ભરૂચની જુમ્મા મસ્જિદમાં મહારાષ્ટ્રના 'મહાનુભાવ પંથ'ની મહિલા અનુયાયીઓએ 'પૂજા' કરતા વિવાદ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 9 મિનિટ
દક્ષિણ ગુજરાતના ભરૂચમાં આવેલી પ્રાચીન જુમ્મા મસ્જિદ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હાલમાં જ કેટલીક મહિલાઓએ આ મસ્જિદ પાસે કથિતપણે ધાર્મિકવિધિ કરીને 'પૂજા' કરી હોવાનો વીડિયો વાઇરલ થતાં વિવાદ પેદા થયો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોમાં મહિલાઓ મસ્જિદના પ્રવેશદ્વારની પાસે ફૂલો ચઢાવતી હોવાનાં અને શ્રીફળ ચઢાવતી હોવાનાં દૃશ્યો છે.
મહારાષ્ટ્ર સંચાલિત 'મહાનુભાવ પંથ'ના અનુયાયીઓનો દાવો છે કે આ જુમ્મા મસ્જિદનું સ્થળ 'પ્રાચીન હિંદુ કે જૈન મંદિર' છે. જ્યારે કે મુસ્લિમ પક્ષ તેને 'સદીઓ જૂની ઇબાદતગાહ' હોવાનું જણાવે છે.
ભરૂચની આ જુમ્મા મસ્જિદ પુરાતત્ત્વ વિભાગ એટલે કે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઈ)ના સંરક્ષણ હેઠળ છે.
સ્થાનિક લોકો તેને જામા મસ્જિદ પણ કહે છે.

ઇમેજ સ્રોત, UGC/SAJID PATEL
આખા મામલાને લઈને ભરૂચ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તે માટે મસ્જિદની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે પ્રિવેન્ટિવ ઍક્શનના ભાગરૂપે આ મામલે સંદિગ્ધ બે વ્યક્તિઓની અટકાયત કરી હતી.
બીજી તરફ મુસ્લિમોએ આરોપ લગાવ્યો છે કે આ મુસ્લિમોની મસ્જિદ છે અને અહીં અન્ય કોઈ ધર્મની પ્રવૃત્તિ કરવી એ મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઠેક પહોંચાડવા સમાન છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે આ પ્રકારની ઘટનાને કારણે ભરૂચમાં શાંતિ ડહોળાઈ શકે છે.
આ મામલે જુમ્મા મસ્જિદના પ્રમુખ મૌલાના કુરેશી ગુલામમુસ્તુફાએ ભરૂચ શહેરના બી ડિવિઝનમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરવા માટેની અરજી કરી છે.
અરજીમાં મસ્જિદના ટ્રસ્ટીઓએ પોલીસને જુમ્મા મસ્જિદમાં ઘૂસીને પૂજાવિધિ કરનારા અજાણ્યા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે.
ભરૂચની જુમ્મા મસ્જિદમાં 'પૂજાવિધિ' કરવાનો શું છે મામલો?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભરૂચના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તે પ્રમાણે આ ઘટના ત્રીજી માર્ચ, 2026ના રોજ સવારે 11 કલાકે બની હતી.
આ અરજીમાં જણાવાયું છે કે "ભરૂચ પોલીસ અને પુરાતત્ત્વ વિભાગના કર્મચારીઓની હાજરીમાં ભરૂચ અને સુરતથી આવેલી કેટલીક મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં હાજર મસ્જિદના ટ્રસ્ટીઓએ તેમને શાંતિથી જણાવ્યું હતું કે આ મસ્જિદ છે અને તે પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે, તમે નિયમોનુસાર તેને નિહાળી શકો છો પરંતુ તેમાં પૂજાપાઠ ન કરી શકો."
અરજીમાં જણાવ્યા પ્રમાણે ત્યાં આવેલાં ટોળાંએ તેમનું કહ્યું માન્યું નહોતું.
અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે "આ પૂર્વઆયોજિત કાવતરું હતું અને આ લોકોએ ભરૂચ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો."
અરજીમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ લોકોએ ભરૂચ જિલ્લાના કલેક્ટર અને પુરાતત્ત્વ વિભાગના જાહેર હુકમનો પણ ભંગ કર્યો હતો.
"આ લોકોએ કાયદો હાથમાં લઈને મુસ્લિમ ધર્મના લોકોની લાગણી દુભાવી હતી. અમારી માંગ છે કે આ ઘટના પાછળ જેનો હાથ હોય તેની તપાસ કરીને કાયદાનો ભંગ કરનારા તમામ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે."
આ ઘટના મામલે વાઇરલ થયેલા વીડિયોમાં જુમ્મા મસ્જિદમાં નાળિયેર, ફૂલ-પાન તથા દીવા પણ નજરે પડે છે.
મુસ્લિમોએ એ પણ માંગ કરી છે કે પોલીસ અને જિલ્લા વહિવટી તંત્ર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેની તકેદારી પણ રાખે.
કોણ હતી મસ્જિદની પાસે 'પૂજાવિધિ' કરનારી મહિલાઓ?

ઇમેજ સ્રોત, UGC
ભરૂચની જુમ્મા મસ્જિદની અંદર પ્રવેશનારી મહિલાઓ મહારાષ્ટ્ર સંચાલિત ચક્રધર સ્વામી સ્થાપિત મહાનુભાવ પંથની અનુયાયી છે.
તેમનો દાવો છે કે આ જુમ્મા મસ્જિદ એક સમયે તેમના મહાનુભાવ પંથના સ્થાપક સ્વામી ચક્રધરનું જન્મસ્થાન છે.
આ પંથ મહારાષ્ટ્રમાં બહુ સક્રિય છે. છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલા મહાનુભાવ દેવસ્થાન ટ્રસ્ટના સેક્રેટરી સુદર્શન નાગરાજ બાબા કપાટેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દાવો કર્યો, "આ સ્થળે અમારા ગુરુજી સ્વામી ચક્રધરનો જન્મ થયો હતો."
સુદર્શન નાગરાજ બાબા કપાટે ચક્રધર સ્વામી જન્મભૂમિ આંદોલન પણ ચલાવે છે.
તેમનો દાવો છે કે "આ મસ્જિદ નથી પરંતુ પ્રાચીન હિંદુ ધરોહર છે. જે લોકોએ ત્રીજી માર્ચે મસ્જિદમાં પ્રવેશીને પૂજા કરી તેઓ અમારા પંથની સાધક મહિલાઓ છે."
"અમે ચાર વર્ષથી તેના માટે આંદોલન ચલાવી રહ્યા છીએ. આ સ્થળ 12મી સદીનું અમારું પૂજાસ્થળ છે, જેને તોડીને અહીં આ મસ્જિદ બનાવવામાં આવી છે."

ઇમેજ સ્રોત, SAJID PATEL
અમે જ્યારે તેમને પૂછ્યું કે આ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે તેના તમારી પાસે કયા પુરાવાઓ છે?
તેના જવાબમાં તેમણે કહ્યું, "સ્વામી ચક્રધરનાં હસ્તલખિત પુસ્તક લીલાચરિત્ર, સ્થાનપોથી વગેરેમાં તેનો ઉલ્લેખ છે, આ બધાં પુસ્તકો સ્નાતક કે અનુસ્નાતક સ્તરે થતાં અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે."
અમે જ્યારે પ્રશ્ન કર્યો કે તમને નથી લાગતું કે તમારા દાવાને કારણે પુરાતત્ત્વ વિભાગની સંરક્ષિત જગ્યા, હિંદુ-મુસ્લિમ વિવાદમાં ધકેલાઈ રહી છે અને તેને કારણે બંને સમુદાય વચ્ચે તણાવ ઊભો થઈ શકે?
તેમનો જવાબ હતો, "અમે હિંદુ-મુસ્લિમ વિવાદ નથી ઊભો કરવા માંગતા. પરંતુ જો અહીં પુરાતત્ત્વ વિભાગ મુસ્લિમોને નમાઝ અદા કરવા માટેની પરવાનગી આપતો હોય તો હિંદુઓને પણ તેમણે પૂજા કરવાની પરવાનગી આપવી જોઈએ."
"અમારો ઝઘડો મુસ્લિમો સાથે નથી, એએસઆઈ સાથે છે, તેઓ અમને પૂજા કરવાનો અહીં અધિકાર આપે," એમ સુદર્શન નાગરાજ બાબા કપાટે જણાવે છે.
પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, SAJID PATEL
ભરૂચના ડીવાયએસપી સીકે પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "લોકોએ મસ્જિદની અંદર પ્રવેશીને પૂજાવિધિ કરી હોય તેવી વાતો સદંતર ખોટી છે. મસ્જિદમાં પહેલાથી જ પોલીસ તહેનાત છે, તેમણે જ્યારે લોકોને શ્રીફળ કે ફૂલ વગેરે સામગ્રી લઈને જતા જોયા ત્યારે તરત જ કાર્યવાહી કરીને આ બધું મસ્જિદની બહાર જ મૂકાવી દીધું હતું. તમે વીડિયો જોશો તો ખ્યાલ આવશે કે આ બધી સામગ્રી મસ્જિદની બહાર હતી."
અમે જ્યારે સીકે પટેલને પૂછ્યું કે આ વિવાદ કેમ થયો?
તેમણે જવાબમાં કહ્યું, "મહારાષ્ટ્રના કેટલાક લોકો આ સ્થળને તેમના ચક્રધર સ્વામીની જન્મભૂમિ હોવાનો દાવો કરે છે. પરંતુ આ સ્થળ પુરાતત્ત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે."
"એક પર્યટક તરીકે હિંદુ-મુસ્લિમ, કોઈ પણ અહીં જઈ શકે છે અને તેને નિહાળી શકે છે. પરંતુ ત્રણ તારીખે જે ઘટના ઘટી તેમાં અમે કોઈને મસ્જિદની અંદર પૂજા કરવા દીધી નહોતી."
અમે તેમને પૂછ્યું કે શું તેના કારણે કોઈ તણાવ વધ્યો છે?
સીકે પટેલે જણાવ્યું કે "અમને જે અરજી કરવામાં આવી હતી તેના ભાગરૂપે બે સંદિગ્ધોની અટકાયત કરીને મામલાની તપાસ કરી છે. કોઈ તણાવ નથી, પોલીસની તહેનાતી અહીં પહેલા પણ હતી અને પછી પણ છે જ."
ભરૂચ બી-ડિવિઝનના પીઆઈ વીએસ વણઝારાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મામલે તેમણે જરૂરી અટકાયતી પગલાં લેવાં જોઈતાં હતાં તે લીધાં છે.
વણઝારાએ જણાવ્યું, "અમે ભરૂચના હાથીખાના પાસે રહેતા દર્પણ ભૂપેન્દ્રભાઈ ચૌહાણ અને ગૌરાંગ પ્રવિણચંદ્ર રાણાની અટકાયતી પગલાંરૂપે અટકાયત કરી હતી."
"તેમને મામલતદાર કચેરીએ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જામીન આપવામાં આવતા છોડી મુકાયા છે."
પુરાતત્ત્વ વિભાગનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, SAJID PATEL
આ મામલો સામે આવતા પુરાતત્ત્વ વિભાગે તકેદારીનાં પગલાંના ભાગરૂપે ભરૂચ જિલ્લાના પોલીસ વડા તથા ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને લેખિતમાં જાણ કરીને જરૂરી કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી છે.
વડોદરા ખાતેના પુરાતત્ત્વ વિભાગના અધિકારી રીજ્જુ ઘોષે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "જે પગલાં લેવાં જોઈએ તે લઈ રહ્યાં છીએ. આ વિવાદ મામલે મારે કશું કહેવું નથી."
અમે જ્યારે તેમને પૂછ્યું કે કેટલાક લોકો દાવો કરે છે કે આ જુમ્મા મસ્જિદ હિંદુ સ્થળ છે? તો તેમણે કહ્યું કે, "આ સ્મારક અને પુરાતત્ત્વીય સ્થળ તથા અવશેષ અધિનિયમ 1958 (1958ના 24મા) હેઠળ આવ્યું ત્યારથી તે મસ્જિદના સ્વરૂપમાં છે. તે પહેલાંનું હું કંઈ કહી શકું એમ નથી."
ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે કામ કરતાં પુરાતત્ત્વ વિભાગ(એએસઆઈ)ના મલ્ટિટાસ્કિંગ સ્ટાફ સભ્ય રાહુલ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે મસ્જિદની અંદર પૂજા કરતાં લોકોને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પૈકી બધી મહિલાઓ હતી, તેથી અમે તેમ ન કરી શક્યા."
"મહારાષ્ટ્રના મહાનુભાવ પંથના અનુયાયીઓ દાવો કરતા હોય છે કે આ સ્થળ તેમના ગુરુ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે. પરંતુ આ સ્થળ હાલ પુરાતત્ત્વ વિભાગની કસ્ટડીમાં છે."
સ્થાનિક મુસ્લિમોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, SAJID PATEL
ભરૂચની જુમ્મા મસ્જિદના પ્રમુખ મૌલાના કુરેશી ગુલામમુસ્તુફાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "ભરૂચમાં હાલ શાંતિ છે. હિંદુ-મુસ્લિમ ભાઈચારાથી રહે છે. પરંતુ કેટલાક લોકોએ ષડ્યંત્ર રચીને કોમી એખલાસનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે."
"અમે પોલીસને, પુરાતત્ત્વ વિભાગને અને વહીવટી તંત્રને આગ્રહ કરીએ છીએ કે તેની સામે પગલાં ભરે."
મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી બીબીસી ગુજરાતીને જણાવે છે, "પહેલાં આ લોકો ભરૂચની જુમ્મા મસ્જિદને નિહાળવા માટે આવ્યા હતા. તેમાં સ્થાનિક બે વ્યક્તિઓ અને કેટલીક મહિલાઓનું ટોળું હતું."
"આ લોકોએ અગરબત્તી, નાળિયેર વગેરે લઈને પૂજાપાઠ કરવાની શરૂઆત કરી હતી. આ અસામાજિક તત્ત્વો આ મસ્જિદને લક્ષ્ય બનાવીને તેને વિવાદિત બનાવવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે."
મુસ્લિમ આગેવાન ઇમરાન પટેલે બીબીસી ગુજરાતીને વાતચીતમાં જણાવ્યું, "આ પ્રકારનો પ્રયાસ પહેલાં પણ થયો હતો. અહીં મસ્જિદને હિંદુ સ્થળનો દાવો કરવા માટે પહેલાં પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા."
"તેમાં અજમેર બ્લાસ્ટ કેસના આરોપી ભાવેશ પટેલનો હાથ છે. જે હવે સ્વામી મુક્તાનંદ બનીને ફરે છે. તેને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો."
"પરંતુ જયપુર હાઇકોર્ટે હાલ તેની સજા પર રોક લગાવી છે. તે આ ષડ્યંત્રમાં સામેલ છે."
હિંદુ સંગઠનોનું શું કહેવું છે?

અમે આ મામલે જેની સામે આરોપ છે તે ભાવેશ પટેલ ઉર્ફે સ્વામી મુક્તાનંદ સાથે વાતચીત કરી હતી.
આ આરોપોનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું, "આ આરોપો ખોટા છે કે હું કોઈને મસ્જિદમાં પૂજા કરવા માટે મોકલું છું."
"મને આખા વિવાદની ખબર નથી. જો આ હિંદુનું સ્થળ હોય તો હિંદુ જાય અને મુસ્લિમોનું સ્થળ હોય તો મુસ્લિમો જાય, તેમાં મારે કોઈ લાગતું વળગતું નથી."
તેઓ મહાનુભાવ પંથના લોકો સાથે જોડાયેલા છે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "મારે તેમની સાથે કોઈ સંબંધ નથી, અને મારે આ મસ્જિદમાં પૂજાવિધિ શરૂ કરાવવાની કોઈ યોજના નથી."
જોકે, માહિતી પ્રમાણે ભાવેશ પટેલ ઉર્ફે સ્વામી મુક્તાનંદ આ પહેલાં પણ આ મસ્જિદ હિંદુ સ્થળ હોવાનો દાવો કરતા આંદોલનમાં સામેલ હતા.

ઇમેજ સ્રોત, SAJID PATEL
કેટલાંક અઠવાડિયાં પહેલાં આ મસ્જિદમાં અખિલ ભારતીય સંત સમિતિના હોદ્દેદાર અવિચલદાસજી અને સ્વામી મુક્તાનંદે પહોંચીને અહીં હિંદુ ધર્મસ્થળ હોવાનો દાવો કર્યો હતો ત્યારે પણ વિવાદ થયો હતો. આ મામલે કેટલાક સંતોએ અનશન પણ આદર્યા હતા.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ 'સમળી વિહાર જૈન મંદિર' છે.
આ વિવાદ વિશે બોલતા સુદર્શન નાગરાજ બાબા કપાટે બીબીસી ગુજરાતીને જણાવે છે કે "ચક્રધર સ્વામી, એ ભરૂચના રાજવી પરિવારના વિશાલદેવના પુત્ર હતા. તેમનું મૂળ નામ હરીપાલદેવ હતું."
"તેમનો જ્યારે દેહાંત થયો ત્યારે દ્વારકાના મોટા સંત ચાંગદેવ રાઉલનો આત્મા તેમના શરીરમાં પ્રવેશ્યો હતો. પછી તેમણે મહારાષ્ટ્રમાં મહાનુભાવ પંથની સ્થાપના કરી. એ સ્વામી ચક્રધરનું આ જન્મસ્થળ છે."
તેઓ કહે છે કે હરીપાલ દેવ જૈન પરંપરા પાળતા કુટુંબમાં જન્મ્યા હતા, તેથી આ સ્થળને 'સમળી વિહાર જૈન મંદિર' પણ કહે છે.
જોકે, તેમની આ કહાણીનો પુરાતત્ત્વીય આધાર નથી. ભરૂચ જિલ્લાના કલેક્ટરની વેબસાઇટ પર આ જુમ્મા મસ્જિદ 14મી સદીમાં બનાવાઈ હોવાનું કહેવાયું છે.
વેબસાઇટમાં લખ્યા પ્રમાણે, 'મસ્જિદનું નોંધપાત્ર પાસું એ છે કે તેને જૈન મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી છે. જ્યાં સુધી બંધકામ શૈલીની વાત કરીએ તો આ મસ્જિદ પરંપરાગત મસ્જિદ જેવી જ છે."
આખા વિવાદ મામલે વિશ્વ હિંદુ પરિષદે કશું કહેવાનો ઇન્કાર કરી દીધો છે. બીબીસી ગુજરાતીએ ભરૂચના વિશ્વ હિંદુ પરિષદના નેતા અજય વ્યાસને આ મામલે પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ તેમણે કહ્યું કે "હું આખા મામલાનો અભ્યાસ કરીને પછી નિવેદન આપીશ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








