બે કરોડની ટિકિટ લઈને સબમરીન દરિયામાં તળિયે પડેલું 'ટાઇટેનિક' કેવી રીતે દેખાડે છે?

- લેેખક, કેથરિન આર્મસ્ટ્રોંગ, જ્યોર્જ રાઇટ અને એડમ ડર્બિન
- પદ, બીબીસી ન્યૂઝ
આ રેસ્ક્યૂ ઑપરેશનની તાજેતરની સ્થિતિ
- અમેરિકન કોસ્ટ ગાર્ડે અનુમાન લગાવ્યું છે કે સબમરીનમાં સવાર લોકો માટે ઓક્સિજન અમેરિકાના ઈસ્ટર્ન ટાઇમઝોન મુજબ 7:18 વાગ્યા સુધી ચાલે એટલો જ છે.
- રેસ્ક્યૂ ઑપરેશન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમને હજી પણ સફળતાની આશા છે. રેસ્ક્યૂ ઑપરેશન માટે લગાવવામાં આવેલાં સંસાધનોને બમણા કરવામાં આવ્યાં છે.
- જોકે, સર્ચ ઑપરેશનનું નેતૃત્વ કરી રહેલા કપ્તાને કહ્યું, "જો હું સાચું કહું તો મને ખબર નથી કે એ લોકો ક્યાં છે"
- મંગળવારે અને બુધવારે સમુદ્રના તળિયેથી જે અવાજ સંભળાયો હતો, ત્યાં અને તેની આસપાસમાં શોધખોળ હાથ ધરાઈ રહી છે.
- હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે જે અવાજ સંભળાતો હતો, તે હકીકતમાં સબમરીનનો હતો કે નહીં.
- ટાઈટન સબમરીનને પોલસ પ્રિન્સ નામક જહાજમાંથી લૉન્ચ કરવામાં આવી હતી. આ જહાજને જ રેસ્ક્યૂ ઑપરેશનનું કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ જહાજ હાલ ટાઈટેનિકના કાટમાળ પાસે જ છે.
- રિમોટથી સંચાલિત ગાડીઓની મદદથી સમુદ્રના તળિયે તપાસ કરાઈ રહી છે.
વિશ્વના સૌથી વધુ ચર્ચિત જહાજ ટાઇટેનિકનો કાટમાળ જોવા ઍટલાન્ટિક મહાસાગરમાં ગયેલી સબમરીન હજુ પણ લાપતા છે.
ન્યૂફાઉન્ડલેન્ડના દરિયા કિનારા નજીક સમુદ્રના પેટાળમાં પડેલો ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા આ સબમરીન કેટલાક લોકોને રવિવારે રવાના થઈ હતી.
સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ શહઝાદા, દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમૅન હામિશ હાર્ડિંગ, આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઑશનગેટના સીઈઓ સ્ટોકટન રશ અને ફ્રેન્ચ ઍક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સહિતના પાંચ લોકો હતા.
સબમરીન શોધવાના કામમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ ગઈ છે. અમેરિકન કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બચાવ અભિયાન અત્યંત જટિલ છે અને સબમરીનનું લોકેશન મળી આવશે તો અમે અમારાથી બનતા તમામ પ્રયાસ કરીશું.
અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના મેમો સંબંધી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સબમરીન ગાયબ થઈ હતી તે જગ્યાએ જોરદાર અવાજ સંભળાયો હતો અને એ અવાજ કલાકો સુધી સંભળાતો રહ્યો હતો.
અમેરિકન મીડિયા સમૂહ સીએનએનએ મંગળવારે રાતે એક મેમોનો અહેવાલ આપ્યો હતો, જેમાં ઘણી વખત અવાજ સાંભળવા મળ્યો હતો.

સવાલ ઉઠાવનારની નોકરી છીનવી લીધી

બીજી તરફ ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે એવો અહેવાલ આપ્યો છે કે આ ઉદ્યોગના નિષ્ણાત ડેવિજ લોખરિજે 2018માં ઑશનગેટ કંપનીની ટાઇટન સબમરીન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને કંપનીના સીઈઓને પત્ર લખ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન કોર્ટના દસ્તાવેજ મુજબ, ઑશનગેટે, સબમરીનની સલામતી સંબંધી મુશ્કેલી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી તે નિષ્ણાત લોખરિજને 2018માં નોકરીમાંથી પાણીચું આપ્યું હતું.
ડેવિડ સબમરીનમાંની ખામીઓ બાબતે ચેતવણી આપી હતી, પણ તેને નજરઅંદાજ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એક રિપોર્ટ લખ્યો ત્યારે તેમને ગુપ્ત માહિતી જાહેર કરવાના કારણસર નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. એ પછી લોખરિજે કોર્ટ કેસ કર્યો હતો અને પછી તેમાં સમાધાન થયું હતું.
સ્કોટલેન્ડના સબમરીન નિષ્ણાત ડેવિડ લોખરિજ 2017માં ઑશનગેટ કંપનીમાં જોડાયા હતા.

બચાવ અભિયાન ક્યાં પહોંચ્યું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સબમરીનને શોધવા માટે બચાવ દળના હાથમાંથી સમય ઝડપથી સરકી રહ્યો છે, કારણ કે સબમરીનમાં હવે 30 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે.
મધ્ય ઍટલાન્ટિકના ઊંડાણમાં બચાવ અભિયાન ચાલુ છે, પરંતુ અત્યાર સુધી કશું હાથમાં આવ્યું નથી.
અમેરિકન કોસ્ટ ગાર્ડના કેપ્ટન જેમી ફ્રેડરિકે મીડિયાને જણાવ્યું હતું કે સબમરીનને શોધવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી પ્રયાસ સફળ થયા નથી.
આ શોધ અભિયાન લાંબા અંતરને કારણે જટિલ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ શોધ અભિયાનમાં અમેરિકન તથા કેનેડીયન એજન્સીઓ ઉપરાંત નૌકાદળ, ડીપ સી પ્રોફેશનલ કંપનીઓ જોડાઈ છે. તેઓ સૈન્ય વિમાનો, સબમરીનો અને સોનાર બોય મશીનો મારફત ટાઇટનને શોધી રહ્યા છે. ઘણાં અંગત જહાજ પણ તેમને મદદ કરી રહ્યાં છે.
રિમોટ સબમરીનવાળું એક પ્રોફેશનલ જહાજ ડીપ એનર્જી પણ એ જગ્યાએ પહોંચી ગયું છે.
સમુદ્ર વિજ્ઞાની અને જહાજના કાટમાળને શોધી કાઢનાર ચર્ચિત હસ્તી ડેવિડ મર્ન્સે બીબીસીને જણાવ્યુ હતું કે ડીપ એનર્જીની સબમરીન 3,800 મીટરની ઊંડાઈએ પડેલા ટાઇટેનિકના કાટમાળ પાસેથી ગાયબ સબમરીનને શોધવામાં ઉપયોગી થશે તેવી મને આશા છે.
ગાયબ સબમરીનમાંના બે પ્રવાસી 58 વર્ષના હાર્ડિંગ અને 77 વર્ષના નાર્જેલેટને ડેવિડ મર્ન્સ વ્યક્તિગત રીતે ઓળખે છે.
હાર્ડિંગ જાણીતા ઍક્સપ્લોરર છે. તેઓ અંતરિક્ષમાં પ્રવાસ કરી આવ્યા છે અને તેમના નામે ત્રણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ છે. ગત સપ્તાહે તેમણે જણાવ્યું હતું કે આ મિશનનો હિસ્સો હોવાની જાહેરાત કરતા તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

10,000 ચોરસ કિલોમિટર વિસ્તારમાં શોધખોળ

ટાઇટેનિકનો કાટમાળ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોન્સની દક્ષિણે 700 કિલોમિટર દૂર સમુદ્રમાં પડ્યો છે. જોકે, બચાવ તથા શોધ અભિયાન અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી ચાલી રહ્યું છે.
અમેરિકન કોસ્ટ ગાર્ડે જણાવ્યુ હતું કે સબમરીનનું સહાયક જહાજ પોલર પ્રિન્સ તથા ડીપ એનર્જી ઊંડા સમુદ્રમાં શોધખોળ કરી રહ્યાં છે.
કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે કેનેડાના પી-3 ઓરોરા વિમાને તે વિસ્તારમાં સોનાર મારફત શોધખોળ કરી હતી અને મંગળવારે સવાર સુધીમાં તેણે 10,000 ચોરસ કિલોમિટર વિસ્તાર ફેંદી નાખ્યો હતો.
ફ્રાન્સના સમુદ્રી બાબતોના મંત્રાલયે તેના લ'ઍટલાન્તે જહાજને પણ મંગળવારથી શોધ અભિયાનમાં જોતર્યું હતું. એ જહાજ પાસે પોતાનો એક રોબોટ છે, જે સમુદ્રમાં મદદ કરશે.
ગાયબ થયેલી ટાઇટન સબમરીનમાં સીબીએસના પત્રકાર ડેવિડ પોગે ગયા વર્ષે પ્રવાસ કર્યો હતો અને તેઓ ટાઇટેનિકના કાટમાળ સુધી ગયા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે સપોર્ટ શીપ સબમરીનની ઉપર હોય છે અને બન્ને એકમેકને ટેક્સ્ટ મેસેજ મોકલી શકે છે. ઊંડા સમુદ્રમાં જીપીએસ કે રેડિયો સિસ્ટમ મારફત સંદેશ વ્યવહાર કરી શકાતો નથી.
ડેવિડ પોગે એવું પણ જણાવ્યું હતું કે સબમરીનમાંના લોકો જાતે બહાર નીકળી શકતા નથી, કારણ કે સબમરીનને બહારથી મજબૂત રીતે સીલ કરવામાં આવે છે.

સબમર્સિબલ અને સામાન્ય સબમરીન વચ્ચેનો ફરક

ઇમેજ સ્રોત, Getty Images
એક સબમર્સિબલ સબમરીન અને સામાન્ય સબમરીન વચ્ચે શું ફરક હોય છે?
નેશનલ ઑશનિક એન્ડ ઍટમૉસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, સામાન્ય સબમરીન કોઈ દરિયા કિનારાથી નીચે અને ઉપર જાતે આવી શકે છે, જ્યારે સબમર્સિબલ સબમરીનની ક્ષમતા બહુ મર્યાદિત હોય છે. તેને સમુદ્રમાં નીચે જવા અને ઉપર આવવા માટે એક જહાજની જરૂર પડે છે.
એક હકીકત એ પણ છે કે સમુદ્રના તળીયે પ્રકાશ બિલકુલ હોતો નથી.
ઑશનગેટ કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે તેની પાસે ત્રણ સબમરીન છે. એ પૈકીની માત્ર ટાઇટન જ ટાઇટેનિકના કાટમાળ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
ટાઇટન સબમરીનનું વજન 10,432 કિલોગ્રામ છે અને વેબસાઇટ પરની માહિતી સાચી માનીએ તો ટાઇટન સમુદ્રમાં 13,100 ફીટની ઊંડાઈ સુધી જઈ શકે છે.
સમુદ્રમાં 3,800 મીટર (લગભગ 4 કિલોમિટર)ની ઊંડાઈએ પડેલો ટાઇટેનિકનો કાટમાળ નિહાળવાના પ્રવાસ માટે અઢી લાખ ડૉલર એટલે રૂ. બે કરોડથી વધુની ટિકિટ ખરીદવી પડે છે.
હોર્ડિંગે ગત સપ્તાહમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે “ન્યૂફાઉન્ડલેન્ડમાં છેલ્લાં 40 વર્ષથી કડકડતી ઠંડી બાદ 2023માં ટાઇટેનિક સુધી પહોંચનારું આ સૌપ્રથમ અને એકમાત્ર માનવીય મિશન છે.”
તેમણે એવું પણ લખ્યું હતું કે “મોસમમાં સુધારો થયો છે અને અમે આવતીકાલે ડાઈવ મારવાનો પ્રયાસ કરીશું.”
ઑશનગેટ કંપનીએ જણાવ્યું હતું કે તે પોતાની સબમર્સિબલ સાથે સંપર્ક સ્થાપિત કરી શકતી નથી, પરંતુ તેનું ધ્યાન સબમર્સિબલની ચાલક ટુકડી તથા તેમના પરિવારો પર છે.
કંપનીએ જણાવ્યું હતું કે “સબમર્સિબલ સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવામાં અનેક સરકારી એજન્સીઓ અને ડીપ સી કંપનીઓ મદદ કરી રહી છે. એ માટે અમે તેમના આભારી છીએ.”
ટાઇટન કાર્બન-ફાઇબર વડે બનાવવામાં આવેલી સબમરીન છે, જે ન્યૂફાઉન્ડલેન્ડના સેન્ટ જોન્સથી યાત્રા શરૂ કરે છે અને કાટમાળ સુધી જાય છે. તેને સમુદ્રમાં ઊતારવાથી માંડીને ફરી ઉપર લાવવામાં લગભગ આઠ કલાક થાય છે.
કંપનીની વેબસાઇટ પરની માહિતી મુજબ, આ વર્ષની એક યાત્રા ચાલુ છે અને જૂન, 2024માં વધુ બે યાત્રા થવાની છે.
દુનિયાના સૌથી મોટા જહાજ ટાઇટેનિકે બ્રિટનના સાઉથેમ્પટનથી 1912માં પોતાની સૌપ્રથમ યાત્રા શરૂ કરી હતી, પરંતુ એક હિમશીલા સાથે ટકરાવાને કારણે તે ડૂબી ગયું હતું. તેમાં પ્રવાસ કરી રહેલા 2,200 પ્રવાસીઓ પૈકીના 1,500થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એ જહાજના કાટમાળને 1985માં શોધી કાઢવામાં આવ્યો હતો.














