રણછોડલાલ રેંટિયાવાળા : અમદાવાદને 'માન્ચેસ્ટર' બનાવનાર ઉદ્યોગપતિ

ઇમેજ સ્રોત, Ranmal Sidhav
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બી. બી. સી. ગુજરાતી માટે
આજનું અમદાવાદ આમ તો ગુજરાતનું આર્થિક પાટનગર બનવા માટે સુરત સાથે હરીફાઈ કરે અને કદાચ જીતી પણ જાય એટલું ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિની દૃષ્ટિએ વિકસ્યું છે.
એક જમાનામાં માંડ ત્રણ કે સાડાત્રણ લાખની વસતી ધરાવતું આ શહેર આજે ખાસ્સી 56 લાખ (2011ની વસ્તીગણતરી પ્રમાણે) વસ્તી ધરાવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સીમાડા વિસ્તરવાના છે, ત્યારે એની વસ્તીનો આંક કરોડને આંબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

ઇમેજ સ્રોત, Getty Images
આ લેખમાં આપણે અમદાવાદ કોણે વસાવ્યું અને 'જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા' દંતકથામાં કેટલું તથ્ય છે એની ચર્ચા નથી કરવી, નથી અમદાવાદને ગર્દાબાદની ઉપમા કોણે અને ક્યારે આપી એની વાત કરવી, નથી બાવા માણેકનાથ અને એની સાદડીની વાત કરવી કે નથી સીદી સઈદની જાળી બાબત કોઈ ઇતિહાસ ઉખેળવો.
મહાત્માજીનો કોચરબ અને ત્યારબાદ સાબરમતી આશ્રમ, સ્વદેશી યુનિવર્સિટી એવી ગુજરાત વિદ્યાપીઠ, માલિક અને મજદૂર વચ્ચેના સંબંધોનો એક નવતર પ્રયોગ એટલે મજૂર મહાજન કે પછી શાહીબાગ સર્કિટ હાઉસમાં મહાત્માજી પણ ચાલેલ ખટલો, એમની દાંડીયાત્રા, ઇતિહાસ સંઘરીને બેઠેલી સાબરમતી જેલ કે હેરીટેજનો વારસો સંકોરીને જાળવી રહેલી અમદાવાદની પોળ, આવું તો ઘણું બધું છે અમદાવાદ પાસે. આજે એની વાત નથી કરવી, ફરી કોઈ વાર.
અમદાવાદ : આપણું માન્ચેસ્ટર
આજે વાત કરવી છે અમદાવાદની એક એવી ઓળખની જેને ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને શ્રેષ્ઠીઓએ આપી અને લગભગ 1980 વિદાય થતાં થતાં એ ભૂંસાઈ ગઈ. આ ઓળખ હતી 'ભારતના માન્ચેસ્ટર' તરીકેની.
અમદાવાદ જેના નામ સાથે જોડાયું તે ઇંગ્લૅન્ડનું માન્ચેસ્ટર શહેર એના સુતરાઉ કાપડ માટે વિશ્વભરમાં જાણીતું હતું.
માન્ચેસ્ટરની હવા અને તાપમાન જ કંઈક એવા હતા કે જે રૂની પૂણી કાંતીને એમાંથી સૂતરનો ધાગો બનાવવા માટેની ઉત્તમ સવલત પૂરા પાડતા હતા.
મર્સી નદી કે જેના કિનારે માન્ચેસ્ટર શહેર વસ્યું છે તેના પાણી કૉટન થ્રેડ ડ્રાઇંગ માટે ખૂબ અનુકૂળ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માન્ચેસ્ટરમાં આ કારણથી સુતરાઉ કાપડની ટેક્સ્ટાઇલ મિલનો ઉદ્યોગ ધમધમતો. સાબરમતી નદીના કિનારે આવેલ અમદાવાદ માટે પણ કંઈક આવું જ કહી શકાય.

ઇમેજ સ્રોત, Topical Press Agency
સાબરમતી નદીનું વિપુલ પાણી તેમજ સુતરાઉ કાપડના ઉત્પાદન માટે અનુકૂળ એવી હવામાનની પરિસ્થિતિ, આજુબાજુના વિસ્તારમાં પાકતું મબલખ રૂ અને આ ઉદ્યોગ માટે જરૂરી વિપુલ માનવબળની પ્રાપ્તિએ માન્ચેસ્ટરની માફક જ અમદાવાદને પણ સુતરાઉ કાપડ ઉદ્યોગના ભારતના સૌથી મોટા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કર્યું.
અમદાવાદમાં ધડાધડ ટેક્સ્ટાઇલ મિલો સ્થપાવા માંડી અને લગભગ 80 કરતાં વધારે ટેક્સ્ટાઇલ મિલોની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો અને પાળી છૂટે, ત્યારે ચીસ પાડી ઊઠતી એની સાયરનોથી અમદાવાદની ઓળખ બની.

ઇમેજ સ્રોત, Print Collector
અમદાવાદનો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલ મજૂરવર્ગ અને એનું રહેણાક એવી ચાલીઓ, તો બીજી બાજુ કાપડના વેપાર સાથે જોડાયેલ અને દેશ-દેશાવરમાં વેપાર કરતા ટેક્સ્ટાઇલ ટ્રૅડર્સ એટલે કે કપડાંના વેપારીઓ.
આ બધામાં શિરમોર સમાન અમદાવાદના જનજીવનને ધબકતું રાખનાર, સામાજિક, શૈક્ષણિક તેમજ મહાજનોની સંસ્થાઓ ઊભી કરનાર અમદાવાદનો મિલમાલિક, જેણે શહેરના વિકાસમાં અને આજે એની ઓળખ સમી બની ગયેલી સંસ્થાઓ ઊભી કરવામાં તન, મન અને ધનથી સાથ આપ્યો.
લગભગ સો વરસ કરતાં ઉપરનો સમય અમદાવાદની જાહોજલાલીનું કારણ અને સ્થાનિક અર્થવ્યવસ્થાનો પ્રાણવાયુ અહીંનો મિલ અને કાપડ ઉદ્યોગ બન્યો.
ઇતિહાસની આરસીમાં ઉદ્યોગ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ ઉદ્યોગની શરૂઆત અમદાવાદમાં કોણે કરી, એનો પણ રસપ્રદ ઇતિહાસ છે. અમદાવાદમાં સૌથી પહેલાં 1861ની સાલમાં શાહપુર મિલ સ્થપાઈ.
આ મિલ કદાચ ચાર-પાંચ વરસ પહેલાં સ્થપાઈ શકી હોત પણ એની મશીનરી લઈને આવતું વહાણ મધદરિયે ડૂબ્યું અને એટલે દેશની પહેલી મિલ સ્થાપવાનું માન મુંબઈને મળ્યું.
આ અમદાવાદની પહેલી ટેક્સ્ટાઇલ મિલના સ્થાપક હતા, રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ ઉર્ફે રણછોડલાલ રેંટિયાવાળા. એક એવું વ્યક્તિત્વ કે જેના કાર્યોની અમીટ છાપ.
આજે પણ અમદાવાદ કૉર્પોરેશન (એ સમયે મ્યુનિસિપાલિટી)ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે રણછોડલાલે કરેલી કામગીરી અને એમનું શહેરના જનજીવનની સુધારણા માટે જનસુવિધા ઊભી કરવાનું કાર્ય યાદગાર બની રહ્યું છે.

ઇમેજ સ્રોત, Print Collector
વીસમી સદીની શરૂઆત થઈ ત્યાં સુધીમાં રણછોડલાલે 1861માં સ્થાપેલ પહેલી ટેક્સ્ટાઇલ મિલને પગલે પગલે 33 ટેક્સ્ટાઇલ મિલો અમદાવાદમાં સ્થપાઈ ચૂકી હતી. આપણે આઝાદ થયા ત્યારે આ આંકડો 70ને વટાવી ગયો હતો.
અમદાવાદની ટેક્સ્ટાઇલ મિલના કાળા ડિબાંગ ધુમાડાઓ ઓકતી ચીમનીઓ અમદાવાદની ઓળખ બની ચૂકી હતી. અમદાવાદને મળી ચૂક્યો હતો 'માન્ચેસ્ટર ઑફ ઇન્ડિયા'નો ઇલકાબ.
નાતનો નોકરી સાથે નાતો

ઇમેજ સ્રોત, Print Collector
અમદાવાદમાં પ્રથમ ટેક્સ્ટાઇલ મિલના સ્થાપક રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના સંસ્મરણોનું પુસ્તક એસ. એમ. એડવર્સ નામના નિવૃત્ત આઈ.સી.એસ. (ઇન્ડિયન સિવિલ સર્વિસિઝ) અધિકારીએ લખેલું, જે અમદાવાદ ટેક્સ્ટાઇલ મિલ્સ ઍસોસિયેશન દ્વારા પ્રસિદ્ધ થયું છે.
આ પુસ્તકની એની પ્રસ્તાવના લખતા ચિનુભાઈ ચીમનભાઈ લખે છે કે સો વરસ પહેલાંના આ કાળખંડની નીપજ એવા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ (19-4-1823થી 25-10-1898) એક એવી કોમમાંથી આવતા હતા જેની મૂળભૂત વૃત્તિ અને પ્રણાલિકાઓ સરકારી નોકરી કરવાની હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાતની સાઠોદરા નાગર જ્ઞાતિ, જેમાં દયારામ, છોટમ, વ્રજલાલ શાસ્ત્રી, હરિલાલ ધ્રુવ, કેશવલાલ ધ્રુવ, મણિલાલ દ્વિવેદી, મસ્તકવિ બાલાશંકર કંથારિયા, નર્મદાશંકર મહેતા, રત્નમણિરાવ જોટે 'મલયાનિલ', યશોધર મહેતા, હરિપ્રસાદ શાસ્ત્રી જેવા સાહિત્ય અને વિદ્યાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારા તેમજ બ્રિટિશ હકુમતમાં ને તેની પહેલાં અને પછીના રજવાડાંમાં રાજકારભારમાં દિવાન પદ સુધીના ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરી જનારા મહાનુભાવોના પૂર્વજ રણછોડલાલ હતા, જેમને ભાલે કાપડ મિલ ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં ગુજરાતમાં પહેલ કરી સિદ્ધિ મેળવવાનું શ્રેય લખાયેલું છે.
મૂળ તો ગુજરાતના નાગરો શ્વેત હૂણોની પછી મધ્ય-એશિયાના મેદાનોમાંથી ઈ.સ.ની પાંચમી-છઠ્ઠી સદીમાં ભારતમાં આવેલા ગુર્જરોના પુરોહિતો.
મેવાડના ગુહીલોત કે સિસોદિયાનો પૂર્વજ વડનગર (આનંદપુર)નો નાગર બ્રાહ્મણ હોવાનું ડૉ. ડે. રા. ભંડારકરનું મંતવ્ય છે.
તેરમી સદીમાં વડનગરના 60 નાગર કુટુંબોને વડોદરા રાજ્યના સાઠોદ ગામમાં ખસેડી વસાવ્યા. તેમના વંશજો તે સાઠોદરા, નાગરોના છ પ્રકારો કે સમૂહોમાંના એક સાઠોદરા નાગર.
આશીર્વાદનો અર્થગર્ભ

ઇમેજ સ્રોત, EPA
રણછોડલાલના જન્મ બાબતમાં પણ એવું કહેવાય છે કે તેમનો જન્મ માતપિતાની પાછલી અવસ્થામાં ગિરનારની યાત્રા દરમિયાન એક તપસ્વીના આશીર્વાદને કારણે થયો હતો.
રણછોડલાલના દાદી પાટણમાં સતી થયેલા અને ચિતા પર ચઢતી વખતે પોતાના દીકરા છોટાલાલને કહેલું કે તારી સાત પેઢી જાહોજલાલી રહેશે.
આ વાતને આગળ વધારતા શ્રી યશોધરભાઈ મહેતા એમના પુસ્તક 'રણછોડલાલ અને બીજાં નાટકો'ના પાના 2 અને 352 પર નોંધે છે કે -
'ગિરનારના તપસ્વીએ છોટાલાલ બક્ષીને (રણછોડલાલના પિતાને) આશીર્વાદ આપેલા.
રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના સંસ્મરણો અંગેના તેમના પુસ્તક 'Memoir of Rao Bahadur Ranchhodlal Chhotalal, C.I.E.' પુસ્તકમાં સંકલનકર્તા શ્રી એસ. એમ. એડવર્ડ્સ લખે છે કે છોટાલાલ અને તેમનાં પત્ની વિખ્યાત ગિરનાર પર્વતની યાત્રાએ ગયા હતા.
દરિયાની સપાટીથી 3500 ફૂટ ઊંચા અને જૂનાગઢથી પૂર્વમાં લગભગ દસ માઈલ આવેલા આ પર્વતની યાત્રા દરમિયાન તેઓ પોતાનો રસ્તો ભૂલ્યા અને એવી જગ્યાએ પહોંચ્યા કે જ્યાં એક સાધુએ આ ભૂખ્યા-તરસ્યા જીવોને થોડા કંદમૂળ અને પાણી આપ્યું.
રાત પડી ગઈ હતી એટલે પોતાની સાથે રહેવા માટેની સંમતિ પણ આપી. આ સાધુએ એવી અગમવાણી કરી કે છોટાલાલને એવું પુત્રરત્ન પ્રાપ્ત થશે જેના સત્કર્મોની સુવાસ ચોમેર ફેલાશે.
અમાવાસ્યાના આગમન

ઇમેજ સ્રોત, Getty Images
બીજા દિવસે સવારે આ બધા પાટણ જવા નીકળ્યા. રસ્તામાં ડાકોરજીનાં દર્શન કરવા ગયા જ્યાં ચૈત્ર સંવત 1879ની અમાવાસ્યાની 29 એપ્રિલ, 1823 દિવસે છોટાલાલના પત્નીએ પુત્રને જન્મ આપ્યો.
દીકરો ડાકોરમાં જન્મે એટલે રણછોડરાયની કૃપા એમ સમજી આ પુત્રનું નામ રણછોડલાલ પાડવામાં આવ્યું.
1828 સુધી છોટાલાલે પાટણમાં નિવાસ કર્યો અને રણછોડલાલ જ્યારે છ વરસની ઉંમરના હતા ત્યારે ગાયકવાડી રાજ્યના બ્રિટિશ હકૂમતે કબજે લીધેલા અમરેલી ખાતે લશ્કરના પગાર અધિકારી એટલે કે બક્ષી તરીકે એમની નિમણૂક થઈ.
આ વ્યવસ્થા એપ્રિલ 1832 સુધી ચાલી. દરમિયાનમાં છોટાલાલે અમદાવાદમાં દેસાઈની પોળમાં મકાન ખરીદ્યું. 1841 બાદ તેઓ વડોદરા જઈને સ્થાયી થયા.
રણછોડલાલનું બાળપણ કોઈ ખાસ ઘટનાઓ વગરનું વીત્યું. મોટી ઉંમરે પ્રાપ્ત થયેલ એકનો એક દીકરો હોવાને કારણે એમની કાળજી જરા વધારે પડતી લેવાતી હતી. જેમને બહાર રમવા જવા દેવા માટેની પણ મનાઈ હતી અને એમના ભાઈબંધ-દોસ્તારોને ઘરમાં બોલાવીને જ રમવું પડતું હતું.
શિક્ષણ અને સંસાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
રણછોડલાલના શિક્ષણની શરૂઆત અમરેલીની એક ખાનગી સ્કૂલમાં છ વરસની ઉંમરે થઈ. ત્યારબાદ અમદાવાદમાં તુળજારામ માસ્તરની નિશાળમાં ગુજરાતી અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ તો કર્યો જ પણ એમના પિતાની દોરવણી હેઠળ પર્શિયન ભાષા પણ ભણ્યા.
એમની સારી પ્રગતિ જોઇને તેમના પિતાએ શરૂઆતમાં મુનશી બાપુભાઈ નામના નાગર સદગૃહસ્થ અને ત્યારબાદ મૌલવી ફૈજુદ્દીન, જે બંને પર્શિયનના વિદ્વાનો હતા, તેમની પાસે આ ભાષાનું જ્ઞાન લીધું.
દેવોની ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત બિંદુ વ્યાસ પાસે ભણ્યા. આગળ જતાં અંગ્રેજી શીખવા માટે એક પોર્ટુગીઝ સ્કૂલમાં અને ત્યારબાદ ટ્યુશન રાખીને એમણે આ ભાષાનો અભ્યાસ હાથ ધર્યો. આમ છોટાલાલે ગુજરાતી, સંસ્કૃત, પર્શિયન અને અંગ્રેજી ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું.

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર આઠ વરસની નાની ઉંમરે એમને યજ્ઞોપવીત સંસ્કાર આપવામાં આવ્યા અને એ જ વરસે બાપુજી મનસુખરામ જે અમદાવાદના સદર અમીનના હોદ્દે કાર્યરત હતા એવા અત્યંત ધનિક વ્યક્તિની પુત્રી જેઠીબા સાથે તેમના લગ્ન કરવામાં આવ્યાં.
આટલી નાની ઉંમરે પણ જેઠીબા એક તેજસ્વી અને બુદ્ધિમાન છોકરી હતાં, જેમને લખવા, વાંચવા તેમ જ હિસાબકિતાબનું પ્રાથમિક જ્ઞાન હતું.
અત્યંત ધાર્મિક વૃત્તિ ધરાવતી આ તરુણી નિયમિત દેવદર્શને જતી અને તેમજ મફત દવાઓ અને ખાધાખોરાકીની ચીજવસ્તુઓ તેમજ કપડાં વગેરેનું દાન જરૂરતમંદોને કરતાં.
અભિશાપમાં આશીર્વાદ

ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક જીવનમાં અણગમતી ઘટના બને તો પણ એને ઇશ્વરની ઇચ્છા સમજી માથે ચડાવવાની રણછોડલાલની સ્થિતપ્રજ્ઞતા કાબિલે તારીફ હતી.
ચુસ્ત ગાંધીવાદી અને ગુજરાતના એક સમયે શિક્ષણમંત્રી રહી ચૂકેલા નવલભાઈ શાહે પોતાના પુસ્તક 'અમૃત પ્રવેશે'માં (પૃષ્ઠ ક્રમાંક 56 અને 59) આ બાબતે નીચે મુજબ કહ્યું છે -
'કર્મયોગીએ કામ કે સ્થળની પણ આસક્તિ રાખવી ન જોઈએ. તે પાછળ દોડવું ન જોઈએ. જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે. ભગવાનની જે ઇચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે.
કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે તેને અનુકૂળ ભૌતિક સામગ્રીઓ પણ આવી મળે છે. સાચી શ્રદ્ધાને માણસ વળગી રહે તો આવા અનેક અનુભવો જીવનમાં થાય, ને થયા છે... શ્રદ્ધા ને શુભ ભાવો જીવનનું મોટામાં મોટું બળ છે.'
રણછોડલાલના કિસ્સામાં પણ કાંઈક આવું જ નિર્મિત થયું હશે. અનંતરાય રાવળ દ્વારા લખાયેલ પુસ્તક 'નગરભૂષણ દાનવીર સર ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ'ના પૃષ્ઠ ક્રમાંક 8 પર કંઈક આ પ્રમાણે લખાયેલું છેઃ

ઇમેજ સ્રોત, Werner Forman
'માસિક રૂપિયા દશના પગારે કસ્ટમ ખાતામાં શરૂ કરેલી નોકરીમાં બે વર્ષ પછી માસિક રૂપિયા વીસના પગારે, ત્યાંથી રેવાકાંઠા પોલિટિકલ એજન્ટની ઑફિસમાં ત્રીસના, બીજે વર્ષે ચાલીસના અને પછીના વર્ષે સાઠના પગારે પહોંચી પંચોતેરના પગારે એજન્સીના દફ્તરદાર બન્યા, જે પગાર વધીને માસિક દોઢસોનો થયેલો.
ખંત, નિષ્ઠા અને કાર્યદક્ષતાથી બધા જ બજાવનાર તરીકે અંગ્રેજ ઉપરી અધિકારીઓના ધ્યાનમાં આવેલા રણછોડલાલ ઉંમર પૂરાં ત્રીસ વર્ષની થઈ ન હતી એ વખતે મદદનીશ પોલિટિકલ એજન્ટની જેવા પાવાગઢના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ મુંબઈ સરકાર વડે નિમાયા.
પણ સરકારી નોકરીમાં જીવન વીતાવવું તેમને માટે નિર્માયું ન હતું, 1849માં લુણાવાડાના રાજા બિનવારસ ગુજરી જતાં ગાદી માટે દેશી રજવાડાંની રીતરસમો મુજબ શરૂ થયેલી ખટપટને અંતે 1852માં મૃત રાણીએ બનાવેલા દલાલસિંગ કાયદેસર રાજા ઠર્યા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
એ પ્રકરણમાં આઠ હજાર બાબાશાહી રૂપિયાની લાંચ તેની પાસેથી પત્ની દ્વારા મેળવ્યાનો આરોપ સંભવતઃ તેમની ચડતી અને અંગ્રેજી ઉપરીઓ આગળ તેમનું માન ખામી ન શકતા હિતશત્રુઓની પેરવીથી તેમને માથે મુકાયો, જેથી સસ્પેન્ડ થઈ કામ ચાલતાં આખરે તેઓ નિર્દોષ તો ઠર્યા, (પોતાને નિર્દોષ સિદ્ધ કરાવવામાં 1854-1859ના પાંચ વરસ એમનાં ગયેલાં), પણ સરકારે એમને નોકરીમાં પાછા લેવાની તત્પરતા દેખાડી નહીં.
આ ઘટના એમને તો ફળી. એણે એમની બુદ્ધિ અને સાહસવૃત્તિને સ્વતંત્ર ઉદ્યોગની સ્થાપના પ્રતિ વાળી. પિતાએ પણ એમાં અનુમોદન આપ્યું.'
રણછોડલાલને પણ ઇંગ્લૅન્ડની માફક યંત્રસંચાથી ભારતમાં ઉદ્યોગ સ્થાપવાના વિચાર આવતા હતા.
તેમના મિત્ર મેજર ફુલ જેમ્સની મદદથી તેમણે ઇંગ્લૅન્ડના કાપડ ઉદ્યોગની માહિતી ભેગી કરવાની શરૂઆત કરી.

ઇમેજ સ્રોત, Culture Club
1850ની સાલમાં આ પ્રકારનો ઉદ્યોગ અમદાવાદમાં શરૂ કરવા માટે તેમણે સ્થાનિક અખબારમાં જાહેરાત આપી, પણ તેનો પ્રતિસાદ મોળો રહ્યો.
દરમિયાન મુંબઈ ખાતે બે કાંતણ મિલો અને ભરૂચ ખાતે એક કાંતવાની મિલ ઊભી થતાં પોતાના વિચારોમાં આગળ વધવાના દૃઢ મનોબળ અને નિર્ણય સાથે રણછોડલાલે 1859માં 'અમદાવાદ સ્પિનિંગ ઍન્ડ વીવિંગ કંપની લિમિટેડ'ની સ્થાપના કરી.
આ કંપની હેઠળ સ્થપાનાર એકમ માટેની મશીનરી લઈને આવતી સ્ટીમરમાં આગ લાગતા એ મધદરિયે રહી અને ફરી બીજી મશીનરી મંગાવવી પડી.
આ માટે ઇંગ્લૅન્ડથી જે ઇજનેર બોલાવ્યો હતો તે ગુજરી ગયો, બીજો ઇજનેર બોલાવવો પડયો. મશીનરી ખંભાત બંદરે ઊતરી.
એને અમદાવાદ લાવતા ચાર મહિના થયા. 'સારા કામમાં સો વિધ્ન' એમ અનેક મુશ્કેલીઓ આવી.

ઇમેજ સ્રોત, Leemage/Corbis
છેવટે 1861માં પ્રથમ મિલ કામ કરતી થઈ. 1872માં એમણે બીજી મિલ ઊભી કરી પણ નસીબ બે ડગલાં આગળ હતું. 1875માં તેમાં આગ લાગી, બધું બળીને ખાખ થઈ ગયું.
પણ રણછોડલાલે હિંમત હારી નહીં. વળી પાછી નવી સુધારેલી મશીનરી મંગાવી.
1877માં સારંગપુર બહાર ત્રીજી મિલ 875 સાળ અને 42 હજાર ત્રાગ સાથે શરૂ કરી. એમની સફળતાથી પ્રેરાઈને અમદાવાદનાં શ્રીમંતો એક પછી એક આ ઉદ્યોગમાં પડવા માંડ્યા.
1871, 1877, 1881, 1882, 1883, 1887માં નવી મિલો ઊભી થતી ગઈ. રણછોડલાલના પૌત્ર ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ 1916માં અવસાન પામ્યા, ત્યારે અમદાવાદમાં 62 મિલો કાર્યરત થઈ ચૂકી હતી.

ઇમેજ સ્રોત, Buyenlarge
કેટલાયને રોજીરોટી પૂરી પાડનાર, શહેરમાં જમીન અને સ્થાવર મિલકતના ભાવ વધારી આપનાર, ટેક્સ્ટાઇલ ઉદ્યોગને આનુસંગિક અન્ય ઉદ્યોગોનો વિકાસ કરનાર, અમદાવાદને મુંબઈ પછી દેશનું બીજા નંબરનું ઔદ્યોગિક શહેર બની રહ્યું.
અમદાવાદને 'ભારતના માન્ચેસ્ટર'નો ઇલકાબ અપાવનાર ટેક્સ્ટાઇલ મિલની સ્થાપનાનું શ્રેય રાવબહાદુર રણછોડલાલને જાય છે.
'રણછોડલાલ અને બીજાં નાટકો' પુસ્તકમાં (પેજ નંબર 32) યશોધર મહેતા રણછોડલાલની મિલ માટેની મશીનરી આવી તે સંદર્ભમાં લખે છે -
'પછી સાંચા આવ્યા. રણછોડલાલ ખંભાત ગયા. ત્રણ માસ ત્યાં રોકાયા ને બળદગાડાંઓમાં સાંચા અમદાવાદ લાવ્યા. વિલાયતથી આવેલો એક ઇજનેર કૉલેરામાં ખપી ગયો. રણછોડલાલ હિંમત ન હાર્યા. બેએક વરસમાં મિલ ધમધોકાર ચાલી અને ખૂબ કમાવા લાગી. એમની વાહવાહ ચૌટેચૌટે બોલાવા લાગી.'
ત્રણ શખ્સિયત, ત્રણ પેઢી

ઇમેજ સ્રોત, Universal History Archive
આ પુસ્તકની શરૂઆતમાં જ રણછોડલાલ છોટાલાલનું અમદાવાદના ઇતિહાસમાં પ્રદાન વર્ણવતા તેમણે જે કહ્યું છે તે પણ અત્યંત સૂચક છે. આ પુસ્તકના પાના નંબર 1 પર ત્રીજા ફકરામાં એ કંઈક આમ લખે છે -
'અમદાવાદના 500 વર્ષના ઇતિહાસમાં તેના ત્રણ વિધાયકો તરફ મારી દૃષ્ટિ વિશેષ આકર્ષાઈ: (1) અહમદશાહ, (2) રણછોડલાલ છોટાલાલ અને (3) ગાંધીજી.
એકે અમદાવાદને જન્મ આપ્યો, બીજાએ મિલઉદ્યોગ બક્ષી આર્થિક સમૃદ્ધિ આપી, તેને આખા હિન્દમાં જાણીતું કર્યું અને ત્રીજાએ રેંટિયો આપી, નવી ફિલસૂફી અને નવા આચારવિચારનાં વહેણ ચલાવી આર્થિક સમૃદ્ધિમાં ધાર્મિક અને રાજકીય સમૃદ્ધિ ઉમેરી, તેને આખી દુનિયામાં જાણીતું કર્યું.
આમ, અમદાવાદની સમુત્ક્રાંતિના ત્રણ તબક્કા છે અને એ ત્રણે તબક્કાનાં ત્રણ પ્રતિનિધિઓ સાથે અમદાવાદનો ઇતિહાસ સંકળાયેલો છે.

ઇમેજ સ્રોત, Universal History Archive
અમદાવાદમાં બીજા મહાપુરુષો થયા છે ખરા, પરંતુ છેલ્લાં 500 વર્ષના ઇતિહાસ પર એકધારી નજર કરતાં ત્રણ તબક્કા જ મહત્ત્વના લાગે છે અને તે તે તબક્કાનાં પ્રવર્તક આ ત્રણ મહાપુરુષો જ વિચારકનું વિશેષ ધ્યાન ખેંચે છે.'
પણ રણછોડલાલ માત્ર મિલ ઉદ્યોગ શરૂ કરીને બેસી રહે તેમ નહોતા. એમની સંપત્તિ વધતી જ ગઈ. સાથે અમદાવાદ પણ સમૃદ્ધ થતું ગયું. રણછોડલાલના દીકરા માધવલાલ અને એમને ત્યાં દીકરો જન્મ્યો તે ચીનુભાઈ. આ ત્રણ પેઢી રણછોડલાલે જોઈ.
માધુભાઈનો દીકરોએ એ જમાનામાં 60 લાખ જેવી માતબર રકમની સખાવત કરી, બૅરોનેટનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.
રણછોડલાલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા પ્રમુખ થયા. અમદાવાદને એમણે ગટર આપી, ચકલીના પાણી આપ્યાં.
સખાવત, સેવા અને સંઘર્ષ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
ઉદ્યોગપતિ અને ધનપતિ બનીને બેસી રહેવામાં રણછોડલાલને સંતોષ ન હતો. એટલે વેપારવણજની દુનિયામાં રહીને પણ એમણે જાહેરજીવન અપનાવ્યું.
લોકમતથી વિરુદ્ધ જઈ એમણે અમદાવાદમાંથી ગંદકી દૂર કરવા માટે ગટર આપી, વૉટર વર્ક્સ આપ્યું. પ્રબળ વિરોધ છતાં આ કામ ઉપાડ્યું. મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે પોતાની અમીટ છાપ છોડી.
મુંબઈ રાજ્યની ધારાસભામાં પણ ગયા. જે કર્યું તે પૂરા ખંત અને પ્રતિબદ્ધતા સાથે કર્યું. આ દરમિયાન કાંઈક અંશે એમનું શરીર ઘસાયું.
પેશ્વાઓનું અંધાધૂંધીવાળું શાસન પૂરું થયું અને 1818ની સાલમાં અમદાવાદ બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યું. કાયદો અને વ્યવસ્થામાં મોટો સુધારો થયો.
આ શહેરમાં થઈને પસાર થતો અને ઘોઘા બંદરેથી નિકાસ થતો અફીણ અને કાશ્મીરી શાલ જેવી વસ્તુઓનો વ્યાપાર ફરી ધમધમવા લાગ્યો. આની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠે આવેલા ઘોઘા બંદરની કામગીરી પર થઈ.

ઇમેજ સ્રોત, Nandan Dave
શહેરના વેપાર-ધંધાને સલામતી અને રક્ષણ મળી રહે તે હેતુથી શહેરના કિલ્લાની ખંડેર દીવાલોનું સમારકામ કરાવવાનું નક્કી થયું.
મિસ્ટર બોરોડેઈલેના નેતૃત્વ હેઠળ અમદાવાદથી પ્રજાએ 'The City Wall Restoration Fund - શહેરની દીવાલોની મરમ્મત અને પુનઃસ્થાપના માટેનું ભંડોળ' ઊભું કરવાનો નિર્ણય કર્યો.
આ આખુંય કામ કલેકટર, ડિસ્ટ્રિક્ટ જજ અને બે અગ્રણી નાગરિકોની કમિટી સંભાળતી હતી. ઈ.સ. 1832માં શહેરની ચારે બાજુની દીવાલ આ લોકફાળાથી સમારકામ કરીને પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી.
પોતે આપેલાં નાણાંનો સદુપયોગ થયો છે એ જોઈને લોકોએ શહેરના વિકાસ માટે દર વરસે ફાળો આપવાનું નક્કી કર્યું. આ માટે એક વહીવટી કમિટીની રચના થઈ જેનું કામ લગભગ મ્યુનિસિપાલિટી જેવું હતું.
15 વર્ષે પ્રમુખ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7
14 જાન્યુઆરી 1875ના રોજ અમદાવાદ શહેરને બૉમ્બે મ્યુનિસિપલ ઍક્ટ 1852 હેઠળ સર્વસંમતિથી લાવવામાં આવ્યું.
19 નવેમ્બર, 1874ના દિવસે 'Bombay Municipal Act VI ઑફ 1873' અમલમાં આવ્યો.
લૉર્ડ રીગનના શાસનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એમના વિસ્તારના વહીવટમાં સિટી મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો.
આથી, 1લી જાન્યુઆરી, 1885ના દિવસે મ્યુનિસિપલ બોર્ડની પુનઃરચના થઈ.
પહેલી વાર આ બોર્ડમાં દાખલ થવા ચૂંટણીની પ્રથા અમલમાં મૂકવામાં આવી. કુલ 30ની સભ્ય સંખ્યામાંથી 10 સભ્યો હોદ્દાની રૂએ આવતા હતા. 12 સભ્યો પ્રજાએ ચૂંટવાના હતા અને આઠ મુંબઈ સરકાર દ્વારા નિમવાના હતા.
અત્યાર સુધી બોર્ડના પ્રમુખ કલેક્ટર રહેતા તેને બદલે હવે આ બોર્ડના પ્રમુખ બિનસરકારી સભ્યોમાંથી રહે તેવું નક્કી કરવામાં આવ્યું.

ઇમેજ સ્રોત, ahmedabadcity.gov.in
1889માં આ પરિસ્થિતિમાં થોડો બદલાવ આવ્યો. કુલ 30 સભ્યોમાંથી 14 કરવેરા ભરનારમાંથી, બે શિક્ષિત અને પ્રૉફેશનલ વર્ગમાંથી અને પ્રૅસિડેન્ટ સમેત 14 સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવે એવું નિર્ણિત થયું.
છેલ્લે 1894માં બોર્ડની કુલ સભ્ય સંખ્યા વધારીને 33 અને સરકાર દ્વારા નિમણૂક પામનાર સભ્યોની સંખ્યા 17 કરવામાં આવી. રણછોડલાલની મ્યુનિસિપલ કારકિર્દીનો પ્રારંભ મુંબઈ સરકારના નૉમિની તરીકે 1868માં થયો.
1868થી 1883 સુધી સળંગ પંદર વરસ એમણે મ્યુનિસિપલ બોર્ડ ઉપર સેવાઓ આપી અને શહેરના વિકાસ અને જનસુવિધાઓ અંગેનું માળખું કેવું હોવું જોઈએ એ અંગેની પોતાની સમજ મજબૂત પાયા પર પ્રસ્થાપિત કરી.

ઇમેજ સ્રોત, Print Collector
જનસુખાકારીના સેનિટરી અને જાહેર આરોગ્ય માટેના કામોમાં એમની વિશેષ રુચિ હતી. પોતે કયું મશીન કેવી રીતે ચાલે છે તેમજ અમદાવાદમાં વાસ્તવિક જીવનપદ્ધતિ શું છે તે અંગેનું ઊંડું જ્ઞાન મેળવ્યું.
15 વરસના આ સળંગ અને પ્રત્યક્ષ અનુભવની ચરમસીમા 1883માં મુંબઈ સરકારે જે. એફ. ફર્નાન્ડીઝની જગ્યાએ રણછોડલાલ છોટાલાલની મ્યુનિસિપલ બોર્ડમાં અત્યાર સુધીની કામગીરીને ધ્યાને લઈ મ્યુનિસિપાલિટીના ચૅરમૅન તરીકે તેમણે નિમણૂક કરી.
એ સમયે અમદાવાદની છાપ ગંદાગોબરા શહેર તરીકેની હતી.
રોગોનું પ્રમાણ વ્યાપક હતું. મુંબઈ પ્રૅસિડેન્સીમાં અમદાવાદનો મૃત્યુદર ખૂબ ઊંચો હતો.
અસ્વચ્છ અમદાવાદમાં આંતરદ્વંદ્વ
અમદાવાદનો મૃત્યુદર 49 હતો જે મુંબઈ પ્રૅસિડેન્સીમાં બીજા નંબરનો સૌથી ઊંચો આંક હતો. કૉલેરા અને મરડો જેવા રોગો લગભગ દર વરસે ફાટી નીકળતા અને સેંકડો લોકો આ રોગચાળામાં મૃત્યુમાં હોમાતા.
ગીચોગીચ રહેઠાણ, પૂરતી ડ્રેનેજ સુવિધાનો અભાવ, પીવા માટે શુદ્ધ પાણીનો અભાવ અને રહેણાકના વિસ્તારોમાં જ અત્યંત જોખમી કહેવાય એ પ્રકારની વ્યાપારી પદ્ધતિઓનું અસ્તિત્વ અને લગભગ નઘરોળ સરકારી તંત્ર, અમદાવાદને દોજખ બનાવતા.
ખાળકૂવાઓનું પાણી જમીનમાં ઊંડે ઊતરી ભૂગર્ભજળ અને કૂવાઓના પાણીને પ્રદુષિત કરતું. ગંદા પાણીનાં ખાબોચિયાં ઠેરઠેર ભરાતાં. મળમૂત્રના તેમજ અન્ય કચરાના નિકાલ માટે લગભગ નહિવત્ વ્યવસ્થાઓ હતી.
આ બધી ગંદકી સાબરમતી નદીમાં ઠલવાય એટલે તેનું પાણી પણ પ્રદૂષિત બનતું. આને કારણે અમદાવાદ વ્યાપક ગંદકીનું સામ્રાજ્ય સંઘરતું શહેર હતું.

ઇમેજ સ્રોત, ahmedabadcity.gov.in
રણછોડલાલના હાથમાં પહેલી વાર વહીવટ આવ્યો એટલે એમણે ખૂબ જહેમત લઈને આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે પ્રયાસો આદર્યા. ડ્રેનેજ તેમજ પીવાના પાણી માટેની યોજનાઓ બનાવી.
અત્યંત વિરોધ વચ્ચે પણ મક્કમ રહી પોતાના કામમાં આગળ વધ્યા.
એમના વિરોધીઓના ગેરસમજ ફેલાવવાના પ્રયાસો અને મીડિયામાં આવતી આ બધી બાબતોને કારણે રણછોડલાલ વિરુદ્ધ એક જબરજસ્ત જનઆંદોલન ઊભું થયું.
શુદ્ધ પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાના કાયદા સમજાવવા માટે રણછોડલાલ જાતે ઘણી બધી જાહેર મિટિંગોમાં જતાં.
પોતાની યોજના વિરુદ્ધ જે કંઈ કહેવાય તે અત્યંત ધીરજપૂર્વક સાંભળતા અને હકીકતોનો સહારો લઈને પોતાની વાતમાં રહેલા સાર સમજાવવાનો પ્રયત્ન કરતા.
'લાલે' ન છોડ્યું 'રણ'

ઇમેજ સ્રોત, Paolo KOCH
ટંકશાળ ખાતે આવી એક મિટિંગમાં જેમાં દરેક વર્ગમાંથી મોટી સંખ્યામાં ઉશ્કેરાયેલા લોકો હાજર હતા.
રણછોડલાલે મિટિંગમાં ગયા એટલે લોકોએ હુરિયો બોલાવીને એમનું સ્વાગત કર્યું. આમ છતાં એમણે સ્વસ્થ ચિત્તે પોતાની વાત રજૂ કરી ગેરસમજ નિવારવા માટે પ્રયત્ન કર્યો.
ઉશ્કેરાયેલી ભીડે રણછોડલાલ ગંદકી અને પથ્થરમારો કર્યો. ઘોડેસવાર પોલીસે એમને બચાવીને ઘર સુધી પહોંચતા કર્યાં. સમાજના કથિત ઉપલા વર્ગે પણ તેનો વિરોધ કર્યો.
છતાં રણછોડલાલ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ડ્રેનેજ તેમજ નળથી પાણી આપવાની વ્યવસ્થાનો જડબેસલાક પાયો નખાયો.
દલપતરામને કહીને તેમણે આ નવી સુવિધાના લાભ વિષે કવિતા લખાવી. આ કવિતા દરેક મિટિંગમાં બોલવામાં આવતી.
આ ઉપરાંત તેમણે લંડનથી હેલ્થ મટીરિયલ મંગાવ્યું અને શહેરના જાણીતા ડૉક્ટરોને તેની તરફેણમાં બોલવા કહ્યું.
છેવટે લોકો માન્યા અને શહેરમાં નવી શરૂઆત થઈ. જેની નોંધ લંડનની સેનટરી કૉન્ફરન્સમાં પણ લેવાઈ.
દેશવિદેશમાં ડંકો વાગ્યો

ઇમેજ સ્રોત, Heritage Images
રણછોડલાલના અથાગ પરિશ્રમે અમદાવાદને સ્વચ્છતા બક્ષી જેના ફળ સ્વરૂપ તેની નોધ લંડનની સેનેટરી કૉન્ફરન્સમાં પણ લેવાઈ.
ફ્લોરેન્સ નાઇટેન્ગલ, આધુનિક નર્સિંગ, સ્વછતા અને સફાઈનો પાયો નાખનાર બ્રિટિશ સેવામૂર્તિ હતા. આખી દુનિયા તેમને 'લેડી વિથ લેમ્પ' તરીકે ઓળખે છે.
ફ્લોરેન્સને અમદાવાદ પ્રત્યે ખાસ લગાવ હતો અને તેઓ અમદાવાદની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બાબતે હંમેશાં ચિંતિત રહેતાં. 1891માં લંડનમાં ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ હાઇજિન ઍન્ડ ડેમૉગ્રાફીનું સંમેલન ભરાયું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 9
આ સંમેલનની ચર્ચામાં ફ્લોરેન્સે રણછોડલાલના પેપર 'ધ સેનિટેશન ઑફ ધ સિટી ઑફ અમદાવાદ'ને સ્થાન અપાવ્યું જેને કારણે રણછોડલાલના પ્રયત્નો અને સફળતાને આંતરાષ્ટ્રીયક્ષેત્રે પ્રસિદ્ધિ મળી.
ફ્લોરેન્સે અમદાવાદની વાત કરતાં લખ્યું છે કે, "અમદાવાદે પાણીના સપ્લાય અને ગટર ક્ષેત્રે જોરદાર કામ કર્યું છે. આ બધા પાછળ રણછોડલાલનો પણ ઘણો ફાળો છે. હું એવી આશા રાખું કે અમદાવાદના આ સારા ઉદાહરણને અન્ય શહેરો પણ અનુસરે.
રણછોડલાલ ડગ્યા હોત કે ગભરાયા હોત તો બીજા કેટલાં વરસ અમદાવાદ આ ગંદકીમાં સબડ્યા કર્યું હોત એ કહેવું મુશ્કેલ છે.
લોકપ્રતિનિધિ રણછોડલાલ

ઇમેજ સ્રોત, Forgotten Books
આ મિલમાલિક ઉદ્યોગસાહસિક રણછોડલાલની કારકિર્દી આટલેથી અટકતી નથી. જાહેરજીવનમાં મુંબઈ રાજ્યની પ્રૉવિન્સિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર બન્યા.
લૉર્ડ ડફરીનના સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ ઑફ 1892ની ચર્ચા શરૂ થઈ હતી તે મુજબ જુદી-જુદી પ્રૉવિન્સિયલ કાઉન્સિલમાં અગ્રણી ભારતીયોને નિમવાની પ્રથા અમલમાં આવી.
મોરલી મિન્ટો સુધારા 1909 તરીકે જાણીતી રાજકીય વહીવટને પ્રજાલક્ષી બનાવવાની આ પ્રક્રિયા હતી.
આ પ્રક્રિયાના ભાગરૂપે મુંબઈ સરકારે 1892માં રણછોડલાલને લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય નિમ્યા અને ત્યારબાદ બે વખત નિમણૂકનો સમયગાળો પૂરો થતાં એ મુદત લંબાવી પણ ખરી.
લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે બજેટથી માંડી મહુડા બિલ જેવા કાયદાઓની ચર્ચામાં તર્કબદ્ધ અને મુદ્દાસર રજૂઆતો કરી રણછોડલાલે એક લોકપ્રતિનિધિ તરીકેની પોતાની છાપ સુદ્રઢ બનાવી.
સરકાર સાથે, સરકાર સામે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 10
આમ છતાંય બ્રિટિશ રાજ્ય વ્યવસ્થા અને લોકશાહીના બધા જ સિદ્ધાંતો ભારતને બંધબેસતા ના આવે એવી રણછોડલાલની દૃઢ માન્યતા હતી.
મ્યુનિસિપલ ફાઇનાન્સ જેવા વિષયોમાં એમની સૂઝ તેમજ દીર્ઘદૃષ્ટિની છાપ તેમના વક્તવ્યો થકી ઊભી કરી.
1896માં ભારતમાં ઉત્પાદિત થયેલા સુતરાઉ માલસામાન ઉપર નાખવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યૂટીનો એમણે જોરદાર વિરોધ કર્યો.
1884-85માં નિમાયેલ ઇન્ડિયન ફેકટરી કમિશન દ્વારા સૂચવાયેલ ફેક્ટરિઝ ઍક્ટમાં સુધારાઓનો પણ એમણે વિરોધ કર્યો.
બ્રિટિશ સરકાર દ્વારા અપાયેલ મહત્ત્વ અને માન-અકરામ છતાં પણ પોતાના દેશવાસીઓની આશા-અપેક્ષાઓ પ્રત્યે રણછોડલાલ સહાનુભૂતિ ધરાવતા હતા.
ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની કામગીરીમાં આ કારણથી તેમણે ભાગ લેવા માંડ્યો.

ઇમેજ સ્રોત, Hulton Archive
મુંબઈ ખાતે 1893માં ભરાયેલ કૉંગ્રેસના અધિવેશનમાં રણછોડલાલે ડેલિગેટ તરીકે ભાગ લીધો અને અમદાવાદ ખાતે ભરાયેલ છઠ્ઠા અધિવેશનમાં તેમણે સ્વાગત સમિતિના અધ્યક્ષ થવાનું સ્વીકાર્યું જે દરમિયાનમાં ઘણા બધા ઠરાવો અને સુધારાઓ થયા.
વિદેશ વ્યાપારના ક્ષેત્રે પણ તેઓ મુક્ત વ્યાપારના હિમાયતી રહ્યા.
અમેરિકા, ફ્રાંસ, જર્મની, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટિશ સામ્રાજ્યના બીજા કેટલાક દેશો વિદેશી માલ પોતાના દેશમાં આવે તે સામે ભારે આયાત-ડ્યૂટી નાખી પોતાને ત્યાં ઉત્પાદિત માલને સંરક્ષણ પૂરું પાડતા.
તેવે સમયે ભારતને આ બધા દેશમાંથી જકાતમુક્ત માલસામાનની આયાત કરવા દેવાના તેઓ પ્રખર વિરોધી હતા.
વિધવાવિવાહ તેમજ બાળવિવાહ જેવા કિસ્સાઓમાં હિન્દુ સમાજના પોતાના રીતિરિવાજો તેમજ માન્યતાઓમાં સરકારે માથું ન મારવું જોઈએ તેવો તેમનો સ્પષ્ટ મત હતો.
યશોધર મહેતાના શબ્દોમાં કહીએ તો, 'રણછોડલાલ મિલમાંય જતાં, જતા મ્યુનિસિપાલિટીમાંય જતાં ને પ્રાર્થના સમાજમાંય જતાં. મિલનો ઉદ્યોગ ફાલ્યો અને ફળ્યો. મ્યુનિસિપાલિટીમાં તેમનું નામ ન ભૂલાય તેમ લખાયું. પ્રાર્થના સમાજમાં તે ભાષણો આપતા પણ ઘેર આવીને સનાતનીને શોભે તેમ પંચાયતન દેવોની પૂજા કરતા. અને છેવટે તે ધારાસભામાં પણ ગયા.'
સેવાસંકલ્પ અને પ્રકલ્પ

ઇમેજ સ્રોત, Print Collector
1868થી રણછોડલાલ ગુજરાત વર્નાકયુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ના આજીવન સભ્ય બન્યા અને 1888થી 1898 સુધી તેના પ્રમુખ પણ રહ્યા.
ગુજરાત વિધાનસભાના ભદ્રકાળી માતા સામેના મકાન તેમજ પ્રેમાભાઈ હોલનું બાંધકામ તેમના પ્રમુખપદ દરમિયાન 1898માં થયું.
પોતે ચુસ્ત સનાતની હતા અને પ્રાર્થના સમાજનો મૂર્તિપૂજાનો વિરોધ તેમને જચતો નહીં. આમ છતાં પણ ભોળાનાથ સારાભાઈની સાથે ઇશ્વર પ્રાર્થના સમાજની સ્થાપના કરવામાં તેમનો પૂરો સહયોગ.
ઘરમાં નિત્ય દેવપૂજા-મૂર્તિપૂજા કરતા, પણ એક વખત દેવ અને પૂજાના પાત્રો ચોરાઈ ગયા ત્યાર પછી આવી બાહ્યપૂજા એમણે જીવનના છેલ્લાં 17-18 વર્ષ છોડી દીધી હતી.
આમ છતાંય ભોજન પહેલાં નિત્ય સંધ્યાવંદન અને વૈશ્યદેવનું બ્રાહ્મણોચિત આહ્નીક શરીર ચાલ્યું ત્યાં સુધી કરતા રહ્યા.
દેશભરમાં અનેક તીર્થસ્થાનોની જાત્રાઓ કરી અને તીર્થસ્થાનોએ યાત્રાળુઓ માટે મોટા ઘાટ બંધાવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે અમદાવાદના રેલવે સ્ટેશન વિસ્તારમાં રણછોડલાલ ડિસ્પેન્સરી બંધાવી અને 1881માં તે મ્યુનિસિપાલિટીને સોંપી.
1882માં એમણે હાટકેશ્વર સાઠોદરા વાડીમાં સભામંડપ બંધાવી આપ્યો. ગુજરાત કૉલેજની સ્થાપના માટે ફંડ આપ્યું, આ સિવાય તેના નિભાવ અને છાત્રાલય નિવાસ માટે પણ દાન આપ્યું.
મિલ કામદારોના બાળકોના શિક્ષણ માટે શાહપુરમાં પ્રાથમિક શાળા સ્થાપી બાળકોને ચોપડીઓ તથા ફીની મદદ કરી.
ખાડિયામાં રણછોડલાલ છોટાલાલ કન્યાશાળા પોતાના ખર્ચે સ્થાપી તેમજ તેજસ્વી કન્યાઓને શિષ્યવૃત્તિ પણ આપી.
શાહપુર વિસ્તારમાં અપંગો અને અનાથોને અન્ન, વસ્ત્ર અને રહેઠાણ પૂરા પાડતો અન્નાશ્રમ શરૂ કર્યો. રેલવે સ્ટેશન નજીક ધર્મશાળા અને ગરીબ પ્રવાસીઓ માટે રસોડું ખોલ્યા.
માણેકચોકમાં ફુવારો બાંધી આપ્યો. સ્ત્રીઓ અને બાળકો માટેની વિક્ટોરિયા જ્યુબિલી ફિમેલ ડિસ્પેન્સરીનો મોટા ભાગનો ખર્ચ પોતે ભોગવ્યો. હોમ મેડિકલ રિલીફ ઇન્સ્ટિટ્યૂશન તથા લૉર્ડ હેરિંગ ટ્રાવેલિંગ ડિસ્પેન્સરી, લંડનની ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટને મોટું દાન આપ્યું.
આમ રણછોડલાલ પોતાની પાસે સંચિત ધનનો ઉપયોગ 'બહુજન સુખાય બહુજન હિતાય' કરતા રહ્યા જેની સુવાસ આજે પણ મહેકે છે.
'મારા બાપા કરોડપતિ ન હતા'
'રણછોડલાલ અને બીજાં નાટકો'ના અંતિમ ચરણમાં યશોધરભાઈએ નીચે મુજબ સંવાદ લખ્યો છે -
રણછોડલાલ : ચિનુ!
ચિનુભાઈ : આવ્યો દાદાજી, કેમ?
રણછોડલાલ : લગાર થયું કે તને બોલાવું. વાંચતો હોઈશ.
ચિનુભાઈ : હા, ઈશાવાસ્ય ઉપનિષદ.
રણછોડલાલ : લાગ્યું કે એવું કૈ હશે. એમાં શું છે?
ચિનુભાઈ : દાદાજી, એમાં શું નથી? સાંભળો...
ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ।

ઇમેજ સ્રોત, Universal History Archive
એટલે કે આ સઘળું વિશ્વ પરમાત્માથી ભરેલું છે. જે છે તે તેને અર્પણ કરીને ભોગવ. લોભ છોડ. ખરે! આ દ્રવ્ય કોનું છે?
રણછોડલાલ : કોનું છે?
ચિનુભાઈ : પરમાત્માનું. પરમાત્માની મિલકતના આપણે માત્ર ટ્રસ્ટીઓ છીએ.
રણછોડલાલ : સારી વાત છે; પણ આ બધુ દાનમાં ન આપી દેતો.
ચિનુભાઈ : દાદાજી! ભોગ અને નાશમાંથી બચે તે દાનમાં આપવું, તેના કરતાં દાનમાંથી બચે તે ભોગવવું તે મારું સૂત્ર છે.
રણછોડલાલ : આગળપાછળનો લગાર વિચાર કરજે, ભાઈ!
ચિનુભાઈ : દાદાજી! એ અભિમાન પરમાત્માને જ શોભે. ચાલો, જઈશું?
રણછોડલાલ :હા, વખત થઈ ગયો છે. (અટકીને) તારે જે કરવું હોય તે કરજે, પણ મારી પાછળ બહુ ખરચ ન કરતો; મારા બાપ કરોડપતિ નહોતા.
ચિનુભાઈ : (હસીને) જોઈશ. (રણછોડલાલ અને બીજાં નાટકો, પાન નં. 47 અને 48)
પાંચ 'પ'ની ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
રણછોડલાલ છોટાલાલ એક એવી કોમમાંથી આવ્યા જે કોમ સરકારી નોકરી, દિવાનપદ કે પછી ન્યાયપાલિકાઓને પોતાની વહીવટી કુનેહ, જ્ઞાન તેમજ સૂઝબૂઝને કારણે દીપાવતી.
જૂના જમાનામાં નાગરો માટે પાંચ 'પ' પ્રચલિત હતા. અર્થાત્ નાગરના ઘરમાં પાંચ વસ્તુ અવશ્ય જોવા મળતી - 1.) પાટિયું - હીંચકો, 2.) પાટલો - ભોજન અને પૂજા માટે, 3.) પીતાંબર - રેશમી વસ્ત્ર, 4.) પારણું અને પ.) પાન અર્થાત્ પાનપેટી જેમાં કાથો ચૂનો સૂડી ને સોપારી હોય.
આવી વિદ્યાવ્યાસંગી અને વહીવટકુશળ કોમમાંથી આવનાર રણછોડલાલ સરકારી નોકરીને બદલે ટેકનૉલૉજી આધારિત ઔદ્યોગિક પ્રવૃત્તિ તરફ આકર્ષાયા. શરૂઆતનાં વિઘ્નો એમને પણ નડ્યાં પણ પછી તો મિલઉદ્યોગ એમને ફળ્યો.
અમદાવાદમાં મિલઉદ્યોગની શરૂઆત ચુસ્ત સનાતની ધર્મ પાળનાર એક સાઠોદરા નાગર ભૂદેવે કરી.

આહ અમદાવાદથી વાહ અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images
રણછોડલાલે મક્કમતાથી અમદાવાદ મ્યુનિસિપાલિટીનું સુકાન પણ સંભાળ્યું. જેમની સેવા માટે એમણે ભેખ ધર્યો હતો તેમણે ગાળો પણ દીધી, ગંદવાડ પણ ફેંક્યો અને કાંકરીચાળો પણ કર્યો.
છતાં દૃઢ મનોબળ ધરાવતા રણછોડલાલને પાણીની ટાંકી અને ગટર વ્યવસ્થા સામે ઊભો થયેલ પ્રચંડ જનજુવાળ ના રોકી શક્યો. એમણે આદર્યાં અધૂરાં ન રહેવા દીધાં.
મુંબઈ વિધાનસભામાં સરકાર નિયુક્ત પ્રતિનિધિ અને છતાંય જાણે આવનારા સમયનો અણસાર આવી ગયો હોય તેમ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના માત્ર ડેલિગેટ જ નહીં પણ અમદાવાદના આંગણે ભરાયેલા એના અધિવેશનના સ્વાગત પ્રમુખ પણ બન્યા.
બ્રિટિશ રાજમાંથી મુક્ત થવા ઇચ્છતા પોતાના દેશબાંધવોની લાગણી રણછોડલાલ સુપેરે સમજી શક્યા. એટલું જ નહીં પણ એમની સાથે ઊભા રહ્યા.
અમદાવાદને ભારતના માન્ચેસ્ટરનો ઇલકાબ અપાવનાર મિલઉદ્યોગના પાયો જેમના હાથે નખાયો તે રણછોડલાલ છોટાલાલ, મહાત્મા ગાંધી અને અહમદ શાહના નામ અમદાવાદની સાથે જોડાયેલાં રહેશે.
આ ત્રણેય નામની બાદબાકી કરીએ તો કદાચ અમદાવાદ શૂન્ય બની જાય.
સંદર્ભસૂચિ

ઇમેજ સ્રોત, Getty Images
1. A Memoir of Rao Bahadur Ranchhodlal Chhotalal, C.I.E. by S. M. Edwardes
2. Rao Bahadur Ranchhodlal Chhotalal, C.I.E. by Bhagwanlal R. Badshah
3. પુરુષપ્રધાન અને ઇશ્વરકૃપા, લેખક - મોહનલાલ દલપતરામ કવિ
4. શેઠ માધવલાલ રણછોડલાલનો સ્વર્ગવાસ તથા મોક્ષપદબોધિની, લેખક - ભગવાનલાલ ર. બાદશાહ
5. રાજનગરનાં રત્નો, લેખક - વલ્લભજી સુંદરજી પૂંજાભાઈ
5. સ્મરણમુકુર, લેખક - નરસિંહરાવ ભો. દિવેટિયા
7. ગુજરાતનું પાટનગર : અમદાવાદ, લેખક - રત્નમણિરાવ ભીમરાવ
8. શિવસદનનું સ્નેહકારણ, લેખક - યશોધર ન. મહેતા
9. યશોધર મહેતાએ સર ચીનુભાઈની 1891ની ડાયરીમાંથી ટપકાવી લીધેલ નોંધ-મુદ્દાઓ
10. યશોધર મહેતાએ ઇન્દુમતીબહેન ચૈ. દીવાનજીની લીધેલી ત્રણ મુલાકાતોની નોંધો
11. રણછોડલાલ અને બીજાં નાટકો, લેખક - યશોધર મહેતા
12. અમૃત પ્રવેશે, લેખક - નવલભાઇ શાહ
13. નગરભૂષણ દાનવીર સર ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ, લેખક - અનંતરાય રાવળ
14. 51 જીવન ઝરમર, લેખક - જિતેન્દ્ર પટેલ, પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ
15. ગુજરાતના ઘડવૈયા, સ્વ-વિકાસની પ્રયોગશાળા (13મી સદીથી 19મી સદી સુધી), ગ્રંથ-1, લેખક - ડૉ. મકરંદ મહેતા, પ્રકાશન : અરુણોદય પ્રકાશન, વરસ 2007
15. ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, વિશ્વ ગુજરાતી સમાજ, પ્રકાશન - રંગદ્વાર પ્રકાશન પ્રથમ આવૃત્તિ : 2019 પાનાં નં 107 થી 121
17. The Life of Rao Bahadur Ranchodlal Chotalala (Bombay, 1902) : Badshah Bhagwanlal R
18. "જ્યારે 1891માં ભરાયેલી ઇન્ટરનેશનલ હાઇજિન કૉન્ફરન્સમાં અમદાવાદનો જયકાર થયો !", નવગુજરાત સમય, દૈનિક, પાન નં :2 તા : 22-11-2019.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 12
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













