અમેરિકા : એક મહિલા જે જીવના જોખમે ત્રણ વર્ષની બાળકી લઈને બે દેશ અને એક ખતરનાક નદી પાર કરી અમેરિકા પહોંચ્યાં
- લેેખક, માર્ગારેટ રોડ્રીગ્ઝ*
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
"મધરાતે 2:00 વાગ્યે થોડું ઝોકું મને આવી ગયું, એ વખતનાં દૃશ્યો મારી આંખો સામે તાજાં થઈ ગયાં, જેમાં હું નદી પસાર કરી રહી છું અને અચાનક ઝબકીને જાગી ગઈ."
લૉરેના ઉદાસી સાથે કહે છે, "ગઈકાલે જ સૂતાં પહેલાં મારી પુત્રીએ મને કહ્યું હતું: 'મૉમ, હવે નદીમાં પાછું જવું નથી. એવું સાહસ હવે નથી કરવું'."

ઇમેજ સ્રોત, BBC/CECILIA TOMBESI
લૉરેના મૂળ વેનેઝુએલાનાં છે અને તેમની ઓળખ છુપાવવા અહીં નામ બદલવામાં આવ્યું છે. મેક્સિકો અને અમેરિકાની સરહદ વચ્ચેની નદીને પસાર કરવાની જોખમી યાત્રા કરી તે 'એક સાહસ' હતું એવું લૉરેના હંમેશાં પોતાની પુત્રીને સમજાવવાની કોશિશ કરે છે.
"બહુ ભયાનક સ્થિતિ હતી. આવી હાલત થશે તેનો અંદાજ હોત તો મેં એવું જોખમ લીધું જ ના હોત. એક છોકરી ડૂબી ગઈ તે સમાચાર મેં વાંચ્યાં તે પછી મેં વિચાર્યું હતું કે: તારી દીકરી માટે તું કઈ હદ સુધીનું જોખમ લઈશ. તું સ્વાર્થી પિતા જેટલી ખરાબ થઈશ?"
લૉરેના જેવી વાત કરે છે તે સાત વર્ષની છોકરી હતી જે રિયો ગ્રાન્ડે નદી પાર કરતી વખતે ડૂબી ગઈ હતી. તે પણ તેની માતા સાથે વેનેઝુએલાથી નીકળી હતી અને અમેરિકામાં ઘૂસવા માટે રિયો ગ્રાન્ડે નદી પાર કરી રહી હતી.
"લોકો કહેતા કે આ બહુ જોખમી છે. સાચી વાત છે કે જોખમી જ છે. એ કંઈ સોનેરી સફર નથી, કે અમેરિકન સપનુંપણ નથી, પણ તમારું જીવન નદીની વચ્ચે વહી રહ્યું હોય છે."
"હું ક્યારેય ફરી એવી હિંમત નહીં કરું કે કોઈને ભલામણ નહીં કરું. મારી એક સખી પણ આવી રીતે નદીપાર કરવા માગતી હતી, પણ મેં તેને ના પાડી હતી કે પ્રયત્ન જ ના કરીશ."
તે સ્વીકારે છે કે લોકોએ તેને જોખમ હોવાનું જણાવ્યું પણ હતું, પણ ઘણાએ "સારો અનુભવ" થયાની વાત પણ કરેલી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મેં વિચારેલું: ઘણા લોકોએ આવી રીતે પસાર કરી છે તો પછી મને શું વાંધો આવવાનો છે?" આવી રીતે હૈયાધારણ મેળવીને તે જોખમી સફર પર નીકળી પડી હતી.

મધ્યસ્થીનો સંપર્ક

ઇમેજ સ્રોત, BBC/CECILIA TOMBESI
લૉરેના પોતાનો દેશ વેનેઝુએલા છોડીને ઘણાં વર્ષથી નીકળી ગયાં હતાં અને દક્ષિણ અમેરિકાના બીજા એક દેશમાં સ્થિર થયાં હતાં. પરંતુ કોરોનાનું સંકટ આવ્યું અને તેમની નોકરી જતી રહી.
હવે એ દેશમાં રહેવું મુશ્કેલ બન્યું હતું: "લોકો સરહદ પાર કરીને અમેરિકામાં જતા રહે છે એવું મેં સાંભળ્યું હતું."
એક ટ્રાવેલ એજન્સીના માણસે તેમને કહ્યું હતું કે: "હું એક જણને ઓળખું છું જે પોતાની દીકરીને લઈને નદી પાર કરવાનાં છે."
લૉરેનાએ જવાબ આપેલો: "ના, એવું વિચારવું પણ નથી. અહીં વેનેઝુએલામાં જેમ-તેમ નભી જઈશું. સરહદ પાર કરીને શા માટે ઘૂસી જવું? આવું સ્વપ્નામાં પણ ના વિચારું."
તેઓ દીકરીને લઈને ફરી વેનેઝુએલા જતાં રહ્યાં અને ત્યાં એક સગાને ત્યાં આશરો લીધો. તેમનું બદલેલું નામ પાબ્લો રાખીશું, કેમ કે તેમની પણ ઓળખ અમે છતી કરવા માગતા નથી.
"વેનેઝુએલામાં સ્થિતિ સુધરી રહી છે એવું સાંભળ્યું હતું, પણ હું વતનમાં પહોંચી ત્યારે ખબર પડી કે વેનેઝુએલાની સ્થિતિ સુધારા પર નથી."
"કેટલાક લોકો બહુ જ સુખી છે, પણ બાકીના લોકોના માંડ બે ટંકના ભોજનની વ્યવસ્થા કરી શકે છે."
ફરી એક વાર વેનેઝુએલા છોડી દેવાનું વિચારવા લાગી, પણ આ વખતે લૅટિન અમેરિકાના કોઈ દેશમાં રહેવું નહોતું એટલે ક્યાં જવું તે સૂઝતું નહોતું.
પાબ્લો સાથે ચર્ચા કરીને વિચાર્યું કે સૌપ્રથમ તો અમેરિકા જવા માટે કોશિશ કરવી જોઈએ.
"અમે વિચાર્યું કે કોઈ અમેરિકા પહોંચી ગયું હોય તેની સાથે સંપર્ક કરીએ તો કેવું? ઘણા લોકોને સારા અનુભવો થયા હતા એટલે કે તે લોકો સફળતાપૂર્વક પહોંચી ગયા હતા એવા કિસ્સા સાંભળવા મળતા હતા".
"હું એવું વિચારતી કે ગૉડ મને એવી સ્થિતિમાં મૂકશે તો તે પછી મારા ભાગ્યમાં લખ્યું જ હશે. આવા સંજોગોમા નસીબના સહારે જ રહેવું પડે."
આ રીતે હવે "કૉન્ટેક્ટ્સ", "દોસ્તના કોઈ દોસ્ત", "કોઈના પિતરાઈ" એવી રીતે જુદા-જુદા લોકો સાથે મૅસેજથી વાતચીત થવા લાગી અને એ રીતે "છએક જણાનો સંપર્ક થયો હતો". આમાંના મોટા ભાગના સંપર્કો વેનેઝુએલા કે મેક્સિકોના નાગરિકો જ હતા.
જોકે પાબ્લોને આમાંથી કોઈ પર ભરોસો બેસતો નહોતો. "તેમણે કહ્યું કે આ લોકો પર ભરોસો બેસતો નથી. આખરે તેમણે એક મહિલાની મદદ કરવાની ભલામણ કરી, કેમ કે તે મહિલા હતી એટલે વાંધો નહોતો."
તે મહિલાની મદદથી આખી ટ્રિપનું આયોજન કરવાનું હતું અને કેવી રીતે આગળ વધવું, દરેક તબક્કે શું કરવું, પકડાઈએ ત્યારે શું કહેવું વગેરે વિચારવાનું શરૂ કર્યું.

સફરની શરૂઆત

ઇમેજ સ્રોત, JOHN MOORE/GETTY IMAGES
લૉરેના વેનેઝુએલાથી વિમાનમાં મધ્ય અમેરિકાના એક દેશ પહોંચ્યાં અને ત્યાંથી બીજું વિમાન પકડીને મેક્સિકો સિટી પહોંચ્યાં.
ઍરપૉર્ટ પર મેક્સિકોના એક નાગરિકનો આમંત્રણપત્ર રજૂ કરાયો અને હોટેલમાં રિઝર્વેશન થઈ ગયું છે તે પણ જણાવાયું.
આ વર્ષની 6 જાન્યુઆરીએ મેક્સિકોની સરકારે નવો નિયમ જાહેર કર્યો છે કે વેનેઝુએલાના નાગરિક પ્રવાસી તરીકે આવવા માગતા હોય તો તેમણે પહેલાં વીઝા લેવા પડશે. 21 જાન્યુઆરીથી તે નિયમ લાગુ પડ્યો હતો, પણ તે પહેલાં જ લૉરેના મેક્સિકોમાં દાખલ થઈ ગયાં હતાં.
"તે લોકોએ અમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, ઇમિગ્રેશનના બધા પ્રોટોકૉલ પ્રમાણે આખરે અમને મેક્સિકોમાં પ્રવેશ આપી દેવાયો."
"અમે ઍરપૉર્ટની બહાર નીકળ્યાં ત્યારે અમારા ફોટા સાથે એક છોકરો બહાર ઊભો હતો. મદદ કરી રહેલાં પેલાં મહિલાએ તેને મોકલ્યો હતો. તેણે કહ્યું કે 'હું તમને હોટેલ પહોંચાડી દઈશ' અને એ રીતે અમે તેની સાથે ગયાં."
મદદકર્તાને તમારે છેલ્લો ફોટો મોકલવાનો હોય એટલે તેમને કેવાં વસ્ત્રોમાં તમે સજ્જ છો તેની ખબર પડે.

ઇમેજ સ્રોત, Getty Images
"મેં જોયું કે આ બહુ મોટું નેટવર્ક છે. તમે જેમની સાથે વાત કરો, જેમને પૈસા ચૂકવો એ બધાને તમારી સંપર્કની વ્યક્તિ સાથે કંઈ લાગતુંવળગતું હોતું નથી."
"સબકૉન્ટ્રેક્ટરોના નેટવર્ક જેવું આ છે, જે સરહદ પર કામ કરતી કાર્ટેલ માટે કામ કરે છે. એ કાર્ટેલના લોકો જ આખરે તમને સરહદની પાર ઘૂસાડી દેતા હોય છે."
મેક્સિકોમાં જેમનો સંપર્ક થયો તેમણે એક ચિપ અને સીમકાર્ડ આપ્યું જેથી સંપર્ક સાથે વાતચીત થઈ શકે. હોટેલમાં તેમને બીજો એક માણસ મળ્યો. તેમણે પાબ્લોને કહ્યું કે લૉરેના અને તેમની દીકરીને અહીં છોડી દો અને તમે મારી સાથે આવો.
પાબ્લો જઈને એજન્ટ તરીકે કામ કરનાર મહિલાને મળી આવ્યા, જેથી તેમને ચૂકવણી થઈ જાય અને આગળ શું કરવાનું છે તે સમજી લેવામાં આવે.

"કોઈ સાથે વાતચીત કરવાની નહીં"

ઇમેજ સ્રોત, SERGIO FLORES/AFP VIA GETTY IMAGES
બીજા દિવસે તે લોકો અમેરિકાની સરહદના એક શહેર જવા માટે નીકળ્યાં. શહેરમાં પહોંચ્યાં પછી એક ટૅક્સી લઈને હોટેલ પર પહોંચ્યા, જ્યાં તેમને જણાવાયું કે અહીં તમે રાહ જુઓ.
"તે લોકોએ પ્રથમ સૂચના એ આપી કે કોઈની સાથે કશી વાતચીત કરવાની નથી. અમે બહુ થાકી ગયાં હતાં એટલે દીકરીને નવરાવી અને હું પણ નાહીધોઈને સ્વચ્છ થઈને ઊંઘી ગઈ."
થોડી વાર પછી ફોન વાગ્યો: બહુ રૂક્ષ અવાજમાં કોઈએ કહ્યું "તૈયાર થઈ જાવ, તમારે સરહદ પાર કરી લેવાની છે." આ સાંભળીને "અમે બહુ નર્વસ થઈ ગયાં હતાં."
એક જગ્યાએ પહોંચવા જણાવાયું અને ત્યાં સુધી પગપાળા કેવી રીતે જવું તે સમજાવામાં આવ્યું.
"તમને લાગે કે તમે કોઈ ઉજ્જડ જગ્યામાં પહોંચી ગયાં છો."
ત્યાં એક માણસ મળ્યો તેણે કહ્યું: "અહીં રાહ જુઓ, થોડી જમી લો અને કોઈની સાથે કશી વાતચીત કરશો નહીં."
દીકરી કંટાળીને રમવા માગતી હતી એટલે તેણે થેલામાં ખાંખાંખોળાં શરૂ કર્યાં. તેમાં વસ્ત્રો, ખાવાનું, ડાયપર, દવા બધું ભર્યું હતું, તેમાંથી રમકડું તે શોધવા લાગી.
રમકડું મળ્યું નહીં એટલે એક ખરીદવું પડ્યું અને સાથે જ દુકાનમાંથી ટોપીઓ અને ગ્લોવ્ઝ પણ ખરીદી લીધા, કેમ કે રાત્રે બહુ ઠંડી પડશે એવું તેમને જણાવાયું હતું.
બીજા કોઈએ તેમનો સંપર્ક કરીને કહ્યું કે, "તમે બસ સ્ટૉપ પર ઊભા રહેજો, પણ કોઈની સાથે વાત કરશો નહીં."
તે પછી મૅસેજ આવ્યો: "બસમાં બેસી જાવ. કોઈની સાથે વાતચીત કરવી નહીં."

નદી કિનારે

ઇમેજ સ્રોત, Reuters
"રાત પડવા લાગી હતી અને ઠંડી વધી રહી હતી. દીકરી અકળાવા લાગી હતી અને હું પણ થાકી હતી, પણ બરાબર સજાગ રહેવા કોશિશ કરી રહી હતી. વૉટ્સઅપ પર સતત સૂચનાઓ મળતી હતી."
"અમને બોલવાની મનાઈ હતી, કેમ કે વેનેઝુએલાનો લહેકો પકડાઈ જાય. મારી દીકરી કંટાળી હતી અને રમવા માગતી હતી."
સેલ ફોન પર સૂચના મળી એટલે બસમાંથી ઊતરી ગયાં અને ત્યાં એક મેક્સિકન તેમની રાહ જોઈને ઊભો હતો. તેણે કહ્યું "તમારે એક નાનકડી નદી પાર કરીને સામે કાંઠે જવાનું છે."
પાબ્લોએ કહ્યું કે ના અમે નદીમાં જોખમ લેવાં માગતાં નથી. પાબ્લોએ પહેલેથી જ કહ્યું હતું કે "અમારે નદી રસ્તે જવું નથી."
આખરે પાબ્લોએ કહ્યું કે, "બીજો કોઈ રસ્તો ના હોય તો પછી બોટ કે રાફ્ટ એવી કોઈ વ્યવસ્થા કરો." પણ બોટથી નદી પાર કરવા માટે મોટી રકમ ચૂકવવી પડે તેમ હતી.
"અમે અંધારિયામાં એક ટેકરી પર ચડતાં રહ્યાં અને ઝાડીઓ પણ ગીચ હતી. અમે વાતચીત પણ કરી શકીએ તેમ નહોતાં."
નદી કિનારે પહોંચીને તેમણે રાહ જોવી પડી કે રાફ્ટ આવે, પણ "એ રાફ્ટ આવી ત્યારે તે કોઈ રમકડાં જેવી તકલાદી લાગતી હતી."
"અમે તેના પર બેઠાં તો ડૂબી ગઈ અને અંદર પાણી ભરાવા લાગ્યું. હું દીકરીને તેડીને કૂદી પડી અને કાદવમાં ફસાઈ ગઈ."
"પેલાને લાગ્યું કે અમે બહુ ગભરાયા છીએ એટલે અમને કહ્યું કે જલદી છુપાઈ જાવ કોઈ આવી જશે. જોકે બાદમાં અમને ખબર પડી હતી કે તે ખોટો અમને ગભરાવી રહ્યો હતો."
"અમે ઝાડીઓમાં છુપાઈ ગયાં અને ચૂપચાપ બેઠાં રહ્યાં. કલ્પના કરો કે ત્રણ વર્ષની દીકરીને ચૂપ કેમ રાખવી. કલ્પના કરો કે અમે તેને કેમ સમજાવી હશે કે આપણે એક ઍડવેન્ચર માટે નીકળ્યાં છીએ અને તેમાં મજા આવશે, પણ આપણે છુપાઈને રહેવાનું છે અને કશું બોલવાનું નથી."
"આ રીતે એક કલાક ગયો ત્યારે મને થયું કે આ લોકો અમને તરછોડીને જતા ના રહે. બહુ અંધારું હતું, પણ અમે ફ્લૅશલાઇટ પણ કરી શકીએ તેમ નહોતાં."
થોડે દૂર જઈને રાત રહી શકાય તેવી જગ્યા શોધવાનું વિચાર્યું, પણ પછી લાગ્યું કે અહીં જ છુપાઈ રહેવામાં સલામતી છે.

"મારે આમાં સફર નથી કરવી"

ઇમેજ સ્રોત, KATIE MCTIERNAN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
અડધા કલાક પછી બીજી વ્યક્તિ આવી, પણ તે એની એ જ રાફ્ટ લઈને આવ્યો હતો. "મારી દીકરી તેમાં બેસવા માગતી નહોતી. તે કહેતી હતી કે મૉમ આ ડૂબી જશે. મારે એમાં નથી બેસવું. મારે ત્યાં નથી જવું".
"મેં તેને સમજાવવા કોશિશ કરી કે બેટા આ ડૂબશે નહીં." અમે બંને બેઠા પણ તે પછી પાબ્લો બેસવા ગયો કે ફરીથી તે ડૂબવા લાગી.
પેલાએ કહ્યું કે ગમે તેમ કરીને બેસી જાવ, કેમ કે હવે સમય બગાડવો પાલવે તેમ નથી.
"મારી દીકરી રડવા જેવી થઈ ગઈ હતી અને હું પણ પ્રાર્થના કરવા લાગી હતી. રાફ્ટ ચલાવી રહેલા માણસે ધમકાવતા કહ્યું 'ચૂપ થઈ જા'".
"મેં પણ દીકરીને સમજાવી: 'બધું બરાબર થઈ જશે. તે આપણા સારા માટે કહે છે. તું ચૂપ થઈ જા'".
"તે પેડલથી રાફ્ટ ચલાવતો હતો, પણ તેના કારણે પાણી ઊડીને રાફ્ટ પર આવતું હતું. પાણી ઠંડુંગાર હતું. અમે સામા કિનારે પહોંચવામાં જ હતા, પણ નદીના પ્રવાહને કારણે રાફ્ટ પાછી પડી."
"પેલો માણસ ચિડાયો અને કહેવા લાગ્યો કે પેલી ડાળીઓ પકડી લો. નદીમાં ઉગેલી વનસ્પતિની ડાળીઓ પકડી લેવા માટે તે કહેતો હતો, પણ તેને પકડીએ તો તે હાથમાં આવી જતી."
"હું કહેવા લાગે કે ઓહ ગૉડ, મેં કશું ખરાબ કર્યું નથી. આવું શા માટે. હું વિચારવા લાગી કે આવી કફોડી સ્થિતિ થવાની છે તેની ખબર હોત તો આવત જ નહીં."
"મને થયું કે હવે બચીશું નહીં. કાંતો ઠંડીમાં થીજી જઈશું કે ડૂબીને મરી જઈશું. તરીને આમાંથી બહાર નીકળી શકીશું નહીં. કોવિડ વચ્ચે આવી જોખમી સવારી કરી હતી."
"બહુ ભયાનક સ્થિતિ હતી, કેમ કે અમે જીવન મરણ વચ્ચે જ ઝોલાં ખાઈ રહ્યાં હતાં."

"મૉમ, રડીશ નહીં"

ઇમેજ સ્રોત, KATIE MCTIERNAN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
તેની આંખમાં આંસુ આવી ગયા હતા, પણ દીકરીને સમજાવવા કહ્યું, "આપણે ઍડવેન્ચર પર નીકળ્યાં છીએ, તને ખબર છે ને આપણે ચૂપ રહેવાનું છે."
"તે મૌન જ રહી પણ પછી મને કહ્યું: 'મૉમ, તું ચિતા ના કરીશું, રડીશ નહીં. આપણે ત્યાં પહોંચી જઈશું. આ તો એક ઍડવેન્ચર છે.'
લૉરેના કહે છે, "નદી બહુ ઊંડી અને પહોળી હતી અને બહુ લાંબી પણ." કઈ નદી હતી એ ખબર છે એવું પૂછ્યું ત્યારે લૉરેનાએ કહ્યું કે ના પાકી ખબર નથી.
મેક્સિકોના ઉત્તરમાં ત્રણ નદીઓ છે: રિયો ગ્રાન્ડે, કોલોરાડો અને તિજુઆના નદી.
મેક્સિકો અને અમેરિકા વચ્ચેની સરહદ 3,100 કિલોમિટર જેટલી છે, જેમાં અમેરિકાનાં ચાર રાજ્યો પડે છે, જ્યારે મેક્સિકો બાજુ છ રાજ્યો છે.
અંધારામાં આસપાસનું કશું દેખાતું પણ નહોતું એમ લૉરેના કહે છે, "એ સફર બહુ જ ખતરનાક બની જાય છે. આખરે અમે નદીના કિનારે ઊતર્યાં ત્યારે માન્યામાં જ નહોતું આવતું કે બચી ગયાં."
ગાઈડ તેમને ત્યાં ઉતારીને ઝડપથી પરત રવાના થઈ ગયો.
"મારી દીકરી બહુ ડાહી થઈ ગઈ હતી. અમે કિનારે ઊતર્યાં એટલે તે ખુશ થઈ ગઈ હતી. માટીમાં રમવા લાગી, પથ્થરો એકઠા કરીને ખુશ થવા લાગી અને કહેવા લાગી કે: 'મમ્મી, આપણે પહોંચી ગયાં. તેને સાંભળીને મને પણ હૈયાધારણ મળી."

સરહદને પાર

ઇમેજ સ્રોત, FREDERIC J. BROWN/AFP VIA GETTY IMAGES
તે લોકો ભીંજાઈ ગયા હતા. લૉરેના કહે છે કે, "મેં દીકરીનાં કપડાં બદલ્યાં અને અમે આગળ ચાલવાં લાગ્યાં."
આગળ પેટ્રોલ પાર્ટી જોઈ ત્યારે લાગ્યું કે આ "મેક્સિકન મિગ્રા" હશે અને તેમને પાછા મોકલી દેશે. હકીકતમાં તેઓ સરહદ પાર પહોંચી ગયાં હતાં અને અમેરિકાની ધરતી પર હતાં. તે બાજુની સેનાની ટુકડી હતી.
"હું રડવા લાગી હતી અને મારી દીકરી મને શાંત પાડવાની કોશિશ કરી હતી. તે કહેતી હતી કે મૉમ, ઍડવેન્ચર પૂરું થઈ ગયું છે."
"અમે તેમને સમજાવ્યું કે પેલા લોકો અમને તરછોડીને જતા રહ્યા છે. અમને એક માણસ ટેકરી પર છોડી ગયો હતો."
"અધિકારીઓએ અમારી સાથે સારું વર્તન કર્યું હતું. તે લોકો અમને આશ્રયસ્થાને લઈ ગયા અને સારી રીતે સ્વાગત કર્યું હતું. અમને ભોજન આપ્યું અને જરૂરી વસ્તુઓ પણ આપી."
મા-દીકરીને બીજા એક વિભાગમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બીજી મહિલાઓ તેમનાં બાળકો સાથે હતી. પાબ્લોને પુરુષો માટેના ઇમિગ્રન્ટ રિસેપ્શન સેન્ટરમાં મોકલી દેવાયા.
"મારી દીકરી ત્યાં બીજી મહિલાઓને કહેતી હતી: 'અમે ઍડવેન્ચર પર નીકળ્યાં હતાં અને નદીમાં હતાં. અમે તો ડૂબી જવાનાં હતાં.'"

"અમારાથી પણ યાતનામય વીતકકથાઓ"

ઇમેજ સ્રોત, SERGIO FLORES
વેનેઝુએલાથી તે લોકો નીકળ્યાં તે પછી વિમાનની ટિકિટો, હોટેલમાં રહેવાનો ખર્ચ, એજન્ટોને કરેલી ચુકવણી અને બીજા ખર્ચા સહિત ત્રણ જણ માટેના 10,000 ડૉલરનો ખર્ચ થયો હતો.
પોતાને થયો તેવો અનુભવ બધાને નથી થતો એમ તેઓ કહે છે.
"કેટલીક વેનેઝુએલન મહિલાઓએ રણમાં એક કલાક કે દોઢ કલાક સુધી ચાલવું પડ્યું હતું. કેટલાકને માત્ર પંદર મિનિટ ચાલવું પડ્યું હતું."
"કેટલાકે કહ્યું કે એજન્ટ તેમને સરહદની દીવાલ સુધી મૂકી ગયા હતા. કેટલાકની સાથે સશસ્ત્ર એજન્ટો રહેતા હતા."
"તે લોકો સુરક્ષિત યાત્રા કરાવતા અને પાણી પણ પૂરું પાડતા. કેટલાકને ખાનગી વાહનોમાં સરહદ પાર કરાવી દેવાય છે. દરેકના અનુભવ જુદા-જુદા હોય છે. હું રડમસ ચહેરે આશ્રયસ્થાને પહોંચી હતી, પણ ત્યાં તમે અનેકને મળો જેમને તમારા કરતાંય ખરાબ અનુભવો થયા હોય."
"કેટલાય લોકો જંગલમાં થઈને આવ્યા હતા. કેટલાક લોકો પનામાથી આવ્યા હતા, હાઇવે પર બસમાં બેસીને પણ આવ્યા હતા."
"મને એક મહિલા મળી જેના પતિની જંગલમાં જ હત્યા થઈ ગઈ હતી અને એક મહિલા પર બળાત્કાર થયો હતો."

ઇમેજ સ્રોત, Joe Raedle
"કેટલીક વાતો તો લોકો તમને જણાવે પણ નહીં. બહુ ખતરનાક અનુભવો તમને સાંભળવા મળે. કેટલાક લોકોના નખ ઊખડી ગયા હોય, કેમ કે ભાંખોડિયા ભરીને ચાલ્યા હોય અને ઝાડીઓ પકડી પકડીને જંગલમાંથી નીકળ્યા હોય."
"મને વિચાર આવેલો કે એવી તો કેવી મજબૂરી કે લોકો આ રીતે જીવનું જોખમ લે છે. આપણે એજન્ટોની ટોળકી પર ભરોસો કરીએ, પણ તેમને કંઈ પડી ના હોય. તેમને પૈસા દો પણ તમારી હેસિયત કંઈ ના હોય, કચરા જેવી હોય."
"એક વાર તમે સરહદ પાર કરવાં નીકળો પછી પાછા પણ ના જઈ શકો. બીજું તમે કરો પણ શું?. હું વિચારું છું નદીમાં મારા બચવાના 50 ટકા ચાન્સ હતા, પણ બીજા 50 ટકામાં મારે મારી દીકરી સાથે બચી જવાનું હતું."
"એ જગ્યાએ કોઈ તમને સહારો આપનારું ના હોય. તમને મારી નાખે તોય કોઈને ખબર ના પડે. બે દેશોની સરહદ વચ્ચે તમે હો ત્યારે તમે ક્યાંનાય નથી હોતા."
"પાડ ભગવાનનો કે મને બીજું જીવન આપ્યું."
લૉરેના ફરી એક વાર ભારપૂર્વક કહે છે:
"હું ક્યારેય કોઈને નહીં કહું કે આવું જોખમ લેજો."
* સંપાદન: તમારા ગીલ
ઇલસ્ટ્રેશન્સ: સિસિલિયા ટોમ્બેસી
(મૂળ લેખ બીબીસી મુંડો સેવામાં પ્રકાશિત થયો હતો.)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













