક લોકોને એ વાત પર ગર્વ છે.
જેન મૉરેલ કૅરિયર સૉલ્યુશન્સ કંપનીના સીઈઓ છે.
તેઓ કહે છે કે "મૅલબર્ન પોતાની ખાણીપીણી, સાંસ્કૃતિક ગતિવિધિઓ, કાર્યક્રમોની સાથેસાથે ઑસ્ટ્રેલિયન ફૉર્મ્યુલા-વન અને ઑસ્ટ્રેલિયન ઓપન જેવી આંતરરાષ્ટ્રીય રમતો માટે પણ ટોચનું શહેર છે."
તેઓ જણાવે છે કે ટ્રામના કારણે શહેરમાં મુસાફરી કરવી પણ ઘણી સરળ રહે છે.
મૅલબર્ન પણ વિશ્વ પ્રસિદ્ધ દરિયાકાંઠાથી થોડે જ દૂર આવેલું છે.
કિમી કૉર્નર કૅલિફોર્નિયાનાં એક બ્લૉગર છે. તેઓ સિડનીને મૅલબર્નથી વધારે સારું માને છે.
તેઓ કહે છે, "સિડની સુંદર છે કારણ કે ત્યાં ઘણા સારા દૃશ્યો, દરિયાકાંઠા અને ઐતિહાસિક ઇમારતો છે પરંતુ મૅલબર્ન ઇમારતોનું શહેર નથી, એ સંસ્કૃતિનું શહેર છે અને ત્યાં ફરવામાં થોડો સમય લાગે છે."
તેઓ કહે છે, "મૅલબર્નને જાણવા માટે તમારે એક કૅફેમાં બેસવું પડશે અને પોતાના જીવનની સૌથી શ્રેષ્ઠ કૉફી પીવી પડશે. તમને શહેરનાં રૅસ્ટોરાંમાં ઘણા પ્રકારનાં વ્યંજનો માણવાં પડશે અને ખૂણામાં આવેલાં બાર શોધવા પડશે."
તેમનું કહેવું છે કે મૅલબર્નના લોકો સિડની કરતા વધારે સારા છે.
જેન મૉરેલ શહેરના સારા સ્કોરનું કારણ સ્થાનિકોનાં સકારાત્મક વલણને પણ માને છે.
તેઓ કહે છે, "મૅલબર્નના લોકો ઘણા મિલનસાર છે."

વૅનકૂવર, કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images
આ યાદીમાં કૅનેડાના ત્રણ શહેર ટૉપ-10માં છે. જેમાં વૅનકૂવર, કૅલગરી અને ટોરન્ટોનો સમાવેશ થાય છે.
જોકે, વૅનકૂવર પોતાની સંસ્કૃતિ અને પર્યાવરણના સ્કોરને લીધે ટૉપ-ફાઇવમાં છે. સ્થાનિક લોકો પણ આ જ કારણથી વૅનકૂવરને પસંદ કરે છે.
ટોની હો એક બિઝનેસમૅન છે.
તેઓ કહે છે, "વૅનકૂવર જંગલ, સમુદ્ર અને આકાશ સુધી પહોંચ રાખનારું શહેર છે."
"અમારા રસ્તા અને કનૅક્ટિવિટી એટલી સારી છે કે તમને એક જ દિવસમાં નયનરમ્ય દરિયાકાંઠાથી શહેરના ઊંચા પહાડો સુધી લઈ જઈ શકે છે. ભલેને તમે સાયકલ કે નાવડીમાં મુસાફરી કરો."
"અમે શહેરમાં મળતી જાતભાતની વાનગીઓનો આનંદ ઉઠાવીએ છીએ. જે શહેરની વૈવિધ્યથી ભરપૂર સંસ્કૃતિની ઓળખ છે. અહીં તમને ઇથિયોપિયાથી લઈને તિબેટ સુધીની વાનગીઓ મળશે."
ટોની એક બાળક છે. તેમનું કહેવું છે કે શહેરમાં અગણિત પાર્ક છે અને એ પણ દર 20 મિનિટના અંતરે.
અહીંની ઇમિગ્રેશન પૉલિસીને લીધે વિશ્વના અલગઅલગ દેશોમાંથી લોકો અહીં ખેંચાઈને આવે છે.
જો ટૉલ્ઝમૅન રૉકેટ પ્લાન નામક મોબાઇલ પ્લેટફૉર્મના સીઈઓ છે.
તેઓ કહે છે, "હું ક્રોએશિયાથી છું અને હું એક એવા શહેરની શોધમાં હતો જે વિકાસને પ્રોત્સાહન આપે અને સાથે જ ઉમળકાભેર સ્વાગત કરનારું હોય."
"તમને અહીં દરેક તબક્કે લોકો પાસેથી મદદ મળી શકે છે. અહીંના વેપારી જૂથો પણ ઘણા મદદગાર છે."
બિઝનેસ સિવાય અહીંનાં પ્રાકૃતિક નજારા પણ ઘણા સુંદર છે.
તેઓ કહે છે, "જ્યારે મને કામમાંથી આરામની જરૂરત હોય છે તો શહેરમાં જ એક તરફ સમુદ્ર હોય છે અને રસ્તાની બીજી બાજુએ પહાડ હોય છે."

ઓસાકા, જાપાન

ઇમેજ સ્રોત, Getty Images
ઓસાકા લિસ્ટમાં દસમા નંબરે છે અને ટૉપ-10માં સામેલ એશિયાનું એક માત્ર શહેર છે.
ઓસાકાએ સ્થિરતા, સ્વાસ્થ્ય સુવિધાઓ અને શિક્ષણમાં 100 ટકા ગુણ મેળવ્યા છે.
જ્યારે વિશ્વભરમાં લોકો મોંઘવારીથી હેરાન છે, આ એક માત્ર એવું શહેર છે જે ઘણું વ્યાજબી છે અને સ્થાનિક લોકો એ વાતથી ખુશ છે.
શર્લી જૅંગ મૂળે વૅનકૂવરના રહેવાસી છે પરંતુ હાલ તેઓ જાપાનના ઓસાકામાં રહે છે.
તેમનું કહેવું છે કે ઓસકામાં મકાનનું ભાડું જાપાનનાં અન્ય મોટાં શહેરો જેટલું નથી.
તેઓ જણાવે છે, "મારા ઘરનું ભાડું, પાણી, ઇન્ટરનેટ સહિતનો તમામ ખર્ચો દર મહિને લગભગ 410 યુરો એટલે કે 700 કૅનેડિયન ડૉલર્સ છે. જોકે, આ નાનકડું ઍપાર્ટમૅન્ટ છે પરંતુ નવું અને એકદમ સાફ છે. જો તમે વૅનકૂવરમાં આટલી જગ્યા લો તો તેની કિંમત 1200 કૅનેડિયન ડૉલર્સથી ઓછી નહીં હોય."
જેમ્સ હિલ્સ કહે છે, "હું બ્રિટનથી છું. જ્યાં બહાર જમવા જઈએ તો ભોજન ઘણું મોંઘું મળે છે, પરંતુ ઓસાકામાં તમને સારા રૅસ્ટોરામાં પણ સસ્તામાં ભોજન મળી જાય છે. તમે અહીં રોજ બહાર જમી શકો છો."
આ શહેર અન્ય શહેરોની સરખામણીએ વધારે સુરક્ષિત છે.
શર્લી જૅંગ કહે છે, "હું રાત્રે એકલાં ફરવામાં પણ સુરક્ષિત અનુભવું છું."
તેમને ક્યારેય પોતાનું પર્સ ચોરી થવાનો ડર રહેતો નથી.
આ ઉપરાંત ઓસાકામાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ ઘણું સારું છે.
જોનાથન લુકાસ કહે છે, "શહેરમાં અને તેની આસપાસ ફેલાયેલી ટ્રેનલાઇન છે. શહેરની બહાર ક્યોટો, નારા અને કોબે જેવા શહેરો સુધી જવું ઘણું સરળ છે."

ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ઑકલૅન્ડ ઓસાકા સાથે દસમા ક્રમાંકે છે. સપ્ટેમ્બર 2022 સુધી શહેરમાં કોરોના બાદના પ્રતિબંધો સંપૂર્ણપણે હઠાવવામાં આવ્યા નહોતા. જેના લીધે આ શહેર ગયા વર્ષે લિસ્ટમાં 25મા ક્રમાંકે હતું.
જોકે, શિક્ષણની સાથેસાથે આ શહેર સંસ્કૃતિ અને પર્યાવરણમાં સારો સ્કોર ધરાવે છે. અહીં રહેતા લોકો પણ આંકડા પર ભરોસો કરતા દેખાય છે.
મેગન લૉરેન્સ એક બ્લૉગર છે, જે કહે છે કે ઑકલૅન્ડમાં રહેતા લોકો માટે 20 મિનિટના અંતરે જ એક સુંદર દરિયાકાંઠો છે.
તેઓ કહે છે, "શહેરની ચારેબાજુ હરિયાળી છે અને તમે શહેરથી દૂર જઈ શકો છો. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની યજમાની કરનાર ન્યૂઝીલૅન્ડનું સૌથી મોટું શહેર છે. 2023માં મહિલા ફિફા વર્લ્ડકપ પણ અહીં જ યોજાનાર છે."
ન્યૂઝીલૅન્ડમાં વિશ્વના ઘણા દેશોમાંથી આવીને લોકો વસી રહ્યા છે એટલે જ અહીં દુનિયાભરની વાનગીઓ ઉપલબ્ધ છે.
લૉરેન્સનું કહેવું છે કે આ બધી વસ્તુઓ હોવા છતાં અહીંની સૌથી સારી વાત લોકોનું મિત્રતાથી ભરપૂર વલણ છે.
તેઓ અંતે કહે છે, "મોટાભાગના લોકો મદદ માટે હંમેશાં તૈયાર હોય છે અને મને સારું લાગે છે કે અહીં લોકો મળતાવડા સ્વભાવના છે."














