ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમની આ ત્રણ નબળાઈઓ છતી થઈ જે ફાઇનલમાં નડી શકે

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images
ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે દિલધડક સેમિફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં ભારતે મહેમાન ટીમને સાત રને પરાજય આપ્યો હતો.
આ સેમિફાઇનલ મૅચ પણ જાણે ફાઇનલ જેવી દિલધડક બની રહી હતી. યજમાન ટીમે 253 રનનો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમે 246 રનની નોંધપાત્ર ટક્કર આપી હતી.
આમ મૅચ દરમિયાન કુલ વિક્રમી 499 રન બન્યા હતા અને ધૂળેટી પતી ગયા પછી પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવેલા પ્રેક્ષકો અને વિશ્વભરના ક્રિકેટચાહકોએ 'રનોનો ગુલાલ' માણ્યો હતો.
વર્ષ 2022ની ટી20 વર્લ્ડકપ દરમિયાન ઇંગ્લૅન્ડે ભારતને હરાવીને ટ્રૉફી ઉઠાવી હતી. જોકે, બીજા જ વર્લ્ડકપમાં ભારતે સેમિફાઇનલ દરમિયાન ઇંગ્લૅન્ડની ટીમે પરાજય આપીને તેનું વેર લઈ લીધું હતું. એટલું ઓછું હોય તેમ વધુ એક વખત ભારતે સેમિફાઇનલમાં જ ઇંગ્લૅન્ડની ટીમની સફરને અટકાવી દીધી છે.
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડની વચ્ચે ફાઇનલ માટે ટક્કર થશે. બુધવારે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં કિવીઝે દક્ષિણ આફ્રિકાની ટીમને પરાજય આપ્યો હતો.
જોકે, એ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે તેના પર્ફૉર્મન્સમાં કેટલાક સુધાર કરવા પડશે અને કેટલીક બાબતો ઉપર ધ્યાન આપવું પડશે, અન્યથા ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ જીતીને ટ્રૉફી ઉઠાવવી કપરી થઈ શકે છે.
ઓપનિંગની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લી બે મૅચ દરમિયાન સંજુ સેમસન ભારતની ટીમના નિઃશંકપણે હીરો છે. જોકે, તેમની સાથે અભિષેક શર્માનું ફૉર્મ ચિંતાનો વિષય છે.
ગુરુવારે તેઓ સાત બૉલમાં નવ રન બનાવીને આઉટ થયા હતા. અણનમ બે બૉલ રમનારા અક્ષર પટેલના પર્ફૉર્મન્સને બાદ કરવામાં આવે તો અભિષેક શર્માનો સ્ટ્રાઇકરેટ (129) સૌથી નીચો રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટુર્નામેન્ટ દરમિયાન સાત ઇનિંગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. આ વર્લ્ડકપમાં તેમના બૅટમાંથી માત્ર એક અડધી સદી નીકળી છે. જે વર્લ્ડકપ દરમિયાન કોઈ આક્રમક બૅટ્સમૅનને છાજે એવું પ્રદર્શન નથી.
સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ચંદ્રશેખર લુથરાના કહેવા પ્રમાણે, "મને નથી લાગતું કે ફાઇનલમાં અભિષેક શર્માને સ્થાને અન્ય કોઈ ખેલાડીને રમાડવો જોઈએ."
પૂર્વ ક્રિકેટર શરણદીપસિંહ પણ માને છે કે ભારતે રવિવારના મુકાબલા માટે ટીમમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ.
શરૂઆતમાં વિકેટ પડી જવાને કારણે પાવરપ્લે દરમિયાનની ભારતીય ટીમની આક્રમકતા ઘટી જાય છે. છઠ્ઠી ઓવરના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા હતા.
ગુરુવારે ભારતીય બૅટ્સમૅનોએ ઊંચો સ્કોર ખડક્યો હતો, પરંતુ મિડલ ઓવર્સમાં તેઓ સંઘર્ષ કરતા નજરે પડ્યા હતા. સ્પિનરો સામે બૅટ્સમૅનોએ ક્યારેક એવા જોખમી શૉટ્સ રમ્યા હતા કે ભારતીય ક્રિકેટ ફેન્સના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા.
વિલ જૅક્સ (ચાર ઓવર, 40 રન, બે વિકેટ) અને આદિલ રાશિદના (ચાર ઓવર, 41 રન, બે વિકેટ) આંકડા આ વાતની સાક્ષી પૂરે છે.
અભિષેક શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા અને અક્ષર પટેલ. આમ ડાબેડી બૅટ્સમૅનો પણ ટીમની બૅટિંગ લાઇન-અપને અસર કરે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની સુપર-8 રાઉન્ડની છેલ્લી મૅચ, છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ ગઈ હતી. જેણે સાબિત કરી આપ્યું હતું કે મહેમાન ટીમ બધી બાબતે બરાબરીની હતી.
બૉલિંગની સમસ્યા

ઇમેજ સ્રોત, MB Media/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરી આવી જ વાત ગુરુવારની મૅચમાં પણ સામે આવી હતી. ભારતની ટીમે 253 રન બનાવ્યા હોવા છતાં મૅચ છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ ગઈ હતી.
ક્રિકેટ ઍનાલિસ્ટ સમી ચૌધરીના કહેવા પ્રમાણે, "ભારતને ફાઇનલમાં પહોંચાડવાનો શ્રેય સંજુ સેમસનને આપવામાં આવે છે, પરંતુ બુમરાહ વગર સેમસનની મહેનત પાણીમાં ગઈ હોત."
કદાચ આ વાત ભારતીય ટીમના ખેલાડીઓ પણ સમજે છે, એટલે જ મૅચ પછી પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ સ્વીકારતી વેળાએ સંજુ સેમસને (42 બૉલ, 89 રન) કહ્યું હતું કે 'આ પુરસ્કાર બુમરાહને મળવો જોઈતો હતો. પેઢીમાં એક થાય એવો એ બૉલર છે. જો, એ ન હોત, તો હું અહીં ઊભો ન હોત.'
આ વાત સંજુની ખેલદીલી જ નહીં, પરંતુ ભારતીય ટીમની તસવીર પણ દેખાડે છે. બુમરાહે ચાર ઓવરમાં કિફાયતી 33 રન આપીને એક વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી હતી.
સમી ચૌધરી કહે છે, "સૂર્યકુમાર યાદવ નસીબદાર છે કે તેમની પાસે બુમરાહ અને પંડ્યા જેવા બૉલર છે, જેમને ક્રિકેટની સમજ છે અને તેમને કૅપ્ટનની સલાહની જરૂર નથી પડતી."
ઇંગ્લૅન્ડે પ્રારંભિક છ ઓવર દરમિયાન ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ એ પછી વિકેટો ખેરવવામાં તથા જૅકબ બેથલ (48 બૉલ, 105 રન) અને વિલ જૅક્સને નાથવામાં ભારતીય બૉલરો નિષ્ફળ રહ્યા હતા.
માત્ર 8.1 ઓવરમાં ઇંગ્લૅન્ડની ટીમે 100 રન બનાવી લીધા હતા. બુમરાહે 18મી ડેથ ઓવર દરમિયાન માત્ર છ રન આપ્યા હતા. જેના કારણે મૅચ ફરીથી ભારત તરફ નમતી જણાઈ હતી.
વરુણ ચક્રવર્તીની ચાર ઓવરમાં 64 રન ગયા હતા. તેમણે છેલ્લી બે મૅચમાં આઠ ઓવરમાં 87 રન આપ્યા છે.
આ પહેલાં ઝિમ્બાબ્વે સામેની મૅચમાં દુબેએ બે ઓવરમાં 46 રન અને દક્ષિણ આફ્રિકા સામેની બે ઓવરમાં 32 રન આપ્યા હતા.
છેક છેલ્લી અને દિલધડક ઓવરમાં સૂર્યકુમાર યાદવે શિવમ દુબેને પહેલી ઓવર આપવાનો નિર્ણય કરવો પડ્યો, જે કૅપ્ટન પાસે રહેલા મર્યાદિત વિકલ્પો છતાં કરે છે.
જેમાં 22 રન ગયા હતા. એક તબક્કે ભારતીય ક્રિકેટ ચાહકોને 'ઍડિલેડ મૅચ'ની યાદ આવવા લાગી હતી.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સ્વીકાર્યું હતું, "અમને ખબર છે કે બુમરાહે શું કરી શકે છે અને ગત કેટલાક વર્ષો દરમિયાન તેમણે શું કર્યું છે. આજે પણ તેઓ આગળ આવ્યા. તેઓ આગળ આવ્યા અને મૅચને ઇંગ્લૅન્ડથી દૂર કરી દીધો. એ ખૂબ જ સ્પેશિયલ પર્ફૉર્મન્સ હતું."
ફિલ્ડિંગમાં સુધાર જાળવી રાખવાની જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની નબળી ફિલ્ડિંગ અનેક તબક્કે જોવા મળી હતી. અક્ષર પટેલે ઘાતક બની ગયેલા જેકબ બેથેલનો કૅચ છોડી દીધો હતો. ભારતીય ટીમના સદનસીબે તેઓ આ તકનો લાભ ન લઈ શક્યા.
ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે 13 જેટલા કૅચ છોડ્યા છે. 'પકડો કૅચ, જીતો મૅચ'ની જૂની કહેવત ભારતીય ટીમે આત્મસાત્ કરવાની જરૂર છે.
આવી જ ચૂક સુપર-8 રાઉન્ડની છેલ્લી મૅચ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ સામે પણ જોવા મળી હતી. જોકે, એ મૅચની સરખામણીમાં ભારતીય ટીમે સુધાર કર્યો હોય એવું મેદાન ઉપર દેખાયું હતું.
પછી હાર્દિક પંડ્યાએ જેકબને સુંદર રીતે રનઆઉટ કરીને સાથી ગુજરાતી ખેલાડીની ચૂકની ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. એવી જ રીતે વિલ જૅક્સનો શાનદાર રિલૅ કૅચ આપીને અક્ષર પટેલે પોતાની ભૂલ સુધારી લીધી હતી.
પાંચમી ઓવરમાં અક્ષર પટેલે ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકનો દોડતા કૅચ પકડ્યો હતો. જે ટીમમાં થઈ રહેલો સુધાર દેખાડે છે.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકથી સંજુ સેમસનનો કૅચ મિસ થયો હતો. એટલે જ મૅચ પછી તેમણે કહ્યું, "મારે સ્વીકારવું રહ્યું કે અમે સારી ફિલ્ડિંગ નહોતી કરી. જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરવા આવી, ત્યારે અક્ષરે સારી ફિલ્ડિંગ કરી."
આટલો મોટો જુમલો ખડક્યો હોવા છતાં છેલ્લી પાંચ ઓવરમાં ઇંગ્લૅન્ડની ટીમે 69 રન જોઈતા હતા. જેકબ અને વિલ જૅક્સની હાજરીને કારણે આ લક્ષ્યાંક અશક્ય ન હતું.
જો બૅટિંગનો સ્કોર આટલો ઊંચો ન હોત, તો કદાચ ઇંગ્લૅન્ડ આ સ્કોર કરવામાં સફળ રહ્યું હોત.
બૅટિંગ અને બૉલિંગ એમ ક્રિકેટનાં બંને મહત્ત્વપૂર્ણ પાસાં એવાં નીવડ્યાં હતાં કે જેમાં ભારતીય પક્ષે સુધાર કરવાની જરૂર છે. જ્યારે ફિલ્ડિંગમાં થયેલો સુધાર 'વન મૅચ મૅજિક' ન બની રહે, તે જોવું રહ્યું.
કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ પછી કહ્યું, "ફિલ્ડિંગમાં સુધારનો શ્રેય ફિલ્ડિંગ કોચ દિલીપને આપવો જોઈએ, અમે પ્રૅક્ટિસ સેશનમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ અને હવે તેની અસર મૅચ ઉપર પણ જોવા મળી છે."
છતાં એક વાત છે કે જો ભારતની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ સારી હોત, તો ઇંગ્લૅન્ડને 230 આસપાસ અટકાવી શકાયું હોત.
અત્યાર સુધી કોઈપણ ટી20 ચૅમ્પિયન ટીમ સળંગ બે વખત ટ્રૉફી નથી જીતી, ત્યારે રવિવારે ભારત આ વાતને પલટી શકે છે કે કેમ, તેની ક્રિકેટચાહકોને રાહ રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












