નરેશ પટેલ : રાજકારણમાં આવવું છે પણ ફસાયા છે ક્યાં, જાહેરાત કેમ કરતા નથી?
પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને રાજકારણમાં આવવું છે, પરંતુ તેઓ સર્વેના આધારે અંતિમ નિર્ણય લેશે. આ સાથે જ એવી ચર્ચા શરૂ થઈ કે નરેશ પટેલ રાજકારણમાં સામેલ થવાની વાત પર સ્પષ્ટ મત કેમ વ્યક્ત નથી કરી રહ્યા.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પાટીદાર અગ્રણી નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ 30 માર્ચ સુધી રાજકારણમાં આવવા અંગે નિર્ણય લેશે. પરંતુ સોમવારે પત્રકારો સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં પદાર્પણ કરવું કે કેમ તે અંગે સર્વે કરાવી રહ્યા છે, જેનાં પરિણામ એપ્રિલ માસ સુધીમાં આવી શકે છે.
આમ, તેમણે ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવાની મુદ્દત લંબાવી દીધી છે.
આ અંગે જાણવા માટે ગુજરાતના રાજકારણના પ્રવાહોની કળ ધરાવતા રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
નોંધનીય છે કે અગાઉ ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો એટલે કે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) તરફથી પોતાને રાજકારણમાં સામેલ થવાની ઑફર મળી રહી હોવાનો નરેશ પટેલે દાવો કર્યો હતો.

નરેશ પટેલને કોણ રોકે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નરેશ પટેલે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તેઓ માર્ચ મહિનાના અંત સુધીમાં પોતાની રાજકીય કારકિર્દી અંગેનો નિર્ણય જાહેર કરશે.
ત્યાર બાદ સોમવારે બપોરે ખોડલધામ ટ્રસ્ટની બેઠક બાદ નરેશ પટેલે પત્રકારપરિષદ યોજી હતી. જેમાં તેમણે પોતાની રાજકીય કારકિર્દી અંગે થઈ રહેલી અટકળો પર પાણી ફેરવી દીધું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે હવે તેઓ એપ્રિલ મહિનાના અંત સુધીમાં પોતાની રાજકીય કારકિર્દી અંગે જાહેરાત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેશ પટેલે પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું કે, "એક વર્ગ એવો છે કે જે માને છે કે હું અત્યારે જ્યાં છું, ત્યાં જ ઠીક છું. જ્યારે બીજો એક વર્ગ કહે છે કે મારે રાજકારણમાં જવું જોઈએ."
"ખોડલધામની જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિઓ છે. આ સમિતિઓ લોકોના અભિપ્રાયો મેળવી રહી છે."
આમાં 'નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએ? ક્યા પક્ષમાં જોડાવું જોઈએ?' જેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

દુવિધામાં છે નરેશ પટેલ?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
નરેશ પટેલ પાટીદાર સમુદાયના અસરકારક નેતા છે. આમ છતાં પોતાના રાજકીય સ્ટૅન્ડ અંગે કેમ તેઓ નિર્ણય લઈ શકતા નથી?
આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જણાવે છે, "તેઓ કયા પક્ષમાં સામેલ થવું તે અંગે દ્વિધામાં છે. તેમજ કદાચ કોઈ એક પક્ષનું તેમના પર વધુ પડતું દબાણ હોવાના કારણે પણ તેઓ આ નિર્ણય નથી લઈ શકી રહ્યા."
"હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે એવું ચિત્ર ઊભું થતું દેખાઈ રહ્યું છે કે તેઓ કઈ બાજુ જવું તે નક્કી નથી કરી શકી રહ્યા."
આ સિવાય મહેતા જણાવે છે કે, "જો રાજકારણમાં જોડાય તો તેમણે ખોડલધામનું પદ છોડવું પડે. તેમજ ખોડલધામ જેવી સંસ્થા ઊભી કરી હોવાના કારણે માત્ર લેઉવા પટેલમાં જ નહીં પરંતુ કડવા પટેલમાં પણ તેમનો દબદબો છે."
"જો તેઓ રાજકારણમાં આવે અને તેના કારણે પ્રમુખપદ છોડવું પડે તો શું થાય? એ પ્રશ્નના કારણે પણ તેઓ અત્યારે સ્પષ્ટ નિર્ણય નથી લઈ શકી રહ્યા, એવું પણ હોઈ શકે."

'સમાજમાં કદ ઘટવાની ચિંતા'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે, "તેઓ ચૂંટણીટાણે પાછલાં 27-30 વર્ષોથી આવી જ વ્યૂહરચના અપનાવે છે. તેઓ કોઈ પક્ષની ખૂલીને તરફેણ કરતા નથી. અંતે કોઈ પક્ષમાં સામેલ પણ થતા નથી."
જગદીશ આચાર્ય આગળ કહે છે કે, "બની શકે કે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાના કારણે તેમને ભય હોય કે સમાજમાં તેમના ટીકાકારોને તક મળી જાય. અને સમાજમાં તેમની વગ ઘટવાનો ભય રહે."
આ સિવાય તેઓ નરેશ પટેલની અસમંજસનાં કારણો અંગે સ્પષ્ટતા કરતાં કહે છે, "દરેક ચૂંટણી વખતે તેમના કદને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ નરેશ પટેલને ખબર છે કે પટેલ સમાજ માત્ર તેમના કહ્યાથી જ કોઈ પક્ષને મત આપશે એવું નથી."
"તેથી તેઓ દરેક વખતે ચર્ચા ઊભી કરે છે, પરંતુ અંતિમ નિર્ણય લેતા નથી."
નોંધનીય છે કે નરેશ પટેલને રાજકારણમાં ઝંપલાવવા માટે તમામ રાજકીય પક્ષોએ આમંત્રણ આપ્યાની ચર્ચા અવારનવાર થતી રહે છે.
સોમવારની પત્રકારપરિષદમાં ફરી એક વાર પોતાના અસ્પષ્ટ સ્ટેન્ડ અંગે સર્વેનાં નામો પર ફરી એક વખત સમય લંબાવી દીધો છે. પરંતુ હવે એ જોવાનું રહેશે કે શું તેઓ આ વખત પણ તેઓ કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાય કે રાજકીય પક્ષમાં જોડાઈને બધાને ચોંકાવી દેશે?

કોણ છે નરેશ પટેલ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
નરેશ પટેલ 2008-09 લેઉઆ પાટીદારોના કરદેવીનું કાગવડ ખાતે મંદિર સ્થાપવાના વિચાર સાથે ચર્ચામાં આવ્યા. આગળ જતાં ખોડલધામ તરીકે સ્થાપિત આ મંદિરના તેઓ સ્થાપક ટ્રસ્ટી છે.
જે પાટીદાર સમાજની આસ્થા જ નહીં, પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર છે. આ સિવાય પણ તેઓ કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં અને વીલ પણ લખી નાખ્યું હતું, ત્યારે સરકારે મચક આપી ન હતી. એ સમયે અનશનના 'સન્માનજનક સમાધન' માટે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં.
છ ભાઈ-બહેનોમાં નાના એવા નરેશભાઈનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે. તેમણે તત્કાલીન રાજવીઓના વારસો માટે અંગ્રેજો દ્વારા સ્થાપિત આરકેસીમાં (રાજકુમાર કૉલેજ) અભ્યાસ કર્યો છે. જ્યાં તેઓ ઊંચી હાઇટને કારણે બાસ્કેટબૉલના પ્લેયર હતા.
'નરેશ પટેલ વિઝનનું ફ્યુઝન' નામનું પુસ્તક લખનારા યશપાલ બક્ષીએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "નરેશ પટેલ તેઓ ભણતા હતા, ત્યારથી જ પિતા રવજીભાઈ ઉંધાડ (પટેલ) દ્વારા સ્થાપિત પટેલ બ્રાસ વર્કમાં જતાં અને ત્યાં મશીન પણ ચલાવતા."
"તેમણે બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાયને આગળ ધપાવ્યો અને અમેરિકન કંપની સાથે પણ સંયુક્તસાહસ કર્યું. આજે તેની 20 જેટલા દેશોમાં પણ નિકાસ થાય છે. તેમની કંપની ભારતીય રેલવેને પણ સામગ્રી સપ્લાય કરે છે."
નરેશ પટેલ ભગવાન શિવમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. તેમના ઘર (શિવાલય) તથા ફાર્મહાઉસ (શિવોત્તરી)માં શિવની મૂર્તી સ્થાપવામાં આવી છે. તેમના પુત્રનું નામ શિવરાજ, જ્યારે પુત્રીનું નામ શિવાની છે. તેઓ 12 જ્યોર્તિલિંગ, અમરનાથ તથા કૈલાશ માનસરોવરની યાત્રા કરી ચૂક્યા છે.
નરેશ પટેલે શાલિનીબહેન સાથે પ્રેમલગ્ન કર્યાં છે. તેમને બે દીકરી અને એક દીકરો છે. તેમનાં મોટાં દીકરી શિવાની કૉમર્શિયલ પાઇલટ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













