એ રશિયન પ્રવાસી જે ભૂલથી બાલીના પર્વત પર નિર્વસ્ત્ર થયો અને દેશનિકાલ કરી દેવાયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિકૉલસ યૉંગ
- પદ, બીબીસી ન્યૂઝ
ઇન્ડોનેશિયાનું બાલી પ્રવાસન માટે ખૂબ જ જાણીતું સ્થળ છે અને ત્યાં લાખો પ્રવાસીઓ તેની સુંદરતા માણવા જતા હોય છે.
સુંદર સ્થળે જઈ તસવીરો લેવી સૌને ગમતું હોય છે. પણ ક્યારેક એક તસવીર વ્યક્તિનો દેશનિકાલ કરાવી શકે છે.
કંઈક એવું જ બન્યું રશિયાના વ્યક્તિ સાથે. તેઓ બાલીમાં એક પર્વતની ટોચ પર નિર્વસ્ત્ર થયા એટલે તેમનો દેશનિકાલ કરી દેવાયા.
બાલીના પવિત્ર પર્વત પરની તેમની નર્વસ્ત્ર તસવીર વાઇરલ થઈ ગઈ હતી. માઉન્ટ એગૂંગ પર વ્યક્તિએ પેન્ટ ઉતારેલી તસવીર ગયા અઠવાડિયો વાઇરલ થઈ હતી.
વ્યક્તિની ઓળખ યુરી તરીકે થઈ છે. તેમણે બાદમાં માફી માગી લીધી પણ તેમને આવતા 6 મહિના સુધી ઇન્ડોનેશિયામાં પ્રવેશ નહીં અપાશે.
અત્રે નોંધવું જોઈએ કે પશ્ચિમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ મોટા ભાગે દરિયાકાંઠે અથવા પર્વતીય પ્રવાસનસ્થળોએ ટૂંકા વસ્ત્રોમાં જોવા મળતા હોય છે. પરંતુ યુરીના કૃત્યએ તેમનો દેશનિકાલ કરાવી દીધા.
બાલીએ તાજેતરમાં ગેરવર્તન કરતા વિદેશી પ્રવાસીઓ પર કાર્યવાહી સખત કરી છે.

શુદ્ધીકરણ માટે ખાસ પૂજા

ઇમેજ સ્રોત, Getty Images
બાલી ટાપુનો માઉન્ટ એગૂંગ સૌથી ઊંચો પર્વત છે. હિંદુઓ અનુસાર ત્યાં ઇશ્વરનો નિવાસ છે. સ્થાનિક અધિકારીએ કહ્યું કે યુરીએ કરેલા કૃત્ય સામે કોઈ બહાનું ન ચલાવી લેવાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાલીના કાયદા અને માનવાધિકાર કચેરીના વડા એંગેઇટ નાપિતુપૂલુએ જકાર્તા પોસ્ટને જણાવ્યું, ‘તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને અમારી સંસ્કૃતિનું અપમાન કર્યું છે.’
યુરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, એમાં યુરી કહે છે, ‘મારા કૃત્ય માટે કોઈ બહાનું નહીં આપીશ. મારી ભૂલના લીધે જ બધું થયું છે.’
બાદમાં પર્વતના શુદ્ધીકરણ માટેની ખાસ પૂજામાં પણ તેમણે ભાગ લીધો હતો. આવી ઘટના બાદ સ્થાનિકો સામાન્યપણે આ પૂજા કરતા હોય છે.
બાલીમાં રશિયાના માનદ કૉન્સ્યૂલ જનરલ વિજયાએ સીએનએનને કહ્યું કે, પ્રવાસીએ પાગલપન કર્યું હતું એટલે તેમનો દેશનિકાલ કરવો જ યોગ્ય હતું. તેમના દેશનિકાલને સોશિયલ મીડિયા પર ઘણા સ્થાનિકોએ ટેકો પણ આપ્યો હતો.

રશિયાના યુગલે સેક્સ કરતો વીડિયો મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક કૅનેડાના અભિનેતા જેફરી ક્રૅઇગને બાલીમાં માઉન્ટ બાતૂરમાં નિર્વસ્ત્ર ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કરતા તેમને પણ દેશનિકાલ કરી દેવાયા હતા.
વળી 2021માં એક અન્ય બેલેનિઝ પર્વત પર રશિયાના યુગલે માઉન્ટ બાતૂર પર સેક્સ કરતો 3 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો હતો ત્યારે પણ ખૂબ હંગામો થયો હતો.
જકાર્તા પોસ્ટ અનુસાર મંગળવારે એક ટોચના ઇમિગ્રેશન અધિકારીએ ગેરકાનૂની કેસોમાં પકડાયેલા વિદેશી નાગરિકો સામે કડક નીતિ પર ભાર મૂક્યો હતો.
ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કેસો વધતા આ મહિને શરૂઆતમાં સત્તાધીશોએ કહ્યું હતું કે તેઓ બાલીમાં વિદેશી પ્રવાસી પર બાઇક ચલાવવા સામે પ્રતિબંધ મૂકવાનું આયોજન કરી રહ્યા છે.















