કરોડપતિની આયાઓનું જીવન કેવું હોય છે, લાખો રૂપિયાનો પગાર મળે છે પરંતુ કેવાં બલિદાનો આપવાં પડે છે?

બ્રાઝિલિયન મહિલા જુલિયાના પાસારેલીના

ઇમેજ સ્રોત, @gbpassarelli_

ઇમેજ કૅપ્શન, જુલિયાના પાસારેલીનો એક વીડિયો ટિકટૉક પર વાઇરલ થયો છે, જેમાં તેમણે એક બિઝનેસમૅનનાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકેના તેમના કામની ઝલક બતાવી હતી.
    • લેેખક, રૂટે પિના
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ, સાઓ પાઉલો
  • વાંચવાનો સમય: 9 મિનિટ

"તમામ લોકો પાસે એકસમાન 24 કલાક હોય છે, આવી કહેવત તો તમે સાંભળી જ હશે. પણ, તે ખોટું છે," આ શબ્દો છે, એક કરોડપતિ બિઝનેસમેનનાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં 31 વર્ષનાં બ્રાઝિલિયન મહિલા જુલિયાના પાસારેલીના. "મારા બૉસ પાસે મારા 24 કલાક પણ છે."

બિઝનેસમૅન જે કામ કરવા ન ઈચ્છતા હોય, તે તમામ કામો તેમના વતી જુલિયાના કરે છે, ચાહે તે 5,000 ડોલરનો સૂટ પસંદ કરવાનો હોય, બર્થડે પાર્ટીનું આયોજન કરવાનું હોય કે પછી તેમના પુત્ર માટે સ્કૂલની કોઈ ચીજ ખરીદવાની હોય.

જુલિયાનાનું રૂટિન આનાથી પણ વધુ ખર્ચાળ હોઈ શકે છે. તેઓ યાદ કરે છે કે, તેમના બૉસે એક વખત માત્ર ફરારી કાર લાવવા માટે તેમને ઇમર્જન્સીમાં ફ્રાન્સ મોકલ્યાં હતાં.

જુલિયાના યાદ કરે છે, "મારે રાતોરાત મારી સૂટકેસ ભરવી પડી હતી, કારણ કે, મારા બૉસે ફરારીની એક વિશેષ, કલેક્ટર્સ એડિશન ખરીદી હતી."

"અમે ત્યાં પહોંચ્યાં, પેરિસ નજીકના શહેરમાં ગયાં અને કાર બ્રાઝિલ લઈ જવા માટે મારે તમામ દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂરી કરવી પડી હતી."

જુલિયાનાના કામનું કોઈ ફિક્સ રૂટિન હોતું નથી. એક દિવસ તેમણે બૉસના શ્વાનને પશુ ચિકિત્સક પાસે લઈ જવાનો હોય કે પછી ડેન્ટિસ્ટની ઍપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. બિલ્સની ચૂકવણીની જવાબદારી પણ જુલિયાનાની હોય છે.

"તમે જાણતા હશો કે, કોઈ દિવસ તમે અત્યંત વ્યસ્ત હોવ, દિવસ આખો કામમાં પસાર થયો હોય અને તમને વિચાર આવે, 'અરે, ટૂથપેસ્ટ ખરીદવાનું રહી ગયું'? આવું મારા બોસની સાથે નથી થતું, કારણ કે, હું કદી નથી ભૂલતી."

આથી જ, સોશિયલ મીડિયા પર જુલિયાનાને "કરોડપતિની આયા" (મિલિયોનેર્સ નૅની) તરીકે વર્ણવવામાં આવે છે.

તેમના બૉસ સાથેની એક મજાકમાંથી ઉદ્ભવેલો આ શબ્દ પછીથી વાઇરલ થઈ ગયો હતો.

જુલિયાના કહે છે, "હું તે વિશે જોક કરતી હતી, કારણ કે, અમે ગાઢ મિત્રતા ધરાવીએ છીએ."

જુલિયાનાના જણાવ્યા અનુસાર, બૉસ તેમના દિમાગને ઍરપ્લેન મોડમાં મૂકી શકે છે, કારણ કે, જુલિયાના તેમની તમામ બાબતોની જવાબદારી ઉઠાવતાં હોય છે.

"જ્યારે કોઈ બે વર્ષના બાળકની સંભાળ લેવાની હોય, ત્યારે આપણે એક ક્ષણ માટે પણ મટકું નથી મારી શકતાં, ખરૂંને?

"મારા બૉસનું પણ એવું જ છે. હું અન્ય કોઈના જીવનની જવાબદારી ધરાવું છું અને ગમે ત્યારે કોઈપણ કામ મારા પર આવી શકે છે."

પાંચ મિનિટના ઇન્ટરવ્યૂ બાદ આસિસ્ટન્ટની નોકરી મળી

બ્રાઝિલિયન મહિલા જુલિયાના પાસારેલીના

ઇમેજ સ્રોત, @gbpassarelli_

ઇમેજ કૅપ્શન, જુલિયાના તેમના બોસ જે કાર્યો કરવા ન ઈચ્છતા હોય, તે તમામ કાર્યો તેમના વતી કરી આપે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍડવર્ટાઇઝિંગમાં ગ્રેજ્યુએટ અને માર્કેટિંગમાં પોસ્ટગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતાં જુલિયાનાએ એજન્સીઝ અને ઇવેન્ટ્સમાં કામ કરવાને બદલે એક વ્યાવસાયિકના જીવનના વ્યવસ્થાપનનું કામ સંભાળી લીધું.

"મને મારું કામ ઘણું ગમતું હતું, પણ હું રૂટિનમાં ગોઠવાઈ શકતી નહોતી. સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કમ્પ્યુટરની પાછળ બેસીને કામ કરવું મારા માટે શક્ય નહોતું."

ત્યારે, મહામારી દરમિયાન એક પરિચિતે તેમને એક કરોડપતિ બિઝનેસમેનનાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ભલામણ કરી.

પાંચ મિનિટના ઇન્ટરવ્યૂ પછી, બિઝનેસમૅને જુલિયાનાને તક આપવાનું નક્કી કર્યું. જુલિયાના છેલ્લાં પાંચ વર્ષથી તેમની સાથે કામ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "મારું કોઈ ચોક્કસ રૂટિન ન હોવા છતાં મને તેનાથી કોઈ સમસ્યા નથી. કારણ કે, હું કદીયે રૂટિનને વળગી રહી નથી."

"આ કામ મને વધારે ગમે છે, કારણ કે, રોજ જુદાં-જુદાં કામ કરવા મળે છે અને નવું-નવું શીખવા મળે છે. આ ક્ષેત્રમાં ઘણું શીખવું પડે છે."

અલબત્ત, આ કામની એક તરંગી બાજુ પણ રહેલી છે.

જુલિયાના કહે છે કે, કરોડપતિ લોકોને નાનાં કદનાં મરઘાં પ્રત્યે ઘેલું હોવા અંગેનો એક લેખ વાંચ્યા પછી તેમના બૉસે પણ તે પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું હતું.

સેરામા બ્રીડની મરઘી બેન્ટમ ચિકન તરીકે પણ ઓળખાય છે. તેને પાલતૂ પક્ષી તરીકે વેચવા માટે સાઓ પાઉલો રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પાળવામાં આવતી હતી.

મૂળ મલેશિયાનાં આ મરઘાંની ઊંચાઈ સરેરાશ 15 સેન્ટિમીટર હોય છે, જ્યારે મોટી મરઘીની ઊંચાઈ 75 સેન્ટિમીટર હોય છે.

જુલિયાના કહે છે, "બૉસ બે મરઘી લઈને ઑફિસ આવ્યા અને હું તે નાની-નાની મરઘીઓની જાણે આયા જ બની ગઈ."

તે પ્રત્યેક પક્ષીની કિંમત આશરે 586 ડૉલર જેટલી હોય છે.

તે પક્ષીઓ હવે બિઝનેસમૅનના એક કર્મચારીના ખેતરમાં રહે છે, પણ જુલિયાના નિયમિતપણે તે પક્ષીઓની તસવીરો અને અપડેટ્સ મેળવતાં રહે છે, જે તેમણે તેમના બૉસને મોકલવાનાં હોય છે.

અભ્યાસ ચાલુ રાખવા માટે જુલિયાનાએ ઑનલાઇન કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું.

તેમની ટિકટૉક પ્રોફાઇલ 50 લાખ કરતાં વધુ લાઇક્સ અને 1,40,000 કરતાં વધુ ફૉલોઅર્સ ધરાવે છે.

તેમાં એક કરોડપતિની "નૅની" તરીકેના તેમના કામનાં પડદા પાછળનાં દૃશ્યો દર્શાવતા વીડિયો હોય છે.

સમય અને દરજ્જો

ઝુઆંઓ વિક્ટર માર્કેસ માટે, આ વ્યવસાય ગ્લેમરસ જીવનશૈલીની નિકટ હોવાથી આકર્ષક છે.

ઇમેજ સ્રોત, Instagram/@_eujoaovictormarques

ઇમેજ કૅપ્શન, ઝુઆંઓ વિક્ટર માર્કેસ માટે, આ વ્યવસાય ગ્લેમરસ જીવનશૈલીની નિકટ હોવાથી આકર્ષક છે.

જુલિયાનાના વ્યવસાયનું સ્વરૂપ આધુનિક હોવા છતાં, તે નવો નથી.

સાઓ પાઉલોમાં હાયર સ્કૂલ ઑફ ઍડવર્ટાઇઝિંગ ઍન્ડ માર્કેટિંગ (ઇએસપીએમ)માં કન્ટેમ્પરરી લક્ઝરી બિઝનેસ ઍન્ડ માર્કેટિંગના પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામનું સહનિર્દેશન કરતાં પ્રોફેસર ક્રિસ્ટિના પ્રોએન્કા જણાવે છે કે, ધનકુબેરોનાં હાઉસકીપર અને બટલર જેવાં જાણીતાં ઘરેલૂ કર્મચારીઓમાં આ એક સામાન્ય પ્રથા છે.

પ્રોએન્કા કહે છે, "પરંપરાગત પરિવારોમાં હંમેશાંથી તેમનું અસ્તિત્વ રહ્યું હતું. આવા ધનાઢ્ય પરિવારોમાં કેટલાક ઘરેલૂ કર્મચારીઓ તો પેઢી-દર પેઢી કામ કરતા આવ્યા હોય છે."

નિષ્ણાત નોંધે છે કે, પિરામિડની ટોચ પર સંપત્તિના કેન્દ્રીકરણને કારણે આવી અત્યંત વિશિષ્ટ સેવાની માગ વધી ગઈ છે.

કન્સલ્ટિંગ ફર્મ બેઇન ઍન્ડ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના અંદાજ પ્રમાણે, 2022માં લગભગ 14.4 અબજ ડૉલરનું ટર્નઓવર ધરાવતું બ્રાઝિલનું લક્ઝરી માર્કેટ 10 લાખ અમેરિકન ડૉલર કરતાં વધુ મિલકતો ધરાવનારા પરિવારોને પગલે 2030 સુધીમાં આશરે 29.2 અબજ ડૉલર સુધી પહોંચી જશે.

સરકારના જણાવ્યા પ્રમાણે, બ્રાઝિલમાં "અતિ-ધનિક" જૂથને સરકાર "ઊંચી આવક ધરાવનારા કરદાતા" ગણે છે અને તેમાં 9,000 ડૉલર કરતાં વધુ આવક ધરાવનારા લગભગ 1,41,400 લોકોનો સમાવેશ થાય છે.

બજારમાં વિશેષ સેવાઓની માગ સતત વધી રહી છે, ત્યારે અતિ-વ્યક્તિગતકરણ વૈભવી અનુભૂતિની ચાવી બની ગયું છે.

"પર્સનલ આસિસ્ટન્ટ તેમના ક્લાયન્ટને એટલી સારી રીતે ઓળખતા હોય છે કે, તેઓ આ અનુભવોને તેમની વાસ્તવિક જરૂરિયાતો પ્રમાણે વ્યક્તિગત સ્વરૂપ આપી શકે છેઃ કશુંક અત્યંત વિશિષ્ટ, કંઈક એવું, જેના સુધી અન્ય કોઈની પહોંચ ન હોય."

મહેચ્છાની સૌથી મૂલ્યવાન બાબત કોઈ વસ્તુ નહીં, બલ્કે સમય હોય છે.

"જ્યારે આ પ્રકારના સ્ટાફની ભરતી વિશે વાત કરવામાં આવે, ત્યારે તેનો અર્થ થાય છે, અન્ય વ્યક્તિનો સમય ખરીદીને સમય હાંસલ કરવો."

તેઓ આગળ જણાવે છે, "તમારા શિરે અમુક જવાબદારીઓ હોય છે, જેમકે, ઘરની સંભાળ રાખવી, પણ તેના કારણે તમે અન્ય કામો નથી કરી શકતાં. જો કોઈ અન્ય વ્યક્તિ તે કામ કરી લેતી હોય, તો તમને તે કામ કરવામાંથી છૂટકારો મળી જાય છે."

"સમય હોવો, એક પ્રકારનો સ્ટેટસ સિમ્બોલ પણ છે."

તેઓ કહે છે કે, "મિલિયનેર્સ નૅની" શબ્દ પ્રયોજન તેમને રુચિકર નથી લાગતું કારણ કે, તે શબ્દ પર્સનલ આસિસ્ટન્ટ ધરાવનારી વ્યક્તિને બાળક બનાવી દે છે.

તેઓ દલીલ કરે છે, "એવું લાગે છે, જાણે વ્યક્તિ પોતાની મેળે પોતાનાં કાર્યો કરવા માટે સક્ષમ નથી. હું જ્યારે 'નૅની' શબ્દ વાપરું છું, ત્યારે તેનો અર્થ થાય છે, પગભર ન હોય, તેવું બાળક."

આ પ્રકારની સેવા ખરીદનારી ધનાઢ્ય વ્યક્તિ માટે તેનો તર્ક અલગ હોય છે.

તેઓ જણાવે છે, "સાવ સહેલાં કાર્યો અન્ય પાસે કરાવી શકાય છે. કેટલીક વખત, આ કામો સાવ નાનાં-અમથાં હોય છે, જેમકે, પાણીનો ગ્લાસ લાવવો."

"આ દરેક જરૂરિયાતો અન્ય વ્યક્તિ દ્વારા પૂરી કરવામાં આવે, તેવી માનસિકતા છે. પરંતુ, આવું કરવા પાછળ પોતાનું અસામર્થ્ય કે પોતાની જાતે કામ કરવું અશક્ય હોવાનું કારણ જવાબદાર નથી, બલ્કે, વ્યક્તિ તેની પોતાની પસંદગીથી આમ કરે છે, કારણ કે તે કહે છે, 'હું પૈસા ચૂકવવાનું પસંદ કરું છું, જેથી મારે આ કામ ન કરવું પડે.'"

અનુભવ અને લવચિકપણું "નૅનીઝ"ને આકર્ષે છે

લક્ઝરી માર્કેટમાં ઝુઆંઓ વિક્ટરના અનુભવમાં મોનાકો, દુબઈ, લંડન અને ઝુરિકના પ્રવાસનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Instagram/@_eujoaovictormarques

ઇમેજ કૅપ્શન, લક્ઝરી માર્કેટમાં ઝુઆંઓ વિક્ટરના અનુભવમાં મોનાકો, દુબઈ, લંડન અને ઝુરિકના પ્રવાસનો સમાવેશ થાય છે.

ગોઇયાનિયામાં 29 વર્ષના ઝુઆંઓ વિક્ટર માર્કેસનું જીવન પણ જુલિયાનાને મળતું આવે છે.

લક્ઝરી માર્કેટમાં તેમની કારકિર્દીમાં એક અંગ્રેજ બિઝનેસમૅન સાથે કામ કરવાનો તથા મોનાકો, દુબઈ, લંડન અને ઝુરિકનો પ્રવાસ ખેડવાનો સમાવેશ થાય છે.

ઝુઆંઓ વિક્ટર કહે છે, "કામ કરવા દરમિયાન મને થયેલા અભૂતપૂર્વ અનુભવો પૈકીનો એક મોનાકોમાં લાંગરેલી લિયોનાર્ડો ડિકેપ્રિયોની યૉટમાં ડિનર લેવાનો હતો."

"મારાં ભૂતપૂર્વ બૉસના પતિને ડિનર માટે આમંત્રણ મળ્યું હતું અને તેમને સાથે અમને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં."

ઝુઆંઓ વિક્ટરને બ્રાઝિલ ખૂબ યાદ આવતું હોવાથી તેઓ તેમના દેશમાં પરત જતા રહ્યા હતા. આજે, તેઓ સ્થાનિક સ્તરે "મોટેલ ક્વીન" તરીકે ઓળખાતાં એક બિઝનેસવુમનના અંગત સલાહકાર છે અને તેમના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. " હું તેમનો પ્રવક્તા છું," એમ તેમણે કહ્યું હતું.

"હું તેમના ઘર, તેમનાં કાર્યો અને મોટેલ્સ માટેના માર્કેટિંગની તમામ બાબતોનું ધ્યાન રાખું છું."

તેઓ જણાવે છે કે, તેઓ એકલા રહે છે, પણ વીકેન્ડ્ઝ બોસના ઘરે પસાર કરે છે. તેમણે કહ્યું હતું કે, આ હોદ્દો બેંક એકાઉન્ટ્સ અને પર્સનલ સિક્રેટ્સને સલામત રાખવા માટે વિશ્વાસ તથા જવાબદારી માગી લે છે.

"મેં 40,000 ડોલર જેટલી ઊંચી રકમ ટ્રાન્સફર કરી હતી."

ઝુઆંઓ વિક્ટર આ હોદ્દા થકી જોવા મળતી માલેતુજારોની દુનિયા પ્રત્યેનું પોતાનું આકર્ષણ છૂપાવતા નથી. તેમના માટે, આ વ્યવસાય સામાજિક પ્રગતિ માટેની તક સમાન છે.

"મારી પાસે હંમેશાથી બધું સારું અને શ્રેષ્ઠ હતું, પણ કશું બહુ મોટું નહોતું, બસ મૂળભૂત ચીજો હતી. આથી, મને જે બાબત આકર્ષિત કરે છે, તે છે, દરેક અનુભવ મેળવવો અને તેના માટે વળતર મેળવવું."

આ તરફ, જુલિયાના બીજી કોઈ વ્યક્તિના જીવનનું વ્યવસ્થાપન કરવાની સાથે પોતાના જીવનનું વ્યવસ્થાપન કરવાની આઝાદીને મહત્વ આપે છે.

"મારા માટે, હું ઈચ્છું, તે જગ્યાએ જીવવા માટેની સક્ષમતા, મારું પોતાનું શિડ્યૂલ નક્કી કરવાની મળતી ક્ષમતાનું મૂલ્ય પગાર કરતાં ઘણું વધારે છે."

જુલિયાના કહે છે કે, પર્સનલ આસિસ્ટન્ટ ચોવીસે કલાક બોસના ઈશારે કામ નથી કરતા.

તેઓ કહે છે, "હું મારા તમામ પ્રશ્નો ઉકેલું છું... હું મારા પરિવાર સાથે હોઉં છું અને સાથે જ હું મારા બોસનું કામ પણ કરું છું."

વળી, રોજ લખલૂંટ ધન-દોલત વચ્ચે જીવવાથી તેમનામાં વિરોધાભાસી ભાવનાઓ પણ ઉત્પન્ન થાય છે.

જુલિયાના સ્વીકારે છે કે, બ્રાઝિલ જેવા મોટાપાયે સામાજિક અસમાનતા ધરાવનારા દેશમાં રોજે-રોજ આટલા ઊંચા ખર્ચા થતા જોઈને આંચકો લાગી શકે છે. વૈશ્વિક અસમાનતા પરના અહેવાલ - વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ, 2026 અનુસાર, બ્રાઝિલમાં પ્રવર્તતી અસમાનતા "વિશ્વની સૌથી ઊંચી અસમાનતાઓમાં સ્થાન ધરાવે છે."

જુલિયાના કહે છે, "સ્વાભાવિક રીતે જ, અમારા ઉપર તેની અસર પડે છે. અમે અન્ય વાસ્તવિકતાઓ સાથે જીવીએ છીએ અને કેટલીક વખત અમને તે અન્યાયી પણ લાગે છે. અમુક વખત હું વિચારું છું, 'હે ભગવાન, આટલો મોટો તફાવત શા માટે? 'આવું ન હોવું જોઈએ."

"પણ નાઇટક્લબના વીઆઇપી ટેબલ પાછળ તમે 8,000 ડોલરનો ખર્ચ કરશો કે કેમ, તે નક્કી કરવાનો મને અધિકાર નથી. હું સમજું છું કે, હું કેવળ મારું કામ કરી રહી છું."

જુલિયાના તેમના કામ અંગેની સોશ્યલ મીડિયાની પોસ્ટ્સને મનોરંજનના સ્વરૂપમાં જુએ છે. તેમના માટે, તેમના વીડિયોની સફળતા લોકો માટે દુર્લભ હોઈ શકે, તેવી દુનિયા દર્શાવવાની તેમની ક્ષમતામાં રહેલી છે.

તેઓ જણાવે છે, "મને મિલિયોનેર્સ નૅની કેવી રીતે બનવું, તેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં કે પછી તેના વિશે શિક્ષણ આપવામાં બિલકુલ રસ નથી."

વધુમાં તેઓ કહે છે, "હું એમ નથી ઈચ્છતી કે, તમારી પાસે પણ કોઈ ડિઝાઈનર હેન્ડબેગ હોય, હું બસ તમને બતાવી રહી છું કે, આવી પણ દુનિયા છે. ધનિક લોકોનું સામાન્ય જીવન આવું હોય છે."

"મેં કોઈ વ્યવસાયનું સર્જન નથી કર્યું, તે તો પહેલેથી જ હતો. મેં તો માત્ર બતાવ્યું કે, આવું છે."

નૅનીનું કામ કેટલું મુશ્કેલ હોય છે?

જુલિયાના તેમના કામના લવચિકપણાને મહત્વ આપે છે.

ઇમેજ સ્રોત, Instagram/@gbpassarelli_

ઇમેજ કૅપ્શન, જુલિયાના તેમના કામના લવચિકપણાને મહત્ત્વ આપે છે.

ધનિક વર્ગ માટે પર્સનલ આસિસ્ટન્ટનું ક્ષેત્ર વધુ પ્રોફેશનલ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને કંપનીઓ આ પ્રકારની સેવા મેળવવા માટે ઇચ્છુક ધનકુબેરોને આ ક્ષેત્રમાં કામ કરવા માગતા લોકો સાથે સાંકળી રહી છે.

સાઓ પાઉલોની લુ ઝેવિયર એજન્સી તેના વ્યવસાયને ઉચ્ચ શ્રેણીના આવાસો પર કેન્દ્રિત "ઘરેલૂ વર્કર્સની ભરતીમાં વિશેષજ્ઞતા ધરાવતા બૂટિક" તરીકે વ્યાખ્યાયિત કરે છે.

પસંદગીની પ્રક્રિયામાં "અપરાધિક રેકૉર્ડના પ્રમાણપત્રનું વિશ્લેષણ, રેફરન્સની તપાસ, ઋણના રેકૉર્ડ અને અગાઉની મેડિકલ તપાસની ખરાઈનો સમાવેશ થાય છે."

બિઝનેસવુમન લ્યુસિયાના ઝેવિયર કહે છે કે, તેમણે બજારની માગ પારખ્યા બાદ તેમનો વ્યવસાય શરૂ કર્યો હતો.

ઊંચી આવક ધરાવનારા પરિવારો સાથે 25 વર્ષ કરતાં વધુ સમય સુધી મોટાભાગે હાઉસકીપર તરીકેનું કામ કર્યા પછી તેમણે પરંપરાગત એજન્સીઓની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું.

તેઓ કહે છે, "હું વિગતો સુપરત કરતી અને તેઓ સુયોગ્ય ન હોય, તેવા વ્યાવસાયિકોને મોકલી દેતા હતા. આ રીતે, સેવાની ગુણવત્તામાં રહેલા અંતર તરફ મારું ધ્યાન ગયું."

તેમની કંપની હાઉસકીપર્સથી લઈને માળી સુધીના વિવિધ શ્રેણીના ઘરેલૂ પ્રોફેશનલ્સ સાથે કામ કરે છે.

પર્સનલ આસિસ્ટન્ટ્સ માટે તેઓ ચોક્કસ માપદંડ નક્કી કરે છે. સૌપ્રથમ તો, ઉમેદવારો લક્ઝરી માર્કેટથી સુપેરે પરિચિત હોવા જરૂરી છે.

"તમને ખબર હોવી જોઈએ કે, કયા ફ્લોરિસ્ટનો સંપર્ક સાધવો, કયું બુફે બુક કરાવવું, ડિનરનું આયોજન કેવી રીતે કરવાનું છે. જો તમને તે દુનિયાનો ખ્યાલ જ ન હોય, તો બધું વ્યર્થ છે."

સોશિયલ મીડિયા પર આ વ્યવસાયની લોકપ્રિયતા વધી રહી હોવા છતાં લ્યુસિયાના કહે છે કે, વિવેકબુદ્ધિ હોવી જરૂરી છે.

તેમણે સમજાવ્યું હતું કે, "ઘણી એજન્સીઓ માટે ગોપનીયતા જરૂરી છે. તેમને વાતો બહાર પ્રગટ થાય, તે પસંદ પડતું નથી."

તેમના જણાવ્યા પ્રમાણે, "મિલિયનેર્સ નૅની"નું લેબલ મોટાભાગના લોકોની વાસ્તવિકતા દર્શાવતું નથી.

"જે લોકો તેને જુએ છે, તે વિચારતા હશે કે, તેમાં બસ દેશ-વિદેશના પ્રવાસો કરવાના હોય છે અને દેખાડો કરવાનો હોય છે, પણ આ કામમાં વ્યવસ્થાપન, જવાબદારી તથા વિવેકબુદ્ધિનો પણ સમાવેશ થાય છે."

તેઓ કહે છે કે, પર્સનલ આસિસ્ટન્ટ ઘરના મૅનેજર તરીકે કામ કરે છે.

તેઓ આગળ જણાવે છે કે, "તમામ કર્મચારીઓ તેમને રિપોર્ટ કરે છે. પર્સનલ આસિસ્ટન્ટના કામમાં રૂટિન નક્કી કરવું, સાધન-સામગ્રીનું ધ્યાન રાખવું, જાળવણી કરવી અને સર્વિસ પ્રોવાઇડર્સ સાથે સહનિર્દેશન કરવાનો સમાવેશ થાય છે. અમુક કિસ્સામાં તેઓ બૉસ માટે પર્સનલ ઍપૉઇન્ટમેન્ટની પણ વ્યવસ્થા કરે છે."

લ્યુસિયાનાના મતે, પરિવારના માળખા અને જવાબદારીના આધારે સરેરાશ પગાર 15,000થી લઈને 3,000 રિયાલ (2,900થી 5,800 અમેરિકન ડૉલર)ની વચ્ચે રહે છે.

જુલિયાનાએ તેમનો પગાર જણાવવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, આ નોકરી તેમને નાણાંકીય સુરક્ષા પૂરી પાડે છે.

પર્સનલ આસિસ્ટન્ટની નોકરી આંતરરાષ્ટ્રીય મુસાફરી અને જાહોજલાલી વચ્ચે રહેવાની સાથે વ્યક્તિગત ત્યાગ અને નિશ્ચિત કૌશલ્યો પણ માગી લે છે.

અણધારી પરિસ્થિતિનો સામનો અને છેલ્લી ઘડીએ કરવામાં આવતી વિનંતીઓનો સ્વીકાર કરવાની તૈયારી રાખવી પડે છે.

સંગઠનાત્મક કૌશલ્યો અને અંગ્રેજી પરના પ્રભુત્વને નોકરીદાતા પ્રાધાન્ય આપે છે.

"હું વિદેશમાં મારા બોસનાં ઘણાં કામો સંભાળી લઉં છું. મારે સંપર્ક માટે સતત ઉપલબ્ધ રહેવું પડે છે અને જાણવું પડે છે કે, બજારને શું જોઈએ છે."

"વ્યક્તિની લાઇફસ્ટાઇલને સમજવી પડે છે અને તેમની સાથે સુસંગત હોય, તેવી ચીજો લાવવી પડે છે."

"ઉદાહરણ તરીકે, વૈભવી બ્રાન્ડ્ઝના સંદર્ભમાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે સમજવું અને લૉન્ચિંગ પહેલાં જ તેમના માટે ખરીદી કરી લેવી જરૂરી છે."

ક્રિસ્ટિઆના પ્રોએન્કા કહે છે કે, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પણ અગત્યની બની રહે છે.

તેઓ કહે છે, "ભારે ડિમાન્ડિંગ હોય, તેવા બૉસ સાથે કામ કરવા માટે તેમની સાથે વાત કરતાં આવડવું જોઈએ."

તેઓ કહે છે કે, આદર્શ પ્રોફેશનલ્સ મોટાભાગે લક્ઝરી હૉસ્પિટાલિટી કે અગ્રણી બ્રૅન્ડ્ઝ માટે વીઆઇપી ક્લાયન્ટ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાંથી આવે છે.

પ્રોએન્કાના મતાનુસાર, આસિસ્ટન્ટનું મૂલ્ય તેમણે ઊભા કરેલા સંપર્કોના નેટવર્કમાં રહેલું હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, "તમે ઍરપોર્ટના મૅનેરજરથી લઈને ફ્લોરિસ્ટ સુધીના તમામ લોકોને ઓળખવા લાગો છો... તે અત્યંત આવશ્યક છે, ખાસ કરીને તેમના માટે, જેમણે હજુ શરૂઆત જ કરી હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન