112 વર્ષ પહેલાં જ્યાં 'કદી ન ડૂબનારું' ટાઇટેનિક ડૂબી ગયું હતું તે સ્થળનું પાણી ખતરનાક કેમ છે?

સબમરીનની શોધખોળ

ઇમેજ સ્રોત, ATLANTIC PRODUCTIONS/MAGELLAN

    • લેેખક, રિચર્ડ ગ્રે
    • પદ, બીબીસી ફ્યુચર

1911ની શરદઋતુમાં કોઈ સમયે ગ્રીનલૅન્ડમાં બરફની વિશાળ બિછાતની દક્ષિણ-પશ્ચિમમાં હિમશીલાનો એક મોટો ટુકડો તૂટી ગયો હતો. એ પછીના મહિનાઓમાં તે ધીરે-ધીરે દક્ષિણની તરફ આગળ વધ્યો હતો અને સમુદ્રના કરન્ટ્સ તથા હવાને કારણે ધીમે-ધીમે પીગળી ગયો હતો.

એ પછી 1912ની 14 એપ્રિલે ઠંડીગાર, ચાંદની રાતે 125 મીટર લાંબો હિમખંડ, (જે અંદાજે 500 મીટર લાંબી હિમશીલાનો ટુકડો હતો) આગલા વર્ષે ગ્રીનલૅન્ડના ક્યોર્ડથી છૂટો પડ્યો હતો અને આરએનએસ ટાઇટેનિક પ્રવાસી જહાજ સાથે ટકરાયો હતો.

ટાઇટેનિક બ્રિટનના સાઉથ્મ્પટનથી અમેરિકાના ન્યૂયૉર્કની તેની પહેલી સફરે જવા નીકળ્યું હતું. હિમખંડ સાથે ટકરાવાને કારણે ટાઇટેનિક ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં ડૂબી ગયું હતું. તેમાં 1,500થી વધુ લોકો અને ચાલક દળના સભ્યો મૃત્યુ પામ્યાં હતાં.

એ ટાઇટેનિકનો કાટમાળ ન્યૂફાઉન્ડલેન્ડના દરિયાકિનારાથી લગભગ 640 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં સમુદ્રના પેટાળમાં લગભગ 12,500 ફીટ નીચે પડ્યો છે.

હિમખંડ કે હિમશીલાઓ આજે પણ શિપિંગ માટે જોખમકારક છે. 2019ના માર્ચથી ઑગસ્ટ દરમિયાન હિમખંડના 1,515 ટુકડા દક્ષિણથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા અને ટ્રાન્સએટલાન્ટિક શિપિંગ લેનમાં પહોંચી ગયા હતા, પરંતુ ટાઇટેનિકના અંતિમ વિશ્રામસ્થળનાં પોતાનાં જોખમ છે.

તેનો અર્થ એ છે કે વિશ્વના સૌથી પ્રસિદ્ધ જહાજના કાટમાળને નિરખવાના અભિયાનમાં મોટા પડકારોનો સામનો કરવો પડ્યો છે.

ટાઇટેનિકનો કાટમાળ જ્યાં પડ્યો છે એ સમુદ્રનો પ્રદેશ કેવો છે તેની જાણકારી બીબીસીએ મેળવી હતી.

સમુદ્રના ઊંડાણમાં શોધખોળ

ઊંડો મહાસાગર અંધકારમય હોય છે. સૂર્યપ્રકાશ પાણીમાં ઝડપથી શોષાય જાય છે અને સપાટીથી લગભગ 3,300 ફીટથી નીચે પ્રવેશી શકતો નથી. એ બિંદુથી આગળના સમુદ્રમાં શાશ્વત અંધકાર હોય છે. મિડનાઈટ ઝોન તરીકે ઓળખાતા આ જ પ્રદેશમાં ટાઇટેનિકનો કાટમાળ પડેલો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નોંધપાત્ર બાબત એ છે કે દરિયાના પેટાળમાં સમાઈ ગયેલા ટાઇટેનિકના કાટમાળને તળિયે જઈને જોવાનો પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો હતો. પરંતુ ગત વર્ષે પ્રતિવ્યક્તિ લગભગ બે કરોડ રૂપિયાની ફી ચૂકવીને ટાઇટેનિક જોવા જનારા પાંચ મુસાફરોના દરિયાના પેટાળમાં 'ઓશનગેટ' કંપનીની 'ટાઇટન' સબમર્સિબલ ફાટવાથી મૃત્યુ થયાં હતાં.

ટાઇટેનિકનો કાટમાળ નિહાળવા ગયેલી સબમર્સિબલ ટાઇટન ગાયબ થઈ જવાથી, દરિયાના ઊંડાણમાં હાથ ધરવામાં આવતાં શોધ અભિયાનો સાથે સંકળાયેલાં જોખમો વિશે અનેક સવાલ થઈરહ્યા છે.

ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવાનાં અગાઉનાં અભિયાનોમાંથી મળેલી માહિતી મુજબ, સબમર્સિબલની લાઇટની નીચે સમુદ્રનું તળિયું અચાનક દેખાય તે પહેલાં સંપૂર્ણ અંધકારમાં બે કલાકથી વધુ સમય સુધી નીચેની તરફ જવું પડે છે.

ટ્રકના કદની આ સબમરીનની ઑનબોર્ડ લાઇટ્સમાંથી ફેંકાતો પ્રકાશ મર્યાદિત વિસ્તારને જ અજવાળે છે. તેથી આ મર્યાદા સાથે આટલે ઊંડે જવું એ પડકારજનક કામ છે. તેમાં સમુદ્રના તળિયે દિશાહીન થઈ જવાની શક્યતા પણ હોય છે.

ટાઇટેનિકનો કાટમાળ પડ્યો છે તે વિસ્તારના, દાયકાઓ સુધી હાઇ-રિઝોલ્યુશન સ્કેનિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિગતવાર નકશા તેના માર્ગમાં આવના વે પોઇન્ટ્સની માહિતી આપી શકે છે. સબમર્સિબલની લાઈટના મર્યાદિત પ્રકાશની બહારની ચીજોને તેની ચાલક ટુકડી સોનારની મદદ વડે નિહાળી શકે છે.

સબમર્સિબલના પાયલટ્સે તેમના પ્રારંભ બિંદુ અને વેગના સંદર્ભમાં તેમની સ્થિતિ તથા દિશાને જાણવા માટે એક્સીલેરોમીટર્સ તથા જાયરોસ્કોપ્સ સિસ્ટમનો ઉપયોગ કરતી ઇનર્શિયલ નેવિગેશન નામની ટેકનિક પર આધાર રાખવો પડે છે.

ઓશનગેટની ટાઇટન સબમર્સિબલ અત્યાધુનિક ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. તેની સાથે ઊંડાઇ અને વેગનો તાગ કાઢવા માટે ડોપ્લર વેલોસિટી લોગ તરીકે ઓળખાતા એકોસ્ટિક સેન્સર જોડાયેલાં છે.

તેમ છતાં, સમુદ્રના તળિયે પહોંચવું કેટલું મુશ્કેલ છે તેનું વર્ણન ઓશનગેટ મારફત આવા અભિયાનમાં અગાઉ જોડાયેલા પ્રવાસીઓએ કર્યું છે.

ધ સિમ્પસન નામના શોમાં કામ કરી ચૂકેલા ટીવી કૉમેડી લેખક માઇક રીસ ગયા વર્ષે ટાઇટેનિકનો કાટમાળ નિહાળવા ગયા હતા. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “સમુદ્રના તળિયાનો સ્પર્શ કરીએ ત્યારે આપણે ખરેખર ક્યાં છીએ તે ખબર પડતી નથી. ટાઇટેનિકનો કાટમાળ આટલામાં જ ક્યાંક પડ્યો હશે એવું ધારીને અમારે ફાંફાં મારવાં પડ્યા હતા. ત્યાં એટલું અંધારું હોય છે કે સમુદ્રના તળિયે પડેલી સૌથી મોટી વસ્તુ અમારાથી માત્ર 1,500 મીટર દૂર હતી, પરંતુ તેને શોધતાં અમને દોઢ કલાક થયો હતો.”

થકવી નાખતું ઊંડાણ

સબમરીનની શોધખોળ

કોઈ વસ્તુ સમુદ્રમાં જેટલી ઊંડે ડૂબે છે ત્યારે તેની આસપાસનું પાણીનું દબાણ પણ એટલું જ વધે છે. સમુદ્રતળે 12,500 ફીટ અંદર ટાઇટેનિક તથા તેની આસપાસની દરેક વસ્તુ લગભગ 40 મેગાપાસ્કલ એટલે કે પ્રચંડ દબાણ સહન કરે છે. તે સપાટી પરના દબાણ કરતાં 390 ગણું વધારે છે.

આ વાત સમજાવતાં સ્ટૉકહોમ યુનિવર્સિટીના સ્ટૉકહોમ રેઝિલિયન્સ સેન્ટરના સમુદ્ર સંશોધક રૉબર્ટ બ્લાસિયાકે બીબીસી રેડિયો ફોરના કાર્યક્રમમાં કહ્યુ હતું, “તે કારના ટાયરમાં જે દબાણ હોય છે તેના કરતાં લગભગ 200 ગણું વધારે હોય છે. તેથી સબમર્સિબલની દીવાલ ખરેખર જાડી હોય છે.”

ટાઇટન સબમર્સિબલની દીવાલો કાર્બન-ફાઇબર તથા ટાઇટેનિયમની બનેલી છે અને તેને મહત્તમ 13,123 ફીટની મહત્તમ ઑપરેટિંગ ઊંડાઈ સુધી જવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

બૉટમ કરન્ટ્સ

સબમરીનની શોધખોળ

નૌકાઓ તથા તરવૈયાઓને બહાર રાખતા મજબૂત સરફેસ કરન્ટ્સથી આપણે કદાચ વધારે પરિચિત છીએ, પરંતુ ઊંડા સમુદ્રના પાણીમાં અન્ડરવોટર કરન્ટ્સનું રાજ હોય છે. તે સરફેસ કરન્ટ્સ જેટલા મજબૂત હોતા નથી, પણ તેમાં પાણીના પ્રવાહનો વેગ જોરદાર હોય છે.

સપાટી પરના પવનની નીચેની વૉટર કોલમ્સ, ઊંડા પાણીમાં ભરતી અથવા તાપમાન અને ખારાશને લીધે પાણીની ઘનતામાં સર્જાતા તફાવતની તેના પર અસર થતી હોઈ શકે. તેને થર્મોહાલિન કરન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે સપાટી પર પાણીના ચક્રાકાર ઘૂમાવ સાથે સંકળાયેલા બેન્થિક તોફાન તરીકે ઓળખાતી દુર્લભ ઘટનાઓ શક્તિશાળી, છૂટાછવાયા પ્રવાહનું કારણ બની શકે છે, જે સમુદ્રતળ પરની સામગ્રીને દૂર ધકેલી શકે છે.

ડૂબતી વખતે ટાઇટેનિકના બે ફાડચાં થઈ ગયાં હતાં. ટાઇટેનિકની આસપાસના પાણીની અંદરના પ્રવાહ વિશેની માહિતી સમુદ્રતળ તથા ટાઇટેનિકના કાટમાળની આસપાસના સ્ક્વિડની હિલચાલની પેટર્નનો અભ્યાસ કર્યા પછી જાણવા મળી હતી.

ટાઇટેનિકના કાટમાળનો એક હિસ્સો સમુદ્રતળના એક એવા ભાગ પાસે પડ્યો છે, જે ઠંડા, દક્ષિણ તરફ વહેતા પાણીના પ્રવાહથી પ્રભાવિત છે. તેને વેસ્ટર્ન બાઉન્ડરી અન્ડરકરન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

આ બૉટમ કરન્ટનો પ્રવાહ સમુદ્રના તળ સાથે કાંપ અને કાદવના સ્થળાંતરથી સર્જાતા ટેકરાઓ, લહેરો રિબન આકારની પેટર્ન બનાવે છે. તેને કારણે વિજ્ઞાનીઓને તેની મજબૂતાઈની સમજ મળી છે. વિજ્ઞાનીઓએ સમુદ્રતળ પર જોયેલી મોટા ભાગની રચના પ્રમાણમાં નબળા અને મધ્યમ કરન્ટ્સ સાથે સંકળાયેલી છે.

સબમરીનની શોધખોળ

ઇમેજ સ્રોત, ATLANTIC PRODUCTIONS/MAGELLAN

ટાઇટેનિકનો કાટમાળ વેરાયેલો પડ્યો છે તે ક્ષેત્રના પૂર્વ ભાગમાં સામાન, ફીટીંગ્ઝ, ફિક્સચર્સ, કોલસા અને જહાજના તૂટેલા હિસ્સા જોવા મળે છે.

તે દર્શાવે છે કે ત્યાં પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફનો છે, જ્યારે કાટમાળની મુખ્ય સાઈટનો પ્રવાહ ઉત્તર-પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમ તરફનો છે, એમ જણાવતાં વિજ્ઞાનીઓએ ઉમેર્યું હતું કે કાટમાળના મોટા ટુકડાઓ પડ્યા હોવાને કારણે તેની દિશા બદલાઈ હોય તે શક્ય છે.

ટાઇટેનિકના આગલા હિસ્સાના કાટમાળની દક્ષિણે પ્રવાહો પરિવર્તનશીલ લાગે છે. જે દક્ષિણ-પૂર્વથી ઉત્તર-પશ્ચિમ તરફના છે.

આ પ્રવાહોને કારણે ટાઇટેનિકનો કાટમાળ આખરે કાંપમાં દટાઈ જશે, એવું ઘણા નિષ્ણાતો માને છે.

ડીપ-વૉટર દરિયાઈ પુરાતત્ત્વવિદ ગેર્હાર્ડ સેફર્ટે ટાઇટેનિકના કાટમાળ હાઇ રીઝોલ્યુશનમાં સ્કેનિંગ કરવાના એક અભિયાનનું નેતૃત્વ તાજેતરમાં કર્યું હતું.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે એ વિસ્તારના કરન્ટ્સ સબમર્સિબલ માટે જોખમ સર્જી શકે એટલા મજબૂત હોય તેવું તેઓ માનતા નથી.

તેમણે કહ્યું હતું, “સમુદ્રના ભંડારમાં પ્રવાસ કરતા કોઈ વાહન સામે ટાઇટેનિકની સાઇટ ખાતે જોખમ સર્જી શકે એવા કોઈ કરન્ટથી હું વાકેફ નથી. અમારા મેપિંગની ચોકસાઈના સંદર્ભમાં તે કરન્ટ્સ પડકારરૂપ જરૂર છે, પરંતુ તે સલામતીના સંદર્ભમાં જોખમી નથી.”

ટાઇટેનિકનો કાટમાળ

સમુદ્રતળ પર 100થી વધુ વર્ષ સુધી પડ્યો રહેવાને કારણે ટાઇટેનિકનો કાટમાળ ધીમે ધીમે સડી ગયો છે. હિમશીલા સાથે અથડાયા પછી ટાઇટેનિકના બે ટુકડા થઈ ગયા હતા, ઊંધા થઈ ગયા હતા અને દરિયાના તળિયે પટકાવાને કારણે વેરવિખેર થઈ ગયા હતા.

જહાજના લોખંડ પર નભતા સુક્ષ્મજીવાણુએ સમય જતાં તેના પર બરફના સ્વરૂપમાં રસ્ટિકલ્સની રચના કરી હતી. તેને લીધે કાટમાળ સડવાની પ્રક્રિયાને વેગ મળ્યો હતો.

વાસ્તવમાં વિજ્ઞાનીઓ માને છે કે જહાજના છેક પાછલા ભાગને દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન થયું હતું. તેના પરની પ્રચૂર બેક્ટેરિયલ ઍક્ટિવિટીને કારણે તે આગલા ભાગની સરખામણીએ 40 વર્ષ વહેલો સડી ગયો છે.

ગેર્હાર્ડ સેફર્ટે કહ્યું હતું, “મુખ્યત્વે કાટ લાગવાને કારણે કાટમાળ સતત તૂટી રહ્યો છે, પરંતુ તેનાથી સલામત અંતર રાખો, સીધો સંપર્ક ન રાખો અને ખુલ્લા વિસ્તારમાં પ્રવેશો નહીં ત્યાં સુધી કોઈ નુકસાનની શક્યતા નથી.”

વહેતો કાંપ

સબમરીનની શોધખોળ

ઇમેજ સ્રોત, ATLANTIC PRODUCTIONS/MAGELLAN

આ અત્યંત અસંભવ છે, પરંતુ ભૂતકાળમાં સમુદ્રતળ પર કાંપના અચાનક આવેલા પ્રવાહથી, સમુદ્રતળ પર માનવનિર્મિત વસ્તુઓને નુકસાન થયાની અને તેની સાથે વહી જવાની વાતો બહાર જરૂર આવી હતી.

એ પૈકીની સૌથી મોટી ઘટના 1929માં ન્યૂફાઉન્ડલૅન્ડના તટ પરના ટ્રાન્સ-એટલાન્ટિક કૅબલ્સ તૂટી જવાની હતી. આવી ઘટનાઓ ભૂકંપ જેવી સેસ્મિક ઇવેન્ટ્સને કારણે બનતી હોય છે. આવી ઘટનાઓથી સર્જાતા જોખમ ગંભીર રીતે લેવાય છે, પરંતુ આવી કોઈ ઘટનાને કારણે ટાઇટન સબમરીન ગાયબ થઈ ગઈ હોય તેવો કોઈ સંકેત હજુ સુધી મળ્યો નથી.

ટાઇટેનિકના કાટમાળની આસપાસનો સમુદ્રતળનો વિસ્તાર વર્ષો પહેલાં પાણીમાં થયેલા પ્રચંડ ધરતીકંપની અડફેટમાં આવી ગયો હોવાના સંકેતો સંશોધકોને પાછલાં કેટલાંક વર્ષોમાં મળ્યા છે.

ન્યૂફાઉન્ડલૅન્ડથી ખંડીય ઢોળાવમાં કાંપનો વિશાળ જથ્થો નીચે ઊતરી ગયો હોય એવું લાગે છે. તેને કારણે વિજ્ઞાનીઓ જેને ઇનસ્ટેબિલિટી કોરિડોર કહે છે તે સર્જાયો છે.

વિજ્ઞાનીઓ માને છે કે આવી વિનાશક ઘટનાઓ પૈકીની છેલ્લી ઘટના હજારો વર્ષો પહેલાં બની હતી. એવી ઘટનામાં કાંપના 328 ફીટ જાડા થર સર્જાય છે. જોકે, આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોવાનું કૅનેડાના જિયોલૉજિકલ સર્વે વિભાગ સાથે સંકળાયેલા દરિયાઈ ભૂસ્તરશાસ્ત્ર સંશોધન વિજ્ઞાની ડેવિડ પાઇપરે જણાવ્યું હતું.

ડેવિડ પાઇપરે ટાઇટેનિકના કાટમાળની આસપાસના સમુદ્રતળનો વર્ષો સુધી અભ્યાસ કર્યો છે. આવી ઘટનાઓની આવર્તનના સંદર્ભમાં સરખામણી તેઓ માઉન્ટ વેસુવિઅસ અથવા માઉન્ટ ફુજી લાવાસ્ફોટ સાથે કરે છે. આવું હજારો વર્ષોમાં એકાદી વખત બનતું હોય છે.

ટર્બિડિટી કરન્ટ તરીકે ઓળખાતી અન્ય ઘટનામાં પાણી કાંપથી લથબથ થઈ જાય છે અને ખંડીય ઢોળાવ પરથી નીચે વહે છે. ટર્બિડિટી કરન્ટની ઘટનાઓ સામાન્ય છે અને તે તોફાનને કારણે સર્જાઈ શકે છે.

ડેવિડ પાઇપરે કહ્યું હતું, “પ્રત્યેક 500 વર્ષના અંતરાલ પછી તે બનતી હોય છે.” સમુદ્રતળની ભૌગૌલિક રચના કાંપના કોઈ પણ પ્રવાહને ટાઇટેનિક વેલી તરીકે ઓળખાતા પ્રદેશ સુધી પહોંચવા દેશે નહીં એટલે કે કાંપનો પ્રવાહ ભંગાર સુધી પહોંચી જ નહીં શકે.

સેફર્ટ અને પાઇપર બન્નેએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને કારણે ટાઇટન સબમર્સિબલ ગાયબ થઈ હોવાની શક્યતા જણાતી નથી.

કાટમાળના સ્થળની આસપાસના પ્રદેશની ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓ બાબતે સંશોધન થવું બાકી છે. ફ્રેન્ચ નૌકાદળના ભૂતપૂર્વ ડાઇવર અને સબમર્સિબલ પાઇલટ પોલ-હેનરી નાર્જિયોલેટ ઓશનગેટના ટાઇટેનિક સંબંધી અગાઉના અભિયાનમાં જોડાયા હતા.

તેમણે 1996માં રહસ્યમય વિસ્તારનું નાનકડું ટપકું સોનાર પર નિહાળ્યું હતું. તે સમુદ્રીજીવોથી ઢંકાયેલો પરવાળાનો ખડક હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું. તેમને આવું એક વધુ ટપકું નવીનતમ અભિયાનમાં નિહાળવાની આશા હતી.

શોધ અભિયાનમાં સામેલ લોકોએ કહ્યું કે સબમરીનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની વાત એટલા માટે કરાઈ રહી છે કે કાટમાળ બે ભાગમાં મળ્યો હતો. એક પાછળનો ભાગ અને બીજો લેંન્ડિગ ફ્રેમનો. એવી આશંકા છે કે ટાઇટનના બે ભાગ થઈ ગયા હતા.

જોકે આટલી પડકારજનક અને દુર્ગમ પરિસ્થિતિમાં ટાઇટેનિકના કાટમાળને નિહાળવા જવાનું અભિયાન આજે પણ એટલું પ્રાસંગિક છે જેટલી પ્રાસંગિક, ટાઇટેનિક ડૂબ્યાનાં વર્ષો પછી 1986માં લોકોની તેના કાટમાળ પર પ્રથમ વખત નજર પડી ત્યાર બાદ સમુદ્રના ઊંડાણમાં કરવામાં આવેલી યાત્રા છે.

RED LINE
RED LINE