એક એવી જગ્યા, જ્યાં 'બરફની ખેતી' પર અર્થતંત્ર નિર્ભર છે

ઇમેજ સ્રોત, Ethan Welty/Alamy
- લેેખક, માર્ગારેટ હેડરમેન
- પદ, બીબીસી ટ્રાવેલ
આ કહાણી છે અમેરિકામાં બરફની ખેતી કરનાર ખેડૂતોની જેમણે કોલોરાડો રાજ્યમાં 'સ્વિત્ઝર્લૅન્ડ' બનાવી દીધું છે.
ક્લાઇમ્બર્સ એટલે કે આરોહકોનું એક જૂથ ઉદ્ઘાટનના દિવસ પહેલાં પાર્કમાં ગેરકાયદે પ્રવેશવાના પ્રયાસ કરતું હોવાની અફવા ફેલાઈ હતી.
અમેરિકાના કોલોરાડો રાજ્યમાંના યુરે આઇસ પાર્કના ઑપરેશન્શ મૅનૅજર પેટ ડેવિસને તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. હું તેમની સાથે અનકોમ્પાગ્રે ગોર્જની ધાર પરના બર્ફીલા વિસ્તારમાં ગઈ હતી.
અમારા પગ નીચેની ભેખડ પર થીજી ગયેલા બરફની ચાદર હતી. પાર્ક વધુ ત્રણ દિવસ માટે બંધ રહેવાનો હતો, પરંતુ ક્લાઇમ્બર્સ અને પાર્કના કર્મચારીઓ સહિતના બધા લોકો સિઝનના પ્રારંભ માટે ઉત્સુક હતા.
યુરે આઇસ પાર્ક અનકોમ્પાગ્રે નદીના પ્રવાહને કારણે રચાયેલી સાંકડી ખીણના મુખ પર આવેલો છે. અહીં અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ પ્રદેશના ખડકાળ પર્વતોનું પરિદૃશ્ય આલ્પ્સના ખરબચડા ભૂપ્રદેશમાંથી લાલ ખડકોવાળા ઉચ્ચ પ્રદેશમાં પરિવર્તિત થાય છે.
ભૂતકાળમાં ખાણોનું નગર ગણાતું, પણ હવે આઉટડોર મનોરંજનનું ધમધમતું કેન્દ્ર બની ગયેલું યુરે આ પાર્કની નીચે જ આવેલું છે. યુરે 'અમેરિકાના સ્વિત્ઝર્લૅન્ડ' તરીકે જાણીતું છે.
અમે ખીણ તરફ આગળ વધતાં હતાં ત્યારે ડેવિસે, તેમના કર્મચારીઓ પાર્કના ઉદ્ઘાટન પહેલાં જે પ્રોજેક્ટો પૂર્ણ કરવા મચી પડ્યા છે તે પ્રોજેક્ટ મને દેખાડ્યા હતા.
ક્લાઇમ્બર્સ માટે માર્ગદર્શક પાટિયાં લગાવવાનાં હતાં, એક નવા પુલનું નિરીક્ષણ કરવાનું હતું અને બહુ બધો બરફ 'ઉગાડવાનો' હતો. યુરે આઇસ પાર્કમાંના તમામ જળધોધ સંપૂર્ણપણે માનવસર્જિત છે. 'બરફના ખેડૂતો'ની એક નાની ટીમે તેનું સર્જન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેવિસે ખીણની ધાર પરની પાણીની પાઇપલાઇન તથા ફુવારાઓ મને દેખાડ્યા હતા. અહીં 200થી વધારે ફુવારા છે, જે ખડકો પર પાણી છાંટે છે અને બરફની જાડી દીવાલો બનાવે છે.
નવેમ્બરમાં ઉષ્ણતામાન ઘટવાની શરૂઆત થવાની સાથે જ બરફના ખેડૂતો ખડકોને ઠંડા કરવા માટે તેના પર પાણી છાંટે છે અને જળધોધ સર્જવાની તૈયારી કરે છે. વિવિધ પ્રકારના ક્લાઇમ્બરો માટે રૂટ તૈયાર કરવા તેઓ ખડકોનો સંપૂર્ણપણે ઉપયોગ કરે છે.
આ કામ કડકડતી ઠંડીમાં પારાવાર માનવીય શ્રમ માગી લે છે, પરંતુ ડેવિસ બરફ ઉગાડવાના કામને કળાનું એક સ્વરૂપ ગણાવે છે.
ડેવિસ કહે છે કે "તમે જાણો છો તેમ, પર્વતમાંના બર્ફીલા માર્ગ પર ફુવારામાંથી પાણી વહેતું હોય એ કુદરતી ઘટના નથી."

બરફના સર્જન ઉપરાંત વ્યવસ્થાની સારસંભાળ

ઇમેજ સ્રોત, Margaret Hedderman
જંગલમાં, આરોહણ કરી શકાય તેવો બરફ, થીજી ગયેલા ધોધ તરીકે અથવા ખડકમાંથી નીકળતા પાણીના રૂપમાં બને છે.
પાર્કમાં આ બન્ને શૈલીના અનુકરણના પ્રયાસ કરવામાં આવે છે. બે વર્ષથી બરફની ખેતી કરતા સ્ટીવ ઈમ્હોફે જણાવ્યું હતું કે વાસ્તવિક લક્ષ્ય, પાણીના પાઇપના વાલ્વના સક્ષમ ઉપયોગ અને પાણીના છંટકાવને ધ્યાનમાં રાખીને આરોહકોનાં મન તથા શરીર બન્ને માટે પડકારજનક રૂટ તૈયાર કરવાનું હોય છે.
સ્ટીવે કહ્યું હતું કે "સવારે વહેલા ઊઠવાનું અને આરોહકો બરફ સુધી પહોંચે તે પહેલાં પાણીનો પ્રવાહ બંધ કરવાનું કામ સૌથી પહેલાં કરવું પડે છે. તમે આઇસ પાર્કમાં સંપૂર્ણ તન્મયતાથી કામ કરતા હો ત્યારે જ આવું કામ કરી શકો."
બરફના ખેડૂતોએ બરફના સર્જન ઉપરાંત વ્યવસ્થાની સારસંભાળ તથા દુરસ્તી પર પણ ધ્યાન આપવાનું હોય છે. પર્વતોમાંની પાણીની ખુલ્લી પાઇપલાઇનમાં બરફ જામી જવાનું અને તે તૂટવાનું જોખમ હોય છે.
વૃક્ષો પર લટકાવવામાં આવેલી પાઇપલાઇનના 150 ફૂટના હિસ્સામાં ગયા વર્ષે બે વખત બરફ જામી ગયો હતો. એ હિસ્સાના સમારકામ માટે ખેડૂતોએ વૃક્ષો પર ચડવું પડ્યું હતું અને ચાર દિવસની મહેનતના અંતે એ કામ પૂર્ણ થયું હતું.
અન્ય મોસમી કામોની માફક બરફની ખેતીનું કામ પણ માર્ચમાં પાર્ક બંધ થાય ત્યારે બંધ કરવામાં આવે છે. એ પછી યુરેમાંના કેટલાક ખેડૂતો કામ કરવા માટે બીજાં રાજ્યોમાં જાય છે. એક વર્ષથી બરફની ખેતી કરી રહેલાં સારા ગૂડનાવ અગ્નિશમન દળનાં કર્મચારી તરીકે પણ કામ કરે છે. તેમનું વર્ષ બરફ અને આગની વચ્ચે અક્ષરસઃ વહેંચાયેલું રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેમને શારીરિક શ્રમવાળું કામ કરવું બહુ ગમે છે.
સારાએ કહ્યું હતું કે "આ યોગાનુયોગે બન્યું છે. ફાયર ફાઇટિંગ અને આઇસ પાર્કમાંનું કામ મારી સમક્ષ તક સ્વરૂપે આવ્યું છે."
બરફના અન્ય ખેડૂતો વિન્ડ ટર્બાઇનને ટેકો આપતાં રોપ ઍક્સેસ ટેક્નિશિયન તરીકે કામ કરે છે. આઇસ પાર્કમાં ફુલ-ટાઇમ નોકરીમાં જોડાતાં પહેલાં ઉનાળામાં ડેવિસે પુરાતત્ત્વવિદ્ તરીકે કામ કર્યું હતું.

બરફની ખેતી અને પર્યાવરણ

ઇમેજ સ્રોત, Margaret Hedderman
હું અને ડેવિસ એક માઈલ લાંબા પાર્કના પાછળના ભાગમાં પહોંચ્યાં ત્યારે ત્યાં કોઈ તોફાની આરોહકો જોવા મળ્યા ન હતા. કાં તો તેઓ અમારી નજરમાંથી છટકી ગયા હશે અથવા તો તેઓ અહીં ઘૂસ્યાની વાત અફવા હશે.
પાર્કને ખુલ્લો મૂકવાનો દિવસ નજીક આવી રહ્યો હતો તેથી ડેવિસ બરફની જાળવણી માટે અત્યંત સતર્ક બની ગયા હતા. હવામાન તો તેમને નિશ્ચિત રીતે અનુકૂળ ન હતું.
શિયાળો અસાધારણ રીતે હૂંફાળો હતો અને ઉષ્ણતામાન ડિસેમ્બરમાં પણ, બરફ જામી શકે તેટલું નીચું ન હતું. પાર્ક ખુલ્લો મૂકવાના એક દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો. એ કારણે બરફના ખેડૂતોની મહેનત પર આંશિક રીતે પાણી ફરી વળ્યું હતું.
ફોર્ટ લુઈસ કૉલેજમાં ઍન્વાયર્નમેન્ટ તથા સસ્ટેઇનેબિલિટીના પ્રોફેસર તરીકે કાર્યરત્ અને બદલાતા હવામાનમાં મહાસાગરોની સ્થિતિ વિશેના ખાસ અહેવાલના મુખ્ય લેખક હૈડી સ્ટેલ્ટ્ઝરે કહ્યું હતું કે "પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ રહ્યું હોવાથી શિયાળુ આબોહવા અપેક્ષા અનુસારની હોતી નથી. દરેક વર્ષે માનવસર્જિત બરફ બનાવવાનું શક્ય ન પણ હોય, પરંતુ એ બનાવી શકાય ત્યારે આઇસ પાર્ક આનંદ-પ્રમોદ તથા મિલન-મુલાકાતના સ્થળ ઉપરાંત ગ્રામ્ય પર્વતીય જીવનને ટકાવી રાખવામાં મદદ કરે છે."
આઇસ પાર્કના દરવાજા આખરે ખોલવામાં આવ્યા. આ વખતે અગાઉ કરતાં ઘણા વધારે લોકો આવ્યા હતા.
એક સવારે બરફના ખેડૂતો પાર્કમાં આવ્યા ત્યારે 155 લોકો બર્ફીલા પર્વત પર આરોહણ માટે રાહ જોઈ રહ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું ક્યારેય બન્યું ન હતું.
આ વર્ષની સિઝનમાં 20,000થી વધુ લોકો પાર્કની મુલાકાતે આવશે એવી અપેક્ષા છે. યુરે આઇસ પાર્કના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીટર ઓ'નીલ આ બાબતને બર્ફીલા પહાડો પર આરોહણની વધતી લોકપ્રિયતા તથા પાર્કના જિમ્નેશિયમ જેવા સ્વરૂપ સાથે સાંકળે છે.
પીટરે કહ્યું હતું કે "અહીં પહોંચવું અત્યંત આસાન છે અને તેનાથી આ સ્પોર્ટના વિકાસમાં મદદ મળે છે. હું યુવાન હતો ત્યારે અમારે આવાં સ્થળે પહોંચવા કલાકો સુધી હાઇકિંગ કે સ્કિઈંગ કરવું પડતું હતું."
યુરેમાં 1980ના દાયકાથી શરૂ થયેલા આઇસ ક્લાઇમ્બિંગે લાંબો પંથ કાપ્યો છે.
શહેરના હાઇડ્રોઇલેક્ટ્રિક પાઇપમાં લીકેજને કારણે અનકોમ્પાગ્રે ગોર્જમાં જળધોધ આકાર પામી રહ્યા હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવ્યા પછી અહીં આઇસ ક્લાઇમ્બિંગ શરૂ થયું હતું.
કેટલાક તોફાનીઓ વધારે જળધોધના સર્જન માટે તેમની કુહાડીઓ વડે પાઇપલાઇન્સમાં 'અકસ્માતે' કાણાં પાડતાં હોવાની કથાઓ પણ અહીં સાંભળવા મળે છે.

બરફની ખેતીની શરૂઆત

ઇમેજ સ્રોત, Xander Bianchi/Ouray Ice Park, Inc.
અહીં બરફની ખેતીની કાયદેસર શરૂઆત 1990ના દાયકાના પ્રારંભે થઈ હતી, પણ અહીંનો આઇસ પાર્ક 1997માં સત્તાવાર રીતે બિન-ધંધાદારી સંસ્થા બન્યો હતો.
આ વર્ષે અહીં ત્રણ મોટી આઇસ ક્લાઇમ્બિંગ ઇવેન્ટ યોજાશે. તેમાં હાંસિયા પરની જ્ઞાતિઓના ઉત્સવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત સ્પર્ધાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમોમાં વિશ્વના ટોચના ઍથ્લીટ ભાગ લેશે. અનુભવી પર્વતારોહકો અને હિમાલય તથા અન્ય ઊંચા પહાડો પર આરોહણની તૈયારી કરી રહેલા લોકો પણ તાલીમ લેવા અહીં આવશે.
હું નવા આઇસ ક્લાઇમ્બર્સના એક ગ્રૂપ સાથે થોડા સપ્તાહ પછી ફરી પાર્કમાં પહોંચી હતી. અમે 20થી વધારે લોકો સાથે કેન્યનના પહોળા પટમાં પહોંચ્યાં હતાં. અમારી નજર સામે 90 ફૂટ આછો બ્લૂ બરફ પથરાયેલો હતો.
બરફના ખેડૂતોએ બરફની વિવિધ ગુણવત્તા વિશે કરેલી વાત હું ત્યારે સમજી શકી.
સામે કૉલિફ્લાવર તરીકે ઓળખાતા ગોળાકારમાં ઉપસેલા નરમ બરફના ઢગલા હતા, જેમાં કુડાહી આસાનીથી ઘૂસી જતી હતી.
નવો જામેલો બરફ ભેખડો પર ઝૂમરની જેમ લટકી રહ્યો હતો. બીજા વિભાગમાં બરફ હતો જ નહીં. તેથી આરોહકો આરોહણ માટે તેમની કુડાહીઓ અને ક્રેમ્પનનો ઉપયોગ કરી શકતા હતા.

ઇમેજ સ્રોત, Jacob Raab
હું હૂંફાળા જૅકેટમાં લપેટાયેલી હતી અને એક જગ્યાએ ઊભી હતી ત્યારે મારી નજર પાર્કમાં ચક્કર લગાવી રહેલા રેન્જરો પર પડી હતી.
એ નવી બાબત છે અને પાર્કની વધતી લોકપ્રિયતાનું પરિણામ છે. રેન્જરો આરોહકોને આવકારે છે.
બધાની ગણતરી કરે છે અને બધાની સલામતી સુનિશ્ચિત કરે છે. પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો એ દિવસે તેમણે નવાં રૂટ, બેન્ચો અને સાઇન ગોઠવવામાં પણ મદદ કરી હતી.
એલી બ્લૂમ નામના એક રેન્જર અને પર્વતારોહણના ભૂતપૂર્વ માર્ગદર્શકે કહ્યું હતું કે "ટકાઉ વ્યવસ્થાના નિર્માણનું કામ કરું છું ત્યારે મને લાગે છે કે હું કશુંક યોગદાન આપી રહ્યો છું."
અન્ય લોકોને આવા કામનો હિસ્સો બનવાનું બહુ જ ગમે છે. ટ્રેસ બાર્બાટેલીએ આરોહકોને "સાંકડી ખીણમાં થયેલી આનંદ, ડર અને પીડાની" અનુભૂતિનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે "તમે તેમના ચહેરા પરના ભાવ જોઈને સમજી શકો કે તેઓ શું અનુભવી રહ્યા હશે."
આઇસ ક્લાઇમ્બિંગનું વર્ણન સૌંદર્યના સંદર્ભમાં કરવામાં આવે છે, પરંતુ તે નિશ્ચિત રીતે લાગણીભર્યો અનુભવ બની શકે છે. મારી સાથેની એક પર્વતારોહક મહિલા, તેણે પ્રથમ ચરણનું આરોહણ પૂર્ણ કર્યું ત્યારે રડી પડી હતી. બરફની મોટી દીવાલના આરોહણની વાત બાજુ પર જ મૂકી દો, પોતે ક્યારેય નાનકડું આરોહણ પણ કરી શકશે તેનો વિચાર સુધ્ધાં એ મહિલાએ કર્યો ન હતો.

બરફની ખેતી પર નભતું અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Rowan Romeyn/Alamy
દૂરના પહાડો પાછળ સૂર્ય ડૂબવા લાગ્યો ત્યારે ખીણમાંથી ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. અમે યુરેમાં ડિનર માટે આગળ વધ્યા.
હાઇવે નગરને અન્ય પ્રદેશો સાથે જોડતો મુખ્ય રસ્તો છે અને હાઇવેની બન્ને બાજુ વિક્ટોરિયન બ્રિક બિલ્ડિંગ્ઝની કતાર જોવા મળે છે.
પર્વતારોહકો કેટલીક નાની રેસ્ટોરાં અને દુકાનો પાસેથી પસાર થઈને આગળ વધે છે. આ પૈકીની ઘણી દુકાનો સિઝન શરૂ થયા પહેલાં બંધ હતી અને ધંધાર્થીઓ વધુ કસદાર ઉનાળાની રાહ જોઈ રહ્યા હતા. બધું બહુ શાંત હતું.
આઇસ પાર્કના યુરે પરના પ્રભાવની સરખામણી એક સ્કી રિસોર્ટ તરીકે વારંવાર કરવામાં આવે છે. આઇસ પાર્ક ન હોય તો અહીં શિયાળામાં અર્થતંત્ર તદ્દન સુસ્ત બની જાય.
મેં યુરે આઇસ પાર્કનાં પ્રમુખ લોરા સ્લોવિત્સકા સાથે વાત કરી હતી. તેમનો પરિવાર યુરેમાં 50 વર્ષથી એક હોટલ ધરાવે છે. લોરા પોતે પર્વતારોહક નથી, પણ તેઓ યુરે આઇસ પાર્કના ડિરેક્ટર બોર્ડમાં જોડાયાં, કારણ કે અહીંના લોકો માટે પાર્કનું કેટલું મહત્ત્વ છે એ તેઓ બરાબર સમજે છે.
લોરાએ કહ્યું હતું કે "બરફના ખેડૂતો અને પાર્ક માટેની તેમની મહેનત વિના આઇસ પાર્કનું સર્જન શક્ય જ નથી. ખરેખર તેમના કારણે જ આઇસ પાર્ક શક્ય બન્યો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













