શ્રીલંકામાં આર્થિક સંકટ, વિરોધની શક્યતાને પગલે સોમવાર સુધી કર્ફ્યુ
શ્રીલંકામાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન બહાર ગુરુવારે થયેલા હિંસક વિરોધપ્રદર્શન બાદ દેશમાં કટોકટી લાદવામાં આવી છે. તો કટોકટી બાદ શ્રીલંકામાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
ગુરુવારે પ્રદર્શનકારીઓએ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ખાનગી નિવાસસ્થાન પાસે હલ્લાબોલ કર્યો હતો અને વાહનોને આગ ચાંપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી અખબાર ધ હિન્દુમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, શ્રીલંકામાં વધી રહેલા આર્થિક સંકટને પહોંચી વળવા નિષ્ફળ સાબિત થઈ રહેલી સરકારના વિરોધમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો થવાની શક્યતા વચ્ચે દેશમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે કર્ફ્યુ શનિવારથી લઈને સોમવારની સવાર સુધી રહેશે.
ગુરુવારે રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાન બહાર યોજાયેલાં વિરોધપ્રદર્શન હિંસક બન્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુરુવારે રાષ્ટ્રપતિ રાજપક્ષેના ઘર બહાર વિરોધપ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પ્રદર્શનમાં સામેલ લોકોનો દાવો છે કે જ્યારે પોલીસે ટિયર ગૅસ અને વૉટર કૅનનનો ઉપયોગ કરીને લોકોને મારવાનો પ્રયત્ન કર્યો, આથી શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન હિંસક બની ગયું.
સમાચાર એજન્સી રૉયટર્સે એક અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે અથડામણમાં 25 જેટલા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
સમાચાર એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, શુક્રવારે 53 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પાંચ પ્રેસ ફોટોગ્રાફર્સની કથિત રીતે અટકાયત કરવામાં આવી છે અને તેમને એક પોલીસમથકમાં યાતના આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારનું કહેવું છે કે પત્રકારો સાથેની ગેરવર્તણૂક મામલે તપાસ કરવામાં આવશે.
શ્રીલંકા આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જીવનજરૂરિયાતના સામાનની અછત અને તેના કારણે સર્જાઈ રહેલા ભાવવધારાના કારણે લોકોની હાલત કફોડી બની છે.

ગુરુવારની રાત્રે શું-શું થયું?
ગુરુવારે રાત્રે હજારો લોકોએ રાજપક્ષેના રાજીનામાની માગ સાથે તેમના ઘર તરફ કૂચ કરી હતી. જેમાં ઘણા સોશિયલ મીડિયા ઍક્ટિવિસ્ટ પણ સામેલ હતા.
પ્રદર્શનકારીઓએ રાજધાનીના મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવવાથી શરૂઆત કરી હતી. બાદમાં સેનાની બે બસો અને એક જીપને પણ આગચંપી હતી. આ ઉપરાંત સેનાના જવાનો પર પથ્થરમારો પણ કરાયો હતો.
સુરક્ષાકર્મીઓએ ટોળાને વિખેરવા માટે ટિયર ગૅસ અને વૉટર કૅનનનો ઉપયોગ કર્યો. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેમણે ગોળીઓ કે રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો કે કેમ.

ઇમેજ સ્રોત, Reuters
સમાચાર એજન્સી એએફપીએ સત્તાવાર સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે રાજપક્ષે પોતાના ઘરમાં હાજર ન હતા, પરંતુ આ સંકટને દૂર કરવા માટે ટોચના સૈન્ય અધિકારીઓએ ચર્ચા કરી હતી.
એક ખાનગી ટીવી નેટવર્ક આ પ્રદર્શનનું લાઇવ કવરેજ કરી રહ્યું હતું પરંતુ તેને તાત્કાલિક રોકી દેવામાં આવ્યું હતું. પત્રકારોનું કહેવું છે કે સરકારના દબાણના કારણે આમ થયું હતું.
સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલા વીડિયોમાં લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમનાં પરિવાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં જોવા મળે છે. તેઓ રાજપક્ષે પરિવારના તમામ સભ્યોને પદ છોડવાની માગ કરી રહ્યાં છે.

કેવી રીતે સર્જાઈ આ પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, EPA
શ્રીલંકાની ભયાવહ આર્થિક પરિસ્થિતિ માટે કોરોના મહામારીને જવાબદાર માનવામાં આવે છે, કારણ કે તેનાથી શ્રીલંકાના પર્યટન ક્ષેત્ર પર માઠી અસર પડી છે.
ઘણા અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સરકારના ગેરવહીવટ અને સતત લોન લેવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
શ્રીલંકાની ઘટી રહેલી વિદેશી હૂંડિયામણને બચાવવા માર્ચ 2020માં આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ થકી તેઓ વિદેશી દેવું ચૂકવવા 51 અબજ ડૉલર બચાવવા માગતા હતા.
આ ઉપરાંત તાજેતરમાં શ્રીલંકામા ડીઝલની અછતના કારણે પણ હાહાકાર મચ્યો છે. દેશનાં ઘણાં શહેરોમાં પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં, પરંતુ આ દરમિયાન ગુરુવાર રાત જેવી ઘટના બની ન હતી.

ઇમેજ સ્રોત, Getty Images
અધિકારીઓ અને મીડિયા અહેવાલો પ્રમાણે ગુરુવારે દેશના તમામ પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ નહોતું.
દેશની સરકારી વીજકંપનીએ કહ્યું હતું કે તેઓ ગુરુવારથી 13 કલાક માટે વીજકાપ મૂકશે, કારણ કે તેમની પાસે જનરેટર્સ માટે ડીઝલ નથી.
વળી દેશનું સાર્વજનિક પરિવહન ઠપ થઈ ગયું છે, કારણ કે બસો અને કૉમર્શિયલ વાહનોમાં મુખ્ય ઇંધણ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે, જે દેશમાં છે જ નહીં.
બીજી બાજું દેશમાં ત્રીજા ભાગની વીજળી હાઇડ્રોપાવર પ્લાન્ટ્સમાંથી મળે છે પરંતુ દેશનાં જળાશયો ખતરનાક સ્તર પર પહોંચી ગયાં છે.
ઘણા સરકારી હૉસ્પિટલોએ સર્જરી બંધ કરી દીધી છે, કેમ કે તેમની પાસે જરૂરી દવાઓ ઉપલબ્ધ નથી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













