શ્રીલંકા કટોકટી : રાજપક્ષે પરિવાર કોણ છે, જેમના પર દેશને કંગાળ કરી નાખવાનો આરોપ લાગ્યો

"શું તમારા દેશમાં રાજપક્ષે એક જ અટક છે?"

આ શ્રીલંકામાં એક લોકપ્રિય મજાકની પંચલાઇન છે; શ્રીલંકાની મુલાકાત લેનાર એક કાલ્પનિક ચીની સરકારી અધિકારી મંત્રીમંડળને મળે છે ત્યારે બધાના પરિચયમાં એક જ અટક 'રાજપક્ષે' આવે છે ત્યારે તે મૂંઝવણમાં મુકાય છે.

મહિંદા (ડાબે) અને ગોટાબાયા રાજપક્ષે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિંદા (ડાબે) અને ગોટાબાયા રાજપક્ષે

આ મજાકની કલ્પના સ્વાભાવિક પણ છે, તે માટે વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી, કારણ કે રાજપક્ષા પરિવારે છેલ્લા બે દાયકાથી શ્રીલંકા પર મજબૂત પકડ જમાવી છે.

જોકે, આ વર્ચસ્વ હવે જોખમમાં છે; શ્રીલંકાને 1948માં બ્રિટન પાસેથી આઝાદી મળી ત્યારથી સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે અને ઘણા નિષ્ણાતોએ વર્તમાન સંકટને આર્થિક ગેરવહીવટને આભારી ગણાવી છે.

એપ્રિલની શરૂઆતથી સમગ્ર દેશમાં ફેલાઈ રહેલા વિરોધ વચ્ચે 9 મેના રોજ વર્તમાન વડા પ્રધાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું ત્યાં સુધીમાં ઘણી જાનહાનિ નોંધાઈ છે.

મહિંદા વર્તમાન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના મોટા ભાઈ છે. જોકે રનિલ વિક્રમસિંઘે છઠ્ઠી વાર શ્રીલંકાના વડા પ્રધાન બન્યા છે.

line

રાજકારણમાં ધીમી શરૂઆત

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે

ઇમેજ સ્રોત, BBC/Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે

કોઈ ભૂલ ન કરો, તે એક ધરતીકંપની ઘટના હતી.

બીબીસી ન્યૂઝ વેબસાઇટના એશિયાના સંપાદક આયેશા પરેરા કહે છે, "મહિન્દા રાજપક્ષેનું રાજીનામું એટલા માટે વાંકા નસીબનું ગણવામાં આવે છે, કેમકે તેઓ વર્ષોથી શ્રીલંકાની સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે સત્તાનશીન હતા."

તેઓ હંબનટોટાના દક્ષિણ જિલ્લાના જમીનદાર પરિવારમાંથી આવે છે અને મહિંદા સંસદમાં સૌથી યુવા સાંસદ તરીકે 1970માં પ્રથમ વખત ચૂંટાયા હતા. ત્યાર બાદ 1980ના દાયકામાં મહિંદા અને તેમના મોટા ભાઈ ચમલ બંને સંસદમાં ચૂંટાયા હતા.

મહિંદાએ 1987-89માં થયેલા ડાબેરી વિદ્રોહ સામે માનવાધિકારના ઉલ્લંઘનની નિંદા કરવા બદલ લોકપ્રિયતા મેળવી હતી, જેમાં તેમણે યુએનને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

1994માં દેશનાં રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગાની સરકારમાં તેઓ શ્રમમંત્રી બન્યા હતા. દસ વર્ષ પછી તેઓ વડા પ્રધાન બન્યા અને 2005માં પાતળી સરસાઈ સાથે રાષ્ટ્રપતિપદ મેળવ્યું.

મહિંદા બે ટર્મ (2005-2015) માટે શ્રીલંકાના પ્રમુખ તરીકે રહ્યા હતા. 2009માં, તેમણે 30 વર્ષથી ચાલ્યા આવતા તામિલ અલગાવવાદીઓ સાથેના ગૃહયુદ્ધનો અંત આણ્યો હતો.

માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપો વચ્ચે તેમની જીત થઈ હતી. ખાસ કરીને શ્રીલંકાની લગભગ 75% વસ્તી ધરાવતા સિંહાલી બૌદ્ધ સાથે વંશીય અને ધાર્મિક લઘુમતીઓ તરફથી આવા આક્ષેપો થયા હતા. સાથે તેમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો થયા હતા.

જોકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આ આરોપોને સતત નકારી રહ્યા છે.

line

પારિવારિક વ્યવસાય

રાષ્ટ્રપતિ પદમાં તેમના ભાઈના અનુગામી બનેલા ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના ગૃહ યુદ્ધનો અંત આણવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી.

ઇમેજ સ્રોત, BBC/Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિપદમાં તેમના ભાઈના અનુગામી બનેલા ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના ગૃહયુદ્ધનો અંત આણવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી.

વિવાદો વચ્ચે પણ રાજપક્ષે પરિવારે શ્રીલંકાના રાજકારણમાં દબદબો જાળવી રાખ્યો હતો. ગોટાબાયા સંરક્ષણ મંત્રાલયમાં વરિષ્ઠ હોદ્દા પર હતા અને ગૃહયુદ્ધને સંભાળવા બદલ કેટલાકે તેમની પ્રશંસા કરી હતી.

ચમલ રાજપક્ષે પાસે કૃષિ, મત્સ્યઉદ્યોગ અને સિંચાઈ જેવાં મંત્રાલયો હતાં અને અન્ય ભાઈ, બેસિલ પાસે નાણા અને આર્થિક વિકાસ મંત્રાલય હતાં.

ચાર ભાઈઓના અનેક સંબંધીઓ પણ સરકારી હોદ્દો સંભાળતા હતા. ખાસ કરીને મહિંદાના પુત્રો; નમલ શ્રીલંકાના રમતગમતમંત્રી હતા અને બીજા પુત્ર યોશિતા તેમના પિતાના રાજીનામા સુધી વડા પ્રધાનના ચીફ ઑફ સ્ટાફ હતા.

શ્રીલંકા

જોકે જ્યારે મહિંદા 2015ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનપેક્ષિત રીતે હારી ગયા ત્યારે પરિવારને આંચકો લાગ્યો હતો.

ત્યાર બાદ તેઓ ચાર વર્ષ પછી સત્તામાં પરત ફર્યા, આ વખતે ડ્રાઇવિંગ સીટ પર ભાઈ ગોટાબાયા હતા.

રાષ્ટ્રવાદી ઍજન્ડા પર ચાલતા, નવા રાષ્ટ્રપતિના શાસનમાં કાયદો અને વ્યવસ્થા સાથે પરિવારનું નામ જોડાયું. એપ્રિલ 2019માં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા આતંકવાદી હુમલામાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા.

line

ભ્રષ્ટાચારના દાવા

બાસિલ રાજપક્ષેએ ઘણાં મહત્ત્વનાં સરકારી પદો પર કબજો જમાવ્યો હતો, છેલ્લે તેઓ નાણામંત્રી હતા

ઇમેજ સ્રોત, BBC/Getty Images

ઇમેજ કૅપ્શન, બાસિલ રાજપક્ષેએ ઘણાં મહત્ત્વનાં સરકારી પદો પર કબજો જમાવ્યો હતો, છેલ્લે તેઓ નાણામંત્રી હતા

પરિવાર સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો સતત છાયો બનીને પીછો કરતા રહ્યા અને કોવિડ મહામારી પછીની આર્થિક કટોકટીમાં વર્તમાન વિરોધપ્રદર્શનોમાં સપાટી પર આવ્યા.

આયેશા પરેરા ઉમેરે છે, "ઘણા લોકો માને છે કે મહિંદા રાજપક્ષેએ તેમના પરિવાર માટે પોતાના આર્થિક લાભ માટે દેશની સંપત્તિને લૂંટવાનો માર્ગ મોકળો કર્યો હતો."

સમગ્ર શ્રીલંકામાં વિરોધપ્રદર્શનોમાં પરિવારને દેશના "ચોરી ગયેલાં નાણાં" પરત કરવાની માગ કરતા બિલબોર્ડ અને સૂત્રો દેખાડવામાં આવ્યાં છે.

રાજપક્ષેની ઘટતી પ્રતિષ્ઠાને કારણે પરિવારમાં વિભાજન થયું. એપ્રિલના અંતમાં મહિંદા અને ગોટાબાયા વચ્ચે વધતા જતા અણબનાવ વચ્ચે અને તેમના સમર્થકો ઉપર નિયંત્રણ માટે ભાઈઓ વચ્ચે સત્તા સંઘર્ષના અહેવાલો આવ્યા હતા.

line

'ગોટા ગો હોમ'

ચમલ રાજપક્ષે છેલ્લે સિંચાઈમંત્રી હતા

ઇમેજ સ્રોત, BBC/Getty Images

ઇમેજ કૅપ્શન, ચમલ રાજપક્ષે છેલ્લે સિંચાઈમંત્રી હતા

રાષ્ટ્રપતિ પદ માટે ગોટાબાયાને મત આપનારા ઘણાને આર્થિક મુશ્કેલીઓએ હવે દેશની શેરીઓમાં "ગોટા ગો હોમ" (ગોટાબાયા રાજીનામું આપે) પ્લેકાર્ડ દેખાડવા મજબૂર કર્યા છે.

સરકાર તરફી સમર્થકોએ નિવાસસ્થાનની નજીક શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા પછી વિરોધકર્તાઓએ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

ટૂંક સમયમાં જ દેશભરમાં આગચંપી અને તોડફોડ સાથેના હિંસક પ્રદર્શનો ચાલુ થઈ ગયા. ગુસ્સે ભરાયેલા વિરોધકર્તાઓએ હંબનટોટામાં રાજપક્ષેના પૈતૃક ઘર સહિત રાજપક્ષે પરિવારની માલિકીની ઘણી મિલકતોને આગ ચાંપી દીધી હતી.

પ્રદર્શનકારીઓએ તેમનાં માતાપિતાના સમાધિસ્થાનો અને તેમને સમર્પિત સ્મારકનો પણ નાશ કર્યો. પ્રમુખ તરીકે ગોટાબાયા પર સ્મારક બનાવવા માટે રાજ્યના ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ હતો.

તેમ છતાં રાષ્ટ્રપતિ કહે છે કે તેમના લગભગ તમામ પ્રધાનોનાં રાજીનામાં અને કેટલાક સાંસદો તરફથી સરકારને સમર્થન પાછું ખેંચી લેવા છતાં તેમનો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી.

6 મેના રોજ ગોટાબાયાએ દુકાનો અને વ્યવસાયો બંધ કર્યાં પછી એક મહિનામાં બીજી વખત કટોકટીની સ્થિતિ જાહેર કરી.

તેઓ ભલે હજુ સત્તા પરથી ગબડ્યા ન હોય, પરંતુ દેખીતી રીતે રાજપક્ષે પરિવારે શ્રીલંકાના રાજકારણ પરની પકડ ગુમાવી દીધી છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો