'ચાર મહિના પહેલાં માતા અને હવે દીકરો મૃત્યુ પામ્યો', એ ગુજરાતી યુવાનના નાવિક પરિવારની વ્યથા જેનો અમેરિકા-ઈરાન યુદ્ધમાં જીવ ગયો

દીક્ષિત સોલંકી, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, મધ્ય પૂર્વ બીબીસી ગુજરાતી, ગુજરાત, દીવ

ઇમેજ સ્રોત, Solanki Family

શનિવારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધમાં એક ભારતીય નાગરિકનું મોત થયાની પુષ્ટિ થઈ છે.

આ નાગરિકની ઓળખ દીક્ષિત સોલંકી તરીકે થઈ છે. 32 વર્ષના દીક્ષિત સોલંકી દીવના વતની હતા પરંતુ હાલ તેમનો પરિવાર મુંબઈમાં રહે છે.

દીક્ષિતના પરિવારે બુધવારે બીબીસીને જણાવ્યું કે દીક્ષિત એમકેડી વ્યોમ નામના ઑઇલ ટૅન્કર એટલે કે ખનીજ તેલ લઈ જતા જહાજ પર નાવિક તરીકે નોકરી કરી રહ્યા હતા.

તેમણે વધારેમાં જણાવ્યું કે એમકેડી વ્યોમ રવિવારે સવારે ઓમાનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જહાજ પર હુમલો થતાં જહાજ પર આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં દીક્ષિતનું મૃત્યુ થયું હતું તેમ તેમના પરિવારે જણાવ્યું છે.

જો કે તેમના પરિવાર અનુસાર ઘટનાના ચાર દિવસ બાદ પણ દીક્ષિતનો પાર્થિવ દેહ ભારત પરત લાવી શકાયો નથી.

રવિવારે દીક્ષિતના જહાજને શું થયું?

દીક્ષિત સોલંકી, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, મધ્ય પૂર્વ બીબીસી ગુજરાતી, ગુજરાત, દીવ

ઇમેજ સ્રોત, Bipin Bamania

ઇમેજ કૅપ્શન, દીક્ષિત સોલંકી

સમાચાર એજન્સી રૉઇટર્સના એક અહેવાલ અનુસાર લંડનમાં વડુમથક ધરાવતી વી.શિપ્સ નામની કંપની એમકેડી વ્યોમ ટૅન્કરનું મૅનેજમેન્ટ કરે છે.

રૉઇટર્સે વી. શિપ્સના એક નિવેદનને ટાંકીને 1 માર્ચે તેના એક અહેવાલમાં જણાવ્યું કે જહાજ જયારે ઓમાનના મસ્ક્ત શહેરના કિનારા નજીક હતું ત્યારે તેના પર હુમલો થતા તેના એક ભારતીય ક્રૂ મેમ્બર એટલે કે નાવિકનું મોત થયું હતું.

રૉઇટર્સના અહેવાલમાં ટાંકેલા વી. શિપ્સના નિવેદનમાં કહેવાયું છે, "1 માર્ચના રોજ જહાજ મસ્કતના કાંઠા નજીક હતું ત્યારે એક શંકાસ્પદ પ્રોજેક્ટાઇલ (અસ્ત્ર)થી તેના પર હુમલો થતાં જહાજ પર એક વિસ્ફોટ થયો અને પછી આગ લાગી ગઈ."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"ઊંડા શોકની લાગણી સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે ઘટના સમયે એક ક્રૂ મેમ્બર, જે એન્જિન રૂમમાં હતા, તેમનું મૃત્યુ થયું છે."

ઓમાન ન્યૂઝ એજન્સીના એક અહેવાલ અનુસાર એમકેડી વ્યોમ જયારે ઓમાન કાંઠાથી 52 નૉટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર એક અનમૅન્ડ સરફેસ વેસ્સેલ (ટૂંકમાં યુએસવી) એટલે કે સપાટી પર તરતી માનવરહિત નૌકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આવા યુએસવી ડ્રોન બોટ તરીકે પણ ઓળખાય છે. એજન્સીએ વધારેમાં જણાવ્યું કે જયારે એમકેડી વ્યોમ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમાં 59,463 મેટ્રિક ટન ઑઇલ ભરેલું હતું અને હુમલા બાદ તેના મેઇન ઍન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી.

બીબીસી સાથે વાત કરતા દીક્ષિત સોલંકીનાં કાકી શર્મિલાબહેન સુરેન્દ્રકુમાર સોલંકીએ બુધવારે કહ્યું, "1 માર્ચે સાંજે આઠેક વાગ્યે જહાજ કંપનીના માણસ મુંબઈમાં અમારા ઘરે આવ્યા અને અમને ઘટનાની જાણ કરી."

"તેમણે અમને જણાવ્યું કે શિપના કૅપ્ટન તરફથી મેસેજ આવ્યો છે કે 1 માર્ચે સવારે 11 વાગ્યા આસપાસ દીક્ષિત શિપના રાઉન્ડમાં હતો અને ઍન્જીન રૂમમાં રીડિંગ લઈ રહ્યો હતો ત્યારે જહાજ પર હુમલો થતાં શિપ પર આગ ફાટી નીકળી હતી અને તેમાં દીક્ષિતનું મોત થયું છે. ત્યાર બાદ શિપિંગ કંપની તરફથી અમને વધારે કોઈ માહિતી મળી નથી."

ઓમાન ન્યૂઝ એજન્સી અનુસાર એમકેડી વ્યોમ પર હુમલો થયો ત્યારે તેની પર 16 ભારતીય, ચાર બાંગ્લાદેશી અને એક યુક્રેનિયન સહિત કુલ 21 ક્રૂ મેમ્બર હતા. નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક જહાજે એમકેડી વ્યોમના નાવિકોને બચાવી લીધા હતા તેમ અજેન્સીએ તેના અહેવાલમાં ઉમેર્યું હતું.

ઓમાનનો અખાત કેમ જોખમી બની ગયો છે?

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ, બીબીસી ગુજરાતી, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ, ઉત્તરી અમીરાત રાસ અલ ખૈમાહમાં હોર્મુઝ સ્ટ્રેટ પર અલ જીર શહેરના કિનારા પર એક મોટરબોટ ક્રૂઝ કરી રહી છે, પૃષ્ઠભૂમિમાં એક ટૅન્કર દેખાય છે.

અમેરિકા અને ઇઝરાયલે કરેલા હવાઈ હુમલાઓના જવાબમાં ઈરાને ઓમાન સહિતના ખાડી દેશોમાં અમેરિકાનાં ઠેકાણાં પર મિસાઇલો અને ડ્રોન છોડી વળતા હુમલા કર્યા છે.

તે ઉપરાંત, રૉઇટર્સના એક અહેવાલ અનુસાર, ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોને પસાર થવા સામે પણ ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો કોઈ જહાજ તે સાંકડા જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે.

ઈરાનના અખાતના દક્ષિણ અને પશ્ચિમ કિનારે આવેલા સંયુક્ત આરબ અમીરાત, કતાર, બહેરીન, સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક વગેરે ખાડી દેશોમાં ક્રૂડ ઑઇલ એટલે કે કાચા ખનીજ તેલ અને નૅચરલ ગૅસ એટલે કે બળતણ તરીકે વપરાતા કુદરતી વાયુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

આ ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસની નિકાસ સમુદ્ર માર્ગે થાય છે.

ઈરાનના અખાતના કાંઠે આવેલા આ દેશોનાં બંદરોએથી ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસ ભરી જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ ઓમાનના અખાતમાં આવે છે એને ઓમાનના અખાતમાંથી અરબ સાગરમાં આવી દુનિયાનાં વિવિધ બંદરો તરફ જાય છે.

ઓમાનના અખાતના ઉત્તર કિનારે ઈરાન અને દક્ષિણ કિનારે ઓમાન દેશ આવેલો છે અને અમેરિકા તથા ઇઝરાયલ ઈરાન સામે યુદ્ધે ચડતા ઓમાનના અખાતમાં હાલમાં વહાણવટું કરવું જોખમી બન્યું છે.

જો કે માર્શલ આઇલૅન્ડ નામના દેશના ધ્વજ નીચે ચાલતા એમકેડી વ્યોમ ટૅન્કર પર કોણે હુમલો કર્યો હતો તે બાબતે હજુ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

ઘટના વિશે ભારત સરકારે શું કહ્યું?

ઓમાનની રાજધાની મસ્કતમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ દીક્ષિતનું નામ આપ્યા વગર તે ઘટનામાં એક ભારતીય નાવિકના મૃત્યુની સોમવારે પુષ્ટિ કરી હતી.

ભારતીય દૂતાવાસે 2 માર્ચે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું, "એમકેડી વ્યોમ પર એક ભારતીય નાગરિકના કરુણ મોત બદલ ભારતીય દૂતાવાસ દિલાસો વ્યક્ત કરે છે."

"તે જહાજ પર રહેલા આપણા નાગરિકો સલામત અને વહેલા ઘરે પાછા ફરી શકે તે માટે દૂતાવાસ ઓમાનમાં સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે."

જો કે શર્મિલાબેને જણાવ્યું કે બુધવાર એટલે કે 4 માર્ચની સાંજ સુધી દીક્ષિતનો પાર્થિવ દેહ તેમને સોંપવામાં આવ્યો નથી.

તેમણે કહ્યું, "અમારા માટે ખૂબ પીડાદાયક સમય વીતી રહ્યો છે કારણ કે દીક્ષિત અમને ક્યારે સોંપવામાં આવશે તે બાબતે અમને કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી."

એક માત્ર દીકરો ગુમાવતા નાવિકોના પરિવારની મનોદશા કેવી છે?

 (જમણીથી ડાબી તરફ) શર્મિલાબહેન, જયશ્રીબહેન, મિતાલી, અમૃતલાલ, દીક્ષિત અને મહેક

ઇમેજ સ્રોત, Solanki family

ઇમેજ કૅપ્શન, (જમણીથી ડાબી તરફ) શર્મિલાબહેન, જયશ્રીબહેન, મિતાલી, અમૃતલાલ, દીક્ષિત અને મહેક

દીક્ષિતના પિતા અમૃતલાલ સોલંકી મૂળ દીવના ભાવસરવાડના વતની છે પરંતુ તે અને તેમના નાના ભાઈ સુરેન્દ્રકુમાર આશરે 32 વર્ષ અગાઉ મુંબઈ સ્થાયી થયા હતા તેમ સુરેન્દ્રકુમારનાં પત્ની શર્મિલાબહેન સોલંકીએ જણાવ્યું.

ખારવા પરિવારના અમૃતલાલ સોલંકીના મોટા ભાઈ હરિલાલ સોલંકી દીવમાં રહે છે જ્યારે અન્ય એક ભાઈ, કાંતિલાલ સોલંકી, લંડનમાં રહે છે.

દીક્ષિતના પિતા અમૃતલાલ પણ દીક્ષિતની જેમ મર્ચન્ટ નેવી એટલે કે ખાનગી જહાજોમાં નાવિક તરીકે કામ કરતા હતા.

શર્મિલાબહેન જણાવે છે કે, "પરંતુ દીક્ષિતનાં મમ્મી જયશ્રીબહેન બીમાર પડતાં અમૃતલાલે ત્રણેક વર્ષ અગાઉ નોકરી છોડી દીધી હતી. અમારા તમામ પ્રયત્નો છતાં જયશ્રીબહેનનું ચાર મહિના અગાઉ મૃત્યુ થતાં અમને સૌને ખૂબ આઘાત લાગ્યો હતો."

"તેના થોડા મહિના બાદ હવે દીક્ષિતનું પણ આ રીતે મૃત્યુ થતાં અમારા દુઃખનો પાર નથી."

"તેના પિતા કોઈ સાથે વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે દીક્ષિતનાં બહેન મિતાલી પણ દુબઈમાં એક ઘરેણાના શોરૂમમાં નોકરી કરે છે અને ઘરે આવવા માટે મથી રહી છે પણ યુદ્ધની સ્થિતિને કારણે હજુ સુધી આવી શકી નથી."

શર્મિલાબહેનના પતિ સુરેન્દ્રકુમાર પણ એક નાવિક છે.

શર્મિલાબહેને કહ્યું કે, "દીક્ષિત અમારા બે પરિવારનો એક માત્ર દીકરો હતો. મારે સંતાનમાં માત્ર એક દીકરી જ છે."

પરિવારે દીક્ષિતનું મોઢું છેલ્લે ક્યારે જોયું હતું?

શર્મિલાબહેને કહ્યું કે દીક્ષિત છેલ્લા ચાર મહિનાથી સતત ડ્યૂટી પર જ હતો.

શર્મિલાબહેને કહ્યું કે, "તેનાં મમ્મીનું અવસાન થયું ત્યારે દીક્ષિત ઘરે આવ્યો હતો. પછી બધી વિધિઓ પૂરી થઈ અને તેની રજાઓ પૂરી થઈ ગઈ પછી તે પાછો નોકરીએ જતો રહ્યો હતો."

"ત્યાર બાદ ચારેક મહિનાથી તે ઘરે આવ્યો નહોતો. હવે તેની ઉંમર થઈ ગઈ હોવાથી અમે તેનાં વિવાહ કરી દેવાનું વિચારી રહ્યા હતા. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે."

શર્મિલાબહેન અને સુરેન્દ્રકુમારને મહેક નામની એક દીકરી છે.

કાકીએ કહ્યું કે દીક્ષિતે અંદાજે દસેક દિવસ પહેલાં મહેક સાથે ફોન પર વાત કરી હતી તે વાતચીત તેમના પરિવાર સાથે છેલ્લી વાતચીત પુરવાર થઈ.

કાકીએ ઉમેર્યું કે દીક્ષિતે ઍન્જિયનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને અંદાજે છ વર્ષ પહેલાં પિતા અને કાકાના પગલે ચાલી મર્ચન્ટ નેવીમાં નોકરી સ્વીકારી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન