શ્રીલંકા સંકટ : એ રાજપક્ષે પરિવાર જેને આખા દેશની પાયમાલી માટે જવાબદાર ગણવામાં આવે છે

    • લેેખક, અપૂર્વ કૃષ્ણ
    • પદ, બીબીસી સંવાદદાતા

હિન્દ મહાસાગરમાં ભારતનો પડોશી દેશ શ્રીલંકા. વાદળી સમુદ્ર વચ્ચે અને ગીચ વનરાજીથી સૌદર્યમંડિત આ ટાપુ પોતાની પ્રાકૃતિક સુંદરતાના લીધે સદીઓથી દૂર-સુદૂરના પર્યટકોને આકર્ષતો રહ્યો છે. પરંતુ હાલ ત્યાંથી એવા સમાચારો આવી રહ્યા છે જેનાથી ભાગ્યે જ કોઈ સહેલાણી શ્રીલંકા બાજુ જવાનું વિચારતા હશે. અંગ્રેજોના દોઢસો વર્ષના શાસનમાંથી 1948માં મુક્ત થયેલો શ્રીલંકા પોતાની આઝાદી પછી સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ સૂત્રો પોકારતા પ્રદર્શનકારીઓ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ સૂત્રો પોકારતા પ્રદર્શનકારીઓ

ખાન-પાનનો સામાન, દૂધ, ગૅસ, કેરોસીન અને દવાઓ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને છે. 12-13 કલાક એટલે કે અડધા અડધા દિવસ સુધી લાઇટ નથી હોતી, પેટ્રોલ-ડીઝલ માટે એટલી મારામારી છે કે પેટ્રોલ પંપો પર સૈન્ય મૂકી દેવું પડ્યું છે.

હેરાન-પરેશાન લોકો માર્ગો પર ઊતરી આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સત્તા છોડી દે એવી માગ કરી રહ્યા છે, સૂત્રો પોકારી રહ્યા છે - 'ગો ગોટાબાયા ગો'.

ગયા અઠવાડિયે દેખાવો કરનારાઓએ કોલંબોમાં રાષ્ટ્રપતિના ઘરની સામે ધરણાં કર્યાં હતાં અને એના પછીના દિવસ શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ દેશમાં કટોકટી જાહેર કરી દીધી.

શનિવારે સરકારે આખા દેશમાં સોમવાર સુધીનો કર્ફ્યૂ લાદી દીધો, તેમ છતાં રવિવારે પણ દેખાવો થયા અને ત્યાર બાદ સરકારના બધા 26 મંત્રીઓએ રાજીનામું આપી દીધું - સિવાય કે વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને એમના ભાઈ તથા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે.

રવિવાર સુધી શ્રીલંકાની સરકારમાં રાજપક્ષે પરિવારના પાંચ સભ્ય મંત્રી હતા. એમાં ચાર ભાઈ છે અને પાંચમા, એમાંના એક ભાઈના પુત્ર.

જેમાં, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, જેઓ સુરક્ષામંત્રી પણ છે; વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે; સિંચાઈમંત્રી ચમાલ રાજપક્ષે; નાણામંત્રી બાસિલ રાજપક્ષે; રમતગમતમંત્રી નમલ રાજપક્ષે (મહિન્દા રાજપક્ષેના પુત્ર)નો સમાવેશ થાય છે.

નારાજ દેખાવકારો હજુ પણ સૂત્રો પોકારી રહ્યા છે - 'ગો ગોટાબાયા ગો'. એમનું કહેવું છે કે રાજપક્ષે પરિવારના સભ્યોનાં રાજીનામાં વગર મંત્રીઓનાં રાજીનામાંનો કશો અર્થ નથી.

એમનું કહેવું છે કે રાજપક્ષે પરિવારે જ શ્રીલંકાને આ દુર્દશા સુધી પહોંચાડ્યો છે.

line

કઈ રીતે આ સ્થિતિએ પહોંચ્યો શ્રીલંકા

શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે

એમ તો ગઈ સદીના અંતમાં અને ચાલુ સદીની શરૂઆતમાં પણ શ્રીલંકા એક સંકટમાં ઘેરાયો હતો પરંતુ એ બીજા પ્રકારનું સંકટ હતું. શ્રીલંકામાં ત્યારે ગૃહયુદ્ધ ચાલતું હતું. એમાં એક તરફ ત્યાંના બહુસંખ્યક સિંહાલી લોકો હતા અને બીજી તરફ તમિલ અલ્પસંખ્યક.

1983માં શ્રીલંકાના અલગાવવાદી સંગઠન LTTE અને શ્રીલંકન સરકાર વચ્ચે ગૃહયુદ્ધ શરૂ થયું હતું જે 2009માં સમાપ્ત થયું. ત્યારે મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા.

2010માં થયેલી ચૂંટણીમાં ભારે બહુમતથી જીતવાના લીધે તેઓ બીજી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

26 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષે પણ શ્રીલંકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી દીધી હતી પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવી આશા હતી કે શ્રીલંકાની અર્થવ્યવસ્થા કદાચ પુનઃ પાટે ચડી જશે.

એવું થયું પણ ખરું. અને 2009થી 2012 દરમિયાન શ્રીલંકાની GDP 8-9%ની ઝડપે વધી.

શ્રીલંકા મુખ્યત્વે ચા, રબર અને કપડાં જેવાં ઉત્પાદનોની નિકાસ કરે છે, જેનાથી એને વિદેશી મુદ્રાની કમાણી થાય છે. એ ઉપરાંત પર્યટન તથા વિદેશોમાં વસેલા પોતાના નાગરિકોએ મોકલેલાં નાણાંથી પણ કમાણી કરે છે. આ નાણાંથી તે પોતાની આવશ્યક વસ્તુઓની આયાત કરે છે, જેમાં ખાન-પાનનો સામાન સામેલ છે.

પરંતુ 2012 પછી શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવતા રહ્યા જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો ઘટી, શ્રીલંકાની નિકાસ ઘટવા લાગી અને આયાત વધવા માંડી.

અને જોતજોતાંમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર ખાલી થવા લાગ્યો, ચુકવણીનું સંકટ ઊભું થયું. શ્રીલંકાએ પાયાના માળખાકીય વિકાસ માટે ચીન જેવા દેશો પાસેથી દેવું લીધું અને એના હપતા ભરવાનું પણ મુશ્કેલ થઈ ગયું.

line

ખાલી થતો વિદશી મુદ્રા ભંડાર અને પર્યટનને ફટકો

મહિન્દા રાજપક્ષે (ડાબે) અને ગોટાબાયા (જમણે), 2019ની ચૂંટણી પછી મહિન્દા વડા પ્રધાન બન્યા અને ગોટાબાયા રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મહિન્દા રાજપક્ષે (ડાબે) અને ગોટાબાયા (જમણે), 2019ની ચૂંટણી પછી મહિન્દા વડા પ્રધાન બન્યા અને ગોટાબાયા રાષ્ટ્રપતિ

આવી હાલતમાં શ્રીલંકાને 2016માં ફરી એક વાર આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) પાસે કરજ લેવા જવું પડ્યું. ત્યારે મૈત્રિપાલા સિરિસેના રાષ્ટ્રપતિ હતા અને મહિન્દા રાજપક્ષે વડા પ્રધાન.

એથી પરિસ્થિત સુધરવા લાગી પરંતુ સિરિસેના સરકારના કાર્યકાળના અંતિમ વર્ષે એપ્રિલ 2019માં કોલંબોમાં સીરિયલ બૉમ્બ ધડાકા થયા જેમાં ચર્ચો અને લક્ઝુરી હોટેલોને નિશાન બનાવાયાં.

ઇસ્ટરના દિવસે જેહાદીઓએ કરેલા આ આત્મઘાતી હુમલામાં 350થી વધારે લોકોનાં મૃત્યુ થયાં.

આ ઘટના પછી ફરી એક વાર આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યા ઘટવા લાગી અને 2019માં શ્રીલંકાની પર્યટનથી થનારી આવક પર ખાસ્સી અસર પડી.

એની સાથે જ 2019ના નવેમ્બરમાં શ્રીલંકામાં નવી સરકાર બની અને ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ બન્યા. એમની પાર્ટી SLPPએ ચૂંટણીઢંઢેરામાં બે મોટા વાયદા કર્યા હતા કે તેઓ ટૅક્સ ઘટાડશે અને ખેડૂતોને રાહત આપશે. આ વચનો પૂરાં કરવા સરકારે પગલાં ભર્યાં અને એનું પરિણામ એ આવ્યું કે સરકારનો ખજાનો ખાલી થઈ ગયો.

દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર સાઉથ એશિયન સ્ટડીઝના પ્રોફેસર પી. સહદેવને જણાવ્યું કે સમસ્યાનું મૂળ કારણ નાણાકીય કુ-વ્યવસ્થા છે.

પ્રોફેસર પી. સહદેવને કહ્યું કે, "આ બધાની શરૂઆત મોટી મહત્ત્વાકાંક્ષી પરિયોજનાઓથી થઈ, જેમ કે ચીન પાસેથી દેવું લઈને હમ્બનટોટા પાર્ટ પ્રોજેક્ટ બનાવવો. એમણે જેટલો શક્ય હતો એટલો વધારે ખર્ચ કરવા માંડ્યો. સાધનો સીમિત હતાં પરંતુ પોતાનાં મોટાં કાર્યો હાથ પર લીધાં."

line

કોરોના મહામારીનો ફટકો

વીડિયો કૅપ્શન, શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘર તરફ લોકોએ કરેલી માર્ચ હિંસામાં પરિણમી

આ બધા પડકારો સાથે 2020ની શરૂઆતમાં કોરોના મહામારીએ બારણે ટકોરા માર્યા, અને એણે ખરાબ હાલતને અતિખરાબ કરી દીધી.

મહામારીના સમયે નિકાસ બંધ થઈ ગઈ, પર્યટન ઉદ્યોગ ઠપ થઈ ગયો, વિદેશોમાં વસવાટ કરતા દેશના નાગરિકો પાસેથી મળતાં નાણાંની કમાણી બંધ થઈ ગઈ અને ઉપરથી મહામારીનો સામનો કરવા માટે સરકારે ખર્ચ પણ વધારવો પડ્યો.

જોકે, પ્રોફેસર સહદેવનનું માનવું છે કે સંકટ માટે કોરોના મહામારી પર આરોપ મૂકવો ઉચિત નથી.

તેમણે કહ્યું કે, "પ્રત્યેક દેશ પર એની અસર પડી છે. માલદીવ જેવા દેશ પણ છે જે પર્યટન પર જ નિર્ભર છે અને નિકાસ પર પણ. પરંતુ એમની સામે આવું સંકટ નથી આવ્યું. આ બાબત નાણાકીય વ્યવસ્થાપનની છે, જે શ્રીલંકાએ ન કર્યું."

line

ખાતરનો નિર્ણય જેનાથી ખેતીની કમર ભાંગી

રાંધણ ગૅસ માટે લાંબી લાઇનમાં ઊભા રહેલા લોકો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રાંધણ ગૅસ માટે લાંબી લાઇનમાં ઊભા રહેલા લોકો

શ્રીલંકાને જે વસ્તુઓ બહારથી ખરીદવી પડે છે એમાંની એક ખૂબ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે ખાતર.

શ્રીલંકાના આર્થિક સંકટ દરમિયાન સરકારને એવું લાગ્યું કે જો ખાતરની આયાત બંધ કરી દેવાય તો વિદેશી મુદ્રા બચાવી શકાય. અને એપ્રિલ 2021માં ગોટાબાયા રાજપક્ષેએ ખેતીમાં ઉપયોગી બધાં રસાયણોની આયાત બંધ કરવાની જાહેરાત કરી દીધી.

પરંતુ ખાતર અને કીટનાશકોની આયાત બંધ કરી દેવાનું પરિણામ એ આવ્યું કે શ્રીલંકામાં કૃષિ ઉત્પાદનો પર ગંભીર અસર પડી.

આંતરરાષ્ટ્રીય નાણાભંડાળ (IMF)એ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કહ્યું કે રાસાયણિક ખાતર પર નિયંત્રણ મૂકી દેવાથી કૃષિ ઉત્પાદનો પર જેટલી વિચારી હતી એનાથી ઘણી વધારે ખરાબ અસર થઈ.

આ નીતિને ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રદ કરી દેવામાં આવી પરંતુ ત્યાં સુધીમાં આ નિર્ણયે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન કર્યું હતું.

line

હવે કોઈ માર્ગ છે?

વીડિયો કૅપ્શન, શ્રીલંકામાં હજારો લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઊતર્યા, સ્થિતિ વણસવાનાં એંધાણ

જાણકારો કહે છે કે હવે, શ્રીલંકાએ કરજ લેવા માટે ફરી એક વાર આંતરરાષ્ટ્રીય નાણાભંડાળ (IMF)ના દરવાજા ખખડાવીને વિનંતી કરવી પડશે.

પ્રોફેસર સહદેવને જણાવ્યું કે, "જો તમારી સામે એક એવી સરકાર છે જે બીજાની વાતો સાંભળે છે, તો એણે સંકટનો સામનો કરવો જ પડશે. હજુ પણ તેઓ IMF પાસે જાય છે, પરંતુ તેઓ ઘણું મોડું કરી ચૂક્યા છે. પરંતુ આવી હાલત થવાની છે એના સંકેતો ઘણા વહેલા દેખાવા લાગ્યા હતા."

line

તો શું આ બધાં સંકટો માટે રાજપક્ષે જવાબદાર છે?

કોલંબોમાં કટોકટી પછી તૈનાત સુરક્ષાકર્મી (2 એપ્રિલની તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલંબોમાં કટોકટી પછી તૈનાત સુરક્ષાકર્મી (2 એપ્રિલની તસવીર)

પ્રોફેસર સહદેવને જણાવ્યું કે, "બિલકુલ. એના માટે તમારે જે સરકાર સત્તામાં છે એને જ જવાબદાર ઠરાવવી પડશે. એમને ખબર હતી કે પડકારો કયા છે અને એમણે કશું ના કર્યું, બલકે, લોભામણી નીતિઓ ચલાવતા રહ્યા."

શ્રીલંકન સરકારની સામે હવે વધારે વિકલ્પ નથી. ભારત મદદ કરી શકે છે પરંતુ એની પણ એક મર્યાદા છે. ચીન મદદ કરી શકે છે પરંતુ એને પોતાનાં અગાઉનાં લેણાં વસૂલવાની ચિંતા છે.

પ્રોફેસર સહદેવને જણાવ્યું કે, "આવા સંકટ માટે જુદા જુદા દેશો પાસે કરજ માગવાથી ઉકેલ નહીં આવે, સમસ્યા ખૂબ મોટી છે. એમણે IMF પાસે ઘણા સમય પહેલાં જવાની જરૂર હતી. એથી, આ સંકટ ટાળી શકાયું હોત."

ખૂબ જલદી શ્રીલંકાએ IMF પાસેથી સત્તરમી વાર કરજ લેવું પડશે અને દેખીતું છે કે નવું કરજ નવી શરતો સાથે જ મળશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો