Oscar Awards : અભિનેતા વિલ સ્મિથે સ્ટેજ પર ક્રિસ રૉકને લાફો કેમ મારી દીધો?
હાલમાં ચાલી રહેલા ઑસ્કર ઍવૉર્ડમાં વિલ સ્મિથને બેસ્ટ ઍક્ટર, જૅસિકા ચેસ્ટિનને બેસ્ટ ઍક્ટ્રેસ, ફિલ્મ 'કોડા'ને શ્રેષ્ઠ ફિલ્મ અને જેન કૅંપિયનને શ્રેષ્ઠ ડાયરેક્ટરનો ખિતાબ આપવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, FREDERIC J. BROWN via Getty Images
અમેરિકાના લૉસ ઍન્જલસમાં 94મો એકૅડેમી ઍવૉર્ડ્સ સમારોહ ચાલી રહ્યો છે.
કોરોનાને ધ્યાનમાં રાખીને આ વખતે સમારોહમાં ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે કેટલીક ટેકનિકલ શ્રેણીઓને પ્રી-શોમાં ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
આ વખતના ઑસ્કર્સ ઍવૉર્ડમાં નૉમિનેટ થયેલા કેટલાક કલાકારો યુક્રેનને સમર્થન આપતા પણ નજરે પડ્યા હતા.
પણ સૌથી ચર્ચાસ્પદ બાબત હતી વિલ સ્મિથે મારેલો લાફો. તેમણે ઍવૉર્ડ સમારોહ દરમિયાન કૉમેડિયન ક્રિસ રૉકને લાફો માર્યો હતો.
જોકે, બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ જીત્યા બાદ વિલ સ્મિથ ખૂબ ભાવુક થઈ ગયા હતા અને રડતાંરડતાં એકૅડેમી તેમજ નૉમિનેટેડ કલાકારોની માફી માગી હતી.

'કોડા'ને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે ઑસ્કર્સમાં 'ધ પાવર ઑફ ધ ડૉગ' ફિલ્મને લઈને ઘણી ચર્ચા હતી અને ફિલ્મજગતના ઘણા જાણકારો તેને શ્રેષ્ઠ ફિલ્મના ઍવૉર્ડ માટે દાવેદાર માનતા હતા.
જોકે, આ વખતે ઑસ્કર્સમાં ત્રણ નૉમિનેશન ધરાવતી ફિલ્મ 'કોડા'એ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે બાજી મારી લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફિલ્મ એક એવા પરિવારની કહાણી છે જેમાં મોટા ભાગના લોકો સાંભળી શકતા નથી. પરિવારમાં એકમાત્ર પુત્રી સાંભળી શકતી હોવાથી આખો પરિવાર એ છોકરીના સહારે જ માછલીઓનો વ્યવસાય કરતા હોય છે.
ફિલ્મના પ્રોડ્યુસરે ઍવૉર્ડ લેતી વખતે પોતાની સ્પીચમાં ડાયરેક્ટર સિયાન હેડરનું અભિવાદન કરતા કહ્યું, "આ મોટી નાવડીને ચલાવવા માટે આભાર. આપ એક એવા કૅપ્ટન રહ્યાં જેને તમામ પ્રોડ્યુસર ચાહે છે."

યુક્રેનના સમર્થનમાં કલાકારો

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કેટલાક ઑસ્કર નૉમિનેટેડ કલાકારોએ યુક્રેનને સમર્થન આપ્યું હતું.
ઍક્વામૅન ફિલમના અભિનેતા જેસન મોમોઆએ પોતાના સુટ સાથે યુક્રેનના ધ્વજના રંગનો એક રૂમાલ લગાવીને સમર્થન દર્શાવ્યું હતું.
આ સિવાય બેસ્ટ ઓરિજિનલ મ્યુઝિક માટે નૉમિનેટેડ જાયને વૉરેન, ગત વર્ષે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો ખિતાબ જીતનાર યુહ-જુંગ અને જેમી લી કર્ટિસનો પણ સમાવેશ થાય છે.

વિલ સ્મિથનો લાફો અને બાદમાં અફસોસ

ઇમેજ સ્રોત, Getty Images
વિલ સ્મિથને ફિલ્મ 'કિંગ રિચર્ડ' માટે બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ મળ્યો છે. ફિલ્મમાં તેમણે ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સના પિતા કિંગ રિચર્ડની ભૂમિકા નિભાવી છે.
જોકે, તેમને ઍવૉર્ડ મળ્યો તે પહેલાં કૉમેડિયન ક્રિસ રૉકે સ્મિથનાં પત્ની જૅડા પિંકેટ સ્મિથને લઈને એક મજાક કરી હતી આથી વિલ ક્રોધે ભરાયા હતા અને મંચ પર જ ક્રિસ રૉકને લાફો માર્યો હતો.
જોકે ઍવૉડ સ્વીકારતી વખતે વિલ સ્મિથ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ભાષણમાં ક્રિસ રૉકને મારવા માટે માફી માગી હતી.
ભાષણમાં તેમણે જણાવ્યું, "હું એકૅડેમીની માફી માગું છું, હું તમામ નૉમિનેટેડ સાથીઓની માફી માગું છું."

જૅસિકા ચેસ્ટિનને મળ્યો બેસ્ટ ઍક્ટ્રેસનો ખિતાબ

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ 'ધ આઈ ઑફ ટેમી ફેય'માં ટૅમી ફૅયનું પાત્ર ભજવનારા જેસિકા ચૅસ્ટિનને બેસ્ટ ઍક્ટ્રેસનો ઑસ્કર મળ્યો છે.
આ ફિલ્મમાં તેમણે ખ્યાતનામ અમેરિકન ધર્મપ્રચારક ટેમી ફેયના જીવનની કહાણીને ફિલ્મી પડદા પર દર્શાવી છે.
ઍવૉર્ડ લેતી વખતે તેમણે કહ્યું, "હું તેમની (ફેય) કરુણાથી પ્રેરિત છું. હું તેમની શીખને એક માર્ગદર્શક સિદ્ધાંત તરીકે જોઉં છું જે આપણને આગળ લઈ જશે."

કોણે મળ્યો બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર અને ઍક્ટ્રેસનો ખિતાબ?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર જીતનાર ફિલ્મ 'કોડા'ના અભિનેતા ટ્રૉય કૉસ્ટરને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ખિતાબ મળ્યો છે. કૉસ્ટરે આ ફિલ્મમાં એક બાળકીના પિતાની ભૂમિકા નિભાવી છે. જે સાંભળી શકતા નથી.
ટ્રૉય કૉસ્ટર ઑસ્કર જીતનારા બીજા બધિર અભિનેતા છે. આ પહેલા માર્લી મેટલિને વર્ષ 1986માં આવેલી ફિલ્મ 'ચિલ્ડ્રન ઑફ ધ લેસર ગૉડ'માં બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ જીત્યો હતો.
તેમણે ઑસ્કર્સના મંચ પરથી સાંકેતિક ભાષામાં પોતાનું ભાષણ આપ્યું હતું. જ્યારે ફિલ્મ 'વેસ્ટ સાઇડ સ્ટોરી'ના કલાકાર ઍરિયાના ડીબોસને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો છે.
ઍરિયાના ઑસ્કર ઍવૉર્ડ મેળવનારા પ્રથમ અશ્વેત ક્વિયર મહિલા છે. ઍવૉર્ડ લેતી વખતે તેમણે કહ્યું, "સપનાં સાકાર થાય છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












