બાબર : રણમાં ભટકનાર એ 'બેઘર' બાદશાહ જેણે ભારતમાં મુગલ સલ્તનતનો પાયો નાખ્યો

    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી ઉર્દૂ, દિલ્હી

બાબર
ઇમેજ કૅપ્શન, આજથી લગભગ 500 વર્ષ પહેલાં બાબરે એક સલ્તનતની સ્થાપના કરી હતી જેની કોઈની સાથે સરખામણી કરી શકાય એમ નથી, અનુપમ છે.

એ શહેરના બાદશાહની કહાણી, જેણે ભારતમાં એક એવી સલ્તનત સ્થાપી જેની પાસે વિશ્વની એક ચુતર્થાંશ કરતાં વધુ સંપત્તિ હતી. એનું ક્ષેત્રફળ અફઘાનિસ્તાન સહિત આખા ભારતીય ઉપમહાદ્વીપ વિસ્તરેલું હતું અને વિશ્વમાં એનો ક્યાંય જોટો જડે એમ નહોતો.

ખ્યાતનામ અંગ્રેજી નવલકથાકાર ઈએમ ફૉર્સ્ટરે લખ્યું છે કે, "આધુનિક રાજનીતિદર્શનનો આવિષ્કાર કરનાર મૅક્યવેલીએ કદાચ બાબર વિશે સાંભળ્યું નહોતું. સાંભળ્યું હોત તો 'ધ પ્રિન્સ' નામનું પુસ્તક લખવાના બદલે એમના (બાબરના) જીવન વિશે લખવામાં એમને વધારે રસ પડ્યો હોત."

બાબર એક એવું પાત્ર હતા જેઓ માત્ર સફળ જ નહોતા, બલકે સૌંદર્યબોધ અને કલાત્મક ગુણોવાળા પણ હતા. મુગલ સલ્તનતના સંસ્થાપક ઝહીર-ઉદ-દીન મોહમ્મદ બાબર (1483-1530)ને એક તરફ વિજેતારૂપે ઓળખવામાં આવે છે, તો બીજી તરફ એમને એક મોટા કલાકાર અને લેખક પણ માનવામાં આવે છે.

એક ઇતિહાસકાર સ્ટિફન ડેલે બાબર વિશે લખ્યું છે કે, એ નક્કી કરવું અધરું છે કે બાબર એક બાદશાહ તરીકે વધારે મહત્ત્વપૂર્ણ છે કે એક કવિ અને લેખક તરીકે.

આજના ભારતમાં, બાબરને બહુસંખ્યક હિન્દુવર્ગની એક વિશેષ વિચારધારાના લોકો આક્રમણકારી, લૂંટારો, વ્યાજખોર, હિન્દુનો દુશ્મન, અત્યાચારી અને દમનકારી બાદશાહ માને છે.

આ બાબત આટલે સુધી જ સીમિત નથી, બલકે, ભારતની સત્તારૂઢ પાર્ટી બાબર જ નહીં, મુગલ સલ્તનત સાથે સંકળાયેલી દરેક વસ્તુના વિરોધમાં જોવા મળે છે.

આજથી લગભગ 500 વર્ષ પહેલાં બાબરે એક સલ્તનતની સ્થાપના કરી હતી જેની કોઈની સાથે સરખામણી કરી શકાય એમ નથી, અનુપમ છે.

એમણે 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં એક નવી સલ્તનતની સ્થાપના કરી.

પોતાની ચડતીના દિવસોમાં આ સલ્તનતના કબજા હેઠળ દુનિયાની એક ચતુર્થાંશ કરતાં પણ વધુ સંપત્તિ હતી. આ સલ્તનતનું ક્ષેત્રફળ અફઘાનિસ્તાન સહિત લગભગ આખા ઉપમહાદ્વીપ પર વિસ્તરેલું હતું.

line

બાબરનો સૌથી મોટો પરિચય

બાબર

ઇમેજ સ્રોત, WIKIPEDIA

પરંતુ બાબરનું જીવન નિરંતર સંઘર્ષ છે. આજની દુનિયામાં બાબરનો સૌથી મોટો પરિચય એમની પોતાની આત્મકથા છે. એમના પુસ્તકને આજે 'બાબરનામા' કે 'તુઝ્ક એ બાબરી'ના નામે ઓળખવામાં આવે છે.

જામિયા મિલિયા ઇસ્લામિયામાં ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષા નિશાત મંઝરનું કહેવું છે કે, "બાબરના જીવનને બે ભાગમાં વહેંચી શકાય છેઃ એક ભાગ સીર દરિયા અને આમુનદીની વચ્ચે મધ્ય એશિયામાં વર્ચસ્વ સ્થાપવા માટે સંઘર્ષનો છે, અને બીજો ભાગ ખૂબ નાનો પરંતુ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે એ ભાગમાં માત્ર ચાર વર્ષમાં એમણે ભારતની એક મહાન સલ્તનતની સ્થાપના કરી, જે લગભગ 300 વર્ષ સુધી અસ્તિત્વમાં રહી."

ઑક્સફર્ડ સેન્ટર ઑર ઇસ્લામિક સ્ટડીઝમાં દક્ષિણ એશિયાઈ ઇસ્લામમાં ફૅલો મુઈન અહમદ નિઝામીએ બીબીસીને જણાવ્યું કે, "તૈમૂરી અને ચંગેઝ વંશના બાબરને પોતાના પિતા ઉમર શેખ મિર્ઝા તરફથી ફરગના નામનું એક નાનકડું રજવાડું મળ્યું હતું. ફરગનાનાં પાડોશી રજવાડાંમાં એમના સંબંધીઓનું શાસન હતું."

નિઝામીએ જણાવ્યું, "એટલે સુધી કે એમને પોતાનું રજવાડું પણ ગુમાવવું પડ્યું. એમણે પોતાનું મોટા ભાગનું જીવન આક્રમણ અને રણમાં ભટકીને પસાર કર્યું. પોતાના રજવાડાને ફરીથી પ્રાપ્ત કરવાના એમના પ્રયાસ નિષ્ફળ નીવડતા ગયા. એટલે સુધી કે પરિસ્થિતિઓએ એમને ભારતની દિશામાં જવા માટે મજબૂર કર્યા."

line

બાબરની આત્મકથા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બાબરે પોતાની એ સમયની સતત નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરતાં પોતાની આત્મકથામાં લખ્યું છે, "જેટલા દિવસ હું તાશ્કંદમાં રહ્યો, એટલા દિવસ હું ખૂબ દુઃખી અને મુશ્કેલીમાં રહ્યો. દેશ કબજામાં નહોતો અને એ મળવાની કોઈ આશા પણ નહોતી."

"મોટા ભાગના નોકર જતા રહેલા, અને જે કેટલાક સાથે હતા તેઓ ગરીબીના કારણે મારી સાથે ફરી નહોતા શકતા."

બાબરે આગળ લખ્યું છે, "આખરે હું આ રખડવાથી અને બેઘર હોવાના લીધે થાકી ગયો અને જીવનથી કંટાળી ગયો. મેં મારા દિલને કહ્યું કે, આવું જીવન જીવવા કરતાં તો સારું એ છે કે જ્યાં ક્યાંય સંભવ હોય હું જતો રહું. એવો સંતાઈ જાઉં કે કોઈ જોઈ ન શકે."

"લોકોની સામે આવી અપમાનજનક અને ખરાબ પરિસ્થિતિમાં જીવવા કરતાં સારું એ છે કે જેટલો દૂર જઈ શકું જતો રહું, જ્યાં મને કોઈ ન ઓળખે."

"એવું વિચારીને ઉત્તર ચીન ક્ષેત્ર તરફ જવાનો નિશ્ચય કરી લીધો. મને બાળપણથી જ પ્રવાસ કરવામાં રસ હતો, પરંતુ હું સલ્તનત અને સંબંધોના કારણે નહોતો જઈ શકતો."

મુઈન અહમદ નિઝામીએ જણાવ્યું કે એમણે અન્ય સ્થળે પણ આવી વાતો લખી છે. એક જગ્યાએ લખ્યું છે, "શું હજી કશું જોવાનું બાકી રહી ગયું છે, હવે ભાગ્યની કેવી વિડંબના અને ઉત્પીડન જોવાનાં બાકી રહી ગયાં છે?"

એક શેરમાં એમણે પોતાની સ્થિતિ વ્યક્ત કરી છે, જેનો અર્થ એવો છે કે, "હવે ના તો મારી પાસે દોસ્ત-યાર છે, ના તો મારી પાસે દેશ અને ધન છે, મારા મનને એક પળની પણ શાંતિ નથી. અહીં આવવાનો નિર્ણય મારો હતો પરંતુ હવે હું પાછો ન જઈ શકું."

ઝહીરુદ્દીન બાબર

ઇમેજ સ્રોત, RAKTAB

ઇમેજ કૅપ્શન, ઝહીરુદ્દીન બાબર એક બાદ એક નિષ્ફળતા પછી મુઘલ બાદશાહને ભારત તરફ વળ્યા

પોતાની આત્મકથાત્મક નવલકથા 'ઝહીર-ઉદ-દીન બાબર'માં ડૉક્ટર પ્રેમકિલ કાદરૉફે બાબરની આ જ ઉત્તેજનાત્મક અને અશાંત સ્થિતિ દર્શાવી છે.

એક જગ્યાએ તેમણે લખ્યું છે કે, "શ્વાસ લેવા માટે બાબર થોડા અટક્યા પરંતુ એમણે પોતાની વાત ચાલુ રાખી… બધું ફાની (નશ્વર) છે. મોટી મોટી સલ્તનતોના પણ સ્થાપકો દુનિયામાંથી ચાલ્યા જાય કે તરત જ તેના ટુકડેટુકડા થઈ જાય છે. પરંતુ શાયરના શબ્દો સદીઓ સુધી જીવંત રહે છે."

એક વાર એમણે પોતાનો એક શેર જમશેદ બાદશાહના ઉલ્લેખ પછી એક પથ્થર પર કોતરાવી દીધો હતો, જે હવે તઝાકિસ્તાનના સંગ્રહાલયમાં છે. એ એમની સ્થિતિની સાચી વ્યાખ્યા કરે છે.

"ગિરફ્તેમ આલમ બ મર્દી વ ઝોર

વ લેકિન ન બર્દેમ બા ખુદ બ ગોર"

આનો અનુવાદ એવો થાય કે 'તાકત અને સાહસથી દુનિયા પર વિજય તો મેળવી શકાય છે, પરંતુ જાતે પોતાને દફનાવી પણ નથી શકતા.'

આનાથી સમજાય છે કે તેઓ હાર માની લેનારાઓમાંના નહોતા. બાબરમાં પહાડ પરથી વહેતા ઝરણા જેવી શક્તિ હતી, જે પથરાળ જમીનને ચીરીને ઉપરથી એટલી તાકાત સાથે નીકળે છે કે સમગ્ર ભૂમિને સીંચે છે. તેથી, એક સ્થળે, પ્રેમકિલ કદરૉફે આ સ્થિતિનું વર્ણન કંઈક આ રીતે કર્યું છે,

"એ વખતે બાબરને શક્તિશાળી ઝરણાનું દૃશ્ય ખૂબ આનંદિત કરતું હતું… બાબરે વિચાર્યું કે આ ઝરણાનું પાણી પેરિખ ગ્લેશિયરમાંથી આવતું હશે. એનો અર્થ એ હતો કે પાણીને પેરિખથી નીચે આવતાં અને આકાશ જેટલા ઊંચા માઉન્ટ લાઓના શિખર સુધી પાછા ચઢવા માટે બંને પહાડ વચ્ચેની ઘાટીઓના ઊંડાણથી પણ વધુ ઊંડાઈ સુધી જવું પડતું હતું."

"પાણીના ઝરણાને આટલી બધી શક્તિ આખરે ક્યાંથી મળી રહી હતી બાબરને પોતાના જીવનની સરખામણી આવા ઝરણા સાથે કરવી બિલકુલ યોગ્ય લાગ્યું. એ પોતે પણ તૂટી પડતા શિખરની નીચે આવી ગયા હતા."

line

બાબર ભારત તરફ

તાજમહેલને મુગલ સામ્રાજ્યનું ઉત્તમ કલાત્મક સર્જન માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજમહેલને મુગલ સામ્રાજ્યનું ઉત્તમ કલાત્મક સર્જન માનવામાં આવે છે

બાબર ભારત તરફ કઈ રીતે આકર્ષાયા એ વિશે જુદા-જુદા દૃષ્ટિકોણ રજૂ કરી શકાય છે, પરંતુ પ્રોફેસર નિશાત મંઝરનું કહેવું છે કે, "ભારત તરફનું એમનું ધ્યાન બિલકુલ યોગ્ય હતું, કેમ કે કાબુલમાં કર લાગુ કરવા માટે માત્ર એક વસ્તુ હતી. અને શાસકીય વહીવટી તંત્ર માટે ધનની સખત જરૂરિયાત હતી, તેથી બાબર પાસે ભારતની દિશા લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો."

તેથી આપણે જોઈએ છીએ કે સિંધુ નદીને પાર કરતાં પહેલાં, એમણે ભારતના પશ્ચિમી ભાગ પર પહેલાં પણ ઘણી વાર હુમલા કર્યા હતા અને ત્યાં લૂંટફાટ કર્યા બાદ કાબુલ પાછા જતા રહેલા.

એમનું કહેવું છે કે, "બાબર જે રીતે પોતાની આત્મકથાની શરૂઆત કરે છે, કોઈ બાર વર્ષના છોકરા પાસેથી આવી હિંમત અને નિશ્ચયની આશા ન રાખી શકાય. પરંતુ બાબરના લોહીમાં શાસનની સાથોસાથ બહાદુરી પણ હતી.

નિશાત મંઝરનું કહેવું છે કે, "એમને ભાગ્ય અને જરૂરિયાત બંને અહીં ખેંચી લાવ્યાં હતાં, અન્યથા, એમના બધા પ્રારંભિક પ્રયાસો ઉત્તર એશિયામાં એમના પૈતૃક સામ્રાજ્યને મજબૂત કરવા અને એક મહાન સામ્રાજ્ય સ્થાપિત કરવા પર આધારિત હતા."

એમણે એમ પણ કહ્યું કે, "એ ચર્ચાનો એક અલગ વિષય છે કે શું રાણા સાંગા કે દૌલતખાન લોદીએ એમને દિલ્હી સામ્રાજ્ય પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું કે નહીં. પરંતુ એ નિશ્ચિત હતું કે, આજનાં લોકશાહીનાં મૂલ્યોથી આપણે સલ્તનતકાળની કસોટી (પારખું) ન કરી શકીએ."

"એ સમયે, કોઈ ક્યાંય પણ જતા અને વિજયી થતા તો એને ત્યાંના સાધારણ અને ખાસ લોકો બંને સ્વીકારતા, એને હુમલાખોર નહોતા સમજતા."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પરંતુ બાબરના ભારતના સપના બાબતે, એલએફ રુશબ્રુકે પોતાના પુસ્તક 'ઝહીર-ઉદ-દીન મોહમ્મદ બાબર'માં લખ્યું છે કે બાબરે બધેથી થાકીને 'દેખ કાત' નામના ગામમાં રહેવાનો નિશ્ચય કરેલો.

એમણે પોતાને સંપૂર્ણપણે ત્યાંના વાતાવરણને અનુકૂળ કર્યા.

એમણે પોતાના બધા દાવા છોડી દીધા અને એક સામાન્ય અતિથિની જેમ ગામ સરપંચના ઘરે રહેવા લાગ્યા. અહીં એક એવી ઘટના બની જેનાથી ભાગ્ય નિશ્ચિત થઈ ગયું હતું કે બાબરના ભાવિ જીવન પર ઊંડો પ્રભાવ પડશે.

ગામના સરપંચ 70 કે 80 વર્ષના હશે. પરંતુ એમનાં માતા 111 વર્ષનાં હતાં અને તેઓ હયાત હતાં. આ વૃદ્ધ મહિલાનાં કેટલાંક સગાં તૈમૂરની સેના સાથે ભારત ગયા હતા. આ વાત એમના મગજમાં હતી અને તેઓ એની વાર્તા કહેતાં.

બાબર

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY

ઇમેજ કૅપ્શન, બાબર પૈતૃક રીતે તૈમૂર વંશની પાંચમી પેઢીના વંશજ હતા અને માતૃપક્ષે મહાન વિજેતા ચંગેઝખાનની 14મી પેઢીના વંશજ હતા.

બાબરના બુઝુર્ગોનાં કારનામાં વિશે એમણે જે વાર્તાઓ સંભળાવી, એ વાર્તાઓએ યુવા શાહજાદાની કલ્પનામાં એક ઉત્સાહ ભરી દીધો. એમાં કશી શંકા નથી કે એ સમયથી જ, ભારતમાં તૈમૂરના વિજયને તાજા કરવાનું સપનું એમના મગજમાં ઘૂમરાતું રહ્યું.

જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર રહમા જાવેદ રાશિદનું કહેવું છે કે, "એ તો બધા જાણે છે કે બાબર પૈતૃક રીતે તૈમૂર વંશની પાંચમી પેઢીના વંશજ હતા અને માતૃપક્ષે મહાન વિજેતા ચંગેઝખાનની 14મી પેઢીના વંશજ હતા."

"આ રીતે એશિયાના બે મહાન વિજેતાઓનું લોહી બાબરમાં હતું, જેના કારણે એમને અન્ય પ્રાદેશિક શાસકોમાં શ્રેષ્ઠતા મળી."

line

શિક્ષણ અને પ્રશિક્ષણ

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં પ્રાધ્યાપક નિશાત મંઝર
ઇમેજ કૅપ્શન, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં પ્રાધ્યાપક નિશાત મંઝર

બાબરનો જન્મ ફરગનાના પાટનગર અંદજાનમાં થયો હતો અને ત્યાં જ એમને શિક્ષણ મળ્યું હતું.

પ્રોફેસર નિશાત મંઝરે જણાવ્યું કે, "જોકે એમના બંને પૂર્વજ ચંગેઝખાન અને તૈમૂર લંઘ બંને ભણેલા નહોતા. પરંતુ તેઓ એ વાતથી સારી રીતે પરિચિત હતા કે શિક્ષણ મેળવ્યા વિના શાસન કરવું મુશ્કેલ કામ છે."

"તેથી એમણે પોતાનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું. બાબરનું શિક્ષણ પણ ઇસ્લામી પરંપરા અનુસાર ચાર વર્ષ ચાર દિવસની ઉંમરે શરૂ કરાયું હતું."

એમણે આગળ જણાવ્યું કે, "ચંગેઝખાનના વંશજોને શિક્ષિત કરનારા લોકો વીગર સમુદાયના હતા, જે હવે ચીનના શિનજિયાંગ રાજ્યમાં મુશ્કેલ સ્થિતિમાં છે, પરંતુ મધ્યપૂર્વમાં એમને સૌથી વધારે ભણેલાગણેલા માનવામાં આવતા હતા."

આ રીતે, પોતાનાં બાળકોના શિક્ષણ માટે, તૈમૂર બેગે ચુગતાઈ તુર્કોને રાખ્યા હતા, એમને પણ એ સમયે સૌથી વધારે ભણેલાગણેલા માનવામાં આવતા હતા. એમણે અરબી અને ફારસીના પ્રભુત્વ છતાં પોતાની ભાષાને સાહિત્યનો દરજ્જો આપ્યો હતો.

જ્યારે મેં પ્રોફેસર નિશાતને પૂછ્યું કે આટલી ઓછી ઉંમરે બાદશાહ બન્યા, આટલી મોટી ઝુંબેશો અને ઠેર-ઠેર ભટક્યા છતાં જ્ઞાન અને કૌશલ્યના ક્ષેત્રમાં એમને આ સ્થાન કઈ રીતે મળ્યું?

એમણે કહ્યું કે, બાબર જ્યાં પણ ગયા, એમના શિક્ષક પણ એમની સાથે જતા હતા. તેઓ બધા પ્રકારના લોકોને મળવાનું પસંદ કરતા હતા, અને એમણે ખાસ કરીને અલી શેર નવાઈ જેવા કવિઓની રક્ષા કરી હતી.

એમણે જણાવ્યું કે બાબરે જે રીતે પોતાના વિશે મુક્તપણે વર્ણન કર્યું છે, એવું બીજા કોઈ બાદશાહ વિશે નથી મળતું. એમણે પોતાનાં લગ્ન, પ્રેમ, દારૂ પીવો, રણમાં પગપાળા ભટકવું, શરાબ છોડી દેવો અને પોતાના દિલની સ્થિતિ - દરેક વાતનો ઉલ્લેખ કર્યો છે.

સ્ટીફન ડેલે પોતાના પુસ્તક 'ધ ગાર્ડન ઑફ એઇટ પૅરાડાઇસિઝ'માં બાબરના ગદ્યને 'દિવ્ય' કહ્યું છે અને લખ્યું છે કે આ એ રીતે પ્રત્યક્ષ છે જે રીતે આજથી 500 વર્ષ પછી લખાનારી આમ શૈલી છે, અથવા જે રીતે આજે પણ લખવાનું કહેવાય છે.

એમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે એમણે પોતાના પુત્ર હુમાયુના લેખનને કઈ રીતે સુધાર કર્યો હતો. બાબરે લખ્યું હતું કે, "તમારા લેખનમાં વિષય ગુમ થઈ જાય છે" અને તેથી એમને સામે બેસીને લખવા માટે કહેલું.

ઉર્દૂના ખ્યાતનામ શાયર ગાલિબે લગભગ 300 વર્ષ પછી ઉર્દૂમાં લખવાની જે શૈલીનો આવિષ્કાર કર્યો અને જેના પર એમને ગર્વ પણ હતો, એવું સ્પષ્ટ અને સરળ ગદ્ય બાબરે એના કરતાં પહેલાં પોતાના ઉત્તરાધિકારીઓ માટે લખ્યું હતું.

બાબરનામા વાંચવાથી ખબર પડે છે કે એમનું પહેલું લગ્ન એમનાં પિત્રાઈ બહેન આયશા સાથે થયું હતું.

આયશા દ્વારા એક પુત્રીનો જન્મ થયો હતો, જે 40 દિવસ પણ જીવી શકી નહોતી. બાબરને પોતાની આ પત્ની માટે ખાસ કોઈ પ્રેમ નહોતો.

બાબર

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY

ઇમેજ કૅપ્શન, એમણે પોતાના લગ્ન, પ્રેમ, દારૂ પીવો, રણમાં પગપાળા ભટકવું, શરાબ છોડી દેવો અને પોતાના દિલની સ્થિતિ - દરેક વાતનો ઉલ્લેખ કર્યો છે.

બાબરે લખ્યું છે કે, "ઉર્દૂ બજારમાં એક છોકરો હતો, બાબરી નામનો, જેમાં 'હમનામ'નું જોડાણ હતું. એ દિવસોમાં મને એના માટે એક અજબ પ્રકારનો લગાવ થઈ ગયો."

ઇસ પરિવશ પે ક્યા હુઆ શૈદા

બલ્કિ અપની ખુલદી ભૂ ખો બૈઠા

એમનો એક ફારસી શેર આવો છેઃ

હેચ કિસ ચૂં મન ખરાબ વ આશિક વ રુસ્વા મબાદ

હેચ મહબૂબ ચોત વ બે રહમ વ બે પરવા મબાદ

"પરંતુ સ્થિતિ એવી હતી કે જો બાબરી ક્યારેક મારી સામે આવી જાય તો હું શરમનો માર્યો આંખ મિલાવીને એની સામે જોઈ નહોતો શકતો. ભલે હું એને મળી શકું અને વાત કરી શકું. બેચેન મનની એવી સ્થિતિ હતી કે એના આવ્યાનો આભાર પણ પ્રકટ નહોતો કરી શકતો. એના ન આવ્યાની ફરિયાદ પણ નહોતો કરી શકતો અને બળજબરીપૂર્વક બોલાવવાની હિંમત પણ નહોતી…"

શોમ શર્મિંદા હર ગહ યાર ખુદરા દર નઝર બેનમ

રફીકા સૂએ મન બેનંદૂ મન સૂએ દીગર બેનમ

"એ દિવસોમાં મારી સ્થિતિ એવી હતી કે, પ્યાર અને મહોબ્બતનું એટલું જોર અને જવાની તથા ઝનૂન (જુસ્સા)નો એવો પ્રભાવ પડ્યો કે ક્યારેક ક્યારેક ખુલ્લા માથે, ખુલ્લા પગે મહેલો, બાગ-બગીચામાં આંટા માર્યા કરતો હતો. ના પોતાના કે પારકાનો કશો ખ્યાલ હતો કે ના પોતાની કે બીજાની પરવા."

એમ તો, બાબરને સૌથી પ્રિય પત્ની માહિમ બેગમ હતાં. જેની કૂખે હુમાયુનો જન્મ થયો હતો, જ્યારે ગુલબદન બેગમ અને હિંદાલ, અસકરી અને કામરાનનો જન્મ અન્ય પત્નીઓ થકી થયો હતો.

line

શરાબ, અફીણ અને દીન

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

બાબરનો એક શેર ઘણી જગ્યાએ જોવા મળે છે-

નૌ રોઝ વ નૌ બહાર વ દિલબરે ખુશ અસ્ત

બાબર બહ એશ કોશ કે આલમ દોબારા નીસ્ત

"વસંતના સરખા દિવસ-રાતવાળો દિવસ છે (નવરોજ), નવી વસંત છે, શરાબ છે, સુંદર પ્રેમી છે, બાબર, બસ એશ અને મસ્તીમાં જ મંડ્યો રહે, કેમ કે દુનિયા ફરી નથી મળવાની."

પ્રોફેસર નિશાત મંઝરે જણાવ્યું કે, "બાબર 21 વર્ષ સુધી પવિત્ર જીવન જીવ્યા, પરંતુ પછી એમને શરાબ પીવાની મહેફિલો ગમવા લાગી. તેથી, એમની મહેફિલોમાં શરાબ પીનારી મહિલાઓનો પણ ઉલ્લેખ કરાયો છે."

"બાબરે એ બાબત છુપાવવાની કોશિશ નથી કરી. તેમણે પોતાના પિતા વિશે પણ લખ્યું છે કે, તેમને શરાબની લત હતી અને અફીણ પણ લેવા લાગ્યા હતા."

"જ્યારે હુમાયુ વિશે તો જગજાહેર છે કે તેઓ અફીણની ટેવવાળા હતા."

બાબર

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY

ઇમેજ કૅપ્શન, કેટલાક વિદ્વાનો માને છે કે બાબરના આ સાચા પસ્તાવાના કારણે, અલ્લાહે મુગલોને ભારતમાં 300 વર્ષની સલ્તનત આપી.

નિશાત મંઝરે કહ્યું કે, "જ્યારે બાબરે શરાબ પીવાનો છોડી દીધો ત્યારે એ એમની વ્યૂહરચના હતી. એમની સામે ભારતના સૌથી મોટા યુદ્ધવીર રાણા સાંગા હતા. જેઓ આની પહેલાં ક્યારેય કોઈ યુદ્ધ હાર્યા નહોતા."

"પાણીપતની લડાઈ પછી બાબરની સેના અડધી થઈ ગઈ હતી. યુદ્ધ દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે બાબરને હાર થતી દેખાતી હતી. ત્યારે એમણે પહેલાં એક ઉગ્ર ભાષણ આપ્યું અને પછી શરાબ છોડી દેવાની વાત પસ્તાવારૂપે રજૂ કરી."

કેટલાક વિદ્વાનો માને છે કે બાબરના આ સાચા પસ્તાવાના કારણે, અલ્લાહે મુગલોને ભારતમાં 300 વર્ષની સલ્તનત આપી.

પરંતુ જામિયા મિલિયા ઇસ્લામિયામાં ઇતિહાસના પ્રોફેસર રિઝવાન કૈસરે જણાવ્યું કે, "એ બાબરનાં કાર્યોની ધાર્મિક વ્યાખ્યા તો હોઈ શકે પરંતુ એનું ઐતિહાસિક મહત્ત્વ નથી, કેમ કે એ કોઈ પણ રીતે સાબિત કરી શકાય એમ નથી. હા, એવું ચોક્કસ કહી શકાય કે બાબરે યુદ્ધ જીતવા માટે ધાર્મિક ઉન્માદનો ઉપયોગ કર્યો હશે."

એની પહેલાં, જ્યારે બાબરે પોતાના પૈતૃક વતન ફરગનાને પાછું મેળવવા માટે ઈરાનના બાદશાહનું સમર્થન મેળવ્યું હતું ત્યારે એણે પોતે શિયા હોવાનું કહેલું, તો એ સમયના મુખ્ય આલિમ (ધાર્મિક વિદ્વાન) બાબર વિશે ઘણું સારુંનરસું બોલ્યા હતા અને એમનો વિરોધ પણ કર્યો હતો.

પ્રોફેસર નિશાતે એમ પણ કહ્યું કે બાબરે ઘણી જગ્યાએ પોતાના દુશ્મન મુસ્લિમ શાસકો માટે "કાફિર" શબ્દનો પ્રયોગ કર્યો હતો અને એમને સારુંનરસું કહ્યું હતું.

બાબર
ઇમેજ કૅપ્શન, બાબરે 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવ્યો અને ભારતમાં એક નવી સલ્તનતની સ્થાપના કરી.

બાબરે શરાબ છોડી દેવાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે - "મેં કાબુલથી શરાબ મગાવ્યો હતો અને બાબા દોસ્ત સૂઝી ઊંટોની ત્રણ હરોળમાં શરાબનાં માટલાં ભરી લાવ્યા."

"એ દરમિયાન, મોહમ્મદ શરીફ નઝૂમી (જ્યોતિષી)એ એ વાત ફેલાવી દીધી કે, મંગળ અત્યારે પશ્ચિમમાં છે અને એ અશુભ છે, તેથી યુદ્ધમાં હાર થશે. આ વાતે મારી સેનાનું મન ડગમગાવી દીધું…"

"જમાદી-ઉલ-સાની (અરબી મહિનો)ની 23 તારીખ હતી, મંગળવારનો દિવસ હતો. અચાનક મને એક વિચાર આવ્યો કે શરાબ છોડી દઉં. એવો નિશ્ચય કરીને મેં શરાબ છોડી દીધો."

"શરાબનાં બધાં સોના-ચાંદીનાં વાસણો તોડી નાખવામાં આવ્યાં અને એ વખતે છાવણીમાં જેટલો શરાબ હતો એ બહાર ફેંકાવી દીધો. શરાબનાં વાસણોમાંથી જે સોનું-ચાંદી મળ્યું એને ગરીબોમાં વહેંચાવી દીધું. આ કામમાં મારા સાથી અસે પણ સાથ આપ્યો હતો."

"મારા શરાબ છોડ્યાની વાત જાણીને મારા ત્રણ પદાધિકારીઓએ પણ એ જ રાત્રે શરાબ છોડી દીધો. કેમ કે બાબા દોસ્ત ઊંટોની ઘણી ખેપ કરીને કાબુલથી શરાબનાં અગણિત માટલાં લઈ આવ્યો હતો એને એ શરાબ ખૂબ જ હતો, તેથી, એને ફેંકવાને બદલે, એમાં મીઠું (લવણ) ભેળવી દીધું, જેથી એનો સરકો (ખાટું પીણું અથવા તાડી) બની જાય."

" જ્યાં મેં શરાબને છોડ્યો અને શરાબને ખાડામાં ઢોળી દેવડાવ્યો ત્યાં એ છોડ્યાની યાદ તરીકે એક પથ્થર ખોડાવ્યો અને એક ઇમારત બનાવડાવી…"

રાણા સાંગા

ઇમેજ સ્રોત, Pictures from History/Getty

ઇમેજ કૅપ્શન, રાણા સાંગા

"મેં એવો નિર્ણય કર્યો કે જો રાણા સાંગા પર અલ્લાહ વિજય અપાવશે, તો હું મારી સલ્તનતમાં બધા પ્રકારના કર (ટૅક્સ) માફ કરી દઈશ. મેં આ માફીની ઘોષણા કરવી જરૂરી સમજ્યું અને લેખકોને એ વિષયમાં લેખ લખવા અને એને દુરસુદૂર પ્રસિદ્ધ કરવાનો આદેશ આપ્યો."

"દુશ્મનોની મોટી સંખ્યાના કારણે સેનામાં હતોત્સાહ વ્યાપી ગયો હતો. તેથી મેં આખી સેનાને એક જગ્યાએ એકઠી કરી અને કહ્યું - 'જે કોઈ આ દુનિયામાં આવ્યા છે એણે મરવાનું છે."

"જીવન ખુદાના હાથમાં છે, તેથી મૃત્યુથી ડરવું ન જોઈએ. તમે અલ્લાહના નામે સોગંદ લો કે, મોતને સામે જોઈને મોં નહીં ફેરવો અને જ્યાં સુધી જીવ બાકી હશે ત્યાં સુધી લડતા રહેશો.' મારા ભાષણનો ખૂબ પ્રભાવ પડ્યો. એનાથી સેના ઉત્સાહમાં આવી ગઈ, યુદ્ધ બરાબર જામ્યું અને અંતે જીત થઈ. આ જીત 1527માં થઈ."

line

બાબર અને એમનાં સગાંસંબંધી

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

પાણીપતના યુદ્ધ પછી બાબરના હાથમાં જે ધન આવ્યું એને એમણે ઉદારતાપૂર્વક સગાંસંબંધી અને પદાધિકારીઓમાં વહેંચી દીધું. બાબરે પણ એનો ઉલ્લેખ કર્યો છે અને એમનાં પુત્રી ગુલબદન બાનોએ પણ પોતાના પુસ્તક 'હુમાયુનામા'માં એના વિશે વિસ્તારથી લખ્યું છે.

પ્રોફેસર નિશાત મંઝર અને ડૉક્ટર રહમા જાવેદે બીબીસીને જણાવ્યું કે બાબરના વ્યક્તિત્વની ખાસ વાત મહિલાઓની સાથેના એમના સંબંધોની હતી. એમણે જણાવ્યું કે મહિલાઓ એમના પરામર્શમાં સામેલ થતી હતી.

"એમનાં માતા એમની સાથે હતાં તો એમનાં નાની પણ સમરકંદથી અંદજાન પહોંચ્યાં હતાં. એમણે પોતાના જીવનચરિત્રમાં કાકીઓ, માસીઓ, બહેનો અને ફોઈઓનો વિશેષરૂપે ઉલ્લેખ કર્યો છે."

બાબરના જીવનચરિત્રમાં જેટલી મહિલાઓના ઉલ્લેખ છે એટલી મહિલાઓનાં નામ પછીની આખી મુગલ સલ્તનતમાં સાંભળવા નથી મળ્યાં.

આ બાબતમાં, પ્રોફેસર નિશાત મંઝરે કહ્યું કે, "અકબર બાદશાહના શાસનકાળ પહેલાં સુધી મુગલો પર તુર્ક અને બેગ પરંપરાઓનો પ્રભાવ વધારે હતો, જેના કારણે મહિલાઓની ઉપસ્થિતિ દરેક જગ્યાએ જોવા મળતી હતી."

તેથી, બાબરે પોતાની બે ફોઈઓનો ઉલ્લેખ કર્યો છે, જેઓ પુરુષોની જેમ પાઘડી બાંધતાં હતાં.

ઘોડા પર સવાર થઈને તલવાર લઈને જતાં હતાં. એમ તો તલવાર વાપરવી અને બહાદુરી એમનામાં સામાન્ય હતું પરંતુ ઘણી વાર તેઓ દરબાર અને સભાઓમાં ભાગ લેતાં હતાં. એમનું કાર્યક્ષેત્ર માત્ર લગ્ન સુધી સીમિત નહોતું.

બાબર

ઇમેજ સ્રોત, BRITISH LIBRARY

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકારો માને છે કે અકબરના સમયમાં મુગલોનું ભારતીયકરણ શરૂ થયું હતું.

પ્રોફેસર નિશાતનું કહેવું છે કે, "મુગલોનું ભારતીયકરણ અકબરના સમયમાં શરૂ થયું હતું અને ત્યાર બાદ મહિલાઓ પછાત થતી ગઈ. પછીથી જ્યારે જહાંગીરના વિદ્રોહના મામલામાં સમજૂતી કરાવવામાં જે આગળ પડતી નજરે પડે છે તે જહાંગીરનાં ફોઈઓ અને દાદીઓ છે."

"એમનાં સાચાં માતા જેમની કૂખે તેમણે જન્મ લીધો હતો તેઓ ક્યાંય દેખાતાં નથી. જોકે ફિલ્મોમાં એમની ભૂમિકાને ઘણી અતિશયોક્તિપૂર્ણ રીતે દર્શાવાઈ છે, કેમ કે એ ફિક્શન આધારિત છે.

line

બાબરના વ્યક્તિત્વમાં વારસો

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

બાબર પર ભારતમાં હુમલાખોર હોવાના અને મંદિરો તોડવાના, હિન્દુઓને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરાવ્યાના આરોપો કરવામાં આવે છે.

જ્યારે એમના પૌત્ર જલાલુદ્દીન મોહમ્મદ અકબરને "શાંતિદૂત" કહેવામાં આવે છે અને ધાર્મિક સહિષ્ણુતાને એમનો ભાગ માનવામાં આવે છે.

પરંતુ દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર સૈફુદ્દીન અહમદે કહ્યું કે, "ઇતિહાસકારો અને રાજકીય વિશેષજ્ઞોએ ઘણી વાર અકબર બાદશાહ અને અશોકને એક મજબૂત શાસક તરીકે જોયા અને એમના મહત્ત્વને ઉજાગર કર્યું છે."

" આ બંને વ્યક્તિત્વોને ભારતના દીર્ઘ ઇતિહાસમાં સામ્રાજ્યનિર્માણની ધોરી નસ સમાન માનવામાં આવે છે. એનાથી વિપરીત બાબર અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરવા માટે બદનામ છે."

તેમણે ઉમેર્યું કે, "બાબરનું વસિયતનામું, જે એણે પોતાના પુત્ર અને ઉત્તરાધિકારી હુમાયું માટે તૈયાર કર્યું હતું, એ ખુરાસાનમાં વિકસિત રાજકીય વિચારધારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બાબરે ઘણા એવા મુદ્દા તરફ ઇશારો કર્યો છે જેને આજનાં રાજકીય દળો સંપૂર્ણપણે વણજોયું કરે છે, અથવા એનો અમલ કરવાથી બચે છે."

"બાબરને લાંબા સમય સુધી ભારતમાં રહેવાની તક ન મળી, પરંતુ એમણે ખૂબ ઝડપથી અહીંનાં રીતરિવાજો અપનાવી લીધાં હતાં. એમણે હુમાયું માટે જે વસિયત લખી એ એના ન્યાય અને વિવેકને દર્શાવે છે."

બાબરે લખ્યું - "મારા દીકરા, સૌથી પહેલાં તો એ કે, ધર્મના નામ પર રાજકારણ ન કરો, તમે તમારા દિલમાં નફરતને બિલકુલ જગ્યા ન આપો. લોકોની ધાર્મિક ભાવનાઓ અને ધાર્મિક અનુષ્ઠાનોનું ધ્યાન રાખીને બધા લોકો સાથે સરખો ન્યાય કરજો."

સૈફુદ્દીન અહમદે કહ્યું કે, બાબરની આ જ વિચારધારા તો આજે સેક્યુલારિઝમ કહેવાય છે.

એમણે આગળ જણાવ્યું કે, "બાબરે રાષ્ટ્રીય સંબંધોની વિચારધારામાં તણાવ ઊભો ન કરવાની સલાહ આપતાં લખ્યું હતું - ખાસ કરીને ગૌહત્યાથી દૂર રહો, જેથી તમને લોકોના દિલમાં જગ્યા મળે અને આ રીતે તેઓ ઉપકાર અને આભારની 'જંજીર'થી તમારા વફાદાર થઈ જશે."

સૈફુદ્દીન અહમદે જણાવ્યા અનુસાર, બાબરે ત્રીજી વાત એ કહી કે, "તમારે કોઈ પણ સમુદાયના પ્રાર્થનાસ્થળને ધ્વસ્ત ન કરવું જોઈએ અને હંમેશાં સંપૂર્ણ ન્યાય કરજો. જેથી બાદશાહ અને પ્રજા વચ્ચેનો સંબંધ મૈત્રીપૂર્ણ રહે અને દેશમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે."

ચોથી વાત એમણે એ કહી કે, ઇસ્લામનો પ્રચાર અન્યાય અને દમનની તલવારના બદલે ઉપકાર અને પરોપકારની તલવારથી ખૂબ સારી રીતે થશે. આના ઉપરાંત, બાબરે શિયા-સુન્ની મતભેદને નજરઅંદાજ કરવાની અને જાતિના આધારે લોકોની ઉપેક્ષા કરવામાંથી બચવાની સલાહ આપી. અન્યથા, આ દેશની એકતાને નુકસાન થશે અને શાસક ઝડપથી પોતાની સત્તા ખોઈ દેશે.

સૈફુદ્દીને જણાવ્યા અનુસાર, બાબરે એમ પણ કહ્યું કે, "પોતાની જનતાની વિભિન્ન વિશેષતાઓને વર્ષની જુદી જુદી ઋતુઓની રીતે સમજો, જેથી સરકાર અને લોકો અનેક પ્રકારની બીમારીઓ અને અશક્તિઓથી બચી શકે."

બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

પ્રોફેસર નિશાત મંજરે કહ્યું કે, "સાચું એ છે કે, બાબરનું દિલ ભારત જેવું વિશાળ હતું અને તેઓ સતત સંઘર્ષમાં વિશ્વાસ ધરાવતા હતા. પ્રકૃતિમાં એમની રુચિ અને ભારતમાં બાગોનાં નિર્માણના એક નવા યુગની શરૂઆત કરી છે, જેનાં પરિણામ આપણે જહાંગીરના બાગો અને શાહજહાંની વાસ્તુકળામાં જોઈએ છીએ."

બાબર પોતાના જીવનમાં ખૂબ ધાર્મિક હતા અને ઘણા લોકો તેમના વિશે કહેતાં એ વાતનો ઉલ્લેખ કરવાનું નથી ભૂલતા કે તેઓ નમાજના પાબંધ હતા. અથવા એમ કે, કોઈ સમયની નમાજ વખતે એમણે પ્રવાસ શરૂ કર્યો હોય અને એ સમયની નમાજ એમણે ત્યાં પઢી હોય.

જોકે, તેઓ જ્યોતિષીઓ પાસેથી સ્થિતિ જાણતા હતા, પરંતુ અંધવિશ્વાસ નહોતા કરતા. તેથી, કાબુલમાં પોતાના બયાનમાં બાબરે લખ્યું છે કે, "અહીંના એક સંત મુલ્લા અબ્દુલ રહમાન હતા. તેઓ એક વિદ્વાન હતા અને દરેક સમયે વાંચતા રહેતા હતા. એ જ સ્થિતિમાં એમનું મૃત્યુ થઈ ગયું…"

"લોકો કહે છે કે ગઝનીમાં એક મજાર છે અને જો તમે ત્યાં દરૂદનો પાઠ કરો, તો એ હલવા લાગે છે. મેં જઈને જોયું તો એવો અનુભવ કર્યો કે મકબરો હલી રહ્યો છે. જ્યારે એ બાબતે તપાસ કરી તો ખબર પડી કે એ મજારમાં રહેનારાઓની ચાલાકી છે."

"કબરની ઉપર એક જાળી બનાવી છે, જ્યારે જાળી પર ચાલીએ છીએ ત્યારે એ જાળી હલે છે, એના હલવાના લીધે કબર પણ હલતી પ્રતીત થાય છે. મેં એ જાળીને કાઢી નંખાવી અને ગુંબજ બનાવી દીધો."

બાબરનામામાં આ પ્રકારની ઘણી ઘટનાઓ છે પરંતુ બાબરનું મૃત્યુ એક ખૂબ મોટી આધ્યાત્મિક ઘટના છે.

ગુલબદન બાનોએ એનું વિસ્તારથી વર્ણન કર્યું છે કે, કઈ રીતે હુમાયુની હાલત બગડતી જતી હતી. તેથી બાબરે એમના પલંગની ચારેબાજુ ચક્કર માર્યાં અને એક પ્રાર્થના કરી.

તેમણે લખ્યું છે કે, "અમારે ત્યાં એવું થયા કરતું હતું, પરંતુ બાબા જાનમે પોતાના જીવનના બદલે હુમાયુનું જીવન માગ્યું હતું. તેથી એવું થયું કે હુમાયુ સાજા થતા ગયા અને પિતા બીમાર."

અને આવી જ હાલતમાં 26 ડિસેમ્બર, 1530એ એક મહાન વિજેતાએ દુનિયાને અલવિદા કહ્યું અને પોતાની પાછળ અગણિત સવાલ મૂકી ગયા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન