શ્રીલંકા સંકટ : એ યુદ્ધ જેણે ભારતના 1200 જવાનનો ભોગ લીધો

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા

- 1985માં વિદ્રોહી સંગઠન એલટીટીઈ અને ભારતીય સૈનિકો વચ્ચે થયું હતું યુદ્ધ
- એલટીટીઈને નિઃશસ્ત્ર કરવા અને શાંતિની સ્થાપના માટે ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ ગઈ હતી શ્રીલંકા
- બીબીસીએ આ લશ્કરી ઝુંબેશ બાબતે નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ સાથે ખાસ વાતચીત કરી હતી

શ્રીલંકા હાલમાં તેના ઇતિહાસની સૌથી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવા જઈ રહ્યા છે.
લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો છે અને વડા પ્રધાનના અંગત નિવાસસ્થાનને આગને હવાલે કરી દીધી છે.
ત્યારે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો હતી કે ભારત શ્રીલંકા સંકટમાં મદદ કરવા માટે સૈનિકો મોકલશે. આ અંગે અહેવાલો પણ પ્રકાશિત થયા હતા.
જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, શ્રીલંકાસ્થિત ભારતીય હાઇકમિશને આ અહેવાલોને ફગાવ્યા છે અને શ્રીલંકાની ધરતી પર એક પણ ભારતીય સૈનિકને ન મોકલ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.
ત્યારે 1985માં વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ એલમ (એલટીટીઈ) અને ભારતીય સૈનિકો વચ્ચે શ્રીલંકાની ધરતી પર ઘમસાણ મચ્યું હતું. જેમાં ભારતના 1200 સૈનિકો માર્યા ગયા હતા.
'તામિલ ટાઇગર્સ' સાથેના યુદ્ધવિરામ પર નજર રાખવા માટે 1987માં ભારતે શાંતિરક્ષક દળ શ્રીલંકા મોકલવાનો નિર્ણય કર્યો હતો, જે ટૂંક સમયમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની ક્રૂર લડાઈમાં પરિણમ્યો હતો.
એ ઘટનાનાં 30થી પણ વધુ વર્ષ બાદ બીબીસીના વિનીત ખરેએ આ લશ્કરી ઝુંબેશ બાબતે નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ સાથે વાત કરી હતી.
મેજર જનરલ શેઓનાન સિંહ એ વખતે શ્રીલંકામાં ફરજ બજાવી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીલંકન સૈન્યના જવાનો અમને દૂરથી જોઈ રહ્યા હતા ત્યારે જાફનાના પલાલી ઍરબૅઝની લીલોતરી પર નજર ફેરવતા મેજર જનરલ શેઓનાન સિંહે કહ્યું હતું કે 'હું પાછો ફરીશ એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું.'
1987માં તેમને અને બીજા હજારો સૈનિકોને મોટા વિમાનમાંથી જે સ્થળે ઉતારવામાં આવ્યા હતા એ સ્થળ પરની વાડ પર નજર ઠેરવતા તેમણે કહ્યું હતું, "આખો વિસ્તાર બદલાયેલો લાગે છે. નવા દરવાજાઓ, કાંટાળી વાડ ઉપરાંત બાંધકામ પણ કરવામાં આવ્યું છે."
લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઇલમ(એલટીટીઈ)ને નિઃશસ્ત્ર કરવા અને શાંતિની સ્થાપના માટે ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ(આઈપીકેએફ) શ્રીલંકા આવી હતી.
જોકે, થોડાં અઠવાડિયાંમાં જ આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. જેમાં ભારતે લગભગ 1,200 જવાનો ગુમાવ્યા હતા.

'અમારી હાજરીને જુદી રીતે લેવામાં આવી'

ઇમેજ સ્રોત, Surender Sangwan
આઈપીકેએફના જવાનોની સ્મૃતિ અર્થે ઍરબૅઝ પર એક સ્મારક રચવામાં આવ્યું છે. મેજર જનરલ શેઓનાન સિંહે આઈપીકેએફના મિશનમાં 32 મહિના ફરજ બજાવી હતી.
એ દિવસો યાદ કરતા તેમણે કહ્યું હતું કે ''અમે અહીં આવ્યા ત્યારે શ્રીલંકાના સૈન્યે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. તેમણે એવું ધારેલું કે અમે આક્રમણ કરવા આવ્યા છીએ."
"અમે તેમની સાથે હાથ મિલાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે અમે અહીં શાંતિની સ્થાપના માટે આવ્યા છીએ."
તેમના જણાવ્યા અનુસાર અભિયાન દરમિયાન ભાવિ જોખમો બાબતે ભારતીય દળોને કોઈ માહિતી આપવામાં આવી નહોતી. ભારતીય દળો પાસે કોઈ નકશો ન હતો કે કોઈ ગુપ્તચર માહિતી પણ નહોતી.
એન. પરમેશ્વરન 1987માં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.
તેમણે કહ્યું હતું, ''આઈપીકેએફ આવી ત્યારે શ્રીલંકાના તામિલોએ તેમને તારણહાર ગણી હતી. તેમને આવકારવામાં આવી હતી. લોકો એવું માનતા હતા કે આઈપીકેએફ તેમને શ્રીલંકન સૈન્યથી મુક્તિ અપાવશે.''
ઉત્તર શ્રીલંકામાં દેશનો લઘુમતી તામિલ સમુદાય ખુદને મુખ્યધારાના સિંહાલા સમાજથી વિખૂટો પડી ગયો હોવાનું માને છે.

'આંતરવિગ્રહથી ભારતમાં ચિંતા'

શ્રીલંકા સરકારે એક કાયદો પસાર કરીને માત્ર સિંહાલીને સત્તાવાર ભાષા બનાવી હતી. તેને કારણે સરકારી ક્ષેત્રોના તામિલ કર્મચારીઓના દરજ્જા અને આજીવિકા પર જોખમ સર્જાયું હતું.
1983માં આખા શ્રીલંકામાં થયેલાં હુલ્લડો ફાટી નીકળ્યા હતા અને અંદાજે 3,000 તમિલોનાં મૃત્યુ થયાં હતાં. એ તોફાનોમાં તામિલો વિરુદ્ધ હિંસા પણ આચરવામાં આવી હતી.
એ આંતરવિગ્રહને કારણે ભારતમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં વસતા તામિલ લોકો એલટીટીઈના સ્વતંત્ર રાષ્ટ્રના સ્વપ્ન પરત્વે સહાનુભૂતિ ધરાવતા હતા.
ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જે. આર. જયવર્દને વચ્ચે ઉપરોક્ત સંદર્ભે ભારતીય સૈનિકોને શ્રીલંકામાં ગોઠવવાના કરાર થયા હતા.
સરકારના સભ્યો સહિતના અનેક શ્રીલંકનો આ કરારથી નાખુશ હતા, કારણ કે તેઓ આ કરારને નાના પાડોશી દેશના આંતરિક મામલામાં મોટા દેશની દખલગીરી ગણતા હતા.
આગમન પછી આઈપીકેએફના સૈનિકો શ્રીલંકામાં ફેલાઈ ગયા હતા અને ઉત્તરમાં તેઓ શ્રીલંકાના સૈન્યના સ્થાને ગોઠવાઈ ગયા હતા.
આઈપીકેએફના ઘણા લોકો માનતા હતા કે શાંતિઅભિયાનથી તામિલોને મદદ મળશે. યુદ્ધનો તો તેમણે વિચાર સુદ્ધાં કર્યો નહોતો.
સસ્તી વિદેશી ઈલેક્ટ્રૉનિક આઇટમોની ઢગલાબંધ ખરીદી તેઓ કરતા હોવાની અનેક કથાઓ સાંભળવા મળતી હતી.

'ભારતે એલટીટીઈને તાલીમ આપી હતી'

ઇમેજ સ્રોત, Surender Sangwan
શેઓનાન સિંહે કહ્યું, "આર્ટિલરી યુનિટ સહિતના અમારા ઘણા યુનિટો દારૂગોળા વિના અહીં આવ્યા હતા, કારણ કે શાંતિઅભિયાનમાં દારૂગોળાની જરૂર નહીં પડે એવું અમે વિચાર્યું હતું."
"પ્રારંભે આઈપીકેએફ અને એલટીટીઈ વચ્ચે સારો સંબંધ હતો. ભારતે એલટીટીઈના લડવૈયાઓને વર્ષો સુધી તાલીમ આપી હતી. "
"આપણી એજન્સીઓ દ્વારા તાલીમ પામેલા હોવાને કારણે એલટીટીઈના ઘણા લડવૈયાઓને અમે જાણતા હતા. એલટીટીઈના લડવૈયાઓ અમારી લશ્કરી છાવણીની મુલાકાતે આવતા હતા. જેના કારણે બાદમાં અમારા પર આક્રમણ કરતી વખતે તેમને ભારતીય સૈનિકોને ક્યાં ગોઠવવામાં આવ્યા છે તેની તેમને ખબર હતી. "
એલટીટીઈ પાસે અત્યાધુનિક શસ્ત્રો અને સંચારનાં સાધનો હતાં.
શેઓનાન સિંહે કહ્યું હતું કે "તેમની પાસે અમારાં કરતાં ચઢિયાતાં શસ્ત્રો હતાં. અમે અમારાં શસ્ત્રો છુપાવી રાખતાં હતાં. જેથી તેઓ અમારી મશ્કરી ન કરે."
"અમારી પાસે 10-15 કિલોમીટરની રેન્જના રેડિયો સેટ હતા, જ્યારે તેમની પાસે 40-45 કિલોમીટરની રેન્જના રેડિયો સેટ હતા."

લડાઈનો આરંભ

ઇમેજ સ્રોત, Surender Sangwan
જોકે, આ દરમિયાન એલટીટીઈએ શસ્ત્રો હેઠાં મૂકવાનો ઈનકાર કર્યો ત્યારથી વાત વણસી હતી.
આઈપીકેએફ ધીમે-ધીમે એલટીટીઈ સાથે ગેરિલા યુદ્ધમાં સપડાઈ હતી અને એલટીટીઈની બહુમતીવાળા જાફના વિસ્તાર કબજે કરવા માટે ઑક્ટોબર, 1987માં મિશન શરૂ કરાયું હતું.
આઈપીકેએફને પલાલી ઍરબૅઝ હેડક્વાર્ટરથી અમુક કિલોમિટર દૂર આવેલા જાફના યુનિવર્સિટી ગ્રાઉન્ડથી આક્રમણ શરૂ કરવાનું હતું.
એ પછી મેજર શેઓનાન અને તેમના સાથીઓને આગામી હુમલાઓ માટે જગ્યાની વ્યવસ્થા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
એ મેદાનમાં આજે લીલોતરી છે અને ત્યાં રમતગમત માટેની સુવિધા પણ છે.
શેઓનાન સિંહે કહ્યું હતું કે "વર્ષ પહેલાં અહીં જંગલ હતું. આ જગ્યામાંથી ઝાડીઝાંખરા અને વૃક્ષો દૂર કરવામાં આવ્યાં હતાં."

એલટીટીએ ત્રણ બાજુથી ઘેરીને હુમલો કર્યો

આઈપીકેએફ દ્વારા કરવામાં આવનારા આક્રમણની માહિતી એલટીટીઈને મળી ગઈ હતી અને તેમણે આઈપીકેએફ પર ત્રણ બાજુએથી હુમલો કર્યો હતો.
દૂર આવેલી એક બિલ્ડિંગ તરફ આંગળી ચીંધીને શેઓનાન સિંહે કહ્યું હતું કે "પાણીની ટાંકી પાછળની પેલી બિલ્ડિંગમાંથી અમારા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો."
વધારે ભારતીય સૈનિકો આ ઘટનામાં જોડાયા એટલે એલટીટીઈનો ગોળીબાર વધુ જોરદાર બન્યો હતો.
મેજર શેઓનાન સિંહ અને તેમના જવાનો નજીકની શેરીઓમાં ચાલ્યા ગયા હતા. તેઓ ત્યાં ઘરોમાં પ્રવેશ્યા હતા અને એ ઘરોમાં રહેતા લોકોને ઓરડામાં પૂરીને એમણે પૉઝિશન સંભાળી હતી.
એ લડાઈ 24 કલાક સુધી ચાલી હતી અને તેમાં આઈપીકેએફના 36 જવાનો માર્યા ગયા હતા.

30 વર્ષ પહેલાંની ઘટનાઓ હજી પણ તાજી

ઇમેજ સ્રોત, Surender Sangwan
જવાનોનાં મોત જ્યાં થયાં હતાં એ સ્થળ દેખાડતા મેજર શેઓનાન સિંહે કહ્યું હતું કે "ગોળીબારમાં સૌથી પહેલાં મારા જવાન લક્ષ્મીચંદનું મોત થયું હતું. શ્રીલંકાનું સૈન્ય હેલિકૉપ્ટરમાંથી ગોળીબાર કરીને અમને ટેકો આપતું હતું."
"અમે જે ઘરમાં હતા એ ઘર પર ફેંકવામાં આવેલા બૉમ્બને કારણે ઉમેશ પાંડે શહીદ થયો હતો. ગંગારામે ગોળીબારમાં તેના બન્ને પગ ગૂમાવ્યા હતા અને લોહી નીતરતી હાલતમાં મૃત્યુ પામ્યો હતો. "
ગોળીઓના નિશાનવાળો એક ઘરનો દરવાજો અમને જોવા મળ્યો હતો, જે એ દિવસે ખેલાયેલા જોરદાર યુદ્ધની યાદ અપાવતો હતો.
અમે જાફના તથા તેની આસપાસના પરિસરમાં ફર્યાં અને મેજર જનરલ શેઓનાન સિંહની સ્મૃતિથી આશ્ચર્યચકિત થયા વિના રહી ન શક્યા.
સમગ્ર પ્રદેશની ભૂગોળ, સશસ્ત્ર તામિલ જૂથોની વ્યક્તિઓનાં નામો, એલટીટીઈના નેતાઓ સાથેની વાતચીત એમ બધું તેમની સ્મૃતિમાં તાજું હતું.
પોતાના પૂર્વ સાથીઓ સાથે શૅર કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો લીધાં ત્યારે તેઓ પોરસાતા હતા.
તેમણે કહ્યું હતું કે "30 વર્ષ પહેલાં આપણે આ બાબત પર ધ્યાન આપવું જોઈતું હતું."

માનવાધિકારોનું ઉલ્લંઘન

ઇમેજ સ્રોત, Surender Sangwan
શ્રીલંકામાં ભારતીય દળોની હાજરીની એક કાળી બાજુ પણ છે.
ભારતીય સૈનિકોએ શ્રીલંકામાં બળાત્કાર, જુલમ અને હત્યાઓ કરી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સૌથી વધુ ભયાનક ઘટનાઓ પૈકીની એક જાફના હૉસ્પિટલમાં 1987ની 21 ઑક્ટોબરે ઘટી હતી.
તામિલ માનવાધિકાર કર્મશીલો કહે છે કે વળતો હુમલો કરાવવા માટે એલટીટીઈના ચાર કે પાંચ લડવૈયાઓએ હૉસ્પિટલમાં ભારતીય સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.
આ પ્રકારના હુમલા પછી સ્થાનિક લોકો સાથે આસાનીથી ભળી જતા એલટીટીઈના લડવૈયાઓની ઓળખ માટે ભારતીય સૈનિકોએ પ્રયાસ કર્યા હોવાનું અહીંના ઘણા લોકોએ જણાવ્યું હતું.
એલટીટીઈના હુમલાના જવાબમાં ભારતીય સૈનિકોએ જોરદાર વળતો હુમલો કર્યો હતો, જેમાં ડૉક્ટરો, નર્સો અને દરર્દીઓ સહિત અંદાજે 60 લોકોનાં મોત થયાં હતાં.

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની તસવીરો હૉસ્પિટલની દીવાલ પર પ્રદર્શિત કરાઈ હતી. ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં કામ કરતા એ. દેવેન્દ્રમને અમે મળ્યા હતા.
સાંકડી પરસાળમાં એક ઓરડા તરફ આંગળી ચીંધતાં તેમણે કહ્યું હતું, "હું ભાગીને એ રૂમમાં ગયો હતો અને તેમાંથી 24 કલાક સુધી બહાર નહોતો નીકળ્યો."
તેમણે કહ્યું હતું કે "મને ગોળીબારનો અવાજ અને પાણી માટેનો અન્ય કર્મચારીઓનો પોકાર સંભળાતો હતો, પણ તેમને ઠાર મારવામાં આવ્યા હતા. "
"મેં એક પુરુષને જોયો હતો. એ શીખ હતો. તેમણે પાઘડી અને ભારતીય સૈન્યના યુનિફોર્મ પહેર્યાં હતાં.''
એ ઘટનામાં મૃત્યુ પામેલા પોતાના કેટલાક સાથીઓને સંભારતાં એ. દેવેન્દ્રમ ભાંગી પડ્યા હતા.

'મૃતદેહોના ઢગલા નીચે છુપાયો'

ઍનેસ્થેટિસ્ટ ડો. ગણેશમૂર્તિ ઘટનાના ત્રણ દિવસ બાદ હૉસ્પિટલે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે "હું હૉસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ત્યાં સડેલા લોહીની વાસ આવતી હતી."
હુમલામાંથી બચી ગયેલા ડૉક્ટરોએ તેમને જણાવ્યું હતું કે હુમલામાંથી બચવા માટે તેમના પૈકીના કેટલાક મૃતદેહો નીચે છુપાઈ ગયા હતા. તેમણે જરાક હિલચાલ કે ઊંહકારો કર્યો હોત તો તેઓ બચી શક્યા નહોત.
ડૉ. ગણેશમૂર્તિએ જણાવ્યું હતું કે બાળકોના એક ડૉક્ટરે ખુદની ઓળખ આપીને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આઈપીકેએફના એક મેડિકલ ઑફિસર સાથે બીજા દિવસે એક મહિલા ડૉક્ટર આવ્યાં હતાં અને તેમણે છૂપાયેલા લોકોને બહાર આવવા તામિલ ભાષામાં અપીલ કરી હોવાની વાત પણ ડૉ. ગણેશમૂર્તિએ જણાવી હતી.
શેઓનાન સિંહ આ બધી વાતો ચૂપચાપ સાંભળતા હતા. મૃત્યુ પામેલાં મહિલા અને પુરુષોની તસવીરો સામે અમે ઊભા હતા ત્યારે શેઓનાન સિંહે કહ્યું હતું કે "આ ઘટનાની મને ખબર નથી. આ ઘટનાની માહિતી દબાવી દેવામાં આવી હોય અને ઉપરી અધિકારીઓને એ વિશે કશું જણાવવામાં ન આવ્યું હોય એવું લાગે છે."
"હું એટલું જ કહી શકું કે જે કંઈ બન્યું હતું એ ખરાબ હતું. આઈપીકેએફ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે પોતે કોના પર ગોળીબાર કરી રહ્યા છે તેની દરકાર આઈપીકેએફને નહોતી."
"એ દુર્ભાગ્યપૂર્ણ હતું, પણ લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે."

'લાંછન સાથે સ્વદેશ પરત'

શ્રીલંકામાં ભારતીય દળો એ પછી વધુ 29 મહિના સુધી રહ્યાં હતાં, પણ જવાનોનો મૃત્યુઆંક વધતાં તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા. સ્થાનિક લોકોમાં તેમની આબરૂ લાંછન લાગ્યું હતું.
જાફનાના તામિલ અખબાર 'ઉથયન'ના તંત્રી પી. પ્રેમનાથે કહ્યું હતું, "આઈપીકેએફના વલણને કારણે લોકોને સૌથી વધારે ખરાબ લાગ્યું હતું. દુનિયામાં ગમે ત્યાં સૈન્ય આખરે સૈન્ય હોય છે એ તેમણે અમને શિખવાડ્યું હતું."
શેઓનાન સિંહે જણાવ્યું હતું કે એ મિશન રાજકીય અને લશ્કરી હેતુવિહોણું હતું. તેને કારણે એલટીટીઈએ 1991માં રાજીવ ગાંધીની હત્યા કરી હતી.
શાંતિ મિશનનાં 30 વર્ષ બાદ નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ કહે છે કે જાફનામાં ફરીથી શાંતિ સ્થપાઈ એનો તેમને આનંદ છે.
એ યુદ્ધના ઘાની સારવાર માટે કોલમ્બો સરકાર વધારે પગલાં લેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
(મૂળ લેખ 8 ઑક્ટોબર, 2017ના રોજ લખાયો હતો, જેને અપડેટ કરાયો છે. )

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













