સેલેરી સ્લીપ વગર પણ આ દસ્તાવેજોના આધારે મેળવી શકાય હોમ લોન

બીબીસી ગુજરાતી હોમ લોન બૅન્ક હાઉસિંગ ફાઇનાન્સ ડૉક્યુમેન્ટ્સ સેલેરી સ્લીપ બૅન્ક સ્ટેટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

હોમ લોન માટે અરજી કરતી વખતે સૌથી મોટી સમસ્યા ડૉક્યુમેન્ટ્સની રહે છે. હોમ લોનની રકમ સામાન્ય રીતે લાખો રૂપિયામાં હોય છે, જેના કારણે બૅન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અરજકર્તા પાસેથી ઢગલાબંધ કાગળો માંગે છે. તેમાં મકાનના દસ્તાવેજોથી લઈને અરજકર્તાની ઓળખ, રહેઠાણ અને આવકના ડૉક્યુમેન્ટની જરૂર પડે છે.

જે લોકો નિયમિત પગાર મેળવતા હોય તેમની પાસેથી છેલ્લા ત્રણ કે છ મહિનાની સેલેરી સ્લીપ માંગવામાં આવે છે. પરંતુ જે લોકો નાનો મોટો વ્યવસાય કરતા હોય, અનૌપચારિક ક્ષેત્રમાં કારીગર તરીકે કામ કરતા હોય, ખેડૂત હોય અથવા દુકાન ચલાવતા હોય અને તેમને દર મહિને સેલેરી સ્લીપ નથી મળતી, તેમનું શું? સેલેરી સ્લીપ વગર લોન કેવી રીતે મળી શકે?

સેલેરી સ્લીપ વગર હોમ લોન

બીબીસી ગુજરાતી હોમ લોન બૅન્ક હાઉસિંગ ફાઇનાન્સ ડૉક્યુમેન્ટ્સ સેલેરી સ્લીપ બૅન્ક સ્ટેટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હોમ લોન એ સિક્યોર્ડ લોન છે અને તેના માટે ઢગલાબંધ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે.

તમે પગારદાર વ્યક્તિ ન હોવ અને દર મહિને પગારની સ્લીપ મળતી ન હોય તો પણ હોમ લોન મેળવી શકાય છે.

બૅન્કો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ અન્ય ડૉક્યુમેન્ટના આધારે લોન મંજૂર કરી શકે છે.

એક ખાનગી બૅન્ક સાથે સંકળાયેલા લોન ઓફિસર નિમેષ રાઠોડે જણાવ્યું કે સેલેરી સ્લીપ ન હોય તો આવકના વૈકલ્પિક પુરાવા આપી શકાય છે. જેમાં બૅન્ક સ્ટેટમેન્ટ, આઇટી રિટર્ન (આઈટીઆર), બિઝનેસ ફાઇનાન્શિયલ રેકૉર્ડનો સમાવેશ થાય છે. તેના પરથી રિપેમેન્ટ કૅપેસિટી સાબિત કરી શકાય છે.

તેઓ કહે છે કે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ અને બૅન્કો મોટા ભાગે ઊંચા સિબિલ સ્કોર પર વધારે ફોકસ કરે છે.

તમારો સિબિલ સ્કોર 750 કરતાં વધુ હોય તો લોન મેળવવાનું કામ આસાન બની જાય છે. આ ઉપરાંત તમે સ્વરોજગાર ધરાવતી વ્યક્તિ હોવ અથવા અસગંઠીત ક્ષેત્રમાં કામ કરતા હોવ તો સહ-અરજકર્તાનું નામ પણ ઉમેરી શકાય છે.

કયા-કયા ડૉક્યુમેન્ટની જરૂર પડે?

બીબીસી ગુજરાતી હોમ લોન બૅન્ક હાઉસિંગ ફાઇનાન્સ ડૉક્યુમેન્ટ્સ સેલેરી સ્લીપ બૅન્ક સ્ટેટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓછી આવકવાળા અને સેલેરી સ્લીપ ન મેળવતા લોકોને પણ અમુક શરતો હેઠળ લોન મળી શકે

હોમ લોન લેવામાં સેલેરી સ્લીપ સિવાયના ડૉક્યુમેન્ટ પણ મહત્ત્વના હોય છે. જેમ કે:

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બૅન્ક સ્ટેટમેન્ટ - જેમાં છેલ્લા 6થી 12 મહિનામાં તમારી આવકનો પ્રવાહ અને સેવિંગ્સ જોવા મળે. તેમાં સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટની વિગત માગવામાં આવે છે.

આઇટીઆર અને બીજા બિઝનેસ ડૉક્યુમેન્ટસ - તેમાં છેલ્લાં ત્રણ વર્ષના આઇટી રિટર્ન, જીએસટી રજિસ્ટ્રેશન, બિઝનેસ લાઇસન્સના ડૉક્યુમેન્ટ આપવા પડે.

સહ અરજકર્તા - તમે પરિવારના કોઈ સભ્ય અથવા પતિ/પત્નીનું નામ અરજકર્તા તરીકે ઉમેરી શકો જેના આવકના પુરાવા આપવા પડે. તેનાથી તમારી આવક વધારે દેખાશે અને લોનની અરજી મંજૂર થવાની શક્યતા વધી જશે.

અન્ય એસેટ્સ - તમારી નાણાકીય સ્થિતિ કેટલી સારી છે તે દેખાડવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, એલઆઈસી પોલિસી, અન્ય પ્રોપર્ટીને તમે કોલેટરલ અથવા જામીન તરીકે મૂકી શકો.

આ ઉપરાંત નીચે જણાવેલા કાગળ અને માહિતી પણ માંગવામાં આવે છેઃ

  • અરજકર્તા અને સહ-અરજકર્તાના પાન કાર્ડ અને આધાર કાર્ડની નકલ
  • બિઝનેસના પુરાવા તરીકે MSME ઉદ્યમ સર્ટિફિકેટ
  • ઈન્કમટૅક્સ અને જીએસટીના યુઝર આઈડી અને પાસવર્ડ
  • હાલમાં કોઈ લોન ચાલુ હોય તો તેના લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ

કેટલીક બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકો અથવા જેઓ દર મહિને અલગ અલગ અનિશ્ચિત આવક મેળવે છે, તેમના માટે ખાસ લોનના વિકલ્પો આપતી હોય છે.

તેમાં જો 725 કે 750થી ઊંચો સિબિલ સ્કોર હોય તો લોન મેળવવી સરળ બને છે, પરંતુ સિબિલ સ્કોર બહુ નીચો હોય તો લોનની અરજી નામંજૂર થઈ શકે છે.

માસિક આવકના પુરાવા ન હોય ત્યારે

બીબીસી ગુજરાતી હોમ લોન બૅન્ક હાઉસિંગ ફાઇનાન્સ ડૉક્યુમેન્ટ્સ સેલેરી સ્લીપ બૅન્ક સ્ટેટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૅન્કને લોન આપતા પહેલાં એ જાણવામાં રસ હોય છે કે તમારો આવકનો પ્રવાહ કેટલો છે.

હોમ લેવા માટે સેલેરી સ્લીપ ન હોય ત્યારે ઈન્કમ ટૅક્સના રિટર્ન સૌથી વધારે ઉપયોગી સાબિત થાય છે.

એક બૅન્કના હોમ લોન ઓફિસર પ્રદીપ શર્મા કહે છે કે "જે અરજકર્તા પાસે સેલેરી સ્લીપ ન હોય તેની પાસેથી છેલ્લાં ત્રણ વર્ષના આઈટી રિટર્ન માંગવામાં આવે છે. પરંતુ જો આઇટી રિટર્ન પણ ન હોય ત્યારે બૅન્ક સ્ટેટમેન્ટના આધારે લોન મંજૂર તો થઈ શકે, પરંતુ વ્યાજનો દર ઘણો વધી જાય છે."

"આ ઉપરાંત અગાઉ ક્યારેય લોન લીધી હોય અને નિયમિત હપતા ભર્યા હોય તો સિબિલ સ્કોરના આધારે લોન મળી શકે. પરંતુ લોન લેવાની હિસ્ટ્રી ન હોય ત્યારે સિબિલ માઇનસ વન ગણવામાં આવે છે."

બીબીસી ગુજરાતી હોમ લોન બૅન્ક હાઉસિંગ ફાઇનાન્સ ડૉક્યુમેન્ટ્સ સેલેરી સ્લીપ બૅન્ક સ્ટેટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

બૅન્કો વચ્ચે હોમ લોન આપવા માટે ઘણી વખત હરીફાઇનો માહોલ હોય છે તેથી કેટલીક બૅન્કો અને હાઉસિંગ ફાઈનાન્સ સંસ્થાઓ આવકના પુરાવા વગર પણ લોન આપવા તૈયાર થતી હોય છે.

જેમ કે, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ જણાવે છે કે ચોક્કસ સ્કીમોમાં આવકના પુરાવા વગર પણ હોમ લોન મેળવી શકાય છે.

આ સ્કીમ અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે છે. ચોક્કસ શરતોનું પાલન થતું હોય તો આઈટી રિટર્ન આપવાની જરૂર નથી. પરંતુ આવા સંજોગોમાં એક સહ-અરજકર્તાની જરૂર પડે જેની પાસે આવકના પુરાવા હોય.

આવી સ્થિતિમાં ઘણી વખત લોનની રકમ ઘટાડવામાં પણ આવે છે. સામાન્ય રીતે દર મહિને 15,000 રૂપિયા અથવા વધારે આવક ધરાવતા હોય તેવા લોકોને લોન અપાય છે.

નિમેષ રાઠોડ કહે છે કે, "કોઈ વ્યક્તિ ફ્રીલાન્સર તરીકે કામ કરતી હોય અને દર મહિને અલગ અલગ કમાણી થતી હોય, તો પણ સેલેરી સ્લીપ વગર હોમ લોન મેળવી શકે છે.

આવી વ્યક્તિ પાસેથી બૅન્ક સ્ટેટમેન્ટ અને ટેક્સ રિટર્ન ઉપરાંત છેલ્લા કેટલાક મહિનામાં જે કામ કર્યું હોય તેના ઇનવોઈસ માંગવામાં આવે છે. તેના પરથી તેમનો વ્યવસાય કેટલી આવક પેદા કરે છે અને હોમ લોનનો હપતો ભરી શકશે કે નહીં તે નક્કી થાય છે."

ખેડૂત, એનઆરઆઈ માટે હોમ લોન

બીબીસી ગુજરાતી હોમ લોન બૅન્ક હાઉસિંગ ફાઇનાન્સ ડૉક્યુમેન્ટ્સ સેલેરી સ્લીપ બૅન્ક સ્ટેટમેન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સહ-અરજકર્તાનું નામ ઉમેરવાથી હોમ લોન મંજૂર થવાની શક્યતા વધી જાય છે.

પ્રદીપ શર્મા કહે છે કે "બૅન્કોની સરખામણીમાં અમુક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના વ્યાજના દર વધારે હોય છે અને તેઓ સેલેરી સ્લીપ વગર પણ અમુક શરતોને આધિન રહીને હોમ લોન આપે છે."

તેઓ કહે છે કે "બિઝનેસના આઈટી રિટર્ન ઉપરાંત નફા અને નુકસાનના સ્ટેટમેન્ટ, અગાઉના વર્ષની બેલેન્સ શીટ દેખાડવી પડે છે. કૉન્ટ્રેક્ટ પર કામ કરતા હોય તેવા લોકો પાસેથી ભાડાના એગ્રીમેન્ટ અને રિસિપ્ટ માંગવામાં આવે છે."

"પેન્શનરને છેલ્લા ત્રણ કે છ મહિનાના બૅન્ક સ્ટેટમેન્ટ, પેન્શન સ્લીપના આધારે હોમ લોન મળી શકે. વિદેશમાં કામ કરતા એનઆરઆઈને બૅન્ક સ્ટેટમેન્ટ અથવા વિદેશમાં રોજગારીના કૉન્ટ્રેક્ટ પર હોમ લોન આપી શકાય છે."

"આ ઉપરાંત ખેડૂતો પોતાની જમીન, પાકની ઉપજ, પાકના વેચાણની આવક વગેરે ડૉક્યુમેન્ટ આપીને હોમ લોન મેળવી શકે છે. જોકે, તેમાં બૅન્ક સ્ટેટમેન્ટની ભૂમિકા સૌથી મહત્ત્વની રહેશે," એમ તેઓ કહે છે.

તેઓ કહે છે કે અમુક બૅન્કો જૂના રેકૉર્ડના આધારે પણ કેટલાક ડૉક્યુમેન્ટની જરૂરિયાતમાં બાંધછોડ કરીને લોન આપી શકે છે. તેના માટે બૅન્ક સાથે વર્ષો જૂનો બેન્કિંગ રિલેશન હોવું જરૂરી છે.

આ ઉપરાંત તમારી પહેલેથી કોઈ લોન બાકી હોય તો પહેલાં તેને ભરવા માટે જણાવી શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન