ગુજરાતીઓ વિઝા વિના અમેરિકા કેવી રીતે પહોંચે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
સ્થાનિક અહેવાલો પ્રમાણે ગાંધીનગરના કલોલના એક યુવાન બ્રિજકુમાર યાદવનું 'ગેરકાયદેસર અમેરિકા જતી વખતે' મેક્સિકો-અમેરિકા બૉર્ડરે સ્થિત 30 ફૂટ ઊંચી 'ટ્રમ્પ વૉલ' પરથી નીચે પડી જતાં મૃત્યુ થયું હતું.
અહેવાલો અનુસાર દીવાલ પર ચઢતી વખતે તેમના હાથમાં તેમનું ત્રણ વર્ષનું બાળક પણ હતું. અકસ્માતમાં તેમનાં પત્ની અને બાળકને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.
અગાઉ અમેરિકાની પોલીસે 'ફાંકડું અંગ્રેજી બોલતા આવડતું હોવાનાં સર્ટિફિકેટ' ધરાવતા ગુજરાતી યુવાનોને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યા હતા. જજે આરોપી યુવાનોને પ્રશ્ન કરતાં તેઓ તરત બોલી પડ્યા, "નો ઇંગ્લિશ, ઑન્લી બારમું પાસ".
અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયેલા આ તમામ યુવાનો પાસે IELTSની પરીક્ષામાં આઠ બૅન્ડ મેળવ્યા હોવાનાં સર્ટિફિકેટ હતાં. પરંતુ તેમને અંગ્રેજી બોલતા કે સમજતા ન આવડતું હોવાની વાત જાણી જજ ચોંકી ગયા અને આ મામલાની વધુ તપાસના આદેશ આપી દીધા.
આ જ ચાર યુવાન કૅનેડા થઈ સેન્ટ રેજિસ નદી મારફતે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે તેમની બોટ ડૂબવા લાગી અને અમેરિકન પોલીસે તેમને માંડમાંડ બચાવ્યા, પરંતુ પોલીસને અંગ્રેજી ન સમજાતી હોવાની જાણ થતાં તેમની પોલ ખૂલી ગઈ.
જોકે, આવું પ્રથમ વખત નથી થયું. છાશવારે આવા કિસ્સા સામે આવતા જ રહે છે. થોડા સમય પહેલાં કલોલ તાલુકાના ડીંગુચાનો એક પરિવાર આવી જ રીતે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરતી વખતે સરહદ પર થીજીને મૃત્યુ પામ્યો હતો.
અલબત્ત, બધા જ ગુજરાતીઓ અમેરિકા પ્રવેશવા માટે ગેરકાયદે રસ્તો અપનાવતા નથી પણ જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે એ સવાલ પણ ચર્ચાતો હોય છે કે આખરે આ લોકો ગેરકાયદે અમેરિકામાં કઈ રીતે પ્રવેશતા હોય છે?

કેવી રીતે થાય છે શરૂઆત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જો ગુજરાતથી અમેરિકા જતા લોકોની વાત કરવામાં આવે તો અમુક સમાજના લોકો અમેરિકામાં ઘણા સમયથી વસવાટ કરતા હોવાથી અહીંથી ગેરકાયદેસર જતા લોકોને અમેરિકા પહોંચ્યા બાદ પહેલાં અમુક મહિનાઓ સુધી મદદ મળી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીએ આ માટે અમુક ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરી હતી. પોલીસ તપાસના કારણે આ એજન્ટો પોતાની ઓળખ છતી નથી કરતા.
એક એજન્ટે પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સામાન્ય રીતે અમારો પહેલો આગ્રહ એ જ હોય છે કે લોકો અમેરિકાની આસપાસના કોઈ પણ દેશના વિઝા લઈ લે."
આ વિઝા લીધા બાદ તેઓ ભારત દેશ છોડી શકે છે અને અમેરિકાના પડોશી દેશમાં સહેલાઈથી પ્રવેશી શકે છે.
"જોકે આ પ્રકારે અમેરિકામાં પ્રવેશ કરનારા લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે અને ખર્ચે વ્યક્તિદીઠ થતો હોય છે."
અહીં એ વાત પણ નોંધવી રહી કે ડીંગુચા ગામના જગદીશભાઈ પટેલનો પરિવાર વિજિટર વિઝા પર કૅનેડા પહોંચ્યો હતો અને ત્યાંથી એણે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો હોવાનું પોલીસતપાસમાં જાણવા મળ્યું હતું.
ડીંગુચા ગામના જ એક વતનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અહીંથી લોકો અમેરિકા પહોંચવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. સામાન્ય રીતે એક પરિવાર ત્યાં પહોંચવા માટે એક કરોડ રૂપિયા સુધી પણ ખર્ચ કરવા તૈયાર હોય છે."
એક ટ્રાવેલ એજન્ટ આ વાતને સમર્થન આપતા કહે છે કે, "પૈસાનો ખર્ચ તો થતો જ હોય છે, કારણ કે અમારે જે તે દેશમાં રહેતા બીજા લોકો અને ટ્રાન્સિટ કન્ટ્રીના લોકોને પણ પૈસા આપવાના હોય છે."

કયાં મુખ્ય એન્ટ્રી પૉઇન્ટ છે?

અમેરિકાની દક્ષિણ દિશાથી સૌથી વધુ ઘૂસણખોરી થતી હોય છે.
અમેરિકાના કસ્ટમ્સ અને બૉર્ડર પ્રોટેકશની વેબસાઇટ પ્રમાણે ગઈ સાલ ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આશરે 5 લાખ જેટલા લોકોએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમાં મુખ્ય મૅક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલ સલવારડો મુખ્ય માર્ગો હતા અને ઉત્તરમાં એટલે કે કૅનેડા તરફથી મુખ્યત્વે અલબર્ટાથી વધુ લોકો અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે પહોંચીને 15 વર્ષ સુધી રહીને પાછા ગુજરાત આવેલી એક વ્યક્તિ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
આ વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે, "ત્યારે પણ અને હજુ પણ મૅક્સિકોની બૉર્ડર ગુજરાતીઓ માટે સૌથી સારી બૉર્ડર ગણાય છે. હું પોતે ત્યાંથી જ અંદર ગયો હતો, પરંતુ ત્યાર બાદ કોઈક કારણસર મારે પાછા આવી જવું પડ્યું."
તેમણે વધુમાં કહ્યું કે "તે સમયે ભારતીયો માટે મૅક્સિકોમાં ઑન-અરાઇવલ વિઝા હતા, અમે ત્યાં ઑન અરાઇવલ વિઝા લીધા હતા અને પછી ત્યાંથી અમારું ગુજરાતનું આખું ગ્રૂપ અમેરિકામાં પ્રવેશ્યું હતું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે મૅક્સિકોના હાલના વિઝાના નિયમો બદલાઈ ચૂક્યા છે અને ભારતીય નાગરિકોએ પણ હવે વિઝા લઈને જવાનું હોય છે.
એજન્ટ જણાવે છે, "જોકે કૅનેડા સિવાય અમેરિકાની આસપાસના બીજા દેશોના વિઝા સહેલાઈથી મળી જાય છે અને બહુ ખર્ચ પણ થતો નથી. પરંતુ મુખ્ય કામ તો ત્યાં પહોંચ્યા બાદ શરૂ થાય છે
"તેમને ત્યાંના લોકલ લોકો બૉર્ડર સુધી લઈ જાય છે અને સરહદ પાર કરતી વખતે તેમને જે જરૂર હોય તે તમામ વસ્તુઓ આપે છે. એમાં ગરમ કપડાં, ખાદ્યસામગ્રી, પાણી, વગેરે સામેલ હોય છે."
એજન્ટના જણાવ્યા અનુસાર આ રસ્તો તેમને રણપ્રદેશ અને જંગલ થકી પાર કરવાનો હોય છે.

જગદીશભાઈ પટેલે કયો રૂટ લીધો હતો?

ઇમેજ સ્રોત, KARTIK JANI
આ ડીંગુચાના પરિવારની વાત કરવામાં આવે તો તેઓ પહેલાં કૅનેડા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ માત્ર આશરે 300 લોકોની વસ્તી છે તેવા મૅનીટોબાના ઇમરશન ગામમાં પહોચ્યા હતા.
બીબીસી અમેરિકાના અહેવાલ પ્રમાણે અહીંથી પછી તેઓ ટૉરન્ટો પહોંચ્યા હતા અને ત્યાર બાદ દક્ષિણ ઑન્ટોરીઓના થીજી ગયેલા સરોવરથી તેઓ યુ.એસ. તરફ જવા નીકળેલા.
આ પરિવારનો મૃતદેહ યુ.એસ. બૉર્ડરથી 12 મીટર દૂરથી મળી આવ્યો હતો.
તેમને બૂટ અને ગરમ કપડાં વગેરે પણ પહેરેલાં હતાં, પરંતુ માઇનસ 35 ડિગ્રી ટેમ્પ્રચર સામે તે કામ આવ્યાં નહોતાં.
અગાઉ 2019માં ગુરપ્રીતકોર નામની એક છ વર્ષની બાળકી અમેરિકાના બૉર્ડર સ્ટેટ એરિઝોનાથી ગાયબ થઈ ગઈ હતી.
સીએનએનના એક અહેવાલ પ્રમાણે તે તેમનાં માતા અને એક બહેન સાથે એરિઝોનાથી અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે બૉર્ડર પોલીસને તેમના શરીરના અવશેષો જ મળ્યા હતા.
અમેરિકાના કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શનના 2019ના એક અહેવાલ પ્રમાણે (પાના નંબર ૩૭) ભારત, ક્યુબા અને ઇવાડોર જેવા દેશોમાંથી લોકો નોંધનીય પ્રમાણમાં અમેરિકામાં પ્રવેશે છે.
2019ના સપ્ટેમ્બર મહિના સુધી ભારતથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા આશરે 8000 લોકો હતા. જેમાં દક્ષિણ દિશાથી પ્રવેશ કરતા આશરે 7500 લોકો અને ઉત્તર દિશાથી પ્રવેશ કરતા માત્ર 339 જેટલા લોકો હતા.
એટલે કે ભારતથી પ્રવેશ કરતા મોટા ભાગના લોકો દક્ષિણ અમેરિકાના દેશોથી ગેરકાયદેસર રીતે વધુ જતા હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













