આકાશ અને દરિયા વચ્ચે રહેતા નસીબવાન લોકોની કહાણી

ઇમેજ સ્રોત, Jimmy Nelson
- લેેખક, ડેબોરા નિકોલ્સ-લી
- પદ, બીબીસી ટ્રાવેલ
બ્રિટિશ ફોટોગ્રાફર જિમી નેલ્સન મૂળ નિવાસીઓના ફોટા પાડવા મોંગોલિયાથી માંડીને વનુઆતુ સુધીના સુદૂર વિસ્તારોનો પ્રવાસ ખેડવા માટે વિખ્યાત છે, પરંતુ 2020માં રોગચાળાને કારણે તેમની યાત્રા થંભી ગઈ હતી. તેથી કામ માટે તેમને ઘરઆંગણાના પ્રદેશો પર નજર કરવાની ફરજ પડી હતી.
નેલ્સને છેલ્લાં 30 વર્ષથી નેધરલૅન્ડ્ઝને પોતાનું વતન બનાવ્યું છે. વિમાનમાં પ્રવાસ કરવાનું શક્ય ન હતું એટલે તેમણે તેમના એમસ્ટેરડેમ સ્ટુડિયોની નજીકના વિસ્તારોમાં વસતા સમુદાય પર કૅમેરા ફોકસ કરવાનું નક્કી કર્યું હતું.
આમ કરવાથી ઘરઆંગણે જે વૈવિધ્ય હતું એ તેમના ધ્યાનમાં આવ્યું હતું. તેમાં આજે પણ લાકડાની હોડીમાં માર્કરમીર સરોવરની સફર કરતા વોલૅન્ડમના કુશળ નાવિકોથી માંડીને પૂર્વમાંના સ્ટેફોર્સ્ટના પરંપરાગત વસ્ત્રો જ ધારણ કરતા ધાર્મિક સમુદાયનો સમાવેશ થાય છે.
એક સમયે આ દેશ અલગ-અલગ પ્રદેશમાં વહેંચાયેલો હતો. દક્ષિણ સમુદ્ર તેનું વિભાજન કરતો હતો અને તટીય વિસ્તારોમાં ટાપુઓ હતા. દૂરનાં સમુદાયો વચ્ચે આ કારણસર વૈવિધ્ય હતું અને તેમની વચ્ચેના પાણીને બાદમાં જમીન તરીકે નવસાધ્ય કરવામાં આવ્યું ત્યારે તેઓ એક થયાં હતાં. આજે પણ દસ ટકાથી વધુ ડચ પરિવારો પ્રાદેશિક બોલી જ બોલે છે.
આ વૈવિધ્યને વખાણતું નેલ્સનનું નવું પુસ્તક ‘બીટવીન ધ સી ઍન્ડ ધ સ્કાય’ નેધરલૅન્ડ્ઝના ઇતિહાસ, પરંપરાગત વસ્ત્રો અને 20 પ્રદેશના લૅન્ડસ્કેપ્સનાં હાથેથી દોરેલા નકશા અને 300થી વધુ ફોટોગ્રાફ્સ મારફત કથામય શૈલીમાં બયાન કરે છે.
આ પુસ્તકનાં પૃષ્ઠો વાચકને નેધરલૅન્ડ્ઝના ફળદ્રુપ જમીન સાથેના હરિયાળા પોલ્ડર્સથી માંડીને દેશની વચ્ચે આવેલા શુષ્ક રણપ્રદેશ અને દેશ માટે માછલી પૂરી પાડતા સમુદ્રકિનારા પરનાં બંદરો સુધીની સફર કરાવે છે.
નેધરલૅન્ડ્સની રાષ્ટ્રીય ઓળખ તેનું પાણી અને જમીન બન્ને છે. આ પુસ્તકનું શીર્ષક, ઝમકદાર, પરંતુ મુશ્કેલ પ્રદેશમાં પાણી અને હવામાનની દયા પર અનિશ્ચિતતાભર્યું જીવન જીવતી રહેલી ડચ લોકોની અનેક પેઢીઓને યથોચિત અંજલિ આપે છે.

માર્કેન, નૂર્ડ-હોલૅન્ડ

ઇમેજ સ્રોત, Jimmy Nelson
એમ્સ્ટેરડેમથી ઈશાન દિશામાં માત્ર 20 કિલોમીટર દૂર આવેલું માર્કન અગાઉ એક ટાપુ હતો જેને 1957માં મેઈનલૅન્ડ સાથે કોઝવે વડે જોડવામાં આવ્યો હતો. નેલ્સન સૌપ્રથમ ત્યાં ગયા હતા. મજબૂત લાકડાનાં મકાનો તથા વાઈટ લિફ્ટ બ્રિજીસ સાથેની આ વસાહતની મુલાકાત તેમણે અગાઉ 2014માં લીધી હતી. એ પછી પણ અનેક વખત તેઓ અહીં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અહીં પણ ગામલોકોએ નેલ્સનને ફોટો શૂટમાં મદદ કરી હતી. નેલ્સનના કહેવા મુજબ “તે સામુદાયિક અનુભવ હતો.” પુસ્તકના મુખપૃષ્ઠ પરના ફોટોગ્રાફમાં ગામલોકો જાનૈયાના વેશભૂષામાં છે અને દુલ્હન જમીન તથા સમુદ્રને નિહાળી રહ્યાં છે. તેમને ઇરાદાપૂર્વક ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. નેલ્સને કહ્યું હતું કે, “હું તેમને વારંવાર વંદન કરું છું. હું મારા વિષયને બધી મોકળાશ આપું છું. તેઓ જ મને નિર્દેશ આપે છે. હું તેમને નિહાળું કે નહીં અને કૅમેરા બહાર કાઢું કે નહીં તેનો આધાર તેમના પર હોય છે.”
આ કામમાં સહભાગી બનેલા મેરીકે ઝીમન માટે નેલ્સનનો પ્રોજેક્ટ તેમની પારિવારિક દુર્ઘટનાને સુસંગત હતો. તેમણે જણાવ્યુ હતું કે આ મારાં પરંપરાગત વસ્ત્રો (ક્લેડરડ્રેક્ટ) હવે મારી લાગણી સાથે મેળ ખાતાં નથી. માર્કેનમાં છેલ્લી એક સદીથી પરંપરાગત વસ્ત્રો રોજિંદા પોશાક તરીકે પહેરવામાં આવતાં ન હોવાથી દોસ્તો અને પાડોશીઓ મેરીકેના ફોટો શૂટ માટે કાળા રંગનાં વસ્ત્રો પહેરીને આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જૂના દિવસોની જેમ અમે એકમેકની સાથે વસ્ત્રો અને જ્ઞાનની આપલે કરી હતી, એકમેકને તૈયાર થવામાં મદદ કરી હતી. ફોટો શૂટને કારણે ગામમાં ચર્ચાની સાથે એકતાની ભાવના પણ સર્જાઈ હતી.”

ઇમેજ સ્રોત, Jimmy Nelson
આ દ્વીપકલ્પમાં 30થી વધુ વિવિધ પરંપરાગત પોશાકો છે. એ બધા હાથથી બનાવેલા છે અને તેમાં શોકની ઘટના વખતે પહેરવાના પાંચ ડ્રેસનો સમાવેશ થાય છે. ઝીમેને કહ્યું હતું કે, “માર્કેનનાં વસ્ત્રો બહુ ચોકસાઈભર્યાં છે. દરેક તહેવાર અને જીવનની મહત્ત્વની પળો માટે અમારી પાસે અલગ શૈલી છે.”
ઝીમેનના જણાવ્યા મુજબ, માર્કેન, નેધરલૅન્ડ્સના પાણી સાથેના સંબંધનું સૂક્ષ્મ રૂપ છે. “દરિયો માર્કેનનો દોસ્ત અને દુશ્મન બન્ને છે. અહીં ઘણા લોકો માછીમારી તથા નૌકા ચલાવીને બહુ પૈસા કમાયા છે. તેની સાથે અહીં આવેલાં પૂરને કારણે અનેક મૃત્યુ પણ પામ્યા છે. લોકો અહીં જીવે છે, કારણ કે એ તેમની આજીવિકા છે. બીજી તરફ એ રાતોરાત તમારું બધું છીનવી શકે છે.”
1937માં એફશેલડેક ડૅમનું કામ પૂર્ણ થયું ત્યારે એક તળાવ બનાવવામાં આવ્યું હતું. અગાઉ ત્યાં દરિયો હતો. પૂરનું પ્રમાણ ઘટ્યું હતું, પરંતુ માછીમારીનો ઉદ્યોગ ભાંગી પડ્યો હતો. ગ્રામજનો પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને ખેતી તરફ વળ્યા હતા અથવા મુખ્ય પ્રદેશમાં નોકરી કરવા ચાલ્યા ગયા હતા.
બંદર પર પૂરને રોકવા માટે થાંભલા પર બાંધવામાં આવેલાં મકાનો આજે પણ જોવા મળે છે. ઝીમેને ઉમેર્યું હતું કે, “માર્કેનના લોકોએ સમય જતાં પાણી સાથે જીવવાનો માર્ગ શોધી કાઢ્યો હોય એવું મને લાગે છે. પાણીએ પોતાની પાસેથી શું છીનવી લીધું હતું તેની સ્મૃતિ દરેક પરિવાર પાસે છે. અમારાં નામ પણ (ઝીમેન એટલે નાવિક) પાણી સાથે જોડાયેલાં છે.”

ઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Jimmy Nelson
માર્કેનથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 200 કિલોમીટર દૂર પંદરમી સદીમાં નિર્મિત ચર્ચ ટાવરમાંની દીવાદાંડી વોલચેરેન નામના અગાઉના ટાપુ પરના નાના શહેર વેસ્ટકાપેલ પર નજર રાખે છે.
ઝીલૅન્ડ પ્રાંતમાં આવેલા ટાપુઓના ભૂતપૂર્વ સમૂહની પોતાની બોલી છે. મહત્ત્વના આ વેપારી થાણાએ વાઇકિંગ ધાડપાડુઓ અને સ્પેનિશ સુધારકો સામે ઝિંક ઝીલી છે. તેના ડાઇક્સ 1944ના બૉમ્બધડાકા સામે ટકી રહ્યા છે અને 1953માં આવેલા પૂરનો તેણે સામનો કર્યો છે. એ પૂરમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા હતા અને એ પૂર અહીં દુર્ઘટના તરીકે ઓળખાય છે.
છેલ્લી ચાર પેઢીથી સોનીકામ કરતા અને આભૂષણોના સંગ્રાહક પીટ મિન્ડરહાઉડનો પરિવાર સદીઓથી આ પ્રદેશમાં રહે છે. માઇન્ડરહાઉડ, ઇયર આયર્ન્સ તરીકે ઓળખાતું મસ્તક પર પહેરવાનું સોનાનું આભૂષણ બનાવતા એકમાત્ર ઝીલૅન્ડવાસી છે. આ ઘરેણું દેશભરના લોકો પહેરે છે અને તેને સમૃદ્ધિનું ચમકદાર પ્રતીક ગણવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Jimmy Nelson
વોલચેરેનની પૂર્વમાં આવેલા ઝુઇડ-બેવલૅન્ડ કરતાં વધુ મોટાં તેમજ સુંદર ઇયર આયર્ન્સ અને બોનેટ (મોટી ટોપી) બીજે ક્યાંય જોવા મળતાં નથી. અસ્તા શૌવેનાર (ઉપર)નો ફોટોગ્રાફ ત્યાં ક્લિક કરવામાં આવ્યો હતો. 1800ના દાયકાની ઔદ્યોગિક ક્રાંતિને પગલે અહીં ડૅમ તથા રેલવે નેટવર્કનું નિર્માણ થયું એ પહેલાં સુધી આ ભૂતપૂર્વ ટાપુ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે મેઇનલૅન્ડથી અળગો રહ્યો હતો. મિન્ડરહાઉડે કહ્યું હતું કે, “ઝીલૅન્ડમાં પુષ્કળ પવન ફૂંકાય છે. તેથી આવા બોનેટ્સ પહેરવાનું મુશ્કેલ છે. તેમાં પુષ્કળ સ્ટાર્ચ હોય છે અને તે ભીનું થાય ત્યારે ઢળી પડે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ઝીલૅન્ડમાં છેલ્લાં 100 વર્ષમાં ભાગ્યે જ કશું બદલાયું છે. આ પ્રાંતમાં જે કંઈ છે તે પાણીને કારણે છે. દરિયો અમારા જીવનનો હિસ્સો છે અને અમારા માટે દરેક દિવસ અલગ હોય છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય ત્યારે ગામમાંનાં ઘરો તથા રસ્તાઓ તેમજ અમારા બગીચાઓમાં બરફની માફક રેતીના થર બાઝી જાય છે. ક્યારેક દરિયાની થોડી ખારી હવા ફૂંકાય છે. અમારી બારીમાંથી બહાર કશું જોઈ શકાતું નથી, કારણ કે તેના પર નમકનું જાડું થર ચડી જાય છે.”
આ બધું હાંસલ કરવા માટે ધીરજ બહુ જરૂરી છે. નેલ્સને કહ્યું હતું કે “અમે કલાકો સુધી બેસી રહેતા, વાતો કરતા, રાહ જોતા હતા અને તોફાની વાદળોમાંથી સૂર્ય ડોકિયું કરતો ત્યારે બહાર દોડી જતા હતા, કારણ કે નેધરલૅન્ડ્સનો મોટા ભાગનો વિસ્તાર દરિયાકાંઠાનો છે. પ્રકાશ સતત બદલાતો રહે છે. તેમાં સ્થિરતા નથી હોતી, પરંતુ એ અણધાર્યાપણામાં ઘણી વખત જાદુઈ ક્ષણો આવતી હોય છે.”

ફ્રાઈસલૅન્ડ

ઇમેજ સ્રોત, Jimmy Nelson
વિખ્યાત ડચ પ્રકાશ નેલ્સનના ઠંડાગાર ફ્રાઈસલૅન્ડના શિયાળુ પ્રવાસ દરમિયાન પણ જોવા મળ્યો હતો. એ પ્રકાશને લીધે વિશાળ સપાટ જમીન અને થીજી ગયેલાં તળાવો પર સોનેરી ઝાંય સર્જી હતી. આ પ્રાંત આઇસ-સ્કૅટિંગના શોખીનો માટેનો છે. અહીં વધારે ઠંડી ઉત્તમ ગણાય. બરફના થર જાડા થાય તેમ 11 ફ્રિશિયન નગરોમાંથી પસાર થતી 200 કિલોમીટરની વિખ્યાત એલ્ફેસ્ટેડેન્ટોક્ટ આઇસ રેસમાં ઉત્તેજના વધે છે.
ઠંડી એ ફ્રિશિયન શબ્દકોશનો એક હિસ્સો છે. એન્કે બિજલસ્માના જણાવ્યા મુજબ, અહીં બરફ માટે અસંખ્ય શબ્દો છે. તેનો ઈશાન ફ્રાઈસલૅન્ડના એક ખેતરનો નેલ્સને ઝડપેલો ફોટો અહીં ઉપર પ્રદર્શિત કર્યો છે. એન્કેએ કહ્યું હતું કે, “ત્યાં બરફના ગઠ્ઠા છે, શ્યામ બરફના. તે સૌથી સુંદર છે. સ્નો આઇસ, બબલ આઇસ.”
નેલ્સને મુલાકાત લીધી ત્યારે એન્કે બિજલસ્માએ ચર્ચમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. એ ચર્ચમાં એન્કેની નાટક કંપનીની ઑફિસ છે. ભોજન સમારંભમાં બીરેનબર્ગ નામે ઓળખાતો હર્બલ લિકર છૂટથી ઉપલબ્ધ હતો. એન્કેએ કહ્યું હતું કે, “અમે બહુ મજા કરી હતી. ફ્રાઈસલૅન્ડમાં અમે લોકો ઠંડા હવામાનથી ટેવાયેલા છીએ, પરંતુ ગરમાટો કેવી રીતે મેળવવો એ પણ અમે જાણીએ છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે ઉત્તરનો પ્રદેશ વિન્ડ ફાર્મ સ્થાપવા અને ગૅસ કાઢવાનું સ્થળ જ નથી. એન્કેના ઘરની નજીક દરિયામાં ભરતી ઓછી હોય ત્યારે માછીમારોને માછલી સાફ કરતા જોઈ શકાય છે. તમે યોગ્ય સમયે ત્યાં ગયા હો તો સીલ નામના ઉભયચર દરિયાઈ પ્રાણી અને પક્ષીઓને લીધે વિખ્યાત એન્ગેલ્સમેનપ્લાન્ટ નામના નિર્જન ટાપુ સુધી કાદવમાં ચાલીને જઈ શકો.
આ પ્રદેશનું અસાધારણ તારાઓથી ભરેલું આકાશ રાત્રે પણ એટલું જ સુંદર દેખાય છે. આ દૃશ્ય નિયમિત રીતે નિહાળતા એન્કે બિજલસ્માએ કહ્યું હતું કે, “અહીં પ્રકાશનું બહુ પ્રદૂષણ નથી. આકર્ષક અંધારું હોય છે. સમુદ્રની ક્ષિતિજ નિહાળીએ ત્યારે નાની-મોટી તમામ સમસ્યા દિમાગમાંથી ગાયબ થઈ જાય છે. માત્ર સમુદ્ર અને આકાશને નિહાળવાનું હોય છે, બીજું કશું નહીં.”














