ભારતનાં કેટલાંક રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો મળશે?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

'જે રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા ઓછી છે ત્યાંની સરકારો એમને લઘુમતી જાહેર કરી શકે છે.' આવી માહિતી કેન્દ્ર સરકારના અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે એક ઍફિડેવિટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે. આ એફિડેવિટ પછી સવાલો થવા લાગ્યા છે કે હિન્દુ બહુલ ભારતમાં શું હિન્દુઓને અલ્પસંખ્યકનો દરજ્જો મળી શકે? જો રાજ્ય સરકારો હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપે તો એ શેના આધારે અને એનાથી હિન્દુઓને શો લાભ મળશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

આ ઍફિડેવિટ કેન્દ્ર સરકારના ભાજપાના નેતા અને ઍડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયની (જનહિતની) અરજી પછી રજૂ કરવામાં આવી છે. આ અરજીમાં અશ્વિનીકુમાર ઉપાધ્યાયે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ અધિનિયમ 1992 અને રાષ્ટ્રીય અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થા આયોગની કાયદેસરતાને પડકારી છે.

બીબીસી સાથે વાતચીત કરતાં અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે, "સુપ્રીમ કોર્ટની 11 જજોની બૅન્ચે 2002માં કહી દીધું હતું કે ભાષા અને ધર્મના આધારે રાષ્ટ્રીય સ્તરે અલ્પસંખ્યકનો દરજ્જો ના આપી શકાય. બંને ઓળખ રાજ્ય સ્તરે કરવામાં આવશે. પરંતુ હજુ સુધી રાજ્ય સ્તરે ગાઇડલાઇન શા માટે તૈયાર કરવામાં નથી આવી, જેનાથી અલ્પસંખ્યક સમુદાયોની ઓળખ કરી શકાય?"

અત્યાર સુધીમાં રાષ્ટ્રીય સ્તરે 6 ધર્મોને અલ્પસંખ્યકનો દરજ્જો મળ્યો છે. એમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન ધર્મનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે જૈન ધર્મને 2014માં અને અન્ય ધર્મોને 1993માં લઘુમતીનો દરજ્જો આપ્યો હતો.

ભાજપના નેતા અને ઍડ્વોકેટ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે અલ્પસંખ્યકને ક્યાંય પણ પરિભાષિત કરવામાં નથી આવ્યા. કોઈ પણ આધાર વગર પોતાની મરજીથી સરકારે જુદા જુદા ધર્મોને અલ્પસંખ્યકનો દરજ્જો આપેલો છે. દેશમાં યહૂદી અને બહાઈ ધર્મના લોકો પણ છે પરંતુ એમને અલ્પસંખ્યકનો દરજ્જો નથી મળ્યો.

આ અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે જે રીતે મહારાષ્ટ્રમાં 2016માં યહૂદીઓને લઘુમતી સમુદાયનો દરજ્જો આપ્યો હતો એ જ રીતે રાજ્ય, ધાર્મિક કે ભાષાના ધોરણે લઘુમતીનો દરજ્જો આપી શકે છે. કર્ણાટકે પણ ઉર્દૂ, તેલુગુ, તામિલ, મલયાલમ, મરાઠી, તુલુ, લમાની, હિન્દી, કોંકણી અને ગુજરાતીને પોતાના રાજ્યમાં અલ્પસંખ્યક ભાષાનો દરજ્જો આપ્યો છે.

નોંધવા જેવી બાબત એ છે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે અલ્પસંખ્યક વિષયમાં માત્ર રાજ્યોને કાયદો ઘડવાના અધિકારો ન આપી શકાય. એનો અર્થ એ થાય કે રાજ્ય ઇચ્છે તો એવું કરી શકે છે પરંતુ કેન્દ્ર પોતાના સ્તરે અલ્પસંખ્યક સમુદાય અંગે અધિસૂચના જારી કરી શકે છે.

line

અલ્પસંખ્યકનો દરજ્જો મળવાથી કેટલો લાભ?

લઘુમતી દરજ્જા બાબતે વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લઘુમતી દરજ્જા બાબતે વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી

અલ્પસંખ્યકની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે વર્ષ 1992માં અલ્પસંખ્યક આયોગની રચના કરવામાં આવી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં 'અટલ બિહારી વાજપેયી સીનિયર ફૅલો' પ્રો. હિમાંશુ રૉયે જણાવ્યું કે, "જે લોકોને ભાષા અને ધર્મના આધારે અલ્પસંખ્યકનો દરજ્જો પ્રાપ્ત થયો છે, એમને સરકારી નોકરીઓમાં અનામત, બૅન્કમાંથી સસ્તી (ઓછા વ્યાજની) લોન અને અલ્પસંખ્યક દરજ્જો ધરાવતાં શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રવેશ સમયે અગ્રતા મળે છે."

"ઉદાહરણ તરીકે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીને ધાર્મિક અલ્પસંખ્યક સંસ્થાનનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં લગભગ 50 ટકા સીટો મુસ્લિમ સમાજનાં બાળકો માટે અનામત છે. અહીં જાતિ આધારિત ક્વૉટા સિસ્ટમ નથી ચાલતી."

દેશમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી જેવાં ઘણાં અલ્પસંખ્યક સંસ્થાનો છે. અલ્પસંખ્યક સમાજ માટે આ પ્રકારનાં સંસ્થાન શરૂ કરવા માટે સરકાર અલગથી સહાય પણ આપે છે.

અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અનુસાર 2014 પછી પારસી, જૈન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી અને મુસ્લિમ અલ્પસંખ્યક સમુદાયોના લગભગ 5 કરોડ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે એવું કરવાથી ખાસ કરીને મુસ્લિમ કન્યાઓના શાળા છોડવાના દરમાં ઘણો ઘટાડો થયો છે. 2014 પહેલાં મુસ્લિમ કન્યાઓનો શાળા છોડવાનો દર 70 ટકા હતો, જે ઘટીને હવે 30 ટકા કરતાં ઓછો થઈ ગયો છે.

બીબીસી સાથેની વાતચીતમાં મણિપુર રાજ્ય અલ્પસંખ્યક આયોગના ચૅરમૅન મોહમ્મદ અનવર હુસૈને જણાવ્યું કે, "અલ્પસંખ્યક સમુદાયનાં બાળકોને શિષ્યવૃત્તિ અવશ્ય મળે છે પરંતુ આર્થિક રીતે વધારે ફાયદો નથી મળી શકતો. મણિપુરમાં અલ્પસંખ્યક સમુદાયના લોકો માટે નોકરીમાં અનામતની વ્યવસ્થા નથી."

line

કયાં રાજ્યોમાં હિન્દુ લઘુમતીમાં છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં હિન્દુઓની વસ્તી લગભગ 78 ટકા છે પરંતુ દેશના બહુસંખ્યક હિન્દુઓને લઘુમતીનો દરજ્જો કઈ રીતે આપી શકાય એ સમજવા માટે કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હિન્દુઓની વસ્તીને ધ્યાનમાં લેવાની જરૂર છે.

વાસ્તવમાં, પંજાબ, લદ્દાખ, મિઝોરમ, લક્ષદ્વીપ, જમ્મુ-કાશ્મીર, નાગાલૅન્ડ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં હિન્દુઓની વસ્તીના પ્રમાણ સામે અન્ય ધર્મના લોકો વધારે છે. જેમ કે, પંજાબમાં શીખ 57.69 ટકા અને હિન્દુ 38.49 ટકા છે. આ જ રીતે અરુણાચલ પ્રદેશમાં ખ્રિસ્તીઓ 30.26 ટકા અને હિન્દુઓની વસ્તી 29.04 ટકા છે.

આના આધારે જ ભાજપાના નેતા અને ઍડ્વોકેટ અશ્વિની ઉપાધ્યાય હિન્દુઓ માટે લઘુમતીના દરજ્જાની માંગણી કરી રહ્યા છે. આ લિસ્ટમાં તેઓ મણિપુરને પણ સામેલ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં મણિપુર રાજ્ય અલ્પસંખ્યક આયોગના ચેરમૅન મોહમ્મદ અનવર હુસૈને જણાવ્યું કે, "મણિપુરમાં હિન્દુ વસ્તી બહુમતીમાં છે. મણિપુરમાં લગભગ 41 ટકા હિન્દુઓને અલ્પસંખ્યકનો દરજ્જો મળવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. અહીં હિન્દુઓની આર્થિક સ્થિતિ ઘણી સારી છે. એમની પાસે ઉદ્યોગ અને સૌથી વધારે લૅન્ડ હોલ્ડિંગ છે."

line

પંજાબમાં હિન્દુઓ લઘુમતીમાં છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP

2011ની વસ્તી ગણતરી પ્રમાણે પંજાબમાં 57.69 ટકા શીખ અને હિન્દુઓની વસ્તી 38.49 ટકા છે, એટલે કે પંજાબ શીખ બહુલ રાજ્ય છે.

બીબીસી સાથેની વાતચીતમાં પંજાબ રાજ્ય અલ્પસંખ્યક આયોગના ચૅરમૅન પ્રો. ઇમાનુએલ નાહરે જણાવ્યું કે રાજ્યે પોતાના સ્તરે પણ અલ્પસંખ્યક સમુદાયોને નોટિફાઈ કરવાના હોય છે. નોટિફાઈ કર્યા પછી એ સમુદાયને શિક્ષણ સંસ્થાનો અને અન્ય જગાએ અગ્રતાક્રમ મળે છે.

પ્રો. ઇમાનુએલએ જણાવ્યું કે, "પંજાબમાં શીખ ધર્મને બાદ કરતાં હજુ સુધી બીજા કોઈ પણ અલ્પસંખ્યક ધર્મને નોટિફાઈ કરવામાં નથી આવ્યા."

"મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન ધર્મને પંજાબમાં અલ્પસંખ્યક માનવામાં નથી આવ્યા. હું ઘણી વાર આ સવાલ કરી ચૂક્યો છું પરંતુ કોઈ સુનાવણી થતી નથી. આ સમુદાયોને મળનારા લાભ માત્ર એક ધર્મ મેળવી રહ્યો છે."

ગ્રાફિક્સ

જો પંજાબમાં હિન્દુઓને અલ્પસંખ્યકનો દરજ્જો મળી જાય તો શું થશે? આ પ્રશ્નના જવાબમાં પ્રો. ઇમાનુએલે કહ્યું કે, એનાથી પંજાબના શીખ સમુદાયને મળનારા લાભમાં ભાગ પડશે જે શીખ ધર્મના લોકોને ગમશે નહીં.

અલ્પસંખ્યક હોવાનો આધાર શો છે? અત્યાર સુધી કેન્દ્ર સરકાર કોઈ પણ ધર્મને લઘુમતીનો દરજ્જો આપવા માટે અધિસૂચના જારી કરે છે, જેનું રાજ્યો પાલન કરે છે. રાજ્યમાં વસ્તીના આધારે અલ્પસંખ્યકનો દરજ્જો અપાશે કે એના આધારે બીજું કશું થશે એ હજુ અસ્પષ્ટ છે. એ રાજ્ય સરકારો નક્કી કરી શકે છે.

દેશમાં લગભગ 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવાં છે, જ્યાં હિન્દુઓની વસ્તી 50 ટકા કરતાં પણ ઓછી છે. એમાં મણિપુર, પંજાબ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મેઘાલય, નાગાલૅન્ડ, લક્ષદ્વીપ અને મિઝોરમનો સમાવેશ થાય છે.

line

લઘુમતી મુદ્દે રાજકારણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જે રાજ્યોમાં હિન્દુ બહુમતીમાં નથી ત્યાં હિન્દુને લઘુમતીનો દરજ્જો આપવાની માંગણી ઘણી જૂની છે. પ્રો. હિમાંશુ રૉયે જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીના સમયથી આ મુદ્દાની રજૂઆત થતી રહી છે પરંતુ કેન્દ્ર સરકાર એનાથી બચતી રહી હતી. એનાથી નુકસાન થવાની સંભાવનાનો પણ ઇનકાર કરી શકાય એમ નથી.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રો. હિમાંશુ રૉયે જણાવ્યું કે, "નાગાલૅન્ડમાં ખ્રિસ્તીઓની વસ્તી લગભગ 87 ટકા છે અને હિન્દુઓની લગભગ 8 ટકા."

"જો કોઈ પાર્ટીને નાગાલૅન્ડમાં પોતાની સરકાર બનાવવી હોય તો એણે ખ્રિસ્તી લોકોને પોતાના પક્ષમાં લેવા પડશે. એ જોતાં જો જે-તે પાર્ટી અલ્પસંખ્યક દરજ્જાના નામે હિન્દુઓનું જૂથ રચે તો એનાથી ખ્રિસ્તી સમુદાય નારાજ થઈ શકે છે. એનાથી બીજી કોઈ પાર્ટીને એનો લાભ મળી શકે છે."

પ્રો. હિમાંશુ રૉયના મતાનુસાર આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર આ મુદ્દાને રાજ્ય સરકારો પર છોડી દેવા માંગે છે.

હાલ તો સુપ્રીમ કોર્ટમાં આ અરજી પરની સુનાવણી પાછી ઠેલાઈ છે. હવે 6 અઠવાડિયાં પછી એના પર સુનાવણી થઈ શકશે. કોર્ટે ચાર અઠવાડિયાંમાં આ અરજી સાથે સંકળાયેલા બધા મુદ્દે કેન્દ્ર સરકારને જવાબ આપવા કહ્યું છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો