આ છે વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટ ઑફિસ

વર્ષમાં લગભગ છ મહિના સુધી સ્પિતિ ખીણના આ ગામો બાકીની દુનિયાથી છુટા પડી જાય છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

    • લેેખક, સંદિપન દત્તા
    • પદ, બીબીસી ટ્રાવેલ માટે

ઉત્તર ભારતમાં હિમાલયના બર્ફિલા પહાડો વચ્ચે આવેલી સ્પિતિ ખીણ દુનિયામાં માનવ વસવાટ ધરાવતી વિશ્વની સૌથી ઊંચાઈવાળી જગ્યા છે.

વેરાન પર્વતો, જોખમી ઘાટ અને વાંકીચૂંકી વહેતી નદીઓ, ઉત્તુંગ શિખરો અને બરફના રણ જેવા વિશાળ પટ વચ્ચે વસેલી સ્પિતિમાં અલગ જ પ્રકારની દુનિયા હોય તેવો અનુભવ થાય છે.

line

વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટ ફિસ

હિક્કિમ ગામમાં 4440 મીટરની ઊંચાઇએ આવેલી આ નાનકડી પોસ્ટ ઓફિસ,

ઇમેજ સ્રોત, Sandipan Dutta

આ વેલીમાં આવેલા હિક્કિમ ગામમાં 4,440 મીટરની ઊંચાઈએ આવેલી આ નાનકડી પોસ્ટ ઑફિસ, આસપાસનાં નાનાં ગામોમાં વસતા લોકોને દુનિયા સાથે જોડે છે.

ગામલોકો અહીં આવીને ટપાલ પેટીમાં પોતાના પત્રો નાખે છે કે પછી પોતાના બચત ખાતાંમાં રકમ જમા કરાવે છે.

એ જ રીતે અહીં સુધી પહોંચનારા પ્રવાસીઓ પણ, દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ ઑફિસ પરથી પોતાનો પત્ર પોસ્ટ કરીને ગૌરવ અનુભવે છે.

1983માં પોસ્ટ ઑફિસ શરૂ થઈ ત્યારથી રિન્ચેન ચેરિંગ અહીં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

અહીં કામ કરવું સહેલું નથીઃ વાહનો ચાલી શકે તેવો રસ્તો ના હોવાથી ટપાલો પહોંચાડવા ચાલીને જવું પડે.

શિયાળામાં ભારે બરફવર્ષા થાય ત્યારે પોસ્ટ ઑફિસને બંધ કરી દેવી પડે છે.

line

અનોખો પોસ્ટલ રૂટ

હિક્કિમ પોસ્ટ ઓફિસ ચાર કે પાંચ ગામોને સેવા પૂરી પાડે છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

ઊંચા ઘાટ અને હરિયાળાં મેદાનો વચ્ચેથી બે પોસ્ટમેન રોજ 46 કિમી ચાલીને સ્પિતિ ખીણના મુખ્ય શહેર કાઝા સુધી પહોંચે છે અને ટપાલો પહોંચાડે છે.

કાઝા સુધીનો રસ્તો બનેલો છે, જે હિમાચલ પ્રદેશનાં બીજાં શહેરો સાથે તેને જોડે છે. બહાર મોકલવાની ટપાલો કાઝાથી બસોમાં મોકલવામાં આવે છે.

આવેલી ટપાલોનો થેલો ઊંચકીને ફરી પાછા ચાલીને હિક્કિમ ગામે પહોંચવાનું.

દુનિયાના કોઈ પણ પોસ્ટલ રૂટ કરતાં આ રૂટ અનોખો છે, કેમ કે આવતા જતા આસપાસના ઉન્નત બરફિલા પહાડોનો અનન્ય નજારો માણતા જવાનો લહાવો મળે છે.

line

બહારની દુનિયા સાથેનો એકમાત્ર સંપર્ક

અહીંના લોકોના જીવન પર બૌદ્ધ ધર્મનો ઊંડો પ્રભાવ છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

હિક્કિમ પોસ્ટ ઑફિસ ચાર કે પાંચ ગામોને સેવા પૂરી પાડે છે. આ ગામોમાં બહુ પાંખી વસતિ છે અને મોબાઇલ ફોનનું કવરેજ બહુ મર્યાદિત છે.

ઇન્ટરનેટ હજી સુધી આવ્યું નથી. આવા એક ગામનું નામ છે કોમીક, જે 4,587 મીટરની ઊંચાઈએ આવેલું છે.

દુનિયાનું રસ્તાથી જોડાયેલું આ સૌથી ઊંચાઈએ આવેલું ગામ છે. કોમીક ગામમાં ફક્ત 13 ઘર છે.

એક શાળા છે જેમાં પાંચ બાળકો ભણે છે. એક પ્રાચીન બૌદ્ધમઠ છે અને થોડી ખેતીની જમીન છે, જેમાં જવ અને વટાણા થાય છે.

line

દિલદાર લોકો

ભાઈચારો, સહનશિલતા, સાદાઈ અને આધ્યાત્મિકતાને આધારે સ્પિતિવાસીઓ સદીઓથી અહીં ટકી ગયા છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

વર્ષમાં લગભગ છ મહિના સુધી સ્પિતિ ખીણના આ ગામો બાકીની દુનિયાથી છૂટાં પડી જાય છે.

ભારે બરફવર્ષાને કારણે ત્યાં પ્રવાસ કરવો શક્ય બનતો નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સ્થાનિક લોકો ખુશહાલ રહે છે.

હિક્કિમની નજીકના લાંગઝા ગામે એક મહિલાનાં ઘરે હું ગયો હતો.

આટલી મુશ્કેલીઓ વચ્ચે જીવન વીતાવતી આ નારી કહે છે કે તેમનું જીવન બહુ 'શાંતિમય' છે.

line

હજારો વર્ષની શ્રદ્ધા

4166 મીટરની ઊંચાઈએ એક પહાડની ટોચ પર બનેલા મઠમાંથી સ્પિતિ નદીને વહેતી જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

અહીંના લોકોના જીવન પર બૌદ્ધ ધર્મનો ઊંડો પ્રભાવ છે. ભારતના સૌથી જૂના બૌદ્ધમઠ સ્પિતિ વેલીમાં આવેલા છે. તેમાંના કેટલાક તો હજાર વર્ષ કરતાંય જૂના છે.

સ્પિતિ વેલીનો સૌથી જૂનો બૌદ્ધમઠ એટલે કી મઠ છે. 4,166 મીટરની ઊંચાઈએ એક પહાડની ટોચ પર બનેલા મઠમાંથી સ્પિતિ નદીને વહેતી જોઈ શકાય છે.

ભૂખરી પહાડીઓ વચ્ચેથી વહેતી નદીને જોવી તે લહાવો છે.

line

મિલનસ્થાન

ગ્રામજનોના ધાર્મિક, સાંસ્કૃત્તિ અને સામાજિક જીવનમાં મઠો કેન્દ્રસ્થાને છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

ગ્રામજનોના ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં મઠ કેન્દ્રસ્થાને છે.

ગામલોકો માટે આ મિલનસ્થાન છે, જ્યાં એકઠા થઈને તેઓ પ્રાર્થના કરે છે.

કોમીક મઠના સાધુઓ સદીઓ જૂની પરંપરા પ્રમાણે પોતાનો સમય ધ્યાન કરવામાં અને શ્રદ્ધાળુઓને કરુણતા અને ઉદારતાની શીખ આપવામાં વીતાવે છે.

આ બૌદ્ધ સાધુઓ વિદેશના પવિત્રધામોના પ્રવાસે પણ જતા હોય છે.

તે માટે પોતાના પાસપોર્ટ અને પ્રવાસના દસ્તાવેજો મેળવવા માટે આ સાધુઓ પણ હિક્કિમ પોસ્ટ ઑફિસ પર નિર્ભર રહે છે.

line

આધુનિક જીવનનો સ્પર્શ

નવી યુવાન પેઢીમાંથી ઘણા રોજગારી માટે મોટા શહેરોમાં જતા રહ્યા છે.

ઇમેજ સ્રોત, Sandipan Dutta

ભાઈચારો, સહનશિલતા, સાદાઈ અને આધ્યાત્મિકતાને આધારે સ્પિતિવાસીઓ સદીઓથી અહીં ટકી ગયા છે.

જોકે, તેઓ પણ ધીમે પગલે આવી રહેલી આધુનિકતાની અસરથી મુક્ત રહી શક્યા નથી.

નવી યુવાન પેઢીમાંથી ઘણા રોજગારી માટે મોટા શહેરોમાં જતા રહ્યા છે.

જોકે વતન છોડીને ક્યાંય ના ગયેલા લોકો માટે બહારની દુનિયા સાથેની એકમાત્ર કડી તરીકે ભારતીય ટપાલ તંત્ર આજેય કામ કરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો