વીરજી વોરા : શિવાજી સામે ફના થનાર શાહસોદાગર

ઇમેજ સ્રોત, Ranmal Sindhav
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી. બી. સી. ગુજરાતી માટે
ભારતનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત વેપાર માટે સદીઓથી એક મહત્ત્વનો પ્રદેશ રહ્યો છે. સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતો આ પ્રદેશ અરબી સમુદ્ર તેમજ હિંદ મહાસાગર સાથે ભૌગોલિક દૃષ્ટિએ જોડાયેલો છે.
દરિયાના માધ્યમથી પોતાનો વેપાર જમાવવો હોય તો એ માટે ઉત્તમ કક્ષાના વહાણ અને તેથીયે વધુ અગત્યનું એ વહાણોનું સંચાલન કરનાર ટંડેલ જોઈએ. એ જમાનો હતો જ્યારે વિશ્વ સાથે વેપાર કરવા માટે દરિયો ખેડવો પડતો.
આ બધાં કારણસર સદીઓથી ગુજરાતે પોતાના વહાણવટાના અને વ્યાપાર સંસ્કાર વિકસાવ્યા છે.

બરાબર આ જ રીતે ઇજિપ્ત, મેસોપોટેમિયા (વર્તમાન સમયનો ઇરાક, કુવૈત તથા સીરિયાનો અમુક પ્રદેશ), ઈરાન, અરબસ્તાન, ચીન તેમજ ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલૅન્ડ, સિંગાપુર વિયેતનામ, કંબોડિયા અને ફિલિપિન્સ જેવા અગ્નિ એશિયાના દેશો અને શ્રીલંકાએ પણ.
આમ તે સમયની વ્યાપાર વ્યવસ્થાને સમજવા માટે આ સમગ્ર દરિયાઈ નેટવર્ક અને તેની સાથે જોડાયેલ અન્ય દેશોની વ્યાપાર સંસ્કૃતિઓને પણ સમજવી રહી.

ગુજરાતી, દરિયો અને દોલત

ઇમેજ સ્રોત, Universal History Archive
ગુજરાતની સમૃદ્ધિને દરિયાથી અલગ પાડીને જોઈ શકાતી નહોતી. ગુજરાત અને દરિયો જાણે કે એકબીજાના પર્યાયવાચક શબ્દો બની ગયા. એક બાજુ દરિયાકિનારો તો બીજી બાજુ તળ જમીની પ્રદેશ, જેને હિન્ટરલૅન્ડ કહેવાય.
ફળદ્રુપ જમીન, કૃષિ ઉપર નભતી ગ્રામ્ય સંસ્કૃતિ અને કાબેલ ખેડૂતો, દરિયાના ખોળે ખેલતા વહાણવટીઓ અને નાવિકો તેમજ આ સમગ્ર વ્યવસ્થાનું અભિન્ન અંગ એવા વેપારીઓ, શરાફો, દલાલો પણ આ 'ક્રિયેશન ઑફ વેલ્થ' એટલે કે અર્થોપાર્જનનાં અભિન્ન અંગ હતાં.
રાજ્યમાં વેપારવણજ વિકસે તો જ રાજ્ય સમૃદ્ધ થાય અને રાજ્યની તિજોરી પણ કરવેરાનાં નાણાં છલકાય. આ સુપેરે સમજનાર શાસકોની નીતિઓ પણ વિકસી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આમ, ગુજરાતની દરિયાલક્ષી વેપારી સંસ્કૃતિ, દૂરંદેશીપણું, સાહસ, વિજ્ઞાન અને ટેકનૉલૉજી, ગુજરાતની વેપાર સંસ્કૃતિની વિશિષ્ટતાઓ હતા.
ગુજરાતી વેપારી એટલે શાંત, સહિષ્ણુ, વિવાદની ગૂંચને શાણપણ અને વાટાઘાટોથી ઉકેલનાર, વચનનો પાકો અને અહિંસક જેવી છાપ આરબો, ઈરાની, તુર્કો, પોર્ટુગીઝ, ઇટાલિયનો, અંગ્રેજોમાં હતી.
ગુજરાતનાં બંદરો અને અગ્નિ-એશિયા, પૂર્વ-એશિયા, આફ્રિકા તેમજ ચીન, જાવા, સુમાત્રા, બાલિ, મસાલાના ટાપુઓ અને કંબોડિયાથી શરૂ કરીને છેક મોચા તેમજ ઍલેક્ઝાન્ડ્રિયા જેવાં બંદરો સાથે ગુજરાતીઓ ધમધોકાર વેપાર ખેડતા.

84 બંદર પર વાવટો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતીઓના વેપારમાં અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરનું મહત્ત્વ ઓછું આંકી શકાય તેમ નથી.
છેક હરિવંશના કાળથી તે સિકંદરની ચડાઈ સુધી અને સિકંદરની ચડાઈથી તે આજ સુધી ગુજરાતનાં વહાણો એ ધરતી ઉપરનાં 84 બંદરોમાં પોતાનો વાવટો લહેરાવ્યો છે.
અરસ-પરસ લાંબા અરસાના વ્યાપાર સંબંધોને કારણે એકબીજા સાથે સંકળાયેલા બધા જ પ્રદેશોમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિનો સંગમ થયો હોય અને કેટલીક રીતભાતો એક યા બીજી તરફે અપનાવાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે.
મસ્કતના ચલણમાં ગુજરાતી લખાણ, જાવા, બોરણિય અને સુમાત્રા જેવા પ્રદેશોમાં અગસ્તની મૂર્તિ તેમજ ઇન્ડોનેશિયા, મલેશિયામાં રામાયણ અને રામલીલા, થાઈલૅન્ડ અને જાપાનમાં બૌદ્ધ ધર્મ - આ બધું જો તે જમાનામાં દરિયાની સાગરખેડુ સંસ્કૃતિના વિકસી હોત તો આટલું વ્યાપક રીતે ફેલાયું ન હોત.

વિરાટ વ્યક્તિત્વ, વીરજી વોરા

ઇમેજ સ્રોત, Universal History Archive
આવા જ આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે ધ્રુવતારક બની ચમકી જનાર એક વ્યક્તિત્વનું નામ તે વીરજી વોરા (1585-1670). વીરજી વોરાની પ્રતિષ્ઠાનો પરચમ હિંદના વેપારીઓમાં લહેરાતો હતો.
આમ તો વીરજી વોરા એટલે અમદાવાદના નગરશેઠ શાંતિલાલ ઝવેરી (1590-1660)ના સમકાલીન. સરખામણી કરીએ તો ભારતમાં શાંતિલાલ ઝવેરી વધારે પ્રતિષ્ઠિત ખરા, પણ વીરજી વોરાની કીર્તિ તો સાત સમુંદર પાર પહોંચી હતી.
વીરજી વોરા એટલે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વિકસેલ આ 'હુરતનું ફરજન'. 'પુત્રનાં લક્ષણ પારણાંમાંથી અને વહુનાં બારણામાં'. સુરતની ધૂળિયા નિશાળમાં વીરજીએ એકડો કાઢ્યો.
વેપાર-વણજ કંઈ નિશાળમાથી થોડું શીખાય? મૂળ એ જૈન વેપારીનો દીકરો એટલે વેપાર-વણજ તો એની ગળથૂથીમાં જ હતું.
આ સૂઝબૂઝને સમજવા માટે ગણિત અને નામાનો અભ્યાસ કરવો પડે એટલે ત્રણ-ચાર ચોપડી સુધીનું ભણતર પૂર્ણ કર્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ખૂબ જ તોફાની બારકસ બાળક એટલે વીરજી. કહેવાય છે કે 'અશક્તિવાન ભાવેત સાધુ', જેનામાં તાકાત ના હોય તે સાધુ એટલે કે સજ્જન થઈને બેસી રહે. જે બાળકની અંદર શક્તિનો દાવનળ ભભકતો હોય તે થોડા શાંત બેસી રહે.
એના બીજા ભાઈભાંડુંઓ વિશે ક્યાંય ઉલ્લેખ નથી, પણ દસ્તાવેજોમાં વોરા અને તેના ભાઈઓ એવું લખેલું મળે છે એટલે એને ભાઈભાંડું હશે એમ માની શકાય.
ઇંગ્લિશ ફૅક્ટરી રેકર્ડમાં એવો પણ ઉલ્લેખ છે કે વીરજી વોરાનો પૌત્ર ટિન અને કાપડના વેપારી હતા.

વેપારમાં વેગવત્તા વીરજી

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના વેપાર સંબંધિત કોઈ પણ બાબતની અદ્યતન માહિતી હોય એના ઉપરથી પોતાના પ્રતિસ્પર્ધીઓ હરકતમાં આવે તે પહેલાં નિર્ણય લઈને તેમને માત કરવા, એ વીરજી વોરાના વ્યક્તિત્વનું આગવું પાસું હતું.
દેશ-વિદેશના એજન્ટો મારફત વ્યાપારને લગતી છેલ્લામાં છેલ્લી વિગતો મેળવતા. પોતાના પ્રતિસ્પર્ધીઓમાં, ખાસ કરીને યુરોપિયન કંપનીઓની સ્પર્ધાને પહોંચી વળવા વિશેષ સતર્ક રહેતા.
વહાણોની અવરજવર, વ્યાપારી સોદા, વિદેશી હૂંડિયામણના દરો વિગેરે વિશે તેની આ સતર્કતાને કારણે તેને સૌ પહેલાં ખબર પડી જતી. જેના કારણે મબલક કમાણી થતી.
વીરજી વોરા જથ્થાબંધ વેપારી હતો. સોનું, ચાંદી, કાપડ, ગળી, લાખ, મીણ, અકીક પથ્થરની બનાવટો, પરવાળા, પારો, સીસું, સૂંઠ, ખાંડ અને ટિન જેવી વસ્તુઓ તે પરદેશથી મંગાવી સુરતથી દેશદેશાવરમાં વેચાણ કરતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
વીરજીનો વ્યાપાર કેટલો બહોળો હશે તેનો અંદાજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દફતરોમાં નોંધાયેલી વિગતો પરથી મળે છે. વીરજી વોરાએ 1648માં એટલે કે શાહજહાંના સમયમાં 20 મણ ચા વેચી હતી.
એ જમાનાની વાત છે જ્યારે મુંબઈ માત્ર માછીમારોનું બંદર હતું. એને કોઈ જાણતું પણ નહોતું. ત્યારે સુરતે તેનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું, જેના હીરો વીરજી વોરા હતા.
પવન પ્રમાણે સઢ ચઢાવવામાં વીરજી વોરાને મહારત હતી. એના નિર્ણયો એવા ત્વરિત અને નવતર રહેતા કે ભલભલા અરબ, પર્શિયન, ડચ કે ફ્રેંચ વેપારીઓને પણ તેની વ્યૂહરચના ભેદવી મુશ્કેલ પડતી.

ચા-કૉફીનો આઇડિયા

ઇમેજ સ્રોત, Hulton Archive
આવા જ એક પ્રાયોગિક વ્યવહારના ભાગરૂપે વીરજી વોરાના માથે ચા અને કૉફી ચઢી ગયાં. હજુ ચા અને કૉફીનો જમાનો જામ્યો ન હતો.
ચા અને કૉફી પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે તેવી વાત સુરતીઓ સમક્ષ બહુ કુનેહપૂર્વક મૂકીને એમને ચા અને કૉફી પીતા કર્યા હતા.
આમ ચીલાચાલુ વિચાર નહીં પણ કંઈક નવું વિચારીને બજારમાં એ મુજબ પોતાના માલ માટેની માગ ઊભી કરનાર વીરજી માત્ર વેપારી જ નહીં પ્રાયોજક (Entrepreneur) પણ હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચા અને કૉફીનું વેચાણ થતું. કોઈને પણ ખ્યાલ આવે તે પહેલાં વીરજીએ એના મતે માત્ર ગુજરાત જ નહીં પણ હિંદનાં વિવિધ નગરોમાં વસતા શ્રીમંતોમાં ચા અને કૉફીનું ચલણ એક Status Symbol તરીકે એટલે કે તેમના મોભાનું પ્રતીક હોય એવી ફૅશન તરીકે સ્થાન અપાવ્યું.
એ જમાનામાં ચાના બગીચાઓ ચીનમાં હતા, જ્યારે કૉફીનું ઉત્પાદન રાતા સમુદ્ર તરફ આવેલા યમનમાં થતું.
આજે કૉફીની પ્રસિદ્ધ બ્રાન્ડ MOCHA (મોચા) યમનના બંદર મોચા અથવા મોણાના નામ ઉપરથી પ્રચલિત બન્યું છે.
પ્રયાસરૂપે સૌપ્રથમ થોડા જથ્થામાં ચા અને કૉફી ખરીદીને એણે અંગ્રેજ, ડચ ઉપરાંત તળ સુરતીઓને પણ પોતાના એજન્ટો મારફત ચાનો સ્વાદ કરાવ્યો. જેણે ચાખી તેના ચહેરા ઉપર મજા પડી હોય એવા ભાવ જોતાં વીરજીના રાજીપાનો પાર ન રહ્યો.
હવે તેને 20 મણ ચા અને 9 મણ કૉફી ખરીદીને ગુજરાતની બજારોમાં બંને પીણાં પ્રચલિત કર્યાં.
આમ ચા અને કૉફીને આપણે ત્યાં લઈ આવનાર અને પ્રચલિત કરનાર પ્રથમ સાહસિક વેપારી એટલે શાહસોદાગર વીરજી વોરા. અખતરો સફળ થયો.
સુરત, નવસારી અમદાવાદ ઉપરાંત ખંભાત, નડિયાદ અને વડોદરાના બજારોમાં આ પ્રોડક્ટ ચાલી જતાં છેવટે ચા અને કૉફી ભારતના બજારોમાં પ્રવેશી.

અંગ્રેજોમાં વીરજીની આણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ઉપરોક્ત બાબતે પ્રોફેસર મકરંદ મહેતાએ તેમના પુસ્તક 'ગુજરાત અને દરિયો'ના પાના નં 96-97 ઉપર કંઈક આ મુજબ લખ્યું છે:
એક વેપારી તરીકે વીરજી શકરાબાજ જેવો તેજ અને ખતરનાક હતો. એ બજારોનાં વલણોનો અભ્યાસ કરતો, અટકળો અને આગાહીઓ કરતો અને ઘણી વાર તો વહાણમાં પહેલો બધો જ માલ ખરીદી લેતો.
વીરજી વોરાએ ઈ.સ. 1633માં અંગ્રેજોને એક જ સોદામાં 12000 તોલા સોનું વેચ્યું હતું. વીરજી કેવો ખતરનાક હતો તેનો એક દાખલો.
1625માં એક વખતે અંગ્રેજ વેપારીઓએ બજાર માટે પીપર ખરીદવાનું નક્કી કર્યું. વીરજીને આની ગંધ આવી એટલે ટૂંક સમયમાં જ પીપર ભરીને આવતાં ડચ વહાણોનો આગોતરો સોદો કરી નાખ્યો.
અંગ્રેજોને આની ખબર પડી કે સુરત આવેલો માલ વેચાઈ ગયો છે, ત્યારે એમણે પોતાના એજન્ટોને પીપર ખરીદવા મલબાર કિનારે મોકલ્યા.
વીરજીએ પહેલાં જ એના આડતિયાઓને મોકલીને મલબાર કિનારેથી બધી જ પીપર ખરીદી લીધી અને અંગ્રેજોને દોઢા ભાવે વેચી.
વીરજીની આ પ્રકૃતિનું વર્ણન કરતાં અંગ્રેજોના સુરતની કોઠીના મુખ્ય વહીવટી અધિકારીએ બ્રિટન પત્ર લખ્યો કે વીરજી વોરા એ ખંધો ઇજારાવાદી છે અને માલની જમાવટ કરી આપણને હંફાવે છે. એક ગુજરાતી તરીકે - એક ભારતીય તરીકે અમને સૌને નાઝ છે તારા પર.
એક શાહસોદાગર તરીકે વીરજી વોરાની ધાક ગણો કે પ્રતિષ્ઠા, અંગ્રેજો પણ વીરજીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા અને અવારનવાર એને મોંઘી ભેટસોગાદોથી નવાજતા.

મુગલ દરબારમાં માન

ઇમેજ સ્રોત, Getty Images
મુગલ દરબારમાં વીરજીના સમકાલીન શાંતિદાસ ઝવેરીની માફક જ એનું પણ સારું એવું માન હતું.
જોકે આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે શાંતિદાસ ઝવેરી મુગલ બાદશાહ તેમજ અમીરઉમરાવોને કીમતી હીરામાણેક વેચી ધન કમાતા હતા, જ્યારે વીરજી આંતરરાષ્ટ્રીયકક્ષાના શાહસોદાગર હતા.
સુરતના સમાજ અને સાંસ્કૃતિક જીવનમાં વીરજીનું સ્થાન ઊંચું હતું. જરૂર પડે ત્યારે જહાંગીર અને શાહજહાં જેવા બાદશાહ તેને દિલ્હી તેડાવતા અને મહેમાનગતિ કરતા.
સુરતના ગવર્નરે જ્યારે અંગ્રેજોને ધાર્મિક છૂટછાટ આપવા માટે સભા બોલાવી ત્યારે વીરજીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઈ.સ. 1664માં શિવાજીના આક્રમણ બાદ સુરત લૂંટયું, ત્યારે એની ફરતે પાક્કી ઈંટોની દીવાલની ડિઝાઇનને આખરી નિર્ણય લેવાની જવાબદારી વીરજી વોરા અને હાજી જાહીદ બેગને આપવામાં આવી.
1666માં ઔરંગઝેબની મંજૂરી મળ્યા બાદ 'શહર પનાહ' કોટ બાંધવાનો શરૂ થયો.
જૈન વીરજી વોરાનો મોભો સુરતના સ્થાનિક સમુદાયમાં વડીલ સમાન હતો. તેની આજ્ઞા વગર કોઈ પણ દીક્ષાર્થી દીક્ષા લઈ શકતો નહીં.
જૈન આગમો અંગે વિદ્યાર્થીઓનું જ્ઞાન કેટલું છે, તેની પરીક્ષા કર્યા બાદ યોગ્ય લાગે તો જ દીક્ષાની પરવાનગી આપતા.

શિવાજી સામે ફના વીરજી

ઇમેજ સ્રોત, Getty Images
વીરજી વોરાએ સતત ચઢતી જોઈ હતી પણ ઉદય તેનો અસ્ત એવો ઈશ્વરી ન્યાય છે.
તારીખ 6 જાન્યુઆરી, 1664ની સવારે સુરતની જાહોજલાલીથી ચકિત શિવાજીએ સુરત પર આક્રમણ કર્યું.
શિવાજીની સુરત પરની ચડાઈ સતત પાંચ દિવસ સુધી ચાલી અને ભારે તારાજી થઈ. વીરજીની હવેલી અને ડચ કોઠી નજીક હતા. એની હવેલીમાંથી 22 રતલ મોતી, છ પીપ ભરીને સોનું અને ઝવેરાત શિવાજીને હાથ લાગ્યા.
વધારે મળવાની આશાએ શિવાજીએ વીરજીની હવેલી અને વખારમાં સુરંગ ચાપી.
આ રીતે ઈ.સ. 1664ની શિવાજીની પ્રથમ લૂંટ દરમિયાન વીરજી તારાજ (ફના) થઈ ગયા.

બીજી વખત બરબાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
શિવાજીએ બીજી વખત 1670માં 3 ઑક્ટોબરથી 5 ઑક્ટોબર એમ ત્રણ દિવસ સુધી સુરત પર આક્રમણ કર્યું.
વીરજી વોરાએ 1670માં 85 વરસની જઈફ ઉંમરે સુરતથી ભાગીને સુવાલીમાં શરણું લીધું.
આ આઘાત ગણો કે ઉંમર, 1670માં તેનું મૃત્યુ થયું. વીરજી વ્યાપારીઓમાં શહેનશાહ હતો અને શહેનશાહોમાં એ વેપારી હતો.
વેપારની આંટીઘૂંટીઓની ઊંડી સમજ, સાહસવૃત્તિ, પહેલ કરવા અને વધુ કશુંક કરવા માટેની હંમેશાં તૈયારી વીરજીના સ્વભાવની વિશેષતાઓ હતી. દૂર-સુદૂર દેશ-વિદેશમાં એક શાહસોદાગર તરીકેની તેની ખ્યાતિ હતી.
એણે સુરત, ગુજરાત અને ભારતને ચા અને કૉફીનું ઘેલું લગાડ્યું. સુરતનો 'શહર પનાહ' સંરક્ષક કોટ બન્યો તેમાં એની સલાહ હતી.
મુગલ દરબારમાં પણ એનું માન હતું. અંગ્રેજો અને પોર્ટુગીઝો એને સજ્જ હરીફ તરીકે જોતા. વીરજી સોળમી સદીના સુરતના અને ગુજરાતના ઇતિહાસનું એક મહત્ત્વનું પાત્ર હતું

સંદર્ભસૂચિ

ઇમેજ સ્રોત, Getty Images
1. ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, લેખક : મકરંદ મહેતા, પ્રકાશક : વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : 2019 પાનાં 47થી 50
2. ગુજરાત અને દરિયો - મકરંદ મહેતા, પ્રકાશક : દર્શક નિધિ, વડોદરા, 2012, પાનાં નં 95થી 97
3. Merchants and Ports of Gujarat - Makrand Mehta, Publisher: Darshan Nidhi, Vadodara First Edition 2016
4. Balkrishna Govind Gokhale (1979). "VII. The Merchant Prince Virji Vora". Surat In The Seventeenth Century. Popular Prakashan. pp. 137-146. ISBN 978-81-7154-220-8. Retrieved 25 November 2011.
5. Michael Naylor Pearson (1976). Merchants and rulers in Gujarat (illustrated ed.). University of California Press. p. 125. ISBN 978-0-520-02809-8.
6. K. H. Kamdar (1968). "Virji Vorah, Surat Millionaire Mahajan". Journal of the Gujarat Research Society (in Gujarati). XXX (4): 277-9.
7. William Foster (ed.). The English factories in India, 1618-1669. Clarendon Press. OCLC 17890407. Retrieved 24 November 2011.
8. Lotika Varadarajan (May 1976). "The Brothers Boras and Virji Vora". Journal of the Economic and Social History of the Orient. BRILL. 19 (2): 224-227. JSTOR 3632215.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













