બલૂનમાં વિશ્વપ્રવાસ કરનાર એ અબજોપતિ જે પોતાના પ્લેનમાં ઊડ્યા અને 'ગાયબ થઈ ગયા'

ઇમેજ સ્રોત, Getty Images
અબજોપતિ અમેરિકન સાહસિક સ્ટીવ ફોસેટે આકાશ, સમુદ્ર અને જમીન પર વિક્રમો સર્જવા મોતને અનેક વખત હાથતાળી આપી હતી. આ હિંમતવાન સાહસિકે બલૂન, ઍરોપ્લૅન, સેઇલબોટ, ગ્લાઈડર અને ઍરશીપમાં 116થી વધુ વિક્રમ સર્જ્યા હતા. એ પૈકીના કમસેકમ 60 અખંડ હોવાનું માનવામાં આવે છે.
નેવાડાના ચેરિંગ્ટન ખાતેના ખાનગી રાંચ(વિશાળ નેસડો)માંથી તેમણે 2007ની ત્રીજી સપ્ટેમ્બરે તેમના સિંગલ-ઍન્જિન 'બૅલાન્કા સુપર ડેકાથલોન પ્લેન'માં ઉડાન ભરી હતી અને એ પછી તરત જ તેઓ ગાયબ થઈ ગયા હતા. તે ઉડાણમાં તેઓ વર્લ્ડ લૅન્ડ-સ્પીડ રેકૉર્ડ તોડવા માટેનું સ્થાન શોધી રહ્યા હોવાનું માનવામાં આવતું હતું.
તેઓ ક્યારેય પાછા ફર્યા ન હતા અને અમેરિકાના ઇતિહાસમાંની સૌથી મોટા હવાઈ અને જમીની શોધ હાથ ધરવામાં આવી હતી. તેમાં ડઝનેક વિમાનો અને સેંકડો લોકોએ 44,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં શોધ કરી હતી.
પોલીસે 2008ના નવેમ્બરની શરૂઆતમાં જણાવ્યું હતું કે કેલિફોર્નિયામાં પ્લેનના કાટમાળ નજીકથી મળી આવેલાં બે વિશાળ હાડકાં સ્ટીવ ફોસેટના હોવાનું ડીએનએ પરીક્ષણમાં સાબિત થયું છે. એ હાડકાં પૂર્વીય કેલિફોર્નિયાના અંતરિયાળ વિસ્તારમાંથી મળી આવ્યાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ, ફોસેટના બૂટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ પણ મળી આવ્યાં હતાં. એ બન્ને પર પ્રાણીઓના દાંતનાં નિશાન જોવા મળ્યાં હતાં.
પર્વત ખૂંદવાની શોખીન એક વ્યક્તિને સિયેરા નેવાડાના અંતરિયાળ વિસ્તારમાં પ્લેનનો કાટમાળ જોવા મળ્યો હતો. તેમાંથી મળી આવેલી વસ્તુઓ તે વ્યક્તિએ પોલીસને હવાલે કરી હતી.
એ પછી ઘટનાસ્થળે પહોંચેલા તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટીવ ફોસેટનું વિમાન પર્વતના ઢોળાવ પર ઊંધા માથે પટકાયું હોય તેવું લાગે છે. તેનો મોટા ભાગનો કાટમાળ 150 ફીટ X 400 ફીટ વિસ્તારમાં વિખેરાયેલો પડ્યો હતો.
મેડેરા કાઉન્ટીના તત્કાલીન શેરીફ જૉન ઍન્ડરસને જણાવ્યું હતું કે, ફોસેટ ઇમ્પેક્ટને કારણે મૃત્યુ પામ્યા હશે. સ્ટીવ ફોસેટને શિકાગોની કોર્ટ દ્વારા 2009ની 25 ફેબ્રુઆરીએ કાયદેસર રીતે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ 63 વર્ષના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નીડર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1944માં જન્મેલા સ્ટીવ ફોસેટનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો અને મિઝોરીની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી તેમણે બિઝનેસની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ શિકાગોમાં મોટા શેરદલાલ બન્યા હતા અને ' મૅરેથૉન સિક્યૉરિટીઝ' નામની ટ્રેડિંગ ફર્મની સ્થાપના કરી હતી. તેઓ કરોડો રૂપિયા કમાયા હતા.
સ્ટીવ ફોસેટના નસીબે તેમને આંતરરાષ્ટ્રીય મીડિયા સ્ટાર બનાવવાનું નક્કી કર્યું હતું અને તેમણે અનેક વિશ્વવિક્રમ સર્જ્યા હતા. તેઓ નાણાકીય જોખમોનું વ્યવસ્થાપન કરતા હતા એટલે વ્યક્તિગત પડકારો સામે પણ કુશળતાપૂર્વક કામ પાર પાડી શક્યા હતા.
2002માં તેઓ દક્ષિણ ગોળાર્ધનો 19,428 માઈલનો પ્રવાસ બલૂનમાં બેસીને બે સપ્તાહમાં ખેડનાર વિશ્વની સૌપ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્રણ વર્ષ પછી તેઓ 'વર્જિન એટલાન્ટિક ગ્લોબલ ફ્લાયર'માં રિફ્યુઅલિંગ વિના વિશ્વભરમાં પ્લેન ઉડાડનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
ફેબ્રુઆરી, 2006માં તેમણે ઇતિહાસમાં કોઈ પણ કરતાં વધુ ઉડાન ભરવાનો વિક્રમ તોડવાનું જબરું સાહસ કર્યું હતું. એ સમયે તેમને વખાણતાં તેમના સાથી ઉદ્યોગપતિ સર રિચાર્ડ બ્રેન્સને કહ્યું હતું, “તેઓ અડધા માનવ જ છે. હું માત્ર એટલું જ કહી શકું.”

માણસ કૂતરાને કરડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
1985માં સ્ટીવ ફોસેટે ઇંગ્લિશ ચૅનલ તરીને પાર કરી હતી. 1992માં તેમણે અલાસ્કન ઇડિટારોડ ડૉગ સ્લેજ રેસમાં ભાગ લીધો હતો. 2006માં પ્રકાશિત આત્મકથા ‘ચેઝિંગ ધ વિન્ડ’માં તેમણે જણાવ્યું હતું કે 'રેસમાં મારો મુખ્ય કૂતરો ઝડપથી દોડે એટલા માટે મેં તેના કાન પર બચકું ભર્યું હતું. '
તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં મેટરહોર્ન અને ટાન્ઝાનિયાના માઉન્ટ કિલીમાંજરો સહિતનાં 400થી વધુ પર્વતશિખરો સર કર્યાં હતાં.
1996માં તેમણે 24 કલાકની લે મેન્સ મોટર રેસમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે નેવાડામાં એક જેટ વ્હિકલમાં પ્રતિ કલાક 1287 કિલોમીટર સુધી પહોંચીને વર્લ્ડ લૅન્ડ-સ્પીડ રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું હતું.
સ્ટીવ ફોસેટ વિશ્વના સૌથી કુશળ સ્પીડ નાવિક હતા. તેમના નામે સાત સૌથી ઝડપી સત્તાવાર વિક્રમ તેમજ વર્લ્ડ સેઇલિંગ સ્પીડ રેકૉર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત 22 પૈકીના 13 વિશ્વવિક્રમ નોંધાયેલા છે.
ઑક્ટોબર, 2001માં તેમણે લગભગ બે દિવસમાં અગાઉનો ટ્રાન્સએટલાન્ટિક રેકૉર્ડ તોડી નાખ્યો હતો. તેમણે ચાર દિવસ અને 17 કલાકમાં ક્રૉસિંગ પૂર્ણ કર્યું હતું. એપ્રિલ, 2004માં તેમણે કરોડો ડૉલરની એ જ કેટામરનમાં લગભગ 6 દિવસ પ્રવાસ કરીને રાઉન્ડ-ધ-વર્લ્ડ સેઇલિંગનો વિક્રમ તોડ્યો હતો, પરંતુ તેમને આકાશ ખરેખર બહુ પસંદ હતું.
ઑગસ્ટ, 2007માં સ્ટીવ ફોસેટ અને તેમના સહ-પાઈલટે દાવો કર્યો હતો કે, તેમણે એન્ડીસ પર્વતમાળા પર ઉડ્ડયન દરમિયાન 50,671 ફીટનો વર્લ્ડ ગ્લાઈડર એલ્ટિટ્યુટનો વિક્રમ સર્જ્યો હતો. બલૂનમાં એશિયા, આફ્રિકા, યુરોપ અને દક્ષિણ અમેરિકા ખંડો તથા દક્ષિણ એટલાન્ટિક, દક્ષિણ પેસિફિક તેમજ હિંદ મહાસાગર પાર કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
ગતિ નિર્ધારિત કરવાના દૃઢ સંકલ્પને કારણે સ્ટીવ ફોસેટ ઘણીવાર જીવ ગૂમાવવાની હદે પહોંચી ગયા હતા.

બલૂનમાં બેસીને વિશ્વપ્રવાસનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
1997માં તેમણે બલૂનમાં બેસીને વિશ્વપ્રવાસનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે રશિયામાં તાકીદનું ઊતરાણ કરવું પડ્યું હતું.
એ પછીના વર્ષે ઑસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વ કિનારાની 29,000 ફીટની ઊંચાઈ પર તોફાનને કારણે તેમનું બલૂન તૂટી પડ્યું હતું અને તેઓ કોરલ સમુદ્રમાં પટકાયા હતા. તેમાં તેઓ મોતની અણી પર પહોંચી ગયા હતા.
સ્ટીવ ફોસેટે ઑગસ્ટ, 2001માં બલૂનમાં બેસીને વિશ્વનો એકલા પ્રવાસનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે બ્રાઝિલની એક ગમાણમાં ઊતરાણ કરવું પડ્યું હતું અને તે સાહસનો અકાળે અંત આવ્યો હતો.
લવચીકતા તેમની લાક્ષણિકતા હતી. તેથી એ પછી તરત જ તેમણે બીજા પ્રયાસનું આયોજન શરૂ કર્યું હતું અને એ પછીના વર્ષે તેમાં સફળતા મેળવી હતી. નવો માનદંડ સર્જવાના પ્રયાસ ન કરતા હોય ત્યારે સ્ટીવ ફોસેટ કોલોરાડો અને કેલિફોર્નિયામાં આવેલાં તેમનાં ત્રણ વૈભવી નિવાસસ્થાનોમાં સમય પસાર કરતા હતા.
તેમને જુલાઈ, 2007માં ઓહિયોના 'નેશનલ ઍવિએશન હૉલ ઑફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમણે રેકૉર્ડ તોડવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું હતું, “મારી કારકિર્દી પૂર્ણ થઈ ગઇ છે એમ ધારીને તમે મને આ ઍવૉર્ડ નહીં આપ્યો હોય એવું હું માનું છું, કારણ કે મારી કારકિર્દી હજુ પૂર્ણ થઈ નથી.”














